Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બાસઠમી વર્ષગાંઠે અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, કહ્યું...

બાસઠમી વર્ષગાંઠે અમિત શાહે રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, કહ્યું...

Published : 23 October, 2026 10:11 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આંદોલનોથી કશું જ વળતું નથી, કૉન્ગ્રેસ આગામી ૩૦ વર્ષ સુધી ચૂંટણી નહીં જીતી શકે

અમિત શાહ

અમિત શાહ


વિપક્ષ પર આકરા પ્રહારો કરતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરુવારે જણાવ્યું હતું કે ‘નકારાત્મક રાજકારણને કારણે કૉન્ગ્રેસ આગામી ૩૦ વર્ષ સુધી ચૂંટણી જીતી નહીં શકે. વિરોધ-પ્રદર્શનો અને આંદોલનોથી કશું જ હાંસલ થતું નથી. રાજકીય નેતાઓએ વિરોધ કરવાને બદલે જનકલ્યાણનાં કામો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’

બાહ્ય દિલ્હીમાં ૮૯૪૧ કરોડ રૂપિયાના દિલ્હી જલ બોર્ડ (DJB)ના ૩૩ પ્રોજેક્ટ્સનું લૉન્ચિંગ અને ઉદ્ઘાટન કરતાં અમિત શાહે મતદારયાદીઓના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં ગેરરીતિઓ અને વોટચોરીના આક્ષેપો બદલ કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે જનતાના જનાદેશને પડકારવા માટે રાજકીય ગતકડાં અને ટોળાશાહીનો ઉપયોગ કરવાનો વિપક્ષ પર આરોપ મૂક્યો હતો.



વિપક્ષી પક્ષોને ચેતવણી આપતાં અમિત શાહે કહ્યું હતું કે ‘જો તમારે ચૂંટણી જીતવી હોય તો પ્રજા વચ્ચે જઈને તેમની સમસ્યાઓ સમજો. આ વિરોધ-પ્રદર્શનોથી કશું જ વળવાનું નથી. જ્યાં તમારી સરકારો ચૂંટાઈ છે ત્યાં પ્રજાકલ્યાણની યોજનાઓ લાગુ કરો, નહીંતર જે થોડીઘણી જગ્યાઓ બચી છે ત્યાંથી પણ તમારો સફાયો થઈ જશે.’


BJP આગામી ૩૦ વર્ષ સુધી સત્તામાં રહેશે એવા પોતાના દાવાને દોહરાવતાં અમિત શાહે કહ્યું હતું કે ‘વિપક્ષના નકારાત્મક વલણને કારણે તેઓ સરકારમાં પાછા નહીં આવી શકે. જ્યારે હું કહું છું કે BJP ૩૦ વર્ષ સત્તામાં રહેશે ત્યારે તેઓ ફરી વોટચોરીના આક્ષેપો કરવા લાગે છે. હું તમને કહેવા માગું છું કે અમિત શાહ અહીં જ જન્મ્યા છે, અહીં જ રહે છે અને અહીં જ મરશે. મારે દર ૬ મહિને વિદેશપ્રવાસે જવાની જરૂર પડતી નથી. તમારા નકારાત્મક રાજકારણને જોઈને હું કહું છું કે તમે ૩૦ વર્ષ સુધી સરકાર નહીં બનાવી શકો.’

દિલ્હીમાં નવી રમત


અમિત શાહે વિપક્ષ પર એવો પણ આક્ષેપ કર્યો હતો કે BJP જ્યારે પણ ચૂંટણી જીતે છે ત્યારે વિરોધ પક્ષો પરિણામો પર સવાલો ઊભા કરે છે અને પોતાની હાર છુપાવવા માટે વોટચોરીનું બહાનું આગળ ધરે છે. તેમણે કહ્યું હતું કે ‘દિલ્હીમાં એક નવી રમત શરૂ થઈ છે. 

જ્યાં પણ BJPની સરકારો ચૂંટાઈ રહી છે ત્યાં વોટચોરીનાં બહાનાં કાઢવામાં આવે છે. વિપક્ષ એવો દાવો કરે છે કે BJP જનસમર્થનથી નહીં પરંતુ વોટચોરી કરીને સત્તામાં આવે છે. વાસ્તવમાં વોટચોરીના આ ખોટા આક્ષેપો કરીને તમે ઘૂસણખોરોના મત બચાવવા માગો છો.’

૨૦૧૪ પહેલાંથી જ કૉન્ગ્રેસને જાકોરો

છેલ્લા કેટલાક દાયકાઓમાં રાજ્યોમાં કૉન્ગ્રેસની થયેલી હારનો ઉલ્લેખ કરતાં અમિત શાહે કહ્યું હતું કે ૨૦૧૪માં કેન્દ્રમાં BJP સત્તા પર આવી એ પહેલાંથી જ મતદારો કૉન્ગ્રેસને નકારી ચૂક્યા હતા. તેમણે કેરલમ, હિમાચલ પ્રદેશ અને તેલંગણમાં વિપક્ષની જીતનો દાખલો આપીને પૂછ્યું હતું કે ‘આ રાજ્યોમાં તમે જીત્યા ત્યારે પણ આ જ ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) અને આ જ ઇલેક્શન કમિશન હતાં. તમે જ્યારે હારો છો ત્યારે ઇલેક્શન કમિશનની ટીકા કરો છો. કોર્ટ તમારા પક્ષમાં ચુકાદો આપે તો સારી અને વિરુદ્ધ આપે તો ખરાબ.’

Whatsapp-channel Whatsapp-channel

23 October, 2026 10:11 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK