Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > સુંદર, સ્વચ્છ, સ્માર્ટ સાતારા

સુંદર, સ્વચ્છ, સ્માર્ટ સાતારા

Published : 14 December, 2025 04:32 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

વિદેશમાં સ્માર્ટ શહેરો બની રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં તાડોબા નૅશનલ પાર્ક પાસે આવેલું એક ટચૂકડું ગામ રોલમૉડલ બની રહ્યું છે. ૧૦૦ ટકા સૌરઊર્જાથી સંચાલિત અને ચોખ્ખુંચણક ગામ ઊડીને આંખે વળગે એવું છે.

સ્વચ્છ અને સુંદર ગામની મિસાલ આપતી પરબ.

સ્વચ્છ અને સુંદર ગામની મિસાલ આપતી પરબ.


વિદેશમાં સ્માર્ટ શહેરો બની રહ્યાં છે ત્યારે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં તાડોબા નૅશનલ પાર્ક પાસે આવેલું એક ટચૂકડું ગામ રોલમૉડલ બની રહ્યું છે. ૧૦૦ ટકા સૌરઊર્જાથી સંચાલિત અને ચોખ્ખુંચણક ગામ ઊડીને આંખે વળગે એવું છે. ચાલો સ્થાનિકોએ જ જાતે શિસ્ત અને સહકારથી બનાવેલા અનોખા ગામની ઊડતી મુલાકાતે

ગામડાંમાં પાણીની તંગી હોય, ગામડાંમાં કચરો ઠાલવવાની યોગ્ય વ્યવસ્થાના અભાવે ઠેર-ઠેર ઉકરડા હોય, પશુઓના છાણના પોદરા જ્યાં-ત્યાં પથરાયેલા પડ્યા હોય, વીજળી પણ દિવસના અમુક કલાકો જ હોય. શહેરથી દૂર આવેલાં ગામડાંમાં આવી સમસ્યા તો આમ ગણાય, પણ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલું સાતારા ગામ ઉપરોક્ત વર્ણનથી તદ્દન ઊલટું છે. અહીં મહાબળેશ્વર જતી વખતે આવતા સાતારા શહેરની નહીં, ચંદ્રપુર જિલ્લામાં આવેલા તાડોબા નૅશનલ પાર્ક પાસે આવેલા ટચૂકડા ગામની વાત છે. અહીં તમને જ્યારે અને જોઈએ એટલું સ્વચ્છ પાણી ગમે ત્યારે મળી રહે છે. ગામની એકેએક ગલીઓ ચોખ્ખીચણક છે. ૧૦૦ ટકા સૌરઊર્જાથી સંચાલિત આ ગામના દરેક ઘરમાં વીજળી છે. એટલું જ નહીં, આખા ગામને ગમે ત્યારે ગરમ પાણી મળી રહે એવું સોલર વૉટર હીટર પણ છે. 
સસ્ટેનેબલ લિવિંગ એટલે કે કુદરતી સંસાધનોનો સમજીવિચારીને ઉપયોગ કરતું આ ગામ અનેકો ગામડાં માટે એક રોલમૉડલ બની રહ્યું છે. સસ્ટેનેબલ લિવિંગ અને કમ્યુનિટી ડિસિપ્લિન બાબતે આ ગામ ભારતનાં બીજાં અનેક ગામડાંઓને જ નહીં, શહેરોને પણ ખૂબ સારી પ્રેરણા આપી શકે એવું છે. થોડા સમય પહેલાં બિઝનેસમૅન આનંદ મહિન્દ્રએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ ગામ વિશે લખેલું : ‘એક એવું ગામ જે ન માત્ર સાફસફાઈ, સસ્ટેનેબિલિટી કે શૅર્ડ સુવિધાઓ માટે જ નહીં, પરંતુ જીવન કઈ રીતે જીવાય એ માટેનું પણ રોલમૉડલ બની ગયું છે. એ આપણને યાદ અપાવે છે કે મોટા બદલાવ માટે કોઈ મોટી કૅપિટલ, જબરદસ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે નવાંનક્કોર ચમકતાં બિલ્ડિંગોની જરૂર નથી હોતી. જરૂર હોય છે સારી અને અસરકારક લીડરશિપની, જરૂર હોય છે એવા સમાજની જે પોતાનું ભવિષ્ય જાતે ઘડવાની ઇચ્છા સાથે એકત્ર થઈ શકે. સાતારા ગામ મને જબરદસ્ત પ્રેરણા આપે છે!’



