Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > દોડતાં-દોડતાં કે દોડ્યા પછી કચોરી, પેસ્ટ્રી, મોદક ખાવાનો ટ્રેન્ડ ઇન્ટરેસ્ટિંગ તો છે, પણ શું હેલ્ધી છે?

દોડતાં-દોડતાં કે દોડ્યા પછી કચોરી, પેસ્ટ્રી, મોદક ખાવાનો ટ્રેન્ડ ઇન્ટરેસ્ટિંગ તો છે, પણ શું હેલ્ધી છે?

Published : 27 October, 2026 10:54 AM | Modified : 27 October, 2026 10:56 AM | IST | Mumbai
Laxmi Vanita

ફિટનેસ ઍક્ટિવિટીઝમાં આજકાલ એક ટ્‍‌વિસ્ટ જોવા મળી રહ્યો છે. રનિંગની સાથે ફૂડ-આઇટમોને પણ જોડવામામાં આવે છે. કચોરી, મોદક, પેસ્ટ્રી, કૉફી, તિરામિસુ, પીત્ઝા અને બરીટોઝ જેવી મનપસંદ વાનગીઓને દોડ સાથે જોડીને ફન ફૂડ રનનો ટ્રેન્ડ ભારતમાં વધી રહ્યો છે.

બિકાનેરમાં કચોરી રન, મુંબઈમાં થયેલી મોદક રન

બિકાનેરમાં કચોરી રન, મુંબઈમાં થયેલી મોદક રન


દોડતાં-દોડતાં કે દોડ્યા પછી કચોરી, પેસ્ટ્રી, મોદક ખાવાનો ટ્રેન્ડ ઇન્ટરેસ્ટિંગ તો છે, પણ શું હેલ્ધી છે?

ફિટનેસ ઍક્ટિવિટીઝમાં આજકાલ એક ટ્‍‌વિસ્ટ જોવા મળી રહ્યો છે. રનિંગની સાથે ફૂડ-આઇટમોને પણ જોડવામામાં આવે છે. કચોરી, મોદક, પેસ્ટ્રી, કૉફી, તિરામિસુ, પીત્ઝા અને બરીટોઝ જેવી મનપસંદ વાનગીઓને દોડ સાથે જોડીને ફન ફૂડ રનનો ટ્રેન્ડ ભારતમાં વધી રહ્યો છે. ફિટનેસ માટે દોડતાં-દોડતાં મનપસંદ વાનગી સુધી પહોંચવાની આ રીત ખરેખર કેટલી સ્વાસ્થ્યવર્ધક છે? શું આવી દોડ પાચનતંત્ર અને શરીર માટે ફાયદાકારક છે કે પછી માત્ર મજાનું બહાનું? એ ‌વિશે જાણીએ નિષ્ણાતો પાસેથી



ભારતમાં તાજેતરમાં રનિંગ ક્લબના સમાચાર લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે. થોડા સમય પહેલાં બિકાનેર રન ક્લબના ન્યુઝ હતા, જેણે કચોરી રન શરૂ કરી છે. અહીં રનર્સ ચોક્કસ અંતર દોડી નાખે એ પછી એક ધીમી ગતિએ દોડતો ટેમ્પો દેખાય જે રનર્સને કચોરી આપે. ક્યારેક શૉર્ટ ટર્મ રન માટે ડેસ્ટિનેશન પર પહોંચ્યા પછી કચોરીના ઠેલા પર બધા ભેગા મળીને ખાય છે. આવું જ બૅન્ગલોરમાં સ્ટ્રાઇડ રન ક્લબ કરે છે. ક્યારેક અહીં તિરામિસુ રન હોય છે તો ક્યારેક આઇસક્રીમ રન. થોડા સમય પહેલાં આ ક્લબે બેકરી રનનું આયોજન કર્યું હતું. એમાં એક ચોક્કસ રનિંગ-રૂટમાં આવતી ત્રણ-ચાર બેકરીઓ કવર કરવાની હતી. એક બેકરીથી હાથમાં રનર્સ સ્ટૅમ્પ મારીને બીજી બેકરી સુધી દોડીને જાય. ત્યાં એક ડિઝર્ટ કે બેકરી-આઇટમ ટ્રાય કરે. એ પછી ત્રીજી બેકરી તરફ દોડ શરૂ. એવી જ રીતે મુંબઈમાં હન્ડ્રેડ માઇલ સોસાયટીએ ગણપતિ દરમ્યાન મોદક રન યોજી હતી. આપણને એવું લાગે કે આ તો કંઈક નવું છે, પરંતુ એવું નથી. અમેરિકામાં ડોનટ રન, કૅનેડામાં બિઅર રન, લંડનમાં પેસ્ટ્રી રન, ફ્રાન્સમાં ક્રુઆસો રન તો છેલ્લા કેટલાંય વર્ષોથી થઈ રહી છે.


કચોરી, મોદક, પેસ્ટ્રી, કૉફી, તિરામિસુ, પીત્ઝા, બરીતોસ... જાત-જાતની મનપસંદ વાનગીઓને બહાનું બનાવીને લોકોને દોડવા માટે પ્રેરિત કરતી ફન ફૂડ રન હવે ભારતનાં અનેક શહેરોમાં યોજાઈ રહી છે. ‘આ રનમાં દોડવાનું છે’ કરતાં ‘આ રનમાં ખાવાનું શું છે?’ સાંભળીને જ ઘણા લોકોના ચહેરા પર સ્મિત આવી જાય છે. આ રનનો હેતુ પણ રસપ્રદ છે : ફિટનેસને થોડી મજા સાથે જોડવી અને એવા લોકોને પણ રનિંગ તરફ આકર્ષવા જેમને માત્ર દોડવાનું નામ સાંભળીને ખાસ ઉત્સાહ ન થાય. જોકે અહીં એક સવાલ ઊભો થાય છે. શું ત્રણ-પાંચ કિલોમીટર દોડ્યા પછી કચોરી કે પેસ્ટ્રી ખાવાથી એ કૅલરી ‘બર્ન’ થઈ જાય છે? શું આવી ફૂડ રન દરેક વ્યક્તિ માટે સલામત છે? આ ફન ફૂડ રન પાછળનો ટ્રેન્ડ, એની મજા અને એની સાથે જોડાયેલા સ્વાસ્થ્યના સવાલો નિષ્ણાતોની મદદથી સમજીએ.

મજા સ્નાયુઓને ભારે ન પડવી જોઈએ


છેલ્લાં ૧૪ વર્ષથી સૈફી હૉસ્પિટલ, ગ્લેનેગલ હૉસ્પિટલ અને હિન્દુજા હૉસ્પિટલમાં પ્રૅક્ટિસ કરતાં ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ, IBD સ્પેશ્યલિસ્ટ ડૉ. હર્ષદ જોશી કહે છે, ‘ફૂડ રન જે કન્સેપ્ટ છે એને સ્પોર્ટ્સ ન્યુટ્રિશન સાથે જોડીને સમજીએ. રનિંગ ફિઝિયોલૉજી સમજવી જરૂરી છે. મહત્ત્વની વાત એ છે કે જ્યારે પણ આપણે ઇન્ટેન્સ ઍક્ટિવિટી કરતા હોઈએ ત્યારે આપણા ગટ તરફનો રક્તપ્રવાહ ઘટી જાય છે. શરીરનું લોહી મુખ્યત્વે કામ કરતા સ્નાયુઓ અને શરીરનું તાપમાન જાળવવા તરફ વધુ વળે છે. મેડિકલની ભાષામાં સખત અને લાંબા સમયની કસરત દરમ્યાન સ્ફ્લેન્કનિક બ્લડ-ફ્લો ૬૦થી ૮૦ ટકા કે એથી પણ વધુ ઘટી શકે છે. મોટિલિટી ઑફ બોવલ (Bowel Motility) એટલે પાચનતંત્રના સ્નાયુઓનું હલનચલન જેના દ્વારા ખોરાક, પ્રવાહી અને કચરો (મળ) આપણા પેટ અને આંતરડામાંથી આગળ વધે છે. ઇન્ટેન્સ એક્સરસાઇઝ દરમ્યાન આ ગતિ અને ખાસ કરીને ગૅસ્ટ્રિક એમ્પ્ટિઇંગ (Gastric Emptying) ધીમું પડી શકે છે. ગૅસ્ટ્રિક એમ્પ્ટિઇંગ એ એક કુદરતી શારીરિક પ્રક્રિયા છે જેમાં જઠરમાં રહેલો ખોરાક પાચન થયા પછી નાના આંતરડામાં આગળ વધે છે. સખત અને લાંબા સમયની કસરત દરમ્યાન ગૅસ્ટ્રિક એમ્પ્ટિઇંગ ધીમું થઈ શકે છે અને ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ તકલીફો વધી શકે છે. કસરત બંધ કર્યા પછી ગટના રક્તપ્રવાહ અને પાચનતંત્રની કામગીરીને સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે. જોકે આ સમય વ્યક્તિ, કસરતની તીવ્રતા અને સમયગાળા પ્રમાણે બદલાય છે. સરળ જૉગિંગ કરતા હો તો સામાન્ય રીતે વાંધો નથી, પરંતુ રનિંગ જેવી લાંબા સમય સુધી ચાલતી અને ગંભીર ફિઝિકલ ઍક્ટિવિટી કરતા હો તો એમાં સમયસૂચકતા વગર અથવા તરત પહેલાં ભારે ખાવું સલાહભર્યું નથી, કારણ કે કસરતથી ગટના સ્નાયુઓને રિકવર થવામાં અડધોથી એક કલાકનો સમય લાગે છે.’

રનિંગ સાથે શું ખાવું?

બીજું એ કે રનિંગ સાથે કયા પ્રકારનું ફૂડ ખાઈ રહ્યા છો? રનિંગ પહેલાં અથવા એની આસપાસ શુગરી, ડીપ ફ્રાઇડ, પીત્ઝા જેવું વધારે ફૅટી ફૂડ ખાઈ રહ્યા હો ત્યારે આ પ્રકારનો ખોરાક પેટ ખાલી થવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે એમ જણાવતાં ડૉ. હર્ષદ જોશી કહે છે, ‘જ્યારે ચરબીયુક્ત ખોરાક આંતરડામાં પહોંચે છે ત્યારે કૉલેસિસ્ટોકાઇનિન (Cholecystokinin અથવા CCK) જેવાં હૉર્મોન્સ રિલીઝ થાય છે જે પાચનક્રિયાના નિયમનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને ગૅસ્ટ્રિક એમ્પ્ટિઇંગ ધીમું કરી શકે છે. વધુમાં ચરબીયુક્ત ખોરાક કેટલાક લોકોમાં લોઅર ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર એટલે જઠર અને અન્નનળી વચ્ચેના વાલ્વની કામગીરીને અસર કરી શકે છે અને રિફ્લક્સનાં લક્ષણો વધારી શકે છે. તેથી પેટમાં ખોરાક વધુ સમય રહેવાને કારણે ભારેપણું, અસ્વસ્થતા, ઓડકાર અને ઍસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને જેમને પહેલેથી જ ઍસિડિટી અથવા ગૅસ્ટ્રોસોફેગીલ રિફ્લક્સ ડિસીઝ (GERD)ની સમસ્યા હોય તેમનામાં આ લક્ષણો વધુ તીવ્ર બની શકે છે. અહીં માત્ર ફૅટી ફૂડ જ નહીં; ભોજનનું પ્રમાણ, કસરતની તીવ્રતા, સમય, હાઇડ્રેશન અને વ્યક્તિની પોતાની સંવેદનશીલતા પણ મહત્ત્વની છે. ત્રીજુ, આ બધાં પરિબળોને સાથે જોડીએ તો - ગટ, રનિંગ અને હાર્ટ - તો જે મોટી ઉંમરના રનર્સ છે તેમનામાં રુધિરવાહિનીમાં પ્લાક જામવાની શક્યતા છે. તમે જ્યારે રનિંગ કરો છો અને ખાઓ પણ છો ત્યારે તમારો બ્લડ-ફ્લો બન્નેથી દૂર જાય છે. તમારા હાર્ટને લોહીની જરૂર છે અને જો એ સમયે ખાઓ છો તો તમારા પેટને પણ લોહીની જરૂર છે. એટલે લોહીના પ્રવાહમાં અસમાનતા અને અનિયમિતતા ઊભી થાય છે. ત્યારે કાર્ડિઍક સ્ટીલ ફિનોમિનન (Cardiac Steal Phenomenon) જેવી સ્થિતિ ઊભી થાય છે. એટલે કે હૃદયના એક ભાગમાં લોહીનો પ્રવાહ ઓછો થવાને કારણે હાર્ટ-અટૅક જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.’

