દિવાળીના આ પાંચ દિવસને ભરપૂર માણો, પૂરી રીતે ઉત્સવ ઊજવો; કારણ કે મનના સ્વાસ્થ્ય માટે એ જરૂરી છે. જોકે તનના સ્વાસ્થ્યને ટકાવી રાખવા અને આ પાંચ દિવસમાં શરીરને થતા નુકસાનને પહોંચી વળવા માટે જરૂરી છે.
પ્રતીકાત્મક તસવીર
દિવાળીના આ પાંચ દિવસને ભરપૂર માણો, પૂરી રીતે ઉત્સવ ઊજવો; કારણ કે મનના સ્વાસ્થ્ય માટે એ જરૂરી છે. જોકે તનના સ્વાસ્થ્યને ટકાવી રાખવા અને આ પાંચ દિવસમાં શરીરને થતા નુકસાનને પહોંચી વળવા માટે જરૂરી છે ફક્ત એક કલાકની એક્સરસાઇઝ, જે તમને બૅલૅન્સમાં રહેવા મદદરૂપ થઈ શકે છે
દિવાળીમાં આપણું દૈનિક જીવન સામાન્ય દોડધામથી હટીને ઉત્સવના રંગમાં રંગાઈ જાય છે. ઉત્સવો માનસિક હેલ્થ માટે અત્યંત જરૂરી છે એટલે એનાથી દૂર ન ભાગવું, એને અવગણવા નહીં, એનો ભરપૂર આનંદ લેવો. જોકે મોટા ભાગે થાય છે એવું કે મનનું ધ્યાન રાખવામાં તનની હાલત ખરાબ થઈ જતી હોય છે. આ પાંચ દિવસોમાં અતિશય ઉત્સાહ અને ખાણી-પીણીની અતિશયતા આપણા શરીર પર ભારે પડી શકે છે. હંમેશાં તો ડાયટ કરીએ જ છીએ, હંમેશાં તો આ ખવાય અને આ ન ખવાયનું ધ્યાન રાખીએ જ છીએ; પણ દિવાળીમાં પણ અરે, આ લાડુમાં તો ખૂબ ફૅટ છે કે બરફીમાં તો શુગર છે કહી-કહીને ખુદની સાથે બીજાની દિવાળી બગાડવાનું કામ આપણે કરવાના નથી. તહેવાર તહેવાર જેવો લાગે એટલે ઘરમાં મીઠાઈઓ બનાવીશું જ, ખાઈશું અને ખવડાવીશું પણ. વળી જેટલા લોકોને મળીશું એટલી તકલીફ વધુ થશે, કારણ કે તેઓ પણ આપણને પ્રેમથી આગ્રહ કરી-કરીને મીઠાઈ અને તળેલું ફરસાણ ખવડાવશે જ. આ પરિસ્થિતિમાં મન ભલે પ્રફુલિત રહે, પરંતુ તન નહીં રહે. જો તન બગડશે તો મન આપોઆપ ખરાબ થઈ જશે.
