Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > રજનીકુમાર પંડ્યા કલમ-કર્તવ્યી અને શબ્દસેવી સર્જક

રજનીકુમાર પંડ્યા કલમ-કર્તવ્યી અને શબ્દસેવી સર્જક

Published : 17 March, 2025 07:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતી ભાષાના સમર્થ સર્જક થયા પંચમહાભૂતમાં વિલીન

રજનીકુમાર પંડ્યા

રજનીકુમાર પંડ્યા


૨૦૨૫ની ૧૬ માર્ચે, રવિવારે સવારે અમદાવાદની સાબરમતી નદીના કિનારે, જમાલપુર વિસ્તારમાં આવેલા સપ્તર્ષિ સ્મશાનગૃહમાં ગુજરાતી ભાષાના દિગ્ગજ સર્જક, કલમ-નિર્ભરી અને કલમ-કર્તવ્યી, રજનીકુમાર પંડ્યા પંચમહાભૂતમાં ભળી ગયા.


૨૦૨૫ની ૧૫ માર્ચે, શનિવારે રાતે ૦૯.૩૫ વાગ્યે તેમણે અમદાવાદમાં છેલ્લા શ્વાસ લીધા હતા.



૧૯૩૮ની ૬ જુલાઈથી ૨૦૨૫ની ૧૫ માર્ચ સુધીની શબ્દ-સભર અને સભર-શબ્દ સાથેની તેમની ૮૬ વર્ષની જીવન-સફર સાર્થક હતી.


તેઓ એક જીવનમાં ઘણાં જીવન જીવીને ગયા હતા.

એક શબ્દકર્મી તરીકે જુદાં-જુદાં માધ્યમો અને સ્વરૂપોમાં સ્તરીય અને લાંબો સમય યાદ રહે એવું ઘણું કામ કરીને તેઓ વિદાય થયા હતા. સાહિત્ય અને સમાજ વચ્ચે ખાસ્સું છેટું પડી રહ્યું હતું ત્યારે તેમણે બન્નેને જોડી રાખ્યાં હતાં. તેમનો શબ્દ સંવેદનાથી ભરેલો, પ્રેમથી પોષાયેલો, માનવહૃદયની સુગંધથી છલકાતો હતો.


પત્રકારત્વને તેમણે સાહિત્યનો એવો સ્પર્શ કરાવ્યો હતો કે ભલભલા સાહિત્યકારો પણ જોતા રહી ગયેલા. તેમના શબ્દએ વાચકોને ન્યાલ કરેલા તો વિવેચકો અને સ્થાપિત હિત બની બેઠેલા સાહિત્યકારોને અવાચક્ કરેલા.

તેમની સર્જક તરીકેની સફળતા એકલી કે નકરી નહોતી જ, એમાં સાર્થકતા પણ હતી.

તેઓ એક સજ્જ-પ્રતિભાસંપન્ન, ઉત્તમ સર્જક, શબ્દકસબી અને શબ્દમર્મી હોવાની સાથે-સાથે નિસબતી સર્જક પણ હતા.

સાહિત્ય-પદાર્થને ચમકાવવાની લાયમાં જ્યારે સાહિત્યકારો નિસબતને ઉપાડીને દરિયામાં ફેંકી રહ્યા હતા ત્યારે રજનીકુમાર પંડ્યા કલમમાં શાહીની સાથે નિસબત ભરી-ભરીને લખી રહ્યા હતા અને આખું ગુજરાત એને હોંશે-હોંશે વાંચતું હતું. કેટલાક ‘ઝબકાર’ માત્ર ઝબકાર નથી હોતા, એ અજવાળું બની જતા હોય છે.

તેમની ચિત્રાત્મક શૈલી આબેહૂબ વાતાવરણ સર્જી શકતી. મનુભાઈ પંચોળી ‘દર્શક’ તો તેમને ઓળખતા નહોતા ત્યારે પત્રો લખીને આનંદ વ્યક્ત કરતા.

