જે વ્યક્તિને પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ છે એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો પ્રૉબ્લેમ રહેવાનો જ જે આગળ જતાં ડાયાબિટીઝનું રૂપ લઈ શકે છે
પ્રતીકાત્મક તસવીર
ઇન્ફર્ટિલિટી આજના સમયની વધતી જતી સમસ્યા છે અને આજકાલ એની પાછળ જે કારણ મુખ્ય રીતે જોવા મળી રહ્યું છે એ છે પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ. સમજવા જેવી વાત એ છે કે જેટલાં કારણો પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ માટે જવાબદાર છે એ લગભગ બધાં જ કારણો એનાં પરિણામો પણ છે. એટલે કે જેને કારણે આ રોગ થઈ શકે છે, આ રોગ થયા પછી એના પરિણામ સ્વરૂપે આ દરેક વસ્તુ સામે આવી શકવાની પૂરી શક્યતા છે. જેમ કે ઓબેસિટીને કારણે આ રોગ થઈ શકે છે અને આ રોગ થયા પછી અચાનક વજન વધે એવું પણ બને. અને જો રોગ થયા પછી વજન વધ્યું તો આ રોગ વકરી શકે છે. આમ આ રોગ અને એનાં પરિણામો વચ્ચે એક કૉમ્પ્લેક્સ રિલેશન છે. જેવું ઓબેસિટીનું છે એવું જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, બ્લડપ્રેશર, કૉલેસ્ટરોલનું છે. વળી આ રોગને કારણે આવતી ઇન્ફર્ટિલિટી આ રોગની સૌથી મોટી અડચણ છે. જે સ્ત્રીને આ રોગના ઇલાજ પછી પ્રેગ્નન્સી રહી હોય તેનામાં મિસકૅરેજની શક્યતા ઘણી વધારે રહે છે. આ ઉપરાંત પ્રેગ્નન્સી દરમિયાન થતા ડાયાબિટીઝ અને બ્લડપ્રેશરના પ્રૉબ્લેમ્સની શક્યતા પણ રહે છે જેથી આવી સ્ત્રીઓને ફક્ત કન્સીવ કરવાનો જ પ્રૉબ્લેમ નથી, પરંતુ પ્રેગ્નન્સી દરમિયાન પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી બને છે.
જો ઘરમાં કોઈને આ પ્રૉબ્લેમ હોય તો જિનેટિકલી સ્ત્રીમાં આ પ્રૉબ્લેમ આવી શકે છે. આથી પહેલેથી આ બાબતે સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે જિનેટિકલ કારણોને આપણે ટાળી શકવાના નથી, પરંતુ આપણી લાઇફસ્ટાઇલ એવી રાખવી જેનાથી એન્વાયર્નમેન્ટલ કારણો એને નડે નહીં અને રોગ વકરે નહીં. આ રોગ આજકાલ ૧૬-૧૭ વર્ષની છોકરીઓમાં પણ જોવા મળે છે. આટલી નાની ઉંમરમાં થતા આ પ્રૉબ્લેમને ડૉક્ટરના માર્ગદર્શન અને વ્યવસ્થિત લાઇફસ્ટાઇલ દ્વારા કન્ટ્રોલ કરી શકાય છે. જરૂરી છે કે એને જલદી ડિટેક્ટ કરી શકાય. એટલે કે એ એના શરૂવાતી સ્ટેજમાં હોય ત્યારે ડિટેક્ટ થઈ જાય તો ઇલાજ સરળ બની શકે છે.
ADVERTISEMENT
જે વ્યક્તિને પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ છે એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો પ્રૉબ્લેમ રહેવાનો જ જે આગળ જતાં ડાયાબિટીઝનું રૂપ લઈ શકે છે. આ વ્યક્તિને દવાની સાથે-સાથે સ્ટ્રિક્ટ ડાયટ અને એક્સરસાઇઝ પણ ફૉલો કરવી ખૂબ જરૂરી છે. સ્ત્રીઓની રીપ્રોડક્ટિવ એજમાં એટલે કે ૨૦થી ૩૫ વર્ષની ઉમરમાં વધુપડતું સ્ટ્રેસ તેના માટે અને તેના બાળક માટે ઘણું જ નુકસાનદાયક હોય છે. ખાસ કરીને વર્કિંગ વુમને પોતાના સ્ટ્રેસને મૅનેજ કરતાં શીખવું ખૂબ જરૂરી છે. આ રોગ એક વખત કાબૂમાં આવે અને પછી સ્ત્રી પ્રેગ્નન્ટ થાય ત્યાર બાદ ફરી પાછો આવવાની શક્યતા ઓછી છે પરંતુ જો ફરીથી એ જ જૂની લાઇફસ્ટાઇલ અપનાવવામાં આવે તો એ પાછો પણ ફરી શકે છે.

