પુરીના જગન્નાથ દેવની યાત્રા કરનારાઓએ કોણાર્ક સૂર્યમંદિરની મુલાકાત તો કરી જ હશે. અહીં પહેલાં માત્ર વાસ્તુકલાનો જ આનંદ મળતો હતો, પણ જો પુરાતત્ત્વવિદોની મહેનત રંગ લાવશે તો પછી આ મંદિરને અંદરથી જોવાનો લહાવો પણ મળી શકે એમ છે
કોણાર્ક મંદિરમાં બનેલું છાયાદેવીનું મંદિર.
એકહાને પાથોરેર ભાષા, મનુષેર ભાષા રે એઓ બેસી...
અર્થાત ‘અહીં પથ્થરની ભાષા મનુષ્યની ભાષાથી અધિક પ્રભાવશાળી છે.’ નોબેલ પુરસ્કાર વિજેતા ભારતીય લેખક, કવિ રવીન્દ્રનાથ ટાગોરે કોણાર્કનું સૂર્યમંદિર જોઈ આ વિધાન કહ્યું હતું. અત્યારે ટાગોરજીનું આ વાક્ય યાદ કરવાનું કારણ એ છે કે ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ ખાતાને આ સૂર્યમંદિરના ગર્ભગૃહમાંથી રેતી-પથ્થર ઉલેચવાના કાર્યમાં સફળતા મળી છે અને જો ભાનુદેવની કૃપા રહેશે તો અત્યાર સુધી ફક્ત બહારથી જ જોઈ શકાતા આ બેનમૂન મંદિરને અંદરથી પણ જોઈ શકાશે.
ભારતીય ચલણ દસ રૂપિયાની નોટ પર પાછળની બાજુએ ચિત્રિત થયેલા કોણાર્કના સૂર્યમંદિરથી મોટા ભાગના દેશવાસીઓ પરિચિત જ હશે. પુરીના જગન્નાથ દેવની યાત્રા કરનારા ધર્મપ્રેમીઓએ તો પુરીથી ફક્ત ૩૫ કિલોમીટરના અંતરે આવેલા સૂર્યમંદિરની વિઝિટ પણ કરી હશે અને કલિંગ વાસ્તુકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણને જોઈ અચંબિત પણ થયા હશે. હવે આદિત્યના આ દેવાલયના લેટેસ્ટ ન્યુઝ એ છે કે ૧૩મી શતાબ્દીમાં નિર્મિત આ મંદિરના હાલકડોલક થયેલા સ્ટ્રક્ચરને હેમખેમ રાખવા ઈ. સ. ૧૯૦૩માં બ્રિટિશ પ્રશાસને મંદિરના ગર્ભગૃહમાં રેતી અને પથ્થરો ભરી એને સીલ કરી દીધું હતું. એ ગર્ભગૃહમાં ૯ મીટરની ડ્રિલિંગ કર્યા બાદ મંદિરના ગભારામાં જવાનો રસ્તો મળી ગયો છે. વળી ડ્રિલિંગથી તેમ જ અન્ય મશીનરી કાર્યથી હયાત સ્ટ્રક્ચરને કોઈ નુકસાન નથી થયું. આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ ડી. બી. ગડનાયક તથા ૧૦ વિશેષજ્ઞોની ટીમે મંદિરના પ્રથમ મંડપના પશ્ચિમી ભાગમાં ૪ બાય ૪ ફુટની સુરંગ બનાવી રેતી હટાવવાનું કાર્ય આરંભ કર્યું છે જેથી ૧૨૨ વર્ષો સુધી સજ્જડ બંધ રહેલા ગર્ભગૃહ સુધી પહોંચવાનું શક્ય બનશે.
વેલ, આ શુભ સમાચાર સાંભળી મોઢું મીઠું કરો ને આ સૂર્યમંદિરની માનસયાત્રામાં જોડાઈ જાઓ.

મંદિરની દીવાલ પર રચાયેલાં સૂર્યચક્રો. એના પર જે રીતે સૂર્યનો પ્રકાશ પડે છે એના પરથી કેટલા વાગ્યા છે એ કહી શકાય છે.