તેઓ શબ્દશિલ્પી હતા. તેમની વિશિષ્ટ શૈલી હતી. શબ્દ તેમને માત્ર કલમવગો નહોતો, હૃદયવગો પણ હતો. એમાંય વ્યક્તિચિત્ર સર્જવામાં તો તેમણે નીવડેલા ચિત્રકાર સિવાય ભાગ્યે જ કોઈ આંટી શકે. ચરિત્રનિબંધોના લેખક તરીકે તેમનું પ્રદાન લાંબો સમય યાદ રહેવાનું જ.

તેમણે ગુજરાતી ભાષા સાહિત્યને પોતાના શબ્દોકર્મ દ્વારા સમૃદ્ધ કર્યું હતું. વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્ર-નિબંધોના લેખક તરીકે તેમનું યોગદાન માતબર અને નોંધપાત્ર હતું. આ ત્રણેય સ્વરૂપોમાં તેમણે એકસરખી ગુણવત્તા સાથે લાંબો સમય કામ કર્યું હતું. તેઓ પત્રકાર અને કટારલેખક પણ હતા.

તેમનું પ્રાથમિક શિક્ષણ બિલખા, ચરખા, ગોપાલગ્રામ ઢસા અને જેતપુરમાં થયું હતું. તેમનાં માતા શિક્ષિત હતાં એટલે વાંચન-લેખનનો તેમને શોખ બાળપણથી જ હતો. તેમણે બી.કૉમ અને બી.એ. એમ બે વિષયમાં ગ્રૅજ્યુએશન કર્યું હતું. તેમણે સરકારી ઑડિટર અને પછી વિજયા બૅન્કમાં મૅનેજર તરીકે પણ કામ કર્યું હતું. પૂર્ણ સમય લેખન કરવા માટે તેમણે કાયમી, આકર્ષક અને સારા પગારવાળી બૅન્ક-મૅનેજર તરીકેની નોકરી છોડી દીધી હતી.

તેમણે જે નવલકથાઓ લખી હતી એમાં ચિત્રલેખામાં પ્રસિદ્ધ થયેલી નવલકથા કુંતી (ભાગ ૧-૨) ખૂબ જ જાણીતી બની હતી. એ પછી તો આ નવલકથા પરથી ટીવીસિરિયલ પણ બની હતી. તેમની બીજી ખૂબ જાણીતી નવલકથા પુષ્પદાહ અમેરિકામાં જઈને સત્યઘટના પર તેમણે લખી હતી. તેમની અવતાર નવલકથા પણ જાણીતી હતી. રજનીકુમાર પંડ્યા કોઈ પણ વર્ણન એટલું બખૂબી કરતા કે વાચકને નજર સામે એ દૃશ્યો તાદૃશ્ય થતાં. વ્યક્તિચરિત્ર લખવામાં તેઓ પારંગત હતા. તેમણે ધર્મજ-નડિયાદના ઉદ્યોગપતિ ઇન્દુભાઈ પટેલ ઇપ્કોવાળાનું તથા આફ્રિકાના ઉદ્યોગપતિ હંસરાજ કાલરિયાનું જીવનચરિત્ર લખ્યું હતું. આવાં તો તેમણે ઘણાં નોંધપાત્ર જીવનચરિત્રો લખ્યાં હતાં. તેમણે દેશભક્ત રાજવી શાયર રુસ્વા મજનુમીના જીવનનાં વિવિધ પાસાંઓનું સંશોધન કરીને પણ ‘મારો પણ એક જમાનો હતો’ એ પુસ્તક લખ્યું હતું, એક જમાનાનાં કોકિલકંઠી જુથિકા રૉયની સ્મૃતિકથાનું તેમણે સંપાદન કર્યું હતું તો ઉપેન્દ્ર ત્રિવેદીનું આત્મકથન પણ તેમણે જ સંપાદિત કર્યું હતું

‘ખલેલ’ અને ‘ચંદ્રદાહ’ વાર્તાસંગ્રહો ખૂબ જાણીતા બન્યા હતા. તેમણે ‘ઝબકાર’ નામની કૉલમ મિત્ર મોહમ્મદ માંકડના આગ્રહથી લખી જે ખૂબ જ ચાહના પામી હતી. સત્યઘટનાત્મક બાબતોને તેઓ વાર્તા કહેવાની પોતાની શૈલીથી સુંદર રીતે રજૂ કરતા હતા. તેઓ હાસ્યલેખન પણ ઉત્તમ રીતે કરતા.

રજનીકુમાર પંડ્યાનું પ્રદાન સમાજલક્ષી રચનાત્મક કામ કરતી સંસ્થાઓ અને વ્યક્તિઓનાં રચનાત્મક કાર્યોના લેખનનું પણ હતું. ઘણી સંસ્થાઓને તેમણે મોટી રકમનાં દાન અપાવ્યાં હતાં. આ તેમનું નિસબત સાથેનું મોટું યોગદાન હતું એમ આપણે કહી શકીએ. તેઓ ફિલ્મલેખનમાં પણ માહેર હતા. મોટા ભાગે ફિલ્મલેખનને ગંભીરતાથી નથી લેવાતું. તેમણે ફિલ્મલેખન પણ ગહનતા, ગંભીરતાથી અને રસપ્રદ રીતે કેમ લખી શકાય એનાં ઘણાં ઉદાહરણો રજૂ કર્યાં હતાં. જૂની હિન્દી ફિલ્મોના તેઓ શોખીન-ચાહક અને અભ્યાસી હતા. એ ક્ષેત્રમાં પણ તેમણે ઘણું કામ કર્યું હતું. તેઓ ઉત્તમ સંશોધક પણ હતા. વીસમી સદી, પ્રકૃતિ, શાંકુતલ વગેરે સામયિક-કૃતિઓ તથા બીજાં અન્ય સામયિકો તથા વિશેષ ગ્રંથોનું તેમણે ડિજિટલાઇઝેશન કર્યું હતું. બીજા પણ મહત્ત્વના પ્રોજેક્ટ તેમના હાથ નીચે થયા હતા.

તેમને ગ્રામીણ પત્રકારત્વ માટે ગુજરાત સરકારનો અને સ્ટેટ્સમૅન અવૉર્ડ પણ મળ્યો હતો. ચિત્રલેખાના ગુજરાત બ્યુરો તરીકે પણ તેમણે કામ કર્યું હતું

તેઓ ઉત્તમ સર્જક હતા. ગુજરાત સાહિત્ય ઍકૅડેમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ બન્ને દ્વારા તેમનાં પુસ્તકો પોંખાયાં હતાં. ૨૦૦૩માં તેમને કુમાર ચંદ્રક પર મળ્યો હતો આમ છતાં આપણે એમ કહી શકીએ કે તેઓ રણજિતરામ સુવર્ણચંદ્રકથી વંચિત રહ્યા હતા, કારણ કે તેઓ સાહિત્યકારોની વિશેષ રીતે કાર્ય કરતી બિરાદરીમાં પડી શક્યા નહોતા. છેવાડાના જણ તરફ ધ્યાન આપવામાં સાહિત્યકારોના વાડા તરફ તેમનું ધ્યાન ગયું નહોતું.

નવલકથા, વાર્તાસંગ્રહો અને વ્યક્તિ-ચરિત્રોમાં તેમણે ઘણી ઉત્તમ કૃતિઓ આપી હતી. હિન્દી, મરાઠી, તમિલ, જર્મન ભાષામાં તેમની વાર્તાઓનાં અનુવાદ થયાં હતાં.

તેઓ ટેક્નૉલૉજી ફ્રેન્ડ્લી હતા અને જૈફ વયે પણ કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હતા તથા સોશ્યલ મીડિયામાં પણ ખૂબ સક્રિય રહેતા હતા. તેમનાં જીવનસાથી તરુલતાબહેને પહેલાં વિદાય લીધી હતી. તેઓ પોતાની પાછળ સેંકડો ચાહકો અને દીકરી તર્જની તથા તેના પરિવારને છોડી ગયા છે.

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2025 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK