Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટઃ ઇન્ડિયન મુજાહિદ્દીનના સભ્યની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટઃ ઇન્ડિયન મુજાહિદ્દીનના સભ્યની ફાંસી પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

Published : 01 October, 2026 05:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. સાથે જ નીચલી અદાલત પાસેથી કેસનો રેકૉર્ડ મગાવ્યો છે.

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


સુપ્રીમ કોર્ટે ગુરુવારે 2008ના અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના એક સભ્યને સંભળાવવામાં આવેલી ફાંસીની સજા પર હાલ પૂરતો સ્ટે મૂક્યો છે. આ બૉમ્બ બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત થયાં હતાં. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ એ. જી. મસીહ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે અહમદ બાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવીની અરજી પર ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. બાવાએ ગુજરાત હાઇકોર્ટના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે, જેમાં નીચલી અદાલતે તેને સંભળાવેલી ફાંસીની સજા યથાવત્ રાખવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે આ કેસમાં નીચલી અદાલત પાસેથી રેકૉર્ડ પણ મગાવ્યો છે.

હાઇકોર્ટે 38 દોષિતોની ફાંસીની સજા યથાવત્ રાખી હતી



ગુજરાત હાઇકોર્ટે 7 જુલાઈએ 2008ના અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં ઇન્ડિયન મુજાહિદ્દીનના 38 સભ્યોને સંભળાવવામાં આવેલી ફાંસીની સજા યથાવત્ રાખી હતી. મોટી સંખ્યામાં લોકોનાં મોત, હુમલાનું કાવતરું ઘડવા અને આતંક ફેલાવવાના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિશેષ અદાલતે તેમને ફાંસીની સજા સંભળાવી હતી. હાઇકોર્ટે અન્ય 11 દોષિતોને સંભળાવવામાં આવેલી આજીવન કેદની સજા પણ યથાવત્ રાખી હતી. અદાલતે જણાવ્યું હતું કે ગુજરાત અને કેરળમાં યોજાયેલા આતંકવાદી તાલીમ શિબિરોમાં દોષિતોની ભૂમિકા તથા કાવતરાને અંજામ આપવા માટે તેમણે જરૂરી સાધનસામગ્રી અને અન્ય સહાય પૂરી પાડી હોવાનું ફરિયાદ પક્ષે પુરવાર કર્યું છે.


જુલાઈ 2008ના બૉમ્બ બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત થયાં હતાં

26 જુલાઈ, 2008ના રોજ અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં લગભગ 70 મિનિટની અંદર 21 સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં 56 લોકોનાં મોત થયાં હતાં અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા એ હૉસ્પિટલોમાં પણ બૉમ્બ બ્લાસ્ટ થયા હતા. ભારતમાં કોઈ આતંકવાદી હુમલા દરમિયાન તબીબી કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યાં હોય એવી આ શરૂઆતની ઘટનાઓ પૈકીની એક હતી.


ગુજરાત હાઇકોર્ટે દોષિતોની તમામ અપીલો ફગાવીને વિશેષ અદાલતે ફેબ્રુઆરી 2022માં આપેલો ચુકાદો યથાવત્ રાખ્યો હતો. વિશેષ અદાલતે ઇન્ડિયન મુજાહિદ્દીનના 38 સભ્યોને ફાંસીની સજા અને અન્ય 11 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. રાજ્ય સરકારે પણ દોષિતોને ફાંસીની સજા આપવાની માગણી કરી હતી. હાઇકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે કેટલાક દોષિતોનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને કોઈએ પોતાના કૃત્ય બદલ પશ્ચાત્તાપ વ્યક્ત કર્યો નથી. જેલમાં તેમની સામે થયેલી શિસ્તભંગની કાર્યવાહીનો પણ અદાલતે ઉલ્લેખ કર્યો હતો. અદાલતે જણાવ્યું હતું કે કેસના રેકૉર્ડમાં એવી કોઈ બાબત નથી જેના આધારે સજામાં નરમાશ દાખવી શકાય. હાઇકોર્ટે દોષિતો પર ફટકારવામાં આવેલો દંડ પણ યથાવત્ રાખ્યો હતો. અદાલતે કહ્યું હતું કે ગુનાની ગંભીરતા, જાહેર સંપત્તિને થયેલું નુકસાન તેમજ મોટી સંખ્યામાં લોકોનાં મોત અને ઈજાઓને ધ્યાનમાં રાખતાં દંડની રકમ યોગ્ય છે.

 મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારને વળતરનો આદેશ

હાઇકોર્ટે ગુજરાત સરકારને 30 માર્ચ, 2027 પહેલાં હુમલામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 10-10 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોને 5-5 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો હતો. દોષિતોમાં પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (SIMI)નો ભૂતપૂર્વ નેતા સફદર નાગોરી અને ગુજરાત, મધ્ય પ્રદેશ, કેરળ તથા ઉત્તર પ્રદેશ સહિત 11 રાજ્યો સાથે સંબંધ ધરાવતા તેના સાથીઓનો સમાવેશ થાય છે.

 78 લોકો સામે ચાલ્યો હતો કેસ

આ કેસમાં કુલ 78 લોકો સામે ખટલો ચલાવવામાં આવ્યો હતો. અમદાવાદના બૉમ્બ બ્લાસ્ટ સાથે સંબંધિત 20 FIR અને સુરતમાં મળી આવેલા નહીં ફૂટેલા બૉમ્બ સાથે જોડાયેલી 15 FIR સહિત કુલ 35 પોલીસ કેસને એકસાથે જોડવામાં આવ્યા હતા. વિશેષ અદાલતે એમાંથી 49 લોકોને દોષિત ઠેરવ્યા હતા. ફેબ્રુઆરી 2022માં વિશેષ અદાલતે આપેલો ચુકાદો એક જ કેસમાં એકસાથે 38 દોષિતોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હોય એવો દેશનો પ્રથમ કિસ્સો હતો. આ પહેલાં જાન્યુઆરી 1998માં તામિલનાડુની TADA અદાલતે 1991માં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં તમામ 26 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 05:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK