યુરોપમાં કાળ બન્યો કોરોના વાઇરસઃ ઇટલીમાં એક જ દિવસમાં 475નાં મોત
પ્રતીકાત્મક તસવીર
ચીનથી પ્રસરેલા કોરોના વાઇરસે દુનિયાના ૧૫૦થી વધુ દેશોમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું છે. ચીનમાં જન્મેલો વાઇરસ યુરોપ માટે કાળમુખો સાબિત થઈ રહ્યો છે. યુરોપનું ઇટલી કોરોના વાઇરસનું કેન્દ્ર બિંદુ બની ગયું છે. ઇટલીમાં બુધવારના રોજ એક જ દિવસમાં ૪૭૫ લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાના કારણે આ અગાઉ કોઈ પણ દેશમાં આ જ સુધીમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં મોત નીપજ્યાં હોય એવું નથી બન્યું.
યુરોપના અન્ય મોટા દેશ ફ્રાન્સમાં પણ કોરોનાના કારણે એક જ દિવસમાં ૮૯ લોકોનાં મોત નીપજ્યા છે.
ADVERTISEMENT
બીજી તરફ બ્રિટનમાં પણ મોતનો આંકડો ૧૦૦ના આંકડાને પાર કરી ચૂક્યો છે. બીજી તરફ ચીનમાં આ વાઇરસ પર લગભગ કાબૂ મેળવી લેવાયો છે. નૅશનલ હેલ્થ કમિશનના જણાવ્યા અનુસાર ચીનમાં ઘરેલું સ્તર પર કોઈ પણ નવો કેસ પ્રકાશમાં નથી આવ્યો. જાન્યુઆરીમાં કોરોનાની શરૂઆત બાદ પહેલી વખત એવું બન્યું છે કે જ્યારે ચીનમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હોય. જોકે ત્યાં પણ વિદેશથી આવ્યા હોય તેવા લોકોના ૩૪ કેસ પૉઝિટિવ આવ્યા છે. એ પણ છેલ્લાં બે અઠવાડિયાંમાં પૉઝિટિવ કેસનો સૌથી મોટો આંકડો છે.
કોરોના વાઇરસના વધતા જતા પ્રકોપના કારણે ઇઝરાયલે પણ પોતાના ત્યાં વિદેશી નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલય અનુસાર ક્વૉરન્ટીન માટે સંમતિ આપ્યા પછી પણ વિદેશી નાગરિકોને દેશમાં પ્રવેશ આપવાની પરવાનગી આપવામાં નહીં આવે.

