Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > આ વખતે બજારમાંથી મીઠાઈ ખરીદવાના હો તો આ મીઠાઈઓ પર નજર પણ ન નાખતા

આ વખતે બજારમાંથી મીઠાઈ ખરીદવાના હો તો આ મીઠાઈઓ પર નજર પણ ન નાખતા

Published : 03 November, 2026 01:37 PM | Modified : 03 November, 2026 03:06 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

તહેવારોમાં મીઠાઈની મીઠાશ માણો, પણ સ્વાસ્થ્યના ભોગે નહીં. એનો આકર્ષક દેખાવ સ્વાસ્થ્યને અસર કરી શકે છે. આથી મીઠાઈ ખાવી કેવી રીતે અને ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ પહેલેથી જ જાણી લો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિવાળીના દિવસોમાં ઘરમાં મહેમાનોનું આવાગમન હોય, સગાંસંબંધીઓ તરફથી મીઠાઈનાં બોક્સ આવે કે પછી બજારમાં નવી-નવી વરાઇટી જોઈને કંઈક ખરીદવાનું મન થાય; મીઠાઈ તહેવારોની ઉજવણીનો અભિન્ન હિસ્સો રહ્યો છે. ઘણી વખત આપણે મીઠાઈની ગુણવત્તા કરતાં એના દેખાવથી વધુ પ્રભાવિત થઈએ છીએ. ચાંદીના વરખથી ચમકતી કાજુ કતરી, રંગબેરંગી બરફી, ઘીથી લથબથ મોહનથાળ અને ઘારી કે માવાના પેંડા જોઈને મોઢામાં પાણી આવી જાય છે; પણ આકર્ષક દેખાતી દરેક મીઠાઈ સ્વાસ્થ્ય માટે યોગ્ય હોય એવું જરૂરી નથી. બીજી તરફ તહેવારોમાં ડાયટ બગડી જશે કે વજન વધી જશે એવી ચિંતાને કારણે કેટલાક લોકો મીઠાઈથી સંપૂર્ણ અંતર રાખવાનો પ્રયાસ કરે છે. હકીકતમાં મીઠાઈને છોડવાની નહીં, એની પસંદગી અને પ્રમાણ સમજવાની જરૂર છે.

ભેળસેળને ઓળખો



મીઠાઈ ખરીદતી વખતે સૌથી પહેલાં નજર પડે છે એના દેખાવ પર. ખાસ કરીને વરખ લગાવેલી કાજુ કતરી, પેંડા કે બરફી વધુ આકર્ષક લાગે છે; પણ આ ચમક ખરેખર ચાંદીની છે કે અન્ય કોઈ ધાતુની એ જાણવું એટલું જ જરૂરી છે. આ વિશે વાત કરતાં મુલુંડના અનુભવી ડાયટિશ્યન અને બાઉન્સ ધ પાઉન્ડ ડાયટ ક્લિનિકના ફાઉન્ડર સલોની ભટ્ટ કોરડિયા કહે છે, ‘ટ્રેડિશનલ રીતે મીઠાઈ પર લગાવવામાં આવતું વરખ માત્ર ડેકોરેશન માટે વપરાતું હતું. એનો ઉપયોગ પણ મર્યાદિત માત્રામાં થતો હતો. જોકે બજારમાં મળતા દરેક વરખની ગુણવત્તા એકસરખી હોતી નથી. કેટલીક જગ્યાએ અસલી ચાંદીના વરખને બદલે સસ્તી ધાતુની ફૉઇલનો ઉપયોગ થવાની શક્યતા રહે છે. આવી ભેળસેળમાં લેડ એટલે કે સીસા જેવાં ઝેરી તત્ત્વો હોઈ શકે છે. લેડ શરીરમાં પ્રવેશે તો નર્વસ સિસ્ટમ અને કિડની સહિતનાં અંગોને નુકસાન પહોંચાડી શકે છે. જો મીઠાઈમાં વધુ પડતું વરખ લાગેલું હોય તો એવી મીઠાઈથી અંતર રાખવું જ સારું છે. આ ઉપરાંત મીઠાઈને વધુ રંગીન અને આકર્ષક બનાવવા માટે સિન્થેટિક કલર્સનો ઉપયોગ પણ થાય છે. ખાસ કરીને એક જ બૉક્સમાં લાલ, લીલી, પીળી અને વાદળી રંગની ચમકતી મીઠાઈઓ જોવા મળે ત્યારે એમની ગુણવત્તા વિશે સજાગ રહેવું જરૂરી છે. તેથી મીઠાઈની પસંદગી કરતી વખતે એના દેખાવ કરતાં એની ગુણવત્તાને પ્રાયોરિટી આપવી જરૂરી છે. વરખની ચમક કે આકર્ષક રંગ જોઈને મીઠાઈ ખરીદવા કરતાં વિશ્વસનીય દુકાનમાંથી મીઠાઈ ખરીદવી અને એમાં વપરાતી સામગ્રીની માહિતી મેળવવી જરૂરી છે.’