ADVERTISEMENT
પેટની સમસ્યા
આખો દેશ જ્યારે ઉત્સવમાં મગ્ન હોય છે ત્યારે આપણા શરીરની અંદર એક અલગ જ જૈવિક પ્રક્રિયા ચાલી રહી હોય છે. તહેવારો દરમ્યાન સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો વિશે વાત કરતાં હોમિયોપેથ અને ન્યુટ્રિશનિસ્ટ ડૉ. કોમલ ગાંધી કહે છે, ‘દિવાળીના દિવસોમાં મીઠાઈઓ, ફરસાણ, તળેલી ચીજવસ્તુઓ અને મેંદાની બનાવટોનું સેવન વધી જાય છે. કાજુકતરી, ગુલાબજાંબુ, ઘારી, ચૉકલેટ અને નમકીન આપણા આહારનો મુખ્ય હિસ્સો બની જાય છે. પરિણામે શરીરમાં અચાનક કૅલરી અને રિફાઇન્ડ શર્કરાનું પ્રમાણ ખૂબ વધી જાય છે, જે બ્લડ-શુગર લેવલ અને વજન વધારવા માટે જવાબદાર બને છે. વળી એટલેથી પતતું નથી. દિવાળીના દિવસોમાં અનિયમિત સમયે ખાવું, વારંવાર નાસ્તો કરવો અને રાત્રે મોડા ભોજન કરવું એ તહેવારોનું સામાન્ય ચિત્ર છે. ભારે અને તળેલું ભોજન ખાવાથી પાચનતંત્ર નબળું પડે છે જેને કારણે ઍસિડિટી, અપચો, ગૅસ અને પેટ ફૂલવાની સમસ્યાઓ સામાન્ય બની જાય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આવો એક દિવસ નથી. દિવાળીનો તહેવાર પાંચ દિવસનો છે અને પાંચેય દિવસ આવા જાય છે.’
શારીરિક નિષ્ક્રિયતા નહીં, સક્રિયતા જરૂરી
તહેવારમાં ખોરાક કરતાં વધુ નડતરરૂપ કંઈ છે તો એ છે શારીરિક નિષ્ક્રિયતા. એ વિશે વાત કરતાં ફિટનેસ-કોચ સૂરજ ગાયકવાડ કહે છે, ‘તહેવારોની તૈયારીઓ, મહેમાનોની આવનજાવન અને પારિવારિક મેળાવડાઓમાં આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે લોકો સાથે વાતો કરવામાં, ફોટો પડાવવામાં અને ખાવામાં જ આપણે રચ્યા-પચ્યા રહીએ છીએ. તહેવાર છે એટલે નિષ્કિય ન બનો, ઊલટા વધુ સક્રિય બનો. આ શારીરિક નિષ્ક્રિયતા શરીરની કૅલરી બર્ન કરવાની ક્ષમતાને ધીમી પાડે છે. દિવાળીમાં ફિઝિકલ ઍક્ટિવિટીનો
સ્કોપ ઘણો છે, પણ લોકો એનો પૂરો લાભ લે એ જોવું જરૂરી છે. ઘરસફાઈ કરવાથી લઈને પકવાન બનાવવામાં, ઘરશણગારથી લઈને લાઇટો લગાવવામાં, નાનાં-મોટાં કામો કરવામાં ઉત્સાહપૂર્વક ભાગ લો. આ રીતે તન અને મન બન્ને પ્રફુલ્લિત રહેશે.’
શરીર પર એક્સરસાઇઝની અસર
બીજો એક ઉપાય એ છે કે ખાવામાં ધ્યાન રહે કે ન રહે, જો આ દિવસોમાં એક કલાકની એક્સરસાઇઝ કરી શકાય તો બેસ્ટ રહેશે. ઉત્સવના માહોલ વચ્ચે પણ આપણું ફિટનેસ રૂટીન જાળવી રાખવું અનિવાર્ય છે એમ ન માનીએ તો પણ એમ કરવાથી લાભ ઘણા છે. જો તમે બાકીની બધી બાબતોમાં થોડી છૂટછાટ રાખો અને માત્ર દરરોજ એક કલાક કસરતને વળગી રહો તો એ ચમત્કારિક પરિણામ આપી શકે છે એમ સમજાવતાં ડૉ. કોમલ ગાંધી કહે છે, ‘એક કલાક જો તમે તમારા રૂટીન મુજબ એક્સરસાઇઝ કરો તો તમારું મેટાબૉલિઝમ સક્રિય થઈ જાય છે. તમે ગમે એટલું ભારે કે ગળ્યું ખાધું હોય, જો તમે રોજ એક કલાક સઘન કસરત કરતા હો તો તમારું મેટાબૉલિઝમ હાઈ સ્પીડ પર કામ કરે છે. એ વધારાની કૅલરીને સંગ્રહિત થવા દેવાને બદલે ઊર્જામાં રૂપાંતરિત કરી દે છે. એક્સરસાઇઝ તમારા બ્લડ-શુગર અને ઇન્સ્યુલિન લેવલને નિયંત્રણમાં રાખે છે. મીઠાઈઓ ખાવાથી રક્તમાં ગ્લુકોઝનું પ્રમાણ અચાનક વધી જાય છે. એક્સરસાઇઝ કરવાથી સ્નાયુઓ સીધા જ ગ્લુકોઝનો ઉપયોગ બળતણ તરીકે કરે છે, જેનાથી બ્લડ-શુગર સ્પાઇક અટકે છે.’