ADVERTISEMENT
અંગ્રેજોએ કેમ ગર્ભગૃહને રેતી-પથ્થરોથી ભર્યો હતો?
જો આ પ્રશ્ન તમને પણ થયો હોય તો જાણી લો કે સમુદ્રની ખારી હવા, હવામાનનો માર અને ખાસ કરીને પોર્ટુગલ ખલાસીઓએ આ મંદિરને ખૂબ નુકસાન પહોંચાડ્યું હતું. કહે છે કે અંધારામાં કાળા દેખાતા આ સ્ટ્રક્ચરને તેઓ બ્લૅક પગોડા કહેતા અને તેમનાં ભારે વહાણોને લાંગરવા મોટું લંગર મંદિરના શિખર પર કે દીવાલો પર નાખતા. અનેક વર્ષો સુધી આવું ચાલવાથી મંદિરની મજબૂતાઈ લડખડી ગઈ અને પથ્થરોનું બૅલૅન્સ બગડતાં એ ધસવા માંડ્યું. પૂજનીય ન હોવાથી આમેય લોકોની અવરજવર બહુ હતી જ નહીં તેમ જ કાળક્રમે ચન્દ્રભાગાનો કિનારો પણ દૂર થતાં જતાં આ અલભ્ય મંદિર ભૂતિયું ખંડેર બની ગયું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ્ય આવતાં એક અંગ્રેજ અધિકારીને જંગલ ભ્રમણમાં અહીં જૂનું સ્થાપત્ય હોવાનાં સગડ મળ્યાં અને ઝાડીઝાંખરાં દૂર કરાવતાં આ ભવ્ય સ્ટ્રક્ચર સાંપડ્યું. પણ આખાય સ્થાપત્યની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમણે બાંધકામ ધસી ન જાય એ માટે મંદિરના ગર્ભગૃહમાં રેતી-પથ્થરો નખાવી દીધા જેના સર્પોટથી શિખરનો બચેલો ભાગ ટકી રહે. શિખરનો બચેલો ભાગ ટકી તો ગયો પણ મંદિરમાં એન્ટ્રી બંધ થઈ ગઈ. દેશ આઝાદ થતાં ૧૯૫૦ના દાયકાથી ધીરે-ધીરે આ સ્મારકને પુનઃજીવિત કરવાનું શરૂ થયું અને છેલ્લાં દસ વર્ષ પૂર્વે અત્યાધુનિક મશીનરીથી મંદિરની કારીગરીને ક્ષતિ પહોંચાડ્યા વગર સુરક્ષિત કરવાનું કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને હાલમાં નૉન-વાઇબ્રેટિંગ ડ્રિલિંગ પદ્ધતિ વડે ગર્ભગૃહમાંથી રેતી-પથ્થર હટાવવાના કાર્યમાં નોંધપાત્ર સફળતા સાંપડી છે. આથી જો અરુણ દેવની કૃપા રહેશે તો થોડાંક વર્ષોમાં યાત્રાળુઓ સૂર્યદેવના દેવળના અંદરના ભાગોમાં પણ જઈ શકશે.

સૂર્યદેવનું ૧૧મી સદીમાં બનેલું શિલ્પ.
કોણાર્કના સૂર્યમંદિરમાં ક્યારેય સૂર્યદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ જ નથી પણ એ માટે બનાવાયેલી સૂર્ય પ્રતિમા પુરીના જગન્નાથ ટેમ્પલ પરિસરમાં જ મુખ્ય મંદિરની બાજુમાં આવેલા અલાયદા મંદિરમાં રખાયેલી છે અને ત્યાં પૂજાય છે. એ જ રીતે ઓરિજિનલ સૂર્યમંદિરમાં આવેલો ૩૩ ફીટ આઠ ઇંચનો અખંડ અરુણ સ્તંભ પણ ૧૮૯૯માં જગન્નાથ મંદિરના સિંહદ્વાર પર શિફ્ટ કરાયો છે.
ઈ. સ. ૩૨૦થી ૫૫૦ અને ૯મીથી ૧૩મી સદી, આર્કિટેક્ચર, આર્ટ અને સંસ્કૃતિની દૃષ્ટિએ ભારતનો સુવર્ણકાળ ગણાય છે. આ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં ભિન્ન-ભિન્ન ટેમ્પલ આર્કિટેક્ચર શૈલીનો વિકાસ થયો. એમાંય ૧૧મી, ૧૨મી અને ૧૩મી સેન્ચુરીમાં તો એવા નાયાબ નમૂનાઓ બન્યા, જેને જોઈ આજે પણ દરેક ભારતીયને ગૌરવ થાય છે. આ જ કાળખંડમાં ઓડિશાના પૂર્વીય તટે બંગાળના ઉપસાગરની સમીપે કોણાર્કની ભૂમિમાં બાર વર્ષના લાંબા ગાળા બાદ ઈ. સ. ૧૨૫૦માં એક સૂર્યમંદિરનું નિર્માણ થયું. પૂર્વી ગંગા વંશના સમ્રાટ અને કલિંગ ક્ષેત્રના યોદ્ધા નરસિંહ દેવ પ્રથમે પૂર્વીય ભારતના પશ્ચિમ બંગાળના મુસ્લિમ શાસકોને ખદેડીને તેમની ઉપર મેળવેલા વિજયના પ્રતીકરૂપે કોણાર્ક ખાતે સૂર્યમંદિર બનાવડાવ્યું. જોકે એ સિવાય આ ધર્મપ્રેમી રાજાએ ઓડિશા તથા આન્ધ્ર પ્રદેશમાં અનેક ભવ્ય મંદિરો બનાવડાવ્યાં છે જેમાંથી સૂર્યમંદિર તો અદ્વિતીય છે. અમુક સાક્ષરોનું માનવું છે આજે જ્યાં સૂર્યમંદિર ઊભું છે ત્યાં ૯મી સદીથી ઑલરેડી એક સૂર્યમંદિર હતું જ (કેટલાક લોકો એને શ્રીકૃષ્ણના પુત્ર સાંબે રક્તપિત્તના રોગથી મુક્તિ મેળવવા કરેલી સૂર્ય ભગવાનનું સાધનાસ્થળ માને છે). કોણાર્કના આ ક્ષેત્ર પર સૂર્યના વિશિષ્ટ પ્રભાવને કારણે પૂર્વેના સ્થાનિકો-શાસકોએ અહીં સૂર્યને સમર્પિત નાનું દેવળ બનાવ્યું હતું જ. વળી એ કાળે આ પૂર્વીય બંદરની જાહોજલાલી પણ વિકસિત હતી. જોકે એ મંદિરનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી. હા, અત્યારના મંદિરને લગતી વિષુ મહારાણા અને તેના પુત્રની ઓરિયા કથા પ્રચલિત છે આપણે એની વાત કરીએ.
એ કથા અનુસાર ઊડિયા શાસક નરસિંહ દેવ પ્રથમે એ સમયના પ્રમુખ મૂર્તિકાર અને આર્કિટેક્ટ બિષુ મહારાણાને ૧૨૦૦ સ્કીલ્ડ કારીગરો સાથે કોણાર્ક તટની બાર એકર ભૂમિ પર બાર વર્ષના ગાળામાં સૂર્યમંદિરનું નિર્માણ કરવાનું કાર્ય સોંપ્યું હતું અને બિષુ તેમ જ કારીગરોએ પોતાનો જાન રેડી મંદિરના એક-એક પથ્થરને બોલતાં કરી દીધા. સાત ઘોડાના રથ પર સવાર થઈ સૂરજદેવ આવતા હોય એવા આકારના મંદિરમાં ફક્ત ડિઝાઇન જ નહીં, ભૂમિતિ અને વિજ્ઞાનનું પણ અનૂઠું મિશ્રણ છે. શિલ્પીઓ, કુટુંબ-આરામ બધું જતું કરીને મંદિરના નિર્માણમાં લાગી ગયા હતા કારણ કે રાજાએ શરત મૂકી હતી કે જો ફિક્સ સમય ગાળામાં મંદિરનું કાર્ય પૂર્ણ થઈ જશે તો દરેક કારીગરને તેના વજનના બરાબર સોના-ચાંદી આપવામાં આવશે. પણ જો કામ અધૂરું રહી જશે તો તેમનાં માથાં વાઢી નાખવામાં આવશે. ૧૨ વર્ષ પૂરાં થવામાં ગણતરીના દિવસો બાકી હતાં પણ મંદિરના શિખરની ઉપર કળશ બેસાડવાનું કાર્ય બાકી હતું. અનેક પ્રયત્નો બાદ પણ કળશ મુકાઈ નહોતો રહ્યો. દિવસ-રાતની અથાગ મહેનત બાદ પણ કારીગરો રાજાએ રાખેલી શરત પૂર્ણ કરવા અસમર્થ હતા ત્યારે અચાનક એક દિવસ મુખ્ય શિલ્પી બિષુનો ૧૨ વર્ષનો દીકરો ત્યાં આવ્યો અને એ કામ કરવાની તૈયારી બતાવી. મહારથી શિલ્પકાર જે ન કરી શક્યા એ આ છોકરડો કરી શકશે એ વાત દરેકને ઈવન બિષુને પણ હાસ્યાસ્પદ લાગી કારણ કે ત્યારે કોઈને ખબર નહોતી કે એ બિષુનો પુત્ર છે. વાત એમ હતી કે બિષુની ગેરહાજરીમાં તેનો જન્મ થયો હતો જેની બિન્દુને જાણ નહોતી. પણ જ્યારે પુત્રને રાજાની શરતની ખબર થઈ ત્યારે તે પિતાને મદદરૂપ થવા અહીં આવ્યો.
‘મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે’ ઉક્તિ અનુસાર એ બાર વર્ષના બાળકે જન્મજાત મેળવેલી પિતાની કળાની આવડતથી મંદિરના શિખરે કળશ ચડાવ્યો અને રાજાની શરત પૂર્ણ કરી. પરંતુ રાજાને આ વાતની જાણ થતાં ભારે ક્રોધિત થયા કે બહારથી કોઈએ આવી કેમ મંદિરના કાર્યમાં મદદ કરી? આથી રાજાએ એ બારસોએ બારસો શિલ્પકારને મારવાનો હુકમ જાહેર કર્યો. પોતાના કાર્યના પરિણામે દરેક શિલ્પકારે સજા ભોગવવી પડશે એ જાણી ભારે વ્યથિત થઈ એ કિશોરે મંદિરના શિખર પરથી સમુદ્રમાં ઝંપલાવી પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું.
મંદિર તો પરિપૂર્ણ થઈ ગયું પણ એ કિશોરના મૃત્યુના અપશુકનને લઈ એમાં સૂર્યદેવને પ્રતિષ્ઠિત ન કરાયા ને ક્યારેય કોઈ દેવની પૂજા ન થઈ.
૧૯૮૬થી ૧ ડિસેમ્બરથી ૫ ડિસેમ્બર દરમિયાન સૂર્યમંદિરમાં કોણાર્ક ફેસ્ટિવલ યોજાય છે. આ ભારતીય શાસ્ત્રીય નૃત્ય પ્રદર્શનમાં નૃત્ય પેશ કરવા ઉપરાંત એમાં સહભાગી થવાનું ગૌરવશાળી મનાય છે. આ જ તરજ પર અહીંથી થોડે દૂર ચન્દ્રભાગા નદીની સોનેરી રેતી પર કલા મહોત્સવ શરૂ કરાયો છે. ૨૦૧૫માં આરંભ કરાયેલા આ પ્રદર્શનમાં રેતકલા ઉપરાંત કાંસા, લાકડી, પથ્થરની કલાકૃતિઓનું એક્ઝિબિશન યોજાય છે.
આ તો થઈ કોણાર્ક મંદિરના નિર્માણની કથા. હવે એની વિશેષતાઓની થોડી વાતો કરીએ તો. પૂર્વાભિમુખ આ મંદિર એવી રીતે બન્યું છે કે સૂર્યોદય થતાં સૂરજનું પહેલું કિરણ મંદિરના ગર્ભગૃહમાં પડે (જોકે અત્યારે ગર્ભગૃહ બંધ છે). નીચે ઓટલાથી લઈ છેક ટોચ સુધી શિલ્પોથી અલંકૃત આ મંદિરમાં ૧૨ જોડી (૨૪) પૈડાં છે જે વર્ષના ૧૨ મહિના દર્શાવે છે. ઉપરાંત એક પૈડું કૃષ્ણ પક્ષને, બીજું શુક્લ પક્ષને સમર્પિત છે. જોકે ૧૨ ફીટ વ્યાસ ધરાવતા આ ચક્ર ફક્ત ચક્ર નહીં, સન ડાયલ છે. એના પર પડતા સૂરજના પ્રકાશથી મિનિટ સહિતનો સમય જાણી શકાય છે. આ અજાયબીથી જરાય કમ નથી. અહીં ત્રણ પ્રકારના પથ્થરોનો ઉપયોગ થયો છે. નીચેના ભાગે વજનદાર શિલાઓ રખાઈ છે જે આખાય સ્ટ્રક્ચરનો ભાગ ઝીલી શકે અને ઉપર પોચા અને હલકા પથ્થરો છે જેમાં આસાનીથી શિલ્પો ઉકેરાઈ શકાય. નવાઈની વાત એ છે કે આ ત્રણેયમાંથી એકેય જાતના પથ્થરો અહીં આસપાસ મળતા નથી. એટલે એમ મનાય છે કે આ મોટી શિલાઓ જળમાર્ગે દૂર-દૂરથી અહીં લાવવામાં આવી હશે. આ પદ્ધતિમાં ઇન્ટરલૉકિંગ કે કોઈ ગમનો ઉપયોગ નથી થતો. પથ્થરોને અહીં એશલર પદ્ધતિથી ગોઠવાયા છે. આ પદ્ધતિમાં ફક્ત પથ્થરોને ચોક્કસ રીતે કાપીને એને એક ઉપર એક એવી રીતે ગોઠવાય છે જે એકબીજાના સહારે ગોઠવાયેલા રહે છે. જોકે એનું જોડાણ એટલું સરસ થયેલું છે કે આટલાં વર્ષો બાદ પણ દર્શકને કોઈ જૉઇન્ટ દેખાતો નથી.
મૂળ મંદિરનું શિખર ૭૦ ફીટ ઊંચું હતું જે હવે તો ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે પણ મંદિરનો ૨૮ ફુટ ઊંચો રંગમંડપ હજી હેમખેમ છે. મંદિરના શિખરથી થઈ પાયા સુધીની દીવાલો વિવિધ શિલ્પોથી સજાવાઈ છે જેમાં હિન્દુ દેવી-દેવતાઓ સાથે અપ્સરાઓ, મનુષ્યોનું દૈનિક જીવન અને સંસ્કૃતિ, પ્રાણી, પક્ષી, જળચરો તથા જ્યોમેટ્રિક પૅટર્ન્સ અને ફૂલ, ઝાડ, પત્તીઓ પણ સામેલ છે. વળી આ મંદિરમાં અમુક કામુક મૂર્તિઓ પણ છે જે પ્રેમ તથા અંતરંગ સંબંધો પણ દર્શાવે છે. દીવાલો, સ્તંભો, તોરણો સહિત મંદિરની એક ઇંચ જગ્યા પણ સાદી નથી. અહીં દરેક પથ્થરો બોલે છે માટે જ રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે, ‘એકહાને પાથોરેર ભાષા, મનુષેર ભાષા રે ચેઓ બેસી.’
ટોટલ ૨૬ એકરમાં ફેલાયેલ આ મંદિર પરિસરમાં ૧૨ ફીટમાં સૂર્યમંદિર છે. બાજુમાં સૂર્યના પત્ની છાયાદેવીનું મંદિર પણ છે જે ૧૧મી સદીમાં બન્યું હોવાનું કહેવાય છે. ઉપરાંત અહીં વિષ્ણુ મંદિર પણ છે. પરિસરમાં ભોજનકક્ષ સહિતનું રસોડું પણ અતિ પ્રાચીન છે. તો જળસંગ્રહ માટે બે કૂવાઓ પણ નિર્માણ થયેલા છે. આજે તો આખોય પરિસર પુરાતત્ત્વ વિભાગ હેઠળ હોવાથી દરેક સ્થળ અંદરથી નથી જોઈ શકાતા. ફક્ત સૂર્યમંદિરનો મંડપ અને એની સામે આવેલી છત વગરની નૃત્યશાળા જ વિઝિટેબલ છે.

કોણાર્ક સૂર્યમંદિરનું પ્રાંગણ.
૧થી પાંચ ડિસેમ્બર સુધી દરરોજ સવારે ૬થી રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લા રહેતા આ સન ટેમ્પલમાં સાંજે સાડાસાતે લાઇટ ઍન્ડ સાઉન્ડનો સુંદર શો યોજાય છે. ૪૦ મિનિટનો આ શો માહિતીપ્રદ હોવા સાથે લાઇફટાઇમ મેમરેબલ રહે એવો મૅગ્નિફિશન્ટ છે.
વિકાસની દૃષ્ટિએ આજે પછાત કહેવાતું ઓડિશા રાજ્ય એક સમયે સાંસ્કૃતિક દૃષ્ટિએ અતિ સમુદ્ધ હતું. અહીંના જગન્નાથ મંદિર - પુરી, લિંગરાજ મંદિર - ભુવનેશ્વર અને સૂર્યમંદિર - કોણાર્કને ગોલ્ડન ટ્રાયેન્ગલની ઉપમા મળી હતી. પરંતુ કાળક્રમે એ ઉપમા છીનવાઈ ગઈ કારણ કે લગભગ ચારથી પાંચસો વર્ષ સુધી એની અવગણના જ થઈ. જોકે છેલ્લા ૪ દાયકાઓથી આ મંદિરોની સરસ માવજત થઈ રહી છે. અને એમાંય છેલ્લા દોઢ દશકમાં તો કોણાર્કની બોલબાલા દેશી સાથે વિદેશીઓમાં પણ વધી છે. આથી અહીં રહેવા, આવવા, જવાની સુવિધાઓ વધી છે. વધુ સગવડયુક્ત થઈ છે. કોણાર્ક પહોંચવા ભુવનેશ્વર લૅન્ડિંગ પૉઇન્ટ છે જ્યાંથી ટ્રેન, ફ્લાઇટ્સ વડે દેશ તેમ જ વિદેશથી પહોંચી શકાય છે. ભુવનેશ્વરથી કોણાર્ક ૬૫ કિલોમીટર છે જે મેમુ ટ્રેન વડે કે રાજ્ય પરિવહનની બસ વડે કે પ્રાઇવેટ ટૅક્સી મારફત તય કરી શકાય છે. ઇન્ટરનૅશનલ, ડોમેસ્ટિક ફ્લાઇટના લૅન્ડિંગ સમયે ઍરપોર્ટની બહારથી જ પુરી તેમ જ કોણાર્ક માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની ઍર-કન્ડિશન્ડ બસ મળી જાય છે. તેમ જ રેલવે-સ્ટેશનથી પણ રેગ્યુલર અંતરે બસો ઊપડે છે. રહેવા માટે પુરી અને કોણાર્ક બેઉ જગ્યાએ અનેક રિસૉર્ટ્સ છે. જોકે મોટા ભાગના યાત્રાળુઓ પુરીથી કોણાર્કની વન-ડે ટ્રિપ કરે છે. પરંતુ જો તમારે આંખોથી સૂર્યમંદિરની સુંદરતાના જામ પીવા હોય, ચન્દ્રભાગા બીચના ઊછળતા ઉદધિના સંગીતમાં મહાલવું હોય કે સોનેરી સૂર્યોદય અને સૂર્યાસ્તના સાક્ષી બનવું હોય તો મુકામ કોણાર્કમાં જ રાખવો.


