વડોદરાનાં કેટલાંક ગરબા-ગ્રાઉન્ડમાં ભરાયાં વરસાદી પાણી : ભરૂચ જિલ્લાના વાગરામાં ચાર ઇંચ અને ઝઘડિયામાં એક ઇંચથી વધુ, સુરતમાં બે ઇંચ અને વડોદરામાં એક ઇંચ વરસાદ પડ્યો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી નથી એની પ્રતીતિ ગઈ કાલે પડેલા વરસાદે કરાવી હતી. સોમવારથી નવરાત્રિ પર્વની શરૂઆત થઈ રહી છે ત્યારે સુરત અને વડોદરા સહિતનાં નગરોમાં વરસાદ પડતાં અને વડોદરાનાં કેટલાંક ગરબા-ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતાં ખેલૈયાઓ અને નવરાત્રિ-આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૫૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો જેમાં ભરૂચ જિલ્લાના વાગરામાં ચાર ઇંચ અને ઝઘડિયામાં એક ઇંચથી વધુ, સુરતમાં બે ઇંચ અને વડોદરામાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. વડોદરામાં કારેલીબાગ, નવલખી ગરબા-ગ્રાઉન્ડ, અંબાલાલ પાર્ક ગરબા-ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. નવરાત્રિને આડે ગણતરીના દિવસો બાકી હોવાથી ગરબા-ગ્રાઉન્ડ પર ડેકોરેશનની તૈયારીઓ ચાલી રહી હતી એવામાં વરસાદ પડતાં તેમ જ હજી પણ વરસાદ પડવાની આગાહી હોવાથી નવરાત્રિમાં વરસાદ રંગમાં ભંગ તો નહીં પાડેને એવી ચિંતા ઊભી થઈ છે.


