દક્ષિણ તામિલનાડુના તિરુચેન્ડુર–કન્યાકુમારી પટ્ટામાં વસેલું થેરી કાડુ ૧૨,૦૦૦ એકરમાં ફેલાયેલું, એવું સ્થળ છે જેણે દરિયાકાંઠાના ઇતિહાસને રેતીમાં લખીને આજ સુધી સાચવી રાખ્યો છે. દેખાવમાં તો લાલ રંગની રેતી, ફેલાયેલા ટેકરાઓનો વિસ્તાર.
લાલ રંગની રેતીમાં ભૂગર્ભશાસ્ત્રીય રહસ્યો છુપાયેલાં છે અને અરુંચુનાઇ કાથા મંદિર પાસે સુંદર તળાવ આવેલું છે.
રણ જોવા માટે લોકો મોટા ભાગે રાજસ્થાન જાય છે જે પર્યટકોથી ભરેલું હોય છે, પરંતુ તામિલનાડુના લાલ રણ તરીકે જાણીતું થેરી કાડુ એક એવું સુંદર રણ છે જે હજી બહુ જ ઓછા લોકોના ધ્યાનમાં આવ્યું છે. જો બહુ યુનિક રણની મુલાકાત લેવાનું વિચારી રહ્યા હો તો ધાર્મિક, આધ્યાત્મિક અને પ્રકૃતિપ્રેમીઓને આકર્ષતા આ ઓછા જાણીતા રણની ખાસિયતો જાણી લો
ભારત એક વૈવિધ્યસભર ભૂગોળ ધરાવતો દેશ છે જ્યાં મહાસાગર, હરિયાળાં જંગલ, મહાન નદીઓ અને પર્વતો સાથે–સાથે અનોખા રણપ્રદેશો પણ જોવા મળે છે. સામાન્ય રીતે રણ એટલે સૂકું, વેરાન અને ઝાડવૃક્ષ વિનાનો પ્રદેશ એવું માનવામાં આવે છે; પરંતુ ભારતનાં રણો કલ્પના કરતાં ઘણાં અલગ અને વધુ રસપ્રદ છે. રાજસ્થાનનું થાર રણ તો વિશ્વપ્રસિદ્ધ છે જ ત્યારે દક્ષિણ ભારતના તામિલનાડુમાં આવેલી થેરી કાડુ જેવી લાલ રંગની રેતીવાળી અનોખી જમીનરચનાઓ આપણા દેશના ભૂગર્ભવારસાને વિશેષ ગૌરવ આપે છે. આ રણો માત્ર સૂકા પ્રદેશો જ નથી પરંતુ પૃથ્વીનાં પ્રાગૈતિહાસિક પરિવર્તનો, પવનની શક્તિ અને કુદરતી પ્રક્રિયાઓ કેવી રીતે ભૂમિનું સ્વરૂપ ઘડે છે એનાં જીવંત સાક્ષી છે. આજે મુલાકાત લઈએ તામિલનાડુના આ લાલ રણની જેને જોતાં જ લોકોને મંગળ ગ્રહની ધરતી યાદ આવી જાય છે.
ADVERTISEMENT
શા માટે છે આ રણ લાલ?
