પ્રદીપ પુર્ણેકર હત્યાકેસમાં દીકરાએ ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદેના પતિ રાજેન્દ્ર શિંદેનો હત્યારાઓ સાથેનો વિડિયો રજૂ કરીને ૨૪ કલાકમાં બન્નેની ધરપકડ કરવાની માગણી કરી, નહીંતર એકનાથ શિંદેના ઘરની બહાર વિરોધ-પ્રદર્શન કરવાની જાહેરાત
થાણેના કૅફેની બહાર આરોપીઓ સાથે રાજેન્દ્ર શિંદે ચા પીતો જોવા મળ્યો હતો.
શિવસેના (UBT)ના નેતા પ્રદીપ પુર્ણેકરના હત્યાકેસમાં ૨૬ દિવસ બાદ ગઈ કાલે બપોરે પ્રદીપ પુર્ણેકરના પુત્ર રામ પુર્ણેકરે થાણે ખાતે યોજાયેલી પત્રકાર-પરિષદમાં થાણેનાં ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદેના પતિ રાજેન્દ્ર શિંદે અને હત્યાના આરોપીઓનો એક વિડિયો જાહેર કરીને હલચલ મચાવી દીધી છે. આ વિડિયોમાં થાણેના એક કૅફેમાં રાજેન્દ્ર શિંદે પ્રદીપ પુર્ણેકરની હત્યામાં સામેલ મુખ્ય આરોપી પપ્યા શિંદે, નિતેશ પવાર, સંતોષ કનોજિયા અને અમિત સિંહ સાથે નજરે પડી રહ્યો છે. આ ઘટના સંદર્ભે પુર્ણેકર કુટુંબીઓએ દાવો કર્યો છે કે થાણેના કૅફે ખાતે આ હત્યાનો મોટો પ્લાન ઘડવામાં આવ્યો હતો અને આ સમગ્ર કાવતરા પાછળ રાજેન્દ્ર શિંદે તથા મીનાક્ષી શિંદેનો હાથ છે.
એક અઠવાડિયા પહેલાં એક વિડિયો સામે આવ્યો હતો જે મુળશી ખાતે ફાયરિંગની પ્રૅક્ટિસનો હતો જેમાં આરોપી નિખિલ યાદવ બંદૂક ચલાવતો દેખાય છે અને તેની બાજુમાં જ રાજેન્દ્ર શિંદે પણ ઊભેલા જોવા મળે છે એમ જણાવીને રામ પુર્ણેકરે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને હાથ લાગેલા આ મહત્ત્વના પુરાવા બાદ પોલીસે મુળશી જઈને પણ સઘન તપાસ કરી છે. થાણેની ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં રાજેન્દ્ર શિંદેને ૭ વખત પૂછપરછ માટે બોલાવ્યા છે અને હત્યારાઓ સાથે તેમને સામસામે બેસાડીને પણ પૂછપરછ કરવામાં આવી છે. જોકે ૨૬ દિવસ વીતી જવા છતાં પોલીસે હજી સુધી FIRમાં રાજેન્દ્ર શિંદે અને મીનાક્ષી શિંદેનાં નામ નોંધ્યાં નથી. તાજેતરમાં અમારા હાથે લાગેલો એક વિડિયો થાણેના કૅફેનો છે જેમાં પણ રાજેન્દ્ર શિંદે આરોપી સાથે જોવા મળ્યો છે તો પોલીસ કેમ તેને આરોપી નથી બનાવતી એવો અમારો સવાલ છે. હજી પોલીસને કેટલા પુરાવા જોઈએ છે?’
પ્રદીપ પુર્ણેકરના પરિવારજનોએ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માગણી કરી છે. રામ પુર્ણેકરે ગઈ કાલે ચેતવણી આપી હતી કે જો ૨૪ કલાકમાં મીનાક્ષી શિંદે અને રાજેન્દ્ર શિંદેની ધરપકડ કરવામાં નહીં આવે તો નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નિવાસસ્થાનની બહાર આંદોલન કરવામાં આવશે. ૨૯ સપ્ટેમ્બરે રાત્રે મનોરમાનગરમાં આવેલા કાર્યાલયમાં પાંચ હુમલાખોરોએ પ્રદીપ પુર્ણેકર પર ગોળીબાર કરીને અને ધારદાર હથિયારોથી ઘા કરીને નિર્દયતાપૂર્વક તેમની હત્યા કરી હતી.
