જોકે શું ફક્ત પાણી પીવાથી જ શરીર હાઇડ્રેટેડ રહે છે? ના
પ્રતીકાત્મક તસવીર
ઉનાળાની શરૂઆત થતાં જ આપણે પાણીની બૉટલ સાથે રાખવાનું શરૂ કરી દઈએ છીએ. તરસ લાગે કે નહીં, વધારે પાણી પીવું જોઈએ એ વિચાર આપણા મનમાં બેસી ગયો છે. જોકે શું ફક્ત પાણી પીવાથી જ શરીર હાઇડ્રેટેડ રહે છે? ના, હાઇડ્રેટેડ રહેવા માટે ફક્ત પાણી પૂરતું નથી, એની સાથે જરૂરી મિનરલ્સનું બૅલૅન્સ રાખવું પણ જરૂરી છે.
ઉનાળામાં થાક લાગે, ચક્કર આવે, માથાનો દુખાવો થાય કે અચાનક નબળાઈ અનુભવાય ત્યારે આપણે સામાન્ય રીતે ગરમીની અસર માની લઈએ છીએ અને એના ઉપાય તરીકે વધુ પાણી પીએ છીએ. જોકે ઘણી વાર સમસ્યા પાણીની કમીની નહીં, ખોટી હાઇડ્રેશન હૅબિટ્સની હોય છે. આવું ન થાય એ માટે સ્માર્ટ હાઇડ્રેશન અપનાવવું જરૂરી છે. એ માટે શું કરવું જોઈએ તેમ જ કઈ ભૂલો કરવાનું ટાળવું જોઈએ એ વિશે આપણે ડાયટિશ્યન સકીના પાત્રાવાલા પાસેથી વિગતવાર માહિતી લઈ લઈએ.
ADVERTISEMENT
સ્માર્ટ હાઇડ્રેશન એટલે શું?
સ્માર્ટ હાઇડ્રેશન એટલે ફક્ત તરસ લાગે ત્યારે પાણી પીવું નહીં; શરીરની જરૂરિયાતને સમજીને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં જરૂરી મિનરલ્સ જેમ કે સોડિયમ, પોટૅશિયમ અને મૅગ્નેશિયમનું સંતુલન જાળવવું. ઉનાળામાં પરસેવા દ્વારા શરીરમાંથી ફક્ત પાણી જ નહીં, આ મિનરલ્સ પણ બહાર નીકળી જાય છે. જો આપણે ફક્ત પાણી પીતા રહીએ અને આ મિનરલ્સની ભરપાઈ ન કરીએ તો શરીર અંદરથી અસંતુલિત થઈ શકે છે. એટલે સ્માર્ટ હાઇડ્રેશનનો અર્થ છે ક્યારે, કેટલું અને શું પીવું એ વિશે સમજદારીથી પસંદગી કરવી જેથી શરીર સાચે જ એનર્જેટિક અને બૅલૅન્સમાં રહે.
કેમ સ્માર્ટ હાઇડ્રેશન જરૂરી?
શરીરમાં પાણી અને મિનરલ્સ (ઇલેક્ટ્રોલાઇટ્સ)નું સંતુલન બગડવાથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે. આ મિનરલ્સનું પ્રમાણ ખૂબ વધી જાય કે ઘટી જાય ત્યારે શરીરની આંતરિક પ્રક્રિયાઓ ખોરવાય છે. શરીરમાં થતી પાચનક્રિયા અને ચયાપચયની પ્રક્રિયામાં આ મિનરલ્સ મહત્ત્વનો ભાગ ભજવે છે, જે સંતુલન બગડતાં પ્રભાવિત થાય છે. પોટૅશિયમ અને મૅગ્નેશિયમ જેવાં મિનરલ્સની ઊણપથી સ્નાયુઓમાં ખેંચાણ આવે છે. આ સિવાય હાથ-પગમાં ઝણઝણાટી થવી કે આંગળીઓ જકડાઈ જવી જેવાં લક્ષણો પણ જોવા મળે છે. મગજમાંથી શરીરને મળતાં નર્વ સિગ્નલ્સ માટે મિનરલ્સ જરૂરી હોય છે એમાં ઇમ્બૅલૅન્સ થવાને કારણે માથું ભારે લાગવું, ચક્કર આવવાં, વારંવાર માથાનો દુખાવો થવો અને માનસિક થાક લાગવો જેવી સમસ્યાઓ સર્જાય છે. હૃદયના ધબકારાને નિયમિત રાખવા માટે મિનરલ્સનું યોગ્ય સ્તર હોવું અનિવાર્ય છે. એનું અસંતુલન હૃદયના ધબકારાને અનિયમિત બનાવી શકે છે, જે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. આપણા શરીરના કોષોમાં અમુક અંશે પાણી હોય છે. મિનરલ ઇમ્બૅલૅન્સ થવાથી કોષોની અંદર રહેલા ફ્લુઇડનું બૅલૅન્સ પણ ખોરવાય છે જે શરીરની એકંદર કાર્યક્ષમતા ઘટાડે છે. સ્માર્ટ હાઇડ્રેશન દ્વારા આ મિનરલ્સનું સંતુલન જાળવવું એ માત્ર તરસ છિપાવવા માટે જ નહીં, શરીરનાં બધાં અંગોને સુરક્ષિત રાખવા માટે જરૂરી છે.