ચોખ્ખાચણક રસ્તાઓ અને ગામની ઓળખ સમાન એન્ટ્રન્સ. 


એકનું સપનું બન્યું અનેકની પ્રેરણા

આમ તો સાતારા ગામ ભારતનાં બીજાં અનેક ગામડાંઓ જેવું જ છે. બસ, ખાલી એને બીજાં ગામડાંઓથી અલગ તારવે છે એ ગામના કેટલાંક ગુણો અને આદતો જે હવે સાતારાના લોકોએ તેમના રોજિંદા જીવનમાં વાણી લીધાં છે. સાફસફાઈ, રિસોર્સ મૅનેજમેન્ટ અને સામાજિક જવાબદારીઓ એને બીજાં અનેક ગામડાંઓ જેવું જ હોવા છતાં બીજાથી અલગ બનાવે છે અને લઈ જાય છે છેક ‘રોલમૉડલ વિલેજ’ના દરજ્જા સુધી. સાતારાના જ રહેવાસી અને દૂરંદેશી એવા લીડર ગજાનને પોતાના ગામને એક આદર્શ ગામમાં પરિવર્તિત કરવાનું સપનું જોયું અને શરૂ થઈ એક અનોખી યાત્રા.



૨૪ કલાક શુદ્ધ પાણી માટે ATM કાર્ડ છે.

ગજાનનને ખબર હતી કે તેમની આ સફર અત્યંત થકવી નાખનારી સાબિત થવાની છે, પરંતુ ગમે એવી કસોટીઓ વચ્ચે પણ હારવું અને થાકવું નથી એવા નિર્ણય સાથે ગજાનને શરૂ કર્યું એક મિશન. સાતારા ગામને રોલમૉડલ બનાવવાનું મિશન. પાંચ વર્ષ સુધી તેમણે આખા ગામના તમામ રહેવાસીઓને સમજાવ્યા, માર્ગદર્શન આપ્યું અને પોતે જોયેલા સપનાના ભાગીદાર બનાવીને વિશ્વાસ અપાવ્યો કે આપણે ઇચ્છીએ તો આ સપનું સાકાર કરી શકીએ છીએ. પાંચ વર્ષ જેટલો લાંબો સમય તેમણે પોતાના ગામની શકલ-ઓ-સૂરત બદલવા માટે ખર્ચી નાખ્યો અને પરિણામ શું આવ્યું? આખા ગામને મફત ગરમ પાણી મળ્યું, જે માટે એક સેન્ટ્રલાઇઝ્ડ સોલર સિસ્ટમ બનાવવામાં આવી. આખા ગામને મચ્છરમુક્ત રાતો મળી. એ માટે ગામની બધી જ ગટરો અને ડ્રેનેજ સિસ્ટમ સુધારવામાં આવી અને ખુલ્લી ગટરો કે ડ્રેનેજલાઇન્સ બંધ કરવામાં આવી. આખા ગામને સ્વચ્છ RO વૉટર માટે એવું ATM મળ્યું જે બાકાયદા ATM કાર્ડથી ચાલે. આખા ગામના આબાલવૃદ્ધોને વાંચવા-શીખવા માટે લાઇબ્રેરી મળી, વૃદ્ધોને બેસવા-મળવા માટે સ્વચ્છ મીટિંગ-પૉઇન્ટ મળ્યું જ્યાં અખબારો સહિત ટેલિવિઝન પણ હાજર હોય. એટલું જ નહીં, દરરોજ સાંજે ત્યાં બેઠેલા વૃદ્ધોને ચા-કૉફી પણ મફતમાં મળે એવી વ્યવસ્થા કરવામાં આવી. આખા ગામના મહોલ્લા અને રસ્તાઓને સ્વયંચાલિત સોલર લાઇટ્સ મળી. ઘરોને પણ ઑટોમૅટિક ટ્રિપિંગ અને સ્વિચિંગ સિસ્ટમની વીજળી મળી અને સાથે મળ્યું એક દંડનું પ્રાવધાન. આખા ગામમાં જો કોઈ પણ વ્યક્તિ ગાળ બોલી કે ગામ ગંદું થાય એવી કોઈ પણ પ્રવૃત્તિ કરી (ગુટકા કે પાનમસાલા ખાઈને થૂંકવું, કચરો નાખવો કે ગાળો બોલાવી કે કોઈને મોટા અવાજે ખિજાવું વગેરે) તો ૫૦૦ રૂપિયાનો દંડ.


ગામની સિકલ બદલવામાં પાંચ વર્ષથી મહેનત કરીને મહત્ત્વની ભૂમિકા ભજવનાર ગજાનન.

સ્વયંસેવકો એટલે સાતારાની અનપેઇડ ફોજ

હવે આટલું બધું જે ગામને મળ્યું હોય એ ગામના લોકો ગામને આવા જ રોલમૉડલ તરીકે જાળવી રાખવા માટે કશુંક તો કરતા હશેને? તો સાતારા ગામની એકેએક વ્યક્તિ અને એકેએક બાળક સ્વયંસેવક છે એમ કહીએ તો ચાલે. પોતાના ગામને સાફ રાખવા માટે સાતારાનું એકેએક બાળક દરરોજ સાંજે ગલી-મહોલ્લામાંથી કચરો એકઠો કરવામાં મદદ કરે છે. બાળકો જાતે જ કચરાપેટી લાવીને ગામના રસ્તા પર જ્યાં પણ કચરો દેખાય ત્યાંથી એ ઉપાડી લે છે અને કચરાપેટીમાં નાખી સુપેરે સાફસફાઈ કરીને બીજા મહોલ્લા તરફ આગળ વધે છે. એ બાળકોનો સૌથી મોટો પ્રેરણસ્રોત છે ગામના મોટેરાંઓ. દરેક વ્યક્તિએ પોતપોતાનો વારો વહેંચી લીધો છે. ધારો કે ગામમાં ૨૦ વ્યક્તિ રહે છે તો રસ્તા અને મહોલ્લાની સાફસફાઈ આજે ૧૦ વ્યક્તિનું એક જૂથ કરશે અને આવતી કાલે બીજી ૧૦ વ્યક્તિનું જૂથ. આ રીતે આખા ગામના લોકોએ પોતાની જવાબદારીઓ વહેંચી લીધી છે.
એ જ રીતે આખા ગામને ૩૬૫ દિવસ નહાવા માટે ગરમ પાણી મળી રહે એવી વ્યવસ્થા એક કૉમન સોલર સિસ્ટમ લગાડીને કરવામાં આવી છે. તમે આ ગામમાં પ્રવેશ કરો એટલે તમને નજર સામે વૉશ-બેસિન દેખાશે. એની ઉપરની દીવાલ પર લખ્યું હશે કે ગામને ગંદું કરશો તો ૫૦૦ રૂપિયા દંડ, પાણીનો દુરુપયોગ કરવો નહીં. જોકે આપણે જાણીએ છીએ કે માત્ર આ રીતે બોર્ડ મારી દેવાથી લોકો માની જશે એટલા સદ્ગુણ આપણામાં ક્યારેય આવ્યા નથી. એ માટે આદત પાડવી પડે. તો સાતારા ગામના લોકોએ આ માટે એક ખૂબ સરસ સિસ્ટમ બનાવી છે. દરેક વ્યક્તિને એક ATM કાર્ડ આપવામાં આવ્યું છે. ATM વૉટર કાર્ડ અને ઘરની પાઇપલાઇન સિવાય ગામમાં અનેક સ્થળે પાણીનાં ATM બનાવવામાં આવ્યાં છે જ્યાંથી પાંચ રૂપિયામાં તમે ૧૫ લીટર શુદ્ધ RO વૉટર મેળવી શકો છો. પૈસા ખર્ચ્યા હોય એટલે સ્વાભાવિક રીતે જ પાણીનો બગાડ થાય નહીં અને બગાડ થાય નહીં એટલે પાણીની બચત પણ આપોઆપ થવા માંડે.
જે ગામ પોતાની સામાજિક જવાબદારી અને સમાજવ્યવસ્થાને આટલું મહત્ત્વ આપતાં શીખ્યું હોય એ ગામની આવનારી પેઢી પણ સમજદાર બને એ અત્યંત જરૂરી હોય છે. આથી જ સાતારા ગામમાં એક જાહેર લાઇબ્રેરી બનાવવામાં આવી છે જ્યાં કોઈ પણ વ્યક્તિ ગમે એ સમયે જઈને પોતાને ગમતાં પુસ્તકો વાંચી શકે છે, અભ્યાસ કરી શકે છે. વળી મોટેરાંઓ માત્ર કામમાં જ રચ્યાપચ્યા ન રહે અને એકબીજા સાથેનો સામાજિક સબંધ જળવાઈ રહે, એકબીજાનું સુખ-દુઃખ વહેંચી શકે એ આશય સાથે બન્યું છે એક રિફ્રેશમેન્ટ પૉઇન્ટ જેવું મીટિંગ-સ્થળ. અહીં મોટેરાં અને ખાસ કરીને વૃદ્ધો ભેગા મળે, અલકમલકની વાતો કરે અને મન થાય તો ટીવી પણ જોઈ શકે એ માટે ત્યાં એક ટીવી પણ મુકાયું છે. દરેક મહોલ્લા અને દરેક માર્ગની લાઇટ્સ ઑટોમૅટિક સોલર ટ્રિપિંગ સિસ્ટમ સાથે મૂકવામાં આવી છે. અર્થાત્, અંધારું થતાં લાઇટ્સ એની જાતે ઑન થઈ જાય અને એ બધીયે સોલર સિસ્ટમથી ચાલતી હોય, જેથી વીજળી પણ બચે અને સૂર્યશક્તિનો સદુપયોગ પણ થાય. તમે આખા ગામના કોઈ પણ ઘરમાં આંટો મારી આવો કે કોઈ પણ મહોલ્લામાં ફરી આવો, તમને ક્યાંય એક પણ ટૉઇલેટ ખુલ્લું નહીં જડે. એટલું જ નહીં, સૅનિટાઇઝેશન અને ચોખ્ખાઈનું એટલું ઝીણવટપૂર્વક ધ્યાન રખાય છે કે આખા ગામની મહિલા-દીકરીઓને સૅનિટરી પૅડ્સ પણ મફતમાં વહેંચવામાં આવે છે.