દોડતાં-દોડતાં ન જ ખવાય

આ બાબતમાં આયુર્વેદ શું કહે છે? બાવીસ વર્ષથી ચર્ની રોડ પર પ્રૅક્ટિસ કરતાં આયુર્વેદ-નિષ્ણાત ડૉ. રુચિરા ગોરડિયા કહે છે, ‘આયુર્વેદમાં આહારવિધિ વિશેષમાં આહાર કેવી રીતે લેવો એનું વિસ્તૃત વર્ણન છે. એ મુજબ આસન પર બેસીને શાંત મને અને એકાગ્ર ચિત્તે ખાવું જોઈએ. જ્યારે તમે દોડતા હો ત્યારે શરીરનું રક્તપરિભ્રમણ સક્રિય સ્નાયુઓ તરફ વધુ થાય છે અને પાચનતંત્ર તરફનો રક્તપ્રવાહ ઘટી શકે છે. આ ઉપરાંત આયુર્વેદની દૃષ્ટિએ આવી સ્થિતિમાં વાતનું પ્રમાણ પણ વધે છે. આવા સમયે ખાવાથી જઠરાગ્નિ પર પ્રતિકૂળ અસર થઈ શકે છે અને એને કારણે પેટમાં બ્લોટિંગ, ક્રૅમ્પ્સ જેવી તકલીફ થઈ શકે છે. આયુર્વેદમાં પાચન નબળું પડવાથી ‘આમ’ ઉત્પન્ન થવાની સંકલ્પના છે. એટલે કે અપૂર્ણપણે પચેલા આહાર સાથે જોડાયેલી સ્થિતિ. આયુર્વેદમાં ‘આમવાત’ જેવી સ્થિતિનું વર્ણન છે, જેને આધુનિક ચિકિત્સામાં રૂમૅટૉઇડ આર્થ્રાઇટિસ સાથે સરખાવવામાં આવે છે. જોકે આ આયુર્વેદિક સંકલ્પના છે. દોડ્યા બાદ તરત જ ભારે અથવા પચવામાં મુશ્કેલ ખોરાક લેવાને બદલે થોડો સમય વિરામ લેવો વધુ યોગ્ય છે. દોડ્યા બાદ પંદરથી ૨૦ મિનિટના અંતરે હૂંફાળું પાણી લઈ શકાય. એ જ રીતે ભરપેટ ભોજન કર્યા પછી તરત કસરત કરવાને બદલે સામાન્ય રીતે ત્રણથી ૪ કલાકનું અંતર રાખવું અને હળવું ભોજન લીધું હોય તો આશરે બે કલાક પછી કસરત કરવી યોગ્ય છે.’

કુછ તો પૉઝિટવ હૈ

આખરે વાત કચોરી, મોદક કે પેસ્ટ્રીની નથી પરંતુ દોડને લોકો માટે વધુ મજેદાર અને સામાજિક બનાવવાની છે એમ જણાવીને ડૉ. હર્ષદ જોશી કહે છે, ‘આ પ્રકારની ઇવેન્ટથી લોકો થોડા ઍક્ટિવ થાય છે. આ કોઈ ગંભીર સ્પર્ધા નથી. મેન્ટલી તમે એકદમ રિલૅક્સ થઈને કરો છો એટલે કમ્યુનિટી કનેક્શન વધે છે. તમારો ઍટિટ્યુડ હેલ્ધી લાઇફસ્ટાઇલ તરફ જાય છે. જો આવી જ ઇવેન્ટ કરો છો તો ઍપલ, બનાના જેવાં ફૂડ સાથે આયોજન કરો જે શરીર માટે હેલ્ધી છે. ભલે ફન રન હોય તો પણ હાઇડ્રેશનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ફૂડ રન કદાચ ફિટનેસની પરંપરાગત વ્યાખ્યા બદલતો એક નવો ટ્રેન્ડ છે, જ્યાં દોડવાનું કારણ માત્ર કૅલરી બર્ન કરવાનું નહીં પરંતુ મિત્રો સાથે સમય વિતાવવો અને મનપસંદ ખોરાકનો આનંદ માણવો પણ છે. અલબત્ત, મજા અને માપદંડ વચ્ચેનું સંતુલન જાળવવું જરૂરી છે, કારણ કે દોડ પૂરી થયા પછી પ્લેટમાં શું છે એ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું એ પણ છે કે દોડ દરમ્યાન શરીર શું કહી રહ્યું છે.’

 

Whatsapp-channel Whatsapp-channel

27 October, 2026 10:56 AM IST | Mumbai | Laxmi Vanita

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK