ફૅશનવર્લ્ડમાં લિપ્સ પર કન્સીલર લગાવવાનો ટ્રેન્ડ પાછો ફર્યો છે. સામાન્ય રીતે લિપસ્ટિકનો ઉપયોગ હોઠને રંગીન, ચમકદાર કે આકર્ષક બનાવવા માટે થાય છે; પણ આ ટ્રેન્ડમાં હોઠનો કુદરતી રંગ સંપૂર્ણપણે ઢાંકી દઈને એને ચહેરાના સ્કિનટોન સાથે એકરસ કરી દેવામાં આવે છે.
લિપ્સ પર કન્સીલર
જે ટ્રેન્ડ એક સમયે હાસ્યાસ્પદ કે જૂનો ગણાતો હતો એ જ ટ્રેન્ડ થોડા દાયકાઓ પછી નવો અવતાર ધારણ કરીને ફરી લોકપ્રિય બને છે. ૨૦૦૦ની સાલનાં લો-રાઇઝ જીન્સ, બટરફ્લાય ક્લિપ્સ અને કેપ્રી પૅન્ટ્સ બાદ હવે ફૅશનવર્લ્ડમાં લિપ્સ પર કન્સીલર લગાવવાનો ટ્રેન્ડ પાછો ફર્યો છે. સામાન્ય રીતે લિપસ્ટિકનો ઉપયોગ હોઠને રંગીન, ચમકદાર કે આકર્ષક બનાવવા માટે થાય છે; પણ આ ટ્રેન્ડમાં હોઠનો કુદરતી રંગ સંપૂર્ણપણે ઢાંકી દઈને એને ચહેરાના સ્કિનટોન સાથે એકરસ કરી દેવામાં આવે છે. આ લુકને ઇન્વિઝિબલ લિપ્સ અથવા કન્સીલર લિપ્સ કહેવામાં આવે છે. ૨૦૦૦ના દાયકામાં મિલેનિયલ્સ અને પૉપસ્ટાર્સમાં આ લુક અત્યંત લોકપ્રિય હતો, પણ એ સમયે ફિક્કા દેખાવને કારણે આ ટ્રેન્ડ ટીકાનો ભોગ પણ બન્યો હતો. જોકે હવે જેન-ઝી આ ટ્રેન્ડને નવા અભિગમ સાથે અપનાવી રહી છે.
જૂના ટ્રેન્ડ અને નવા લુક વચ્ચે શું છે તફાવત?
ADVERTISEMENT
જૂના ટ્રેન્ડની ડિટ્ટો નકલ કરવાને બદલે આજની પેઢી એને મૉડિફાય કરીને અપનાવી રહી છે. ૨૦૦૦ના સમયગાળામાં હોઠ પર કન્સીલરનો મોટો થર લગાવી દેવામાં આવતો હતો. પરિણામે હોઠ ડ્રાય અને ફિક્કા લાગતા હતા. જોકે અત્યારે ટેક્નિક્સ અને પ્રોડક્ટ્સ બન્ને બદલાયાં છે.
ટેક્સ્ચર અને હાઇડ્રેશન : હવે બ્યુટી-રૂટીનમાં મેટ કે ડ્રાય લુકને બદલે સૉફ્ટ-ફોકસ અને બ્લર્ડ-ફિનિશને પ્રાધાન્ય આપવામાં આવે છે. હવે ઉપયોગમાં લેવાતા કન્સીલર હાઇડ્રેટિંગ અને સ્કિન-ફ્રેન્ડ્લી ફૉર્મ્યુલેશન ધરાવે છે.
ગ્લેઝ્ડ સ્કિન સાથે મૅચિંગ : અત્યારના કન્સીલર લિપ્સ ટ્રેન્ડ ગ્લેઝ્ડ સ્કિન અને હળવા બ્લશ સાથે ત્વચાના ટોન સાથે બૅલૅન્સ કરવામાં આવે છે.
મલ્ટિપર્પઝ યુઝ : જાડા થરને બદલે કન્સીલરનાં એક-બે ટીપાંથી હોઠની કિનારીઓને સૉફ્ટલી બ્લેન્ડ કરવામાં આવે છે, જેથી હોઠ ગાયબ થવાને બદલે ચહેરાની ત્વચા સાથે કુદરતી રીતે જ મિકસ થઈ ગયા હોય એવું લાગે.એક પ્રખ્યાત અવૉર્ડ શોની આફ્ટર-પાર્ટીમાં જેન્ના ઑર્ટેગાએ આર્કાઇવલ ડ્રેસ સાથે કન્સીલર લિપ લુક અપનાવીને આ અખતરાને રેડ કાર્પેટ સુધી પહોંચાડ્યો હતો. જાણીતા મેકઅપ આર્ટિસ્ટ્સ દ્વારા આ ટેક્નિકનો ઉપયોગ કરીને પર્સનાલિટીને વિન્ટેજ ગ્લૅમર આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કન્સીલર લિપ્સ લુક પર્ફેક્ટ રીતે કેવી રીતે મેળવવો?
ત્વચાના રંગ સાથે મેળ ખાતો શેડ પસંદ કરવો : જો આ અખતરો યોગ્ય પદ્ધતિથી કરવામાં ન આવે તો ચહેરો નિસ્તેજ દેખાઈ શકે છે. અન્ડર-આઇ બ્રાઇટનર તરીકે વપરાતા લાઇટ કન્સીલરનો ઉપયોગ હોઠ પર કરવો જોઈએ નહીં. એને બદલે તમારી ત્વચાના અસલી શેડ સાથે મેળ ખાતું કન્સીલર પસંદ કરવું જરૂરી છે.
ઓછી માત્રા અને યોગ્ય બ્લેન્ડિંગ : આંગળીના ટેરવાની અથવા બ્રશની મદદથી કન્સીલરનું નાનું ટીપું હોઠના મધ્ય ભાગમાં મૂકીને બહારની તરફ સરખી રીતે ફેલાવવું.
લિપ લાઇનર : જો હોઠનો આકાર સંપૂર્ણપણે ગાયબ થઈ જાય એવું લાગે તો ન્યુડ કે ન્યુટ્રલ લિપ લાઇનરથી હોઠની આઉટર લાઇન દોરી શકાય છે.
ગ્લોસ : હોઠ પરની ડ્રાયનેસ દૂર કરવા અને એને કુદરતી ફિનિશ આપવા માટે ટ્રાન્સપરન્ટ અથવા બેજ કલરનું લિપગ્લોસ અથવા લિપ-ઑઇલ લગાવી શકાય છે. મેકઅપ માત્ર ખામીઓ ઢાંકવા માટે નથી, પ્રયોગો કરવા માટેનું એક માધ્યમ છે. લોકો લાઇટવેઇટ, હાઇડ્રેટિંગ અને મલ્ટિ-ફંક્શનલ પ્રોડક્ટ્સ પસંદ કરે છે. ૨૦૦૦ની સાલના આ વિવાદિત ટ્રેન્ડને નવી ટેક્નિક અને મિનિમલ અપ્રોચ સાથે ફરીથી જીવંત કરવામાં આવ્યો છે. જો યોગ્ય કન્સીલર શેડ અને બ્લેન્ડિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો આ અખતરો મૉડર્ન ફૅશન-સ્ટેટમેન્ટ તરીકે સફળતાપૂર્વક અપનાવી શકાય છે.