બાળકો રોજ ભીનો કચરો જમા કરી લે છે અને ગામના લોકો બેસી શકે એવો ચોરો.

દંડ ભરવો પડશે

હવે કરીએ સૌથી મોટું આશ્ચર્ય પમાડે એવી વાત. આખા ગામને આટલું સુવ્યવસ્થિત અને સંસ્કારી બનાવવા માટે ગામની બહારથી કોઈ સંસ્થા કે NGO કે સરકાર પાસે એક પણ પૈસાની મદદ લેવાઈ નથી. આ બધી જ વ્યવસ્થા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે ગામના લોકોના જ પૈસાથી. દરેક વ્યક્તિએ પોતાની યથાશક્તિ પ્રમાણે રકમ જમા કરાવી અને શરૂ થયું આ મહાયજ્ઞનું કામ. હજી પણ આ બધીયે વ્યવસ્થાનું મેઇન્ટેનન્સ ગામના લોકો દ્વારા પોતાના પૈસે જ થાય છે. 
આટલું બધું જાણી લીધા પછી એક ખાસ વાતની નોંધ કરાવી દઈએ. જો તમે આ ગામની વાત જાણીને ખુશ થયા હો અને પ્રેરણાના આ સાક્ષાત્ સ્રોતની ક્યારેક મુલાકાત લેવાની ઇચ્છા થઈ તો ધ્યાન રાખજો કે ભૂલમાંય મોઢામાંથી ગાળ કે અપશબ્દો ન નીકળે, કારણ કે સાતારા ગામમાં ગાળ બોલનારને ૫૦૦ રૂપિયાનો દંડ થાય છે.
કહેવાય છે કે પ્રકૃતિ અત્યંત ઉદાર સ્વભાવની છે. એ હંમેશાં આપણને આપતી જ રહે છે અને બદલામાં ક્યારેય કશું માગતી નથી. બસ, એની એક જ અપેક્ષા હોય છે કે આપણે મનુષ્ય કૃતજ્ઞ બનીએ, કૃતઘ્ન નહીં. આપણને બધાને વરસાદી મોસમમાં લીલાંછમ જંગલોમાં કે ઝરણાંઓ નજીક ફરવા જવાનું ગમે છે, પરંતુ ક્યારેય એકાદ ઝાડ વાવવાનો વિચાર આવતો નથી. બધાને સાફ ટૉઇલેટસ, સ્વચ્છ પાણી અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક જોઈએ છે; પણ પોતાની આસપાસની સાફસફાઈ વિશે ક્યારેય વિચારતા નથી. અરે, આપણે એ પ્રજા છીએ જે જરાસરખા હાથ ભીના કે ગંદા થયા હોય તો સટ-સટ આઠ-દસ ટિશ્યુ ખેંચી કાઢતાં પણ અચકાતી નથી. આપણા જેવા કૃતઘ્ન માણસોને ક્યારેક આવા ગામડે જવાનું મન થાય અને કંઈક એક નાની બાબત પણ રોજિંદા જીવનમાં ઉતારવા જેવી લાગે તો શક્ય છે કે બદલાવ આપણા ઘરેથીયે શરૂ થાય.

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2025 04:32 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK