અમેરિકામાં મિડ-ટર્મ ઇલેક્શનમાં બ્લુ સુનામી: વર્ષોથી ગઢ ગણાતા રિપબ્લિકનોના કિલ્લા ઢેર, ૩૦ વર્ષથી કબજામાં રહેલી બેઠકો પર ડેમોક્રૅટ્સની જીત: પહેલી વાર મુસ્લિમ સેનેટર ચૂંટાઈ આવ્યો
ડોનલ્ડ ટ્રમ્પ
રાષ્ટ્રપતિ તરીકેના છેલ્લાં બે વર્ષમાં હવે ટ્રમ્પ પાસે મર્યાદિત સત્તા રહેશે, શાસન ચલાવવા માટે તેમને વારંવાર ડેમોક્રૅટ્સનો સહારો લેવો પડશે
અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીમાં ડેમોક્રૅટિક પાર્ટીની ‘ઐતિહાસિક બ્લુ સુનામી’માં રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનો કારમો પરાજય થયો છે. ચૂંટણીપંડિતો આને ‘રેડ વાઇપઆઉટ’ ગણાવી રહ્યા છે. વિજયી ડેમોક્રૅટ્સે આ પરિણામોને ‘બ્લુ સુનામી’ અથવા ‘બ્લુનામી’ તરીકે વર્ણવ્યાં છે. ડેમોક્રેટ્સે ભારે વિજય સાથે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટ પર કબજો જમાવી લીધો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે આ એક મોટો અને વિનાશક ફટકો છે, જે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ (MAGA) યુગના અંતની શરૂઆત હોઈ શકે છે. હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પના સૌથી નજીકના સહયોગીઓને ચેતવણી આપવામાં આવી છે કે હવે વકીલોની મદદ લેવાનો સમય આવી ગયો છે.
ADVERTISEMENT

વિજય પછી સૌપ્રથમ મુસ્લિમ સેનેટર અબ્દુલ અલ-સૈયદ પત્ની સાથે.
પાંખો કપાઈ ગઈ
અમેરિકાની મિડ-ટર્મ ચૂંટણીમાં ફેરફારોની અપેક્ષા પહેલાંથી જ હતી, પરંતુ કોઈને ખબર નહોતી કે આટલો મોટો ઊલટફેર થશે અને ટ્રમ્પને નામોશી જોવાનો વારો આવશે. ડોનલ્ડ ટ્રમ્પે હાર સ્વીકારી છે અને વિજેતાઓને અભિનંદન આપ્યાં છે તથા સાથે મળીને કામ કરવાની ઑફર કરી છે. અમેરિકન કૉન્ગ્રેસના બન્ને ગૃહો ગુમાવવાનો અર્થ એ થશે કે ટ્રમ્પ તેમના કાર્યકાળનાં છેલ્લાં બે વર્ષમાં સત્તાહીન કે મર્યાદિત પ્રભાવ ધરાવતી સ્થિતિમાં આવી જશે.
ચોંકાવનારાં પરિણામ
એક રાજકીય ભૂકંપ સમાન મિડ-ટર્મ ચૂંટણીઓમાં રિપબ્લિકન ગઢ ગણાતા અનેક રાજ્યો ડેમોક્રૅટિક પક્ષના સમર્થનમાં પરિવર્તિત થઈ ગયાં છે. ટેક્સસમાં ડેમોક્રૅટિક પક્ષના નવા ચહેરા જેમ્સ ટૅલરિકોએ ટ્રમ્પનું સમર્થન ધરાવતા રિપબ્લિકન કેન પૅક્સટનને હરાવ્યા, જ્યારે સાઉથ કૅરોલિનાએ ૧૯૯૮ પછી પહેલી વાર ડેમોક્રૅટિક સેનેટરને ચૂંટ્યા છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે કૅન્સસે એક ડેમોક્રૅટને સેનેટમાં મોકલ્યો છે, જે ૧૯૩૨ની મહામંદી પછીની પહેલી ઘટના છે. ટ્રમ્પે ૨૦૨૪માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દસથી વધુ પૉઇન્ટથી જીત મેળવી હતી એવા આયોવા અને ઓહાયોમાં ડેમોક્રૅટ ઉમેદવારોએ સેનેટમાં વિજય મેળવ્યો છે.