અયોગ્ય રીતે સ્ટોરેજ પણ જોખમી

પેંડા, કલાકંદ, માવા કેક અને બરફી જેવી
માવા-આધારિત મીઠાઈઓ મોટા ભાગના લોકોની પસંદગીમાં હોય છે; પણ આવી મીઠાઈઓમાં દૂધ અને દૂધની બનાવટોનું પ્રમાણ વધારે હોવાથી એમની જાળવણી ખૂબ મહત્ત્વની છે. આ વિશે વાત કરતાં સલોની ભટ્ટ કોરડિયા કહે છે, ‘દિવાળીના સમયગાળામાં મીઠાઈની ડિમાન્ડ દસગણી વધી જાય છે એટલે એને બનાવવાનું કામ પણ સમય કરતાં વહેલું શરૂ થાય છે. આ દરમ્યાન થતા સ્ટોરેજની પદ્ધતિ બરાબર ન હોય તો એમાં બૅક્ટેરિયા વધી શકે છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. માની લો કે તમે દિવાળી માટે એકસાથે અનેક પ્રકારની મીઠાઈઓ ખરીદી લાવો છો અને એમાંથી કેટલીક મીઠાઈઓ બે-ત્રણ દિવસ સુધી બહાર જ પડી રહે છે. આવી સ્થિતિમાં ખાસ કરીને માવાવાળી મીઠાઈઓમાં અયોગ્ય તાપમાનને કારણે બૅક્ટેરિયા વધે છે અને એને કારણે ફૂડ-પૉઇઝનિંગ થવાની શક્યતા રહે છે. આ તો ઘરનું ઉદાહરણ આપ્યું, પણ ઘણી મોટી-મોટી દુકાનોમાં પણ સ્ટોરેજ સંબંધિત આવા પ્રૉબ્લેમ્સ થતા રહે છે અને જો એને ખાવામાં આવે તો ઊલટી, ડાયેરિયા, પેટમાં મચકોડ, ગૅસ, બ્લોટિંગ અને અપચા જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલે મીઠાઈ ખરીદતી વખતે એની તાજગી અને સ્ટોરેજ-પદ્ધતિ તપાસવી જરૂરી છે. દૂધ-આધારિત મીઠાઈઓને યોગ્ય તાપમાને રાખવી અને એમના પૅકેટ પર દર્શાવેલી સંગ્રહની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. માવાની મીઠાઈઓમાં માત્ર બૅક્ટેરિયલ ગ્રોથ જ નહીં, એમાં રહેલું વધુ પડતું શુગર અને ફૅટનું પ્રમાણ પણ ધ્યાનમાં લેવું જોઈએ. વારંવાર અને વધુ માત્રામાં આવી મીઠાઈઓ ખાવાથી ડેઇલી કૅલરી ઇન્ટેક વધી શકે છે. લાંબા ગાળે વજન વધવું, કૉલેસ્ટરોલ અને બ્લડ-શુગર નિયંત્રણમાં મુશ્કેલી થવી જેવાં જોખમો વધી શકે છે. એટલે માવાની મીઠાઈ ખાવાની ઇચ્છા હોય તો એમની ગુણવત્તા તપાસો, તાજી મીઠાઈ પસંદ કરો અને પ્રમાણમાં ખાવાનું રાખો.’


ભૂલથી વધારે મીઠાઈ ખવાઈ જાય તો...

તહેવારોમાં ક્યારેક ડાયટનું ધ્યાન રાખવું શક્ય બનતું નથી. માની લો કે દિવાળીના દિવસે બપોરે જમ્યા પછી મોહનથાળનો એક પીસ ખાધો, સાંજે મહેમાનો આવ્યા ત્યારે કાજુ કતરી અને રાત્રે પરિવાર સાથે બેઠા ત્યારે બીજી કોઈ મીઠાઈ ખાઈ લીધી. મીઠાઈનું ઓવરઈટિંગ થતાં એવી ભરપાઈ કરવા ઘણા લોકો બીજા દિવસે સ્ટ્રિક્ટ ડાયટ કરતા હોય છે, પણ હકીકતમાં એની જરૂર નથી. એનું કારણ સમજાવતાં સલોની ભટ્ટ કોરડિયા કહે છે, ‘જ્યારે મીઠાઈનું સેવન મર્યાદા કરતાં વધુ થાય ત્યારે બીજા દિવસે હળની અને બૅલૅન્સ્ડ ડાયટ લો. શાકભાજી, દાળ, સૅલડ અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરો. પૂરતું પાણી પીઓ અને દિવસ દરમ્યાન શૉર્ટ વૉક કરો. આનાથી જૂની કૅલરી સેટલ થશે. મીઠાઈનું સેવન એક દિવસ વધારે થઈ ગયું હોય તો એને કારણે ડાયટ બગડી ગઈ એવું માનવાની જરૂર નથી.
મહત્ત્વનું એ છે કે ફરીથી નિયમિત અને સંતુલિત ખાણી-પીણીની ટેવ જાળવવામાં આવે.’