દક્ષિણ તામિલનાડુના તિરુચેન્ડુર–કન્યાકુમારી પટ્ટામાં વસેલું થેરી કાડુ ૧૨,૦૦૦ એકરમાં ફેલાયેલું, એવું સ્થળ છે જેણે દરિયાકાંઠાના ઇતિહાસને રેતીમાં લખીને આજ સુધી સાચવી રાખ્યો છે. દેખાવમાં તો લાલ રંગની રેતી, ફેલાયેલા ટેકરાઓનો વિસ્તાર; પરંતુ એની અંદર છુપાયેલું ભૂગર્ભશાસ્ત્રીય રહસ્ય એને બહુ વિશેષ બનાવી દે છે. જટિલ ભૌગોલિક પરિસ્થિતિની વચ્ચે આવેલો આ પટ્ટો દરિયાથી થોડે અંતરે હોવા છતાં ભૂતકાળમાં એ સમુદ્રના કિનારાનો જ એક ભાગ હતો. આવી માન્યતા વૈજ્ઞાનિકોની છે. સમય જતાં અહીં જમા થયેલ દરિયાઈ અવસાદો, પવનની લહેરો અને કુદરતી ક્ષયપ્રક્રિયાઓએ મળીને આ લાલ ટેકરાઓને આકાર આપ્યો છે. થેરી કાડુની માટીમાં હિમેટાઇટ નામનું લોખંડયુક્ત ખનિજ વધારે પ્રમાણમાં છે. આ હિમેટાઇટ મૂળે ગાર્નેટ ખનિજમાંથી ઉત્પન્ન થયું છે. લોખંડ ધરાવતા આ સૂક્ષ્મ કણો હવા અને ભેજ સાથે ક્રિયા કરીને માટીને તીવ્ર લાલ રંગ આપે છે. વધુમાં અહીંની રેતીમાં ઇલ્મેનાઇટ જેવાં ભારે ખનીજો પણ મિશ્રિત છે, જે એને વિશિષ્ટ દેખાવ આપે છે. આ કારણે થેરી કાડુને ‘રેડ ડેઝર્ટ ઑફ તામિલનાડુ’ પણ કહેવામાં આવે છે. અહીંની માટીમાં પ્રાચીન વનસ્પતિનાં મૂળોને બદલે કૅલ્શિયમના સ્તરો રચાઈ ગયા છે જે ભૂતકાળના પર્યાવરણની એક ઝાંખી આપે છે.

પામ ટ્રીની બખોલમાં રહેતાં પંખીઓ અને લગભગ ૧૨,૦૦૦ એકરમાં આ રણ ફેલાયેલું છે.
ટેકરીઓ કેવી રીતે બની?
રૉબર્ટ બ્રુસ ફૂટ એક પ્રસિદ્ધ અંગ્રેજ ભૂગર્ભશાસ્ત્રી અને પુરાતત્ત્વવિદ હતા, તેમને ભારતીય પુરાપાષાણ યુગના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમણે દક્ષિણ ભારતમાં વ્યાપક રીતે ભૂગર્ભ-સર્વેક્ષણો કર્યાં હતાં અને ખાસ કરીને તામિલનાડુ, કેરલા અને કર્ણાટક જેવા વિસ્તારોમાં પ્રાચીન ભૂસ્તરીય રચનાઓ, પથ્થરયુગનાં સાધનો અને રેતીના ટેકરાઓનો અભ્યાસ કર્યો હતો. થેરીની લાલ રેતાળ ટેકરીઓ વિશે તેમણે સૌથી પહેલાં વૈજ્ઞાનિક અભ્યાસ કર્યો હતો અને તેમના વર્ણનને આજે પણ મુખ્ય સંદર્ભ માનવામાં આવે છે. તેમની સમજૂતી મૂજબ આ ટેકરીઓ પવનની સતત ક્રિયાથી બની છે. પૂર્વ તરફના વિસ્તારોમાંથી પવન સૂક્ષ્મ ગારાના કણો લાવ્યો અને લાંબા સમય દરમિયાન આ કણોએ એકઠા થઈને ટેકરીઓનું સ્વરૂપ ધારણ કર્યું. એટલે જ આ ટેકરીઓ દરિયાકિનારાની દિશામાં સમાનાંતર રીતે લંબાયેલી દેખાય છે.
કેવી રીતે પહોંચી શકાય?