સેનેટમાં પહેલો મુસ્લિમ
આ ચૂંટણીમાં જે બેઠક પર સૌની નજર હતી અને જેના પર ટ્રમ્પે સૌથી જાતિવાદી પ્રચાર કર્યો હતો એવા મિશિગનમાં ડાબેરી ડેમોક્રૅટ અબ્દુલ અલ-સૈયદે રિપબ્લિકન પક્ષના માઇક રૉજર્સને પરાજિત કરીને સેનેટમાં ચૂંટાયેલા પ્રથમ મુસ્લિમ બનવાનું પરાક્રમ કર્યું છે.

નેવાડાના લાસ વેગસમાં ગઈ કાલે જીતનો જશન મનાવતા ડેમોક્રૅટિક પાર્ટીના સપોર્ટરો.
પરાજયનાં કારણો
એક્ઝિટ પોલ્સ મુજબ સામાન્ય અમેરિકનો માટે જીવનનિર્વાહનો ખર્ચ ઘટાડવામાં ટ્રમ્પની અક્ષમતા વિશે મતદારોએ કઠોર ચુકાદો આપ્યો હોય એમ જણાય છે. આ પરિણામોના પગલે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વૅન્સની ૨૦૨૮ની રાષ્ટ્રપતિપદની ચૂંટણી લડવાની મહત્ત્વાકાંક્ષાઓ પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરશે. ટ્રમ્પની હાર પર નજર કરીએ તો તેમની સરમુખત્યારશાહી સત્તા હડપ કરવાની જીદ, ઈરાનમાં અપ્રિય યુદ્ધ, જીવનનિર્વાહના અતિશય ખર્ચને ઘટાડવામાં તેમની નિષ્ફળતા, તેમના કાર્યકાળમાં અરાજકતા, તેમના વહીવટમાં કથિત ભ્રષ્ટાચાર અને ઇમિગ્રન્ટ્સની ગુપ્ત એજન્ટો દ્વારા ધરપકડ કરવાના મુદ્દાઓ પર લોકોએ તેમના વિરોધમાં મતદાન કર્યું હતું.
હવે શું?
એવું લાગી રહ્યું છે કે હવે ટ્રમ્પ, તેમના સહયોગીઓ અને તેમના પરિવારે ડેમોક્રૅટ્સના નેતૃત્વમાં ભ્રષ્ટાચારની તપાસનો સામનો કરવો પડશે, અને શક્ય છે કે તેમના પર ત્રીજી વખત મહાભિયોગ પણ ચલાવવામાં આવે.
ચૂંટણીના પરિણામ બાદ ટ્રમ્પ માટે શું બદલાઈ જશે?
2026ની મિડ-ટર્મ ચૂંટણીમાં પરાજયે ડોનલ્ડ ટ્રમ્પના બાકીના બે વર્ષના કાર્યકાળ માટે મોટું રાજકીય સંકટ ઊભું કર્યું છે. આ પરિણામ બાદ ટ્રમ્પના આગામી બે વર્ષના કાર્યકાળમાં ઘણો બદલાવ આવી શકે છે. હવે આ પરિણામ બાદ પણ ટ્રમ્પ પ્રેસિડન્ટપદે બની રહેશે પણ તેમને પોતાના નિર્ણયો અને કાયદાને આગળ વધારવા માટે વિપક્ષના પડકારનો સામનો કરવાનો રહેશે.