આવી મીઠાઈ ખરીદી શકાય

બહારથી મીઠાઈ ખરીદવાના હો તો માવાની, વરખવાળી, રંગબેરંગી સજાવટવાળી, પનીરમાંથી બનતી બંગાળી મીઠાઈ ન જ લેવી. જો તમે ઘરે મીઠાઈ બનાવવાને બદલે બહારથી જ તૈયાર મીઠાઈ લાવવા માગતા હો તો ડ્રાયફ્રુટ્સ અને ખજૂર-અંજીરમાંથી બનેલી શુગર-ફ્રી, તલ-કોપરું અને ગોળની મીઠાઈ તેમ જ ચણાનો લોટ, રાગી કે મિલેટ્સમાંથી બનતા લાડુ જેવી મીઠાઈ ખરીદી શકાય.

યાદ રાખો થ્રી-બાઇટ્સ રૂલ

તહેવારોમાં મીઠાઈ ખાવાનું મન થાય ત્યારે દરેક વખતે પોતાની જાતને રોકવી જરૂરી નથી. ઘણી વખત આપણે પેટ ભરેલું હોવા છતાં માત્ર મીઠાઈનો સ્વાદ લેવા માટે વધુ એક પીસ ખાઈ લઈએ છીએ. ત્યારે મીઠાઈનું સેવન મર્યાદિત રાખવા માટે સલોની ભટ્ટ કોરડિયા થ્રી-બાઇટ્સ રૂલ સમજાવતાં કહે છે, ‘પહેલું બાઇટ આંખોને સંતોષવા હોય છે. ઘણી વખત મીઠાઈનો સુંદર દેખાવ જોઈને જ એને ખાવાની ઇચ્છા થાય છે. જેમ કે ચાંદીના વરખવાળી કાજુ કતરી કે આકર્ષક દેખાતી ચૉકલેટ બરફી જોઈને મોઢામાં પાણી આવી જાય છે તેથી પહેલા બાઇટથી આ ઇચ્છાનો સંતોષ મેળવો. બીજું બાઇટ મનના સંતોષ માટે છે. ઘણી વાર મીઠાઈ જોઈને આખું બૉક્સ ખાઈ જવાનું મન થતું હોય છે ત્યારે બીજું બાઇટ મનને સંતોષવા માટે આરામથી ખાઓ. ત્રીજું બાઇટ જીભના સ્વાદ માટે છે. મીઠાઈની મીઠાશ, એનો સ્વાદ અને ટેક્સ્ચર માણો. ઉતાવળમાં ખાઈ લેવાને બદલે ધીમે-ધીમે ચાવીને એનો સ્વાદ અનુભવો. ઘણી વખત આપણે ટીવી જોતી વખતે કે વાતો કરતાં-કરતાં મીઠાઈ ખાઈએ છીએ અને કેટલું ખાઈ લીધું એનું ધ્યાન પણ રહેતું નથી. એને બદલે માઇન્ડફુલી ખાઓ. ચોથા બાઇટથી કન્ટ્રોલ સ્ટાર્ટ થાય છે, કારણ કે એ કૅલરી વધારવાનું કામ કરે છે. થ્રી-બાઇટ્સ રૂલનો મુખ્ય હેતુ મીઠાઈનો સ્વાદ માણવાની સાથે વધુ પડતું ખાવાનું ટાળવાનો છે. એનો અર્થ એવો નથી કે ૩ બાઇટ્સથી શરીરને જરૂરી તમામ પોષક તત્ત્વો મળી જાય છે કે દરેક મીઠાઈ માટે ૩ બાઇટ્સ જ સાયન્ટિફિક રીતે નિર્ધારિત માત્રા છે. આ એક માઇન્ડફુલ ઈટિંગની સરળ રીત છે જે મીઠાઈ ખાતી વખતે વ્યક્તિને પોતાના સેવન પ્રત્યે સભાન બનાવે છે.’

 

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2026 03:06 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK