ડાંગ જિલ્લા પંચાયતની સુબીર બેઠક પરથી સાસુ જયનુ બાગુલે કૉન્ગ્રેસમાંથી તો વહુ પ્રિયંકા કુંવરે BJPમાંથી ભર્યું ફૉર્મ : જો ફૉર્મ રદ ન થાય કે પાછું ન ખેંચાય તો ડાંગ જિલ્લામાં જોવા મળશે સાસુ-વહુ વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી-જંગ
સાસુ જયનુ બાગુલે કૉન્ગ્રેસમાંથી ઉમેદવારી-ફૉર્મ ભર્યું હતું. વહુ પ્રિયંકા કુંવરે BJPમાંથી ઉમેદવારી-ફૉર્મ ભર્યું હતું.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે ત્યારે ડાંગ જિલ્લા પંચાયતની સુબીર બેઠક પરથી ગઈ કાલે સાસુ અને વહુએ એકબીજાની સામે ઉમેદવારી-ફૉર્મ ભરતાં આ બેઠક પર રસપ્રદ ચૂંટણી-જંગનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. સાસુ જયનુ બાગુલે કૉન્ગ્રેસમાંથી અને વહુ પ્રિયંકા કુંવરે BJPમાંથી ફૉર્મ ભર્યું હતું.
સુબીર બેઠક પરથી સાસુ-વહુએ અલગ-અલગ રાજકીય પક્ષમાંથી ફૉર્મ ભરતાં અચરજ સર્જાયું હતું અને આ ઉમેદવાર કોણ છે એ જાણવા માટે ઉત્કંઠા જાગી હતી. જયનુ બાગુલ કે તેમના દીકરાની વહુ પ્રિયંકા કુંવરનું જો ફૉર્મ રદ ન થાય કે ફૉર્મ પાછું ન ખેંચાય તો ડાંગ જિલ્લાની સુબીર બેઠક પર સાસુ અને વહુ વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી-જંગ જોવા મળશે.
ADVERTISEMENT
જયનુ બાગુલ પાંડરપાડા ગામે રહે છે અને આ ગામનાં તેઓ સરપંચ રહી ચૂક્યાં છે. જયનુ બાગુલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મેં કૉન્ગ્રેસમાંથી સુબીર બેઠક પરથી ઉમેદવારી કરી છે. આ બેઠક પરથી મારી સામે મારી વહુ પણ ચૂંટણી લડવાની છે એટલે આ ચૂંટણી-જંગમાં મારી લડાઈ મારી વહુ સાથે થવાની છે. આ ચૂંટણી-જંગમાં મારી જીત થશે.’
જયનુ બાગુલના દીકરાની વહુ અને BJPનાં ઉમેદવાર પ્રિયંકા કુંવરે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘સુબીર બેઠક પરથી મેં ફૉર્મ ભર્યું છે. મારી સામે કૉન્ગ્રેસમાંથી મારાં સાસુએ ઉમેદવારી-ફૉર્મ ભર્યું છે, પરંતુ તેમની સામે હું જીતીશ એવી મને આશા છે.’
અમદાવાદ સહિત ૪ શહેરનાં ભૂતપૂર્વ મહિલા મેયરોને BJPએ રિપીટ ન કર્યાં
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી કરવાનો ગઈ કાલે છેલ્લો દિવસ હતો. જોકે ગુજરાતમાં અમદાવાદ સહિત ૪ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં આ ૪ શહેરોનાં ભૂતપૂર્વ મહિલા મેયરોને BJPએ રિપીટ કર્યાં નથી. અમદાવાદનાં ભૂતપૂર્વ મેયર પ્રતિભા જૈન, રાજકોટનાં ભૂતપૂર્વ મેયર નયના પઢેડિયા, વડોદરાનાં ભૂતપૂર્વ મેયર પિન્કી સોની અને સુરતનાં ભૂતપૂર્વ મેયર હેમાલી બોઘાલાવાને આ વખતે BJPમાંથી ટિકિટ મળી નથી.
નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની વાતચીતનો વિડિયો વાઇરલ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ જ્યોતિબા ફુલેની ૨૦૦મી જન્મજયંતી નિમિત્તે સંસદભવનના પ્રેરણાસ્થળ ખાતે શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા. કાર્યક્રમના સ્થળે પહોંચ્યા પછી નરેન્દ્ર મોદી કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે નિખાલસ વાતચીત કરતા હોય એવો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. વિડિયોમાં દેખાય છે કે બેઉ નેતાઓ શાંતિથી વાત કરી રહ્યા છે.