અબાધિત સત્તા પર બ્રેક લાગશે
બન્ને સદનમાં બહુમતી ગુમાવ્યા બાદ ટ્રમ્પને નવા કાયદા મંજૂર કરાવવા આસાન નહીં હોય. વિપક્ષના સંસદસભ્યો ટ્રમ્પના પ્રસ્તાવને અટકાવી શકે તેમ છે, એમાં સુધારા કરાવી શકે છે અને બજેટસંબંધી નિર્ણયો બદલવા દબાણ લાવી શકે છે.
ટ્રમ્પ પ્રશાસન જે નિમણૂકો કરે છે એના પર પણ વિપક્ષો અવરોધ ઊભો કરી શકે છે અને ટ્રમ્પના પસંદગીના ઉમેદવારોની નિમણૂકો અટકી શકે છે.
ટ્રમ્પ પ્રશાસનના વિરોધમાં ડેમોક્રૅટિક પાર્ટીની સંસદીય સમિતિઓ ટ્રમ્પ પ્રશાસનના નિર્ણયો અને નીતિઓની તપાસ કરાવી શકે છે અને સરકાર પાસેથી દસ્તાવેજો માગી શકે છે અથવા અધિકારીઓને સુનાવણી માટે બોલાવી શકે છે.
ટ્રમ્પના વિરોધમાં મહાભિયોગની પ્રક્રિયા શરૂ થઈ શકે છે પણ મહાભિયોગ પ્રસ્તાવ લાવવો અને રાષ્ટ્રપતિને પદ પરથી હટાવવા એ બે અલગ બાબતો છે. ટ્રમ્પને દોષી ઠરાવવા માટે બે તૃતીયાંશ બહુમતીની જરૂર પડે છે.
ટ્રમ્પ પાસે છે અધિકારો
કૉન્ગ્રેસમાં બહુમતી ગુમાવ્યા બાદ પણ ડોનલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિપદે કાયમ રહેશે. તેમની પાસે કોઈ પણ બિલ પર વીટો લગાવવાનો અધિકાર છે. તેમની પાસે કાર્યકારી આદેશ કરવાના અધિકાર પણ રહેશે. જોકે કૉન્ગ્રેસ બેતૃતીયાંશ બહુમતી સાથે ટ્રમ્પના વીટોને પણ પલટાવી શકે છે.
મિડ-ટર્મ ચૂંટણીના લેટેસ્ટ આંકડા
અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીમાં હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સની ૪૩૫ અને સેનેટની ૩૫ બેઠકોની મતગણતરી ગઈ કાલે મોડી રાત સુધી ચાલી રહી હતી. આ લખાઈ રહ્યું હતું ત્યારે હાઉસમાં ૪૩૫ બેઠકોમાંથી ૩૬૭નાં પરિણામ આવી ગયાં હતાં અને એમાં ડેમોક્રૅટ્સને ૨૨૮ બેઠકો અને રિપબ્લિકન પાર્ટીને ૧૩૯ બેઠકો પર વિજય મળ્યો છે. હાઉસમાં બહુમતી માટે ૨૧૮ બેઠકો જીતવી જરૂરી છે.
સેનેટમાં 35 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી જે પૈકી ૩૩ બેઠકોનાં પરિણામ આવી ગયાં હતાં. ૧૦૦ બેઠકોવાળી સેનેટમાં હવે ડેમોક્રૅટ્સ પાસે 54 બેઠકો અને રિપબ્લિકન પાર્ટી પાસે ૪૪ બેઠકો છે. સેનેટમાં બહુમતી માટે ૫૧ બેઠકો જીતવી જરૂરી છે.
આ સિવાય ૩૬ રાજ્યોમાં ગવર્નરની ચૂંટણી યોજાઈ હતી જેમાં ૩૪નાં પરિણામ આવી ગયાં છે. 50 રાજ્યો પૈકી હવે ૨૮ રાજ્યોમાં ડેમોક્રૅટ્સના ગવર્નર છે અને ૫૦ રાજ્યોમાં રિપબ્લિકન પાર્ટીના ગવર્નર રહેશે. બે રાજ્યોનાં પરિણામ આવવાનાં બાકી હતાં.