સ્માર્ટ હાઇડ્રેશન માટે શું કરવું?
સ્માર્ટ હાઇડ્રેશન માટે શું પીવું જોઈએ એ સમજવું એટલું જ મહત્ત્વનું છે જેટલું પાણી પીવું. ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે ફક્ત સાદું પાણી પૂરતું નથી, એવાં પીણાં પસંદ કરવાં જોઈએ જેમાંથી કુદરતી રીતે ઇલેક્ટ્રોલાઇટ્સ મળે. જેમ કે છાશ. એ શરીરને ઠંડક આપે છે અને સોડિયમનું બૅલૅન્સ જાળવે છે. નારિયેળપાણી પોટૅશિયમથી ભરપૂર હોય છે અને તાજગી સાથે હાઇડ્રેશન આપે છે અને લીંબુપાણીમાં થોડું મીઠું ઉમેરવાથી એ નૅચરલ ઇલેક્ટ્રોલાઇટ ડ્રિન્ક બની જાય છે. આ સિવાય તાજાં ફળોનો રસ (શુગર વગર) અથવા આમ પન્ના, કોકમ શરબત, સત્તુ શરબત જેવાં ઘરગથ્થુ પીણાં પણ શરીરને જરૂરી મિનરલ્સ પૂરાં પાડવામાં મદદરૂપ થાય છે.
કઈ ભૂલો કરવાનું ટાળવું?
ઉનાળામાં સ્માર્ટ હાઇડ્રેશન માટે શું પીવું એ જાણવું જેટલું મહત્ત્વનું છે એટલું જ શું ટાળવું એ સમજવું પણ જરૂરી છે. ઘણી વાર આપણે ઠંડક મેળવવા માટે કોલ્ડ ડ્રિન્ક, પૅકેજ્ડ જૂસ અથવા એનર્જી ડ્રિન્ક્સ તરફ વળી જઈએ છીએ, પરંતુ એમાં રહેલી વધારે શુગર અને કેમિકલ્સ શરીરને સાચી રીતે હાઇડ્રેટ કરતાં નથી અને ઊલટું ડીહાઇડ્રેશન વધારી શકે છે. વધુ કૅફીનવાળાં પીણાં જેમ કે વધારે ચા કે કૉફી પણ શરીરમાં પાણીની કમી વધારી શકે છે. સાથે-સાથે બહુ મસાલેદાર, તળેલું અને પ્રોસેસ્ડ ફૂડ પણ શરીરમાં ગરમી વધારતાં હોય છે અને હાઇડ્રેશનના બૅલૅન્સને અસર કરે છે. એટલે ઉનાળામાં શરીરને ઠંડક અને સંતુલન આપતા કુદરતી વિકલ્પો પસંદ કરવા અને પચવામાં સાદું અને હળવું ભોજન લેવું જરૂરી છે.
શરીરના સંકેતો સમજો
ઉનાળામાં ડીહાઇડ્રેશન અથવા શરીરમાં મિનરલ્સના ઇમ્બૅલૅન્સના સંકેતો ઘણી વાર છૂપી રીતે દેખાતા હોય છે, જેને આપણે સામાન્ય થાક કે ગરમીની અસર માની લઈએ છીએ. દિવસ દરમ્યાન અચાનક ઊર્જાની કમી લાગવી, વારંવાર માથાનો દુખાવો થવો, ચક્કર આવવાં અથવા ઊભા થતી વખતે આંખો સામે અંધારું છવાઈ જવું આ બધું શરીર તરફથી મળતા સંકેતો હોઈ શકે છે. કેટલીક વાર વધારે પરસેવો આવવાથી શરીર નબળું પડી જાય છે, મસલ-ક્રૅમ્પ્સ થાય છે અથવા હૃદયના ધબકારા થોડા ઝડપી લાગે છે. મોઢું સુકાઈ જવું, ચીડિયાપણું વધવું કે ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવવી જેવી સમસ્યા પણ થઈ શકે છે. જો આ સંકેતોને સમયસર સમજવામાં ન આવે તો શરીર અંદરથી વધુ અસંતુલિત બની શકે છે. એટલે માત્ર પાણી પીવા પર જ નહીં, યોગ્ય હાઇડ્રેશન પર પણ ધ્યાન આપવું જરૂરી બની જાય છે.
તરસની રાહ ન જુઓ
ઉનાળામાં હાઇડ્રેશન વિશે એક મહત્ત્વની વાત એ છે કે તરસ લાગે એની રાહ જોવી નહીં, કારણ કે તરસ લાગે ત્યારે શરીર પહેલેથી જ થોડું ડીહાઇડ્રેટ થઈ ચૂક્યું હોય છે. એકસાથે એક લીટર પાણી પીવાને બદલે આખા દિવસ દરમ્યાન થોડું-થોડું પાણી પીવું જોઈએ. દિવસ દરમ્યાન તમે કેટલું પાણી પીધું એનું ધ્યાન રાખવા માટે પોતાની પાણીની બૉટલ સાથે રાખવી જોઈએ. જો તમે જિમ જતા હો કે વધુ કસરત કરતા હો તો પરસેવા દ્વારા ગુમાવેલા પાણી અને મિનરલ્સની ભરપાઈ કરવા માટે વધુ પ્રવાહી લેવું જરૂરી છે. પેશાબનો રંગ ઘાટો પીળો થવો કે એનું પ્રમાણ ઘટવું એ ડીહાઇડ્રેશનના સંકેત છે, જે જણાય ત્યારે તરત જ પ્રવાહીનું સેવન વધારવું જોઈએ.
રિફ્રેશિંગ ઇલેક્ટ્રોલાઇટ ડ્રિન્ક રેસિપી
ક્લાસિક લેમનેડ : આ પીણું પોટૅશિયમ અને મૅગ્નેશિયમથી ભરપૂર છે. એના માટે બે કપ નારિયેળપાણી, ૧ કપ સાદું પાણી, ૧ આખા લીંબુનો રસ, ૧/૪ ચમચી મીઠું, ૧ ચમચી મધ લો.
ઑરેન્જ-જિંજર રિફ્રેશર : આ ડ્રિન્ક વિટામિન C અને પાચન માટે ઉત્તમ છે. એના માટે ૧ કપ નારંગીનો રસ, ૧ કપ પાણી, ૧/૪ ચમચી સિંધવ મીઠું, ૧/૨ ચમચી છીણેલું આદું, ૧ ચમચી મધ અથવા ખાંડ લો.
વૉટરમેલન મિન્ટ કૂલર : તરબૂચમાં કુદરતી રીતે લાયકોપિન અને હાઇડ્રેશન વધારે હોય છે. આ ડ્રિન્ક બનાવવા માટે ૧ કપ તરબૂચનો રસ, ૧/૨ કપ પાણી, ચપટી મીઠું, થોડો લીંબુનો રસ લો.
તમને ખબર છે?
૧. ફક્ત પાણી પીવાથી તરસ છિપાય છે, પણ કોષોનું હાઇડ્રેશન થતું નથી. એક રિસર્ચ અનુસાર જે લોકો સાદા પાણીની જગ્યાએ ઇલેક્ટ્રોલાઇટ-રિચ પીણાં લે છે તેમની કાર્યક્ષમતા તડકામાં પચીસ ટકા વધુ રહે છે.
૨. સર્વે જણાવે છે કે શરીરમાં માત્ર એક ટકાથી બે ટકા જેટલી પાણીની કમી થાય ત્યારે સૌથી પહેલાં તમારી કૉગ્નિટિવ ક્ષમતા એટલે કે યાદશક્તિ અને નિર્ણય લેવાની શક્તિ ઘટે છે. એટલે જો તમને ઉનાળામાં બપોરે કામમાં ભૂલો થતી હોય તો એ આળસ નથી પણ મગજનું ડીહાઇડ્રેશન છે.
૩. એક રિસર્ચ મુજબ તરબૂચ, કાકડી અને પાલક જેવી શાકભાજીમાં રહેલું પાણી સાદા પાણી કરતાં વધુ અસરકારક છે, કારણ કે આ ખોરાકમાં પાણી સ્ટ્રક્ચર્ડ ફૉર્મમાં હોય છે જે શરીરમાં ધીમે-ધીમે રિલીઝ થાય છે અને લાંબા સમય સુધી હાઇડ્રેશન જાળવી રાખે છે.
૪. જ્યારે શરીરમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ ઘટે છે ત્યારે લોહી જાડું થવા લાગે છે. એને કારણે હૃદયને એને પમ્પ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. એક અભ્યાસ મુજબ સાધારણ ડીહાઇડ્રેશન પણ તમારા હૃદયના ધબકારા મિનિટદીઠ દસથી ૧૫ વધારી શકે છે.
૫. આપણા સાંધામાં રહેલો કાર્ટિલેજ એટલે કે ગાદી જેવો ભાગ અંદાજે ૮૦ ટકા પાણીનો બનેલો હોય છે. જ્યારે તમે ડીહાઇડ્રેટેડ હો ત્યારે આ ગાદી સુકાવા લાગે છે અને હાડકાં વચ્ચે ઘર્ષણ વધે છે. એટલે પૂરતું પાણી પીવું અને મિનરલ્સ લેવાં એ તમારા શરીરના સાંધાઓ માટે ગ્રીસિંગ જેવું કામ કરે છે.
