ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદી માહોલ, પોરબંદર તેમ જ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો, ઉત્તર ગુજરાતના દાંતીવાડામાં ચાર ઇંચ, ડીસામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો, રાતે આઠ વાગ્યા સુધી ૧૪૯ તાલુકાઓમાં પડ્યો વરસાદ
અમદાવાદમાં એક કલાકમાં પડેલા એક ઇંચથી વધુ વરસાદમાં શહેરના કુબેરનગર બજારમાં પાણી ભરાઈ ગયાં હતાં
ગુજરાતમાં ગઈ કાલે વરસાદનું જોર રહેવા પામ્યું હતું. જામનગરમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત પોરબંદર તેમ જ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જયારે ઉત્તર ગુજરાતના દાંતીવાડામાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં ગઈ કાલે રાતે આઠ વાગ્યા સુધીમાં ૧૪૯ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. એમાં ૪૭ તાલુકાઓમા એક ઇંચથી લઈને ચાર ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. બીજી તરફ સાંજે સાતથી આઠ વાગ્યાના એક કલાકમાં ધોધમાર વરસાદમાં અમદાવાદ લથબથ થયું હતું. અમદાવાદમાં સરેરાશ એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જોકે શહેરના ઓઢવ, વિરાટનગર, નિકોલ, સરખેજ સહિતના વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને જનજીવન પ્રભાવિત થયું હતું.
ADVERTISEMENT
ગઈ કાલે ઉત્તર ગુજરાતના ડીસામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. મહેસાણા, જોટાણા, વિજયનગરમાં બે ઇંચથી વધુ; જ્યારે ડીસા, વિસનગર, સિદ્ધપુર અને વિજાપુરમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ધાનેરા–સાંચોર તેમ જ પાટણ–ચાણસ્મા હાઇવે પર પાણી ફરી વળ્યાં હતાં. સાબરકાંઠાના તલોદ તાલુકામાંથી પસાર થતી મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ હતી જેને પગલે નીચાણવાળાં ગામોને અલર્ટ કરાયાં હતાં.
પોરબંદર જિલ્લાના રણાવાવમાં સાડાત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે રાજકોટ જિલ્લાના કોટડાસાંઘાણી, લોધિકા, ગોંડલ તાલુકામાં, બોટાદ જિલ્લાના બરવાળા, ગઢડા તેમ જ બોટાદમાં; જ્યારે વલસાડ જિલ્લાના ધરમપુરમાં બે ઇંચ વરસાદ પડ્યો હતો.

