પેન્ટાગૉનના ભૂતપૂર્વ અધિકારી માઇકલ રુબિનની માગણી
પેન્ટાગૉનના ભૂતપૂર્વ અધિકારી માઇકલ રુબિને પાકિસ્તાનના સેનાપ્રમુખ આસિમ મુનીરની ધરપકડ કરવાની હાકલ કરી
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જૂન મહિનામાં પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીરને આમંત્રણ આપીને તેમનો સત્કાર કર્યો હતો એ મુદ્દે રોષે ભરાયેલા અમેરિકન સંરક્ષણ-વિભાગ પેન્ટાગૉનના ભૂતપૂર્વ અધિકારી માઇકલ રુબિને પાકિસ્તાનના સેનાપ્રમુખ આસિમ મુનીરની ધરપકડ કરવાની હાકલ કરીને કહ્યું હતું કે પાકિસ્તાનને આતંકવાદના સ્પૉન્સર તરીકે જાહેર કરવું જોઈએ. વાઇટ હાઉસમાં આસિમ મુનીરને આતિથ્ય આપીને તેમને સન્માનિત કરવાને બદલે તેમની ધરપકડ કરવી જોઈએ. એક મુલાકાતમાં રુબિને કહ્યું હતું કે અમેરિકામાં પાકિસ્તાનનો પક્ષ લેવાનો કોઈ તર્ક નથી.
જ્યૉર્જ બુશ યુગના સંરક્ષણ-વિભાગના આ અધિકારીએ કહ્યું હતું કે ‘અમેરિકાએ છેલ્લા એક વર્ષમાં ભારત સાથે દુર્વ્યવહાર કરવા બદલ ભારતની માફી માગવી જોઈએ. આપણને પડદા પાછળ શાંત રાજદ્વારી બનવાની જરૂર છે અને કદાચ, કોઈક સમયે, છેલ્લા એક વર્ષમાં ભારત સાથે આપણે જે રીતે વર્તન કર્યું છે એના માટે અમેરિકાએ વધુ સ્પષ્ટ માફી માગવાની જરૂર છે. પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ માફી માગવાનું પસંદ કરતા નથી, પરંતુ અમેરિકા માટે વિશ્વ લોકશાહીનાં હિતો અને એક માણસના અહંકાર કરતાં આ વધુ મહત્ત્વપૂર્ણ છે.’