અમેરિકામાં શા માટે મિડ-ટર્મ ઇલેક્શન યોજવામાં આવે છે?
ભારતમાં લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે યોજવામાં આવે છે પણ અમેરિકામાં પ્રેસિડન્ટનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે અને એમાં પણ પ્રેસિડન્ટ તરીકે બે વર્ષ પૂર્ણ થાય એટલે મિડ-ટર્મ ચૂંટણીઓ યોજવામાં આવે છે અને એને પ્રેસિડન્ટના બે વર્ષના કાર્યકાળના રિપોર્ટ-કાર્ડ તરીકે માનવામાં આવે છે. આ ચૂંટણી વાઇટ હાઉસની તાકાતને નક્કી કરે છે કે પ્રેસિડન્ટની તાકાત પર લગામ લાગશે કે તેમને પ્રજા વધારે કામ કરવા માટે લીલી ઝંડી આપશે.
અમેરિકાના બંધારણ મુજબ રાષ્ટ્રપતિનો કાર્યકાળ ૪ વર્ષનો હોય છે પણ સંસદ એટલે કે કૉન્ગ્રેસના બેઉ સદન એટલે કે સેનેટ અને હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સનો કાર્યકાળ અલગ છે. હાઉસ ઑફ રિપ્રૅઝન્ટેટિવ્સમાં ૪૩૫ સભ્યોની ચૂંટણી દર બે વર્ષે થાય છે, એટલે કે પ્રેસિડન્ટની ચૂંટણી સાથે અને પછી બે વર્ષ બાદ. સેનેટમાં ૧૦૦ બેઠકો છે અને એમાં સેનેટરોનો કાર્યકાળ ૬ વર્ષનો હોય છે અને દર બે વર્ષે એક તૃતીયાંશ એટલે કે તેંત્રીસથી ૩૫ બેઠકોની ચૂંટણી થાય છે.
આમ દર બે વર્ષે યોજવામાં આવતી આ ચૂંટણીમાં લોકો પ્રેસિડન્ટની સંસદમાં રહેલી સત્તાને સંતુલનમાં રાખી શકે છે. જો લોકો પ્રેસિડન્ટથી નારાજ હોય તો વિપક્ષને ચૂંટી કાઢીને તેમને સંસદની કમાન સોંપી શકે છે.
મિડ-ટર્મ ચૂંટણીમાં પ્રેસિડન્ટ બહુમતી ગુમાવે તો અમેરિકાના રાજકારણમાં એનાં દૂરગામી અને ગંભીર પરિણામ જોવા મળી શકે છે. આ ચૂંટણીમાં પ્રેસિડન્ટની પાર્ટીને મળેલો પરાજય તેમને પાવર વિનાના પ્રેસિડન્ટ બનાવી દે છે અને તેઓ નીતિગત રીતે પંગુ બની જાય છે.
પરાજય બાદ પ્રેસિડન્ટ પર મહાભિયોગ ચલાવવાનો પણ ખતરો રહે છે. વિપક્ષી દળ પ્રેસિડન્ટ, તેમના પ્રધાનો અને તેમના પરિવારો વિરુદ્ધ નાણાકીય અને રાજનીતિક અનિયમિતતાનો આરોપ લગાવીને તપાસ શરૂ કરાવી શકે છે.
પ્રેસિડન્ટ દ્વારા કરવામાં આવતી જજ, રાજદૂત અને મોટા અધિકારીઓની નિમણૂકને અટકાવી શકે છે અને જો સેનેટની મંજૂરી ન મળે તો સરકારી કામકાજ ઠપ થઈ શકે છે. આ વખતે ટ્રમ્પને મળેલા પરાજયના કારણે તેમની હાર્ડકોર નીતિઓને અમલમાં મૂકવામાં તેમને મુશ્કેલી પડી શકે છે.
