શારીરિક કસરત તો થાય જ અને સાથે બૌદ્ધિક તથા આત્મિક બેનિફિટ્સ પણ ખરા
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા, માઇક્રોસૉફ્ટવાળા બિલ ગેટ્સ, ઍમૅઝૉનના સ્થાપક જેફ બેઝોસ અને મહાન લેખિકા અગાથા ક્રિસ્ટી - આ બધાં અલગ-અલગ ક્ષેત્રના માંધાતા હોવા છતાં તેમની વચ્ચે એક સામ્ય શું છે એ ખબર છે? આ બધાંએ ક્યારેક ઘરે જાતે વાસણ ધોયાં છે અને આ વાતનો તેમણે જાહેરમાં એકરાર પણ કર્યો છે. થોડા સમય પહેલાં બિલ ગેટ્સે ‘આસ્ક મી ઍનિથિંગ’ સેશનમાં સ્પષ્ટતા કરી હતી કે એક સમયે તેઓ દરરોજ રાત્રે પોતાનાં વાસણો ધોઈ નાખતા હતા.
‘રહસ્યકથાની રાણી’ તરીકે ઓળખાતી લોકપ્રિય લેખિકા અગાથા ક્રિસ્ટીએ ૧૧૦ પુસ્તકો લખ્યાં છે અને એનું ૧૦૩ ભાષામાં રૂપાંતર થયું છે. તેમણે એક ઠેકાણે કહ્યું હતું કે મને વાસણ ધોતી વખતે જ નવી કથાના પ્લૉટ સૂઝે છે.
ADVERTISEMENT
આપણે ત્યાં પતિ-પત્ની પર ઘણા જોક્સ બને છે એમાંનો એક જોક બહુ પ્રચલિત છે કે...
પતિ ઘરે આવીને પત્નીને હુકમ કરે છે,
ચાલ ફટાફટ પાણી ગરમ કર... કારણ કે...
મને ઠંડા પાણીથી વાસણ ધોવાનું નહીં ફાવે.
જોકે આ જોક હકીકત બને તો પણ પતિએ કશું ગુમાવવાનું નથી જ, ઊલટાનું કંઈક મેળવવાનું છે; કારણ કે હાલનું સંશોધન જણાવે છે કે વાસણ ધોવાથી ઉપકરણોની સાફસફાઈ અને શારીરિક કસરત થાય જ છે અને સાથે કેટલાક બૌદ્ધિક અને આત્મિક ફાયદા પણ થાય છે.
અમેરિકાના શહેર સૅન્ટા બાર્બરામાં આવેલી યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાના સંશોધકો જણાવે છે કે જ્યારે પણ તમે કોઈ ઓછી મહેનતવાળી હળવી પ્રવૃત્તિ વારંવાર કરો છો ત્યારે તમારું મગજ મુક્તપણે વિહરવા માંડે છે. આ મગજની એવી સ્થિતિ હોય છે જે સર્જનાત્મકતા અને સમસ્યાનો હલ શોધવા સાથે સંકળાયેલી હોય છે. જ્યારે કોઈ કાર્યને વધુપડતા શ્રમ કે તનાવની જરૂરત ન હોય ત્યારે હાથ તો પોતાનું કામ કરતા રહે છે પણ મગજમાં DMN અર્થાત્ ડિફૉલ્ટ મોડ નેટવર્ક ઉત્તેજિત થાય છે.
આ એક એવું બૌદ્ધિક એન્જિન છે જે જ્યારે તમે સક્રિય રીતે કે સભાનપણે કંઈ વિચારતા ન હો ત્યારે જ શરૂ થાય છે. મતલબ કે તમારી કંપનીના બોર્ડરૂમમાં કોઈ મુદ્દા વિશે વિચારવા ભેગા થયા હો ત્યારે સક્રિય ન થાય પરંતુ નહાતી વખતે, વાસણ ધોતી વખતે કે કપડાંની ગડી કરતી વખતે અચાનક સક્રિય થાય અને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થાય; કંઈક નવું વિચારવાની પ્રેરણા મળી જાય.
મહાત્મા ગાંધી જેવા અનેક મહાનુભાવો પણ ટૉઇલેટ સાફ કરવાથી માંડીને ઘરનાં ઘણાં કામ જાતે કરતા. એમ લાગે છે કે આવાં કાર્યો દરમ્યાન જ તેમને એવા ઘણા સર્જનાત્મક અને ક્રાન્તિકારી વિચારો જરૂર આવ્યા હશે જે પૂરી દુનિયા માટે માર્ગદર્શકરૂપ બની ગયા.
