વન-ડે ક્રિકેટમૅચ દરમ્યાન પહેલી વાર ક્રિકેટ બોર્ડ દ્વારા અંગદાન માટે જાગૃતિ-અભિયાન યોજાયું હતું
અંગદાનની અવેરનેસ માટે યોજાયેલા કાર્યક્રમમાં ICCના ચૅરમૅન જય શાહ, ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્મા, ઇંગ્લૅન્ડની ટીમના કૅપ્ટન જોસ બટલર, ક્રિકેટ બોર્ડના સેક્રેટરી દેવજિત સાઇકિયા અને વાઇસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈ કાલે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ડે-નાઇટ વન-ડે ક્રિકેટમૅચ દરમ્યાન પહેલી વાર ક્રિકેટ બોર્ડ દ્વારા અંગદાન માટે જાગૃતિ-અભિયાન યોજાયું હતું, જેમાં ભારતીય ટીમની ઇંનિગ્સ પૂરી થઈ ત્યાં સુધીમાં ૨૦,૦૦૦ લોકોએ અંગદાન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
ADVERTISEMENT
બન્ને ટીમના ક્રિકેટરો અંગદાનના સપોર્ટમાં હાથ પર ગ્રીન આર્મબૅન્ડ બાંધીને રમતના મેદાનમાં ઊતર્યા હતા. ભારતની બૅટિંગ પૂરી થયા બાદ બ્રેક દરમ્યાન ઇન્ટરનૅશલન ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ચૅરમૅન જય શાહ, ક્રિકેટ બોર્ડના વાઇસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લા, સેક્રેટરી દેવજીત સાઇકિયા, ભારતીય ટીમના કૅપ્ટન રોહિત શર્મા, ઇંગ્લૅન્ડની ટીમના કૅપ્ટન જોસ બટલર તેમ જ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંગદાન માટે જાગૃતિ ફેલાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો. મેદાન પરની બે વિશાળ સ્ક્રીન પર ક્રિકેટરોના મેસેજ દર્શાવ્યા હતા તેમ જ ગ્રાઉન્ડમાં હૃદય, કિડની, આંખ સહિતનાં અંગોના મૅસ્કૉટ ફર્યા અને અંગદાન માટે મેસેજ આપ્યો હતો.
અંગદાનની કેવી પ્રતિજ્ઞા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકોએ સ્વૈચ્છિક રીતે અંગદાન માટે રજિસ્ટ્રેશન કરાવીને પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞામાં જણાવ્યું હતું કે ‘આથી હું પ્રતિજ્ઞા લઉં છું કે જો હું આકસ્મિક રીતે બ્રેઇન-ડેડ જાહેર થઉં તો અન્યને જીવતદાન આપવા માટે મારાં અંગોનું દાન કરવા મારી સંમતિ આપું છું. મારા સંકલ્પને પૂર્ણ કરવા માટે મારા પરિવારજનો પણ સહયોગ આપશે. આ સિવાય મારી આસપાસ કોઈ વ્યક્તિ બ્રેઇન-ડેડ જાહેર થશે તો તેમનું અંગદાન કરવા માટે બ્રેઇન-ડેડ વ્યક્તિના પરિવારજનોને સમજાવવાનો પ્રયત્ન કરીશ.’