અન્ય લાભ
તહેવારોની દોડધામ અને મહેમાનોની ધમાલ ઘણી વાર માનસિક થાક લાવે છે. સવારનો એક કલાકનો વર્કઆઉટ એન્ડોર્ફિન જે ખુશી માટે જવાબદાર હૉર્મોન છે એ મુક્ત કરે છે. એનાથી મન પ્રફુલ્લિત રહે છે, સ્ટ્રેસ ઘટે છે અને તમે ઉત્સાહપૂર્વક દરેક ક્ષણને માણી શકો છો. આ વિશે વાત કરતાં સૂરજ
ગાયકવાડ કહે છે, ‘આપણામાંથી ઘણાને એમ લાગે છે કે કસરત કરવાથી શક્તિ ઘટી જશે, પરંતુ વાસ્તવિકતા એનાથી વિપરીત છે. નિયમિત કસરત રક્તપરિભ્રમણને સુધારે છે અને ફેફસાંની ક્ષમતા વધે છે, જેનાથી તમે આખો દિવસ વધુ ઊર્જાવાન અને તાજગીસભર અનુભવો છો. ઉત્સવ પાંચ દિવસનો છે, પણ તમારું શરીર આખી જિંદગી તમારી સાથે રહેવાનું છે. જો તમે માત્ર દરરોજ એક કલાક એક્સરસાઇઝ કરવાની શિસ્ત જાળવી શકશો તો દિવાળીના નુકસાન સામે તમારું રક્ષણ થઈ જશે અને તમે સાચા અર્થમાં નિરામય અને આનંદમય દિવાળી ઊજવી શકશો.’
સૂરજ ગાયકવાડ પાસેથી જાણીએ દિવાળી દરમ્યાન હેલ્થનું ધ્યાન રાખવા શું કરવું જરૂરી છે
તહેવારોના દિવસોમાં વહેલી સવારે ઊઠીને એક કલાક ફાસ્ટ વૉકિંગ, યોગ કે સૂર્યનમસ્કાર માટે ફાજલ કાઢી લો. એનાથી દિવસભરનાં કામોમાં ફિટનેસ નડતરરૂપ બનતી નથી કે અલગથી એના માટે સમય ફાળવવો જરૂરી થતો નથી.
૪૫ મિનિટની સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ કર્યા પછી ૧૫ મિનિટ જેવું કાર્ડિયો ચોક્કસ કરો. એના લાભ અઢળક છે.
મીઠાઈઓ અને ફરસાણ ખાઓ એની ના નથી; પરંતુ વચ્ચે પૂરતા પ્રમાણમાં પાણી પીઓ, જેથી શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર
નીકળતાં રહે.
સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ ચોક્કસ લો, પરંતુ પેટ ભરાઈ ગયા પછી ના કહેતાં શીખો.
સ્વાસ્થ્યમાં સર્વોચ્ચ સ્થાન ઊંઘનું છે. પૂરતી રાતની ૮ કલાકની ઊંઘ લો. જો રાતે જાગવું પડે તો બીજા દિવસે એ ઊંઘની પૂર્તિ થાય એટલી ખુદની કાળજી ચોક્કસ લો.
