શનિવારે શરદપૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાં આરતી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે
ડાકોરમાં બિરાજમાન ભગવાન શ્રી રણછોડરાયજી
શનિવારે શરદપૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાં આરતી દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે જેમાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ચંદ્રગ્રહણના કારણે એક દિવસ પહેલાં એટલે કે આજે ભગવાન શ્રી રણછોડરાયજીના મંદિરમાં શરદોત્સવની ઉજવણી થશે. પૂનમે રાસનું મહત્ત્વ હોઈ ડાકોરના ઠાકોરને રાસબિહારી સ્વરૂપ શણગાર ધારણ કરાવાશે, જે વર્ષમાં એક જ વાર થાય છે.
ડાકોરના સેવક આગેવાન હરેન્દ્ર સેવકે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શરદપૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી એક દિવસ પહેલાં મંદિરમાં શરદોત્સવ રાસોત્સવ ઊજવાશે. ગ્રહ નક્ષત્ર પ્રમાણે મંદિરમાં સેવાપૂજા થતી હોય છે. આજે શરદોત્સવની ઉજવણીને લઈને વર્ષમાં ત્રણ વાર પ્રભુને લાખેણો મુગટ ધારણ કરાવાય છે એ મુગટ આજે ધારણ કરાવાશે. શરદોત્સવનું પર્વ હોવાથી પ્રભુ રાસ રમે એવા ભાવથી આ વિશેષ દિવસે પ્રભુને રાસબિહારી સ્વરૂપે શણગારાશે. ચાંદીના આભૂષણોથી શૃંગાર કરાશે. આ સ્વરૂપનાં દર્શન વર્ષમાં એક વાર થાય છે.’