થેરી કાડુની મુલાકાત લેવા માટે ઑક્ટોબરથી માર્ચનો સમયગાળો ઉત્તમ માનવામાં આવે છે કારણ કે વાતાવરણ અનૂકુળ હોય છે. અહીં પહોંચવું સરળ અને સુવિધાજનક છે. રસ્તા દ્વારા એ તિરુચેંદુરથી લગભગ ૧૫ કિલોમીટર દૂર આવેલું છે અને થુથુકુડી તથા તિરુનેલવેલીમાંથી સરળતાથી પહોંચી શકાય છે. રેલવે દ્વારા આવવાનું વિચારો તો તિરુચેંદુર રેલવે-સ્ટેશન સૌથી નજીકનું છે જે તામિલનાડુનાં મોટાં શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. હવાઈ માર્ગે આવનારાઓ માટે થુથુકુડી ઍરપોર્ટ સૌથી નજીક છે જે અહીંથી લગભગ ૬૦ કિલોમીટર દૂર આવેલું છે.
અધ્યાત્મ માટે પણ જાણીતો આ વિસ્તાર
અરુંચુનાઇ કાથા અય્યાનાર મંદિર તામિલનાડુમાં થેરી કાડુના મેલાપુથુકુડી / અમ્મનપુરમ ગામ પાસે આવેલું છે. ગામની આસપાસના વિસ્તારોમાં રહેતા કેટલાક સમુદાયોના લોકો અય્યાનાર દેવને પોતાના કુળદેવ તરીકે પૂજા કરે છે. મંદિર પાસે એક કુદરતી પાણીનો સ્રોત છે જેને સુનાઇ પણ કહેવાય છે. એ ખાસ કરીને ભગવાન અય્યાનાર સાથે સંકળાયેલું મનાય છે. મૂળ રીતે આ પાણીના સ્રોતને જીવનદાયી માનવામાં આવે છે અને કહેવાય છે કે અય્યાનાર દેવે અહીંના લોકોના રક્ષણની જવાબદારી લીધી છે. એટલે અરુંચુનાઇ કાથા એટલે સુરક્ષા કરનાર દેવ એવો અર્થ કરવામાં આવે છે.

ચોતરફ લાલ રેતીની વચ્ચેથી પસાર થતો રસ્તો પણ સુંદર દેખાય છે અને અરુંચુનાઇ કાથા અય્યાનાર મંદિર અહીં કુળદેવ તરીકે પૂજાય છે.
પ્રકૃતિપ્રેમીઓ શા માટે આ રણ શોધે છે?
લાલ રંગની રેતાળ ટેકરીઓ અને જમીન વનસ્પતિ અને પ્રાણીઓ માટે એક અલગ જ ઇકોસિસ્ટમ ઊભી કરે છે. જંગલમાં લીલો અને લાલ રંગનો વિરોધાભાસ થાય છે તેથી વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓની શક્યતા વધી જાય છે. સુંદર પામ અને કાજુનાં વૃક્ષો આ વિસ્તારના સૌંદર્યમાં વધારો કરે છે. અહીં બ્લૅક રમ્પ્ડ ફ્લેમબૅક વુડપેકર, લિટલ ગ્રીન બી-ઈટર, બ્લુ-ફેસ્ડ માલકોહા, ગ્રે ફ્રેન્કોલિન જેવાં પક્ષીઓ જોવા આવે છે. અહીંનાં સૂકાં પામ ટ્રીની બખોલમાં સ્પૉટેડ આઉલેટનું જોડકું પણ દેખાઈ જશે. એ સિવાય બ્લુ ટાઇગર અને પ્લેન ટાઇગર જેવાં પતંગિયાંઓ પણ ફૂલોના છોડમાંથી નેક્ટર ચૂસતા દેખાશે. થેરી કાડુ ઇકોસિસ્ટમ અનોખા પ્રકારની ગરોળીઓ માટે બહુ જ અનુકૂળ છે. ફેન-થ્રોટેડ લિઝર્ડ જેનું ગળું ચટાકેદાર જાંબલી રંગનું હોય છે. આ ગરોળીનો બાહ્ય દેખાવ અહીંની યુનિક ઇકોસિસ્ટમનો સંકેત છે. અહીં લાલ રેતાળ ટેકરીઓમાં મોરને દોડતા જોઈને એક અલગ જ અનુભૂતિ થશે.


