અમદાવાદમાં સરદાર પટેલને વંદન કરીને સરદાર સ્મારકની મુલાકાત લીધી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગેએ અને સરદાર પટેલની જીવનયાત્રા જોઈઃ સરદાર પટેલના આદર્શ અને સિદ્ધાંતોના માર્ગ પર સંકલ્પબદ્ધ થવા પ્રસ્તાવ પસાર થયો
કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ સરદાર સ્મારક આગળ તસવીર પડાવી.
અમદાવાદમાં ગઈ કાલથી શરૂ થયેલા કૉન્ગ્રેસના અધિવેશનમાં પ્રથમ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલના સરદાર સ્મારક કૅમ્પસમાં યોજાયેલી કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સરદાર વલ્લભભાઈ પટેલ કેન્દ્રસ્થાને રહ્યા હતા અને આખો માહોલ સરદારમય થયો હતો. આ બેઠકમાં સરદાર પટેલના આદર્શ અને સિદ્ધાંતોના માર્ગ પર સંકલ્પબદ્ધ થવાનો પ્રસ્તાવ પસાર થયો હતો.
સરદાર પટેલની પ્રતિમાને વંદન કરતા મલ્લિકાર્જુન ખડગે.
ADVERTISEMENT
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલનું અજોડ અને અનન્ય સ્મારક આવેલું છે. સરદાર પટેલના જીવનને જાણવા માટે અને તેમના જીવનમાં શું થયું એની આખી કહાની રજૂ કરતાં આ સરદાર સ્મારક કૅમ્પસમાં કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ થાય એ પહેલાં કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કૉન્ગ્રેસનાં આગેવાન સોનિયા ગાંધી, લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના કૉન્ગ્રેસના આગેવાનોએ સરદાર સ્મારકની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ બેઠક શરૂ થઈ હતી.

સરદાર પટેલની પ્રતિમાને વંદન કરતાં સોનિયા ગાંધી.
કૉન્ગ્રેસના આગેવાનોએ સરદાર પટેલની પ્રતિમાને વંદન કરીને સરદાર સ્મારકની મુલાકાત લીધી હતી જ્યાં સરદાર પટેલની જીવનયાત્રા જોઈ હતી. સરદાર સ્મારકની મુલાકાત બાદ કૉન્ગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઈ હતી. કૉન્ગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં કૉન્ગ્રેસે આગામી રણનીતિ સાથે-સાથે મિશન ગુજરાત ૨૦૨૭ની કવાયતની પણ ચર્ચા હાથ ધરાઈ હતી. હવે જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે કૉન્ગ્રેસને ગુજરાત જીતવું છે અને ગુજરાત કૉન્ગ્રેસ એકલું નહીં હોય, આખી ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટી અહીં આવીને ગુજરાત કૉન્ગ્રેસને વધુ મજબૂત બનાવશે એવો અવાજ રજૂ થયો હતો.

સરદાર પટેલની પ્રતિમાને વંદન કરતા રાહુલ ગાંધી.
અમદાવાદમાં આકરી ગરમીને કારણે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ ઢળી પડ્યા

અમદાવાદમાં બેદિવસીય કૉન્ગ્રેસ અધિવેશન યોજાઈ રહ્યું છે જેમાં ભાગ લેવા માટે કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમ પણ અમદાવાદ પહોંચ્યા હતા. આ દરમ્યાન મંગળવારે સાબરમતી આશ્રમ ખાતે તેમની તબિયત લથડી હતી. ત્યાર બાદ તેમને તાત્કાલિક અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. અમદાવાદની આકરી ગરમીને કારણે તેમને ડીહાઇડ્રેશન થવાથી તેમની તબિયત બગડી હોવાનું મનાય છે. હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેમને શારીરિક નબળાઈ અને ગરમીને કારણે ચક્કર આવ્યાં હતાં.


