Gujarat: સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, આટલા આપવા પડશે
નિતિન પટેલ
ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં કોરોનાની રસી વિના મૂલ્યે આપવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં પ્રતિ રસીના 250 રૂપિયા ચૂકવવાના રહેશે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે શનિવારે જણાવ્યું હતું કે ગુજરાતનમાં કોરોના વેક્સિનના ત્રીજા તબક્કાની શરૂઆત એક માર્ચથી શરૂ થશે. ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલમાં વેક્સિન વિના મૂલ્યે આપવામાં આવશે. આ માટે પહેલા નોંધણી કરવાની રહેશે. આ તબક્કામાં 60 વર્ષથી વધારે ઉંમરની મહિલા, પુરૂષ તથા ગંભીર બીમારીથી પીડિત 45થી 59 વર્ષના મહિલા અથવા પુરૂષને વેક્સિન આપવામાં આવશે. નિતિન પટેલે જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોરોના રસીનો દર 150 રૂપિયા નક્કી કરવામાં આવી છે અને 100 રૂપિયા સંચાલન ખર્ચ માટે લેવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં કોરોના રસી 250 રૂપિયામાં લગાવી શકશો.
ADVERTISEMENT
આની પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં બોલાવવામાં આવેલી કોર કમિટીની બેઠકમાં અમદાવાદ સહિત ચાર મહાનગરપાલિકામાં રાત્રિ કર્ફ્યૂ આગામી 15 માર્ચ સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાની વેક્સિનના ત્રીજા તબક્કાની તૈયારીઓની સમીક્ષા કરી અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા બહાર પાડી છે. મુખ્યમંત્રીએ વેક્સિન આપવા બાદ એના પર થતી અસર અથવા વિપરીત અસર પર નજર રાખવા પર જોર આપ્યું છે. મીટિંગમાં બીજા તબક્કામાં કોરોના વૉરિયર્સને બીજી ડોઝ આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે પ્રથમ તબક્કામાં 4.82 લાખ હેલ્થ વર્ક્સમાંથી 84 ટકાને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે 5.41 લાખ ફ્રન્ટલાઈન વર્ક્સમાંથી 77 ટકાને વેક્સિન આપવામાં આવી છે. આ સિવાય 1.64 લાખ હેલ્થ કેર વર્ક્સને કોરોનાનો બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે. સ્વાસ્થય વિભાગના મુખ્ય સચિવ ડૉ જયંતી રવિએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા પૂણેની 15.70 લાખ અને ભારત બાયોટેકની 4.86 લાખ વેક્સિન ડોઝ મળી ચૂકી છે.