વાસણ ધોવા જેવાં રોજિંદાં કાર્યો જાતે કરવાથી કેવા બૌદ્ધિક અને આત્મિક ફાયદા થાય છે એ હવે આપણે જોઈએ...
મનની એકાગ્રતા વધે છે
કોઈ એક સરળ કામમાં વ્યસ્ત રહેવાથી અને એ કામનું પુનરાવર્તન કરવાથી મગજ એકાગ્ર બને છે અને બાહ્ય વિક્ષેપથી વારંવાર વિચલિત થતું નથી.
આપણું મન વાંદરા જેવું અતિ ચંચળ છે. એ કાયમ એક વિચાર પરથી બીજા વિચારો પર કૂદકા માર્યા કરે છે, પરંતુ વાસણ ધોવા કે કપડાંની ગડી કરતી વખતે આપણા હાથ એની મેળે કામ કરતા રહે છે અને મગજ કોઈ સમસ્યાનું સમાધાન મેળવી લેવા વધુ કાર્યક્ષમ બને છે.
મગજ શાંત રહે છે
એકના એક કાર્યનું પુનરાવર્તન અને એનાથી સધાતો તાલ (રિધમ) મગજને શાંત કરીને મેડિટેશન (ધ્યાન)ની કક્ષાએ લઈ જાય છે. આનાથી મગજને પરમ શાંતિ મળે છે. પાણીનો ધીમો ખળખળ વહેતો તાલબદ્ધ અવાજ પણ આપણી પૅરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમને ઉત્તેજિત કરે છે અને આ અવાજ સાંભળવાથી મન શાંતિ અને આનંદનો અનુભવ કરે છે. પાણીનો આ ધીમો અવાજ અને એકસરખી વહેતી ધાર ઉપયોગી છે એટલે ઘણા લોકોને નહાતી વખતે જ સર્જનાત્મક વિચારો આવે છે કે કોઈ સમસ્યાનું એ વખતે સમાધાન મળી જાય છે.
પૂર્ણ પ્રાપ્તિનો આનંદ મળે છે
જ્યારે-જ્યારે આપણે વાસણ જેવી વસ્તુઓને સ્વચ્છ કરી વ્યવસ્થિત ગોઠવતા હોઈએ ત્યારે આંખને તો સારું લાગે જ છે ઉપરાંત કોઈ પૂર્ણતાની પ્રાપ્તિનો આનંદ મળે છે. આપણો મૂડ સુધરે છે.
ક્યારેક એક કરતાં વધુ કાર્યો કરવાનાં હોય ત્યારે આપણે નક્કી નથી કરી શકતા કે આપણે કયું કામ પહેલાં કરવું ત્યારે વે૨વિખેર પડેલાં અખબાર કે પુસ્તકો વ્યવસ્થિત કરવાથી કે કપડાંની ગડી વાળીને યોગ્ય જગ્યાએ ગોઠવી દેવાથી મન એકાગ્ર અને શાંત બને છે. ત્યાર બાદ મોટા નિર્ણયો લેવાની કે કાર્યો કરવાની સૂઝ પડે છે.
સર્જનાત્મકતા વધે છે
આપણે જ્યારે એકનું એક સરળ કામ સતત કરતા હોઈએ ત્યારે આપણા હાથ તો એ કામ કરતા હોય છે પરંતુ આપણું મગજ આમતેમ ભટકવા માટે અને નવા કાર્યસંબંધો સાધવા માટે બિલકુલ મુક્ત રહે છે.
વાસણ ધોતી વખતે આપણી અનેક ઇન્દ્રિયો જેમ કે હાથ, આંખ, નાક કાર્યરત હોય છે. આને કારણે મગજ જલદી ઉત્તેજિત થઈ જાય છે અને સર્જનાત્મક વિચારોને વેગ મળે છે.
આપણે ત્યાં કામવાળી એક દિવસ ન આવે તો આપણે હાંફળાફાંફળા થઈ જઈએ છીએ, પરંતુ એ દિવસે મન શાંત રાખીને આપણે જાતે ઘરકામ કરી લઈએ તો સરવાળે લાભ જ થાય છે. નુકસાન તો જાણે કશું છે જ નહીં.
અંતે એક જોક માણીને વિરમીએ...
કામવાળી : હમણાં તમે થોડા
દિવસ અમેરિકામાં છો એવું તમને ફીલ થશે.
મારી પત્નીએ પૂછ્યું : કેમ?
કામવાળી : હું એક અઠવાડિયું નથી આવવાની.


