અંગક્રિશ રઘુવંશીએ ૭૮ રન અને સરફરાઝ ખાને પંચાવન રન કર્યા, સિદ્ધેશ લાડ ત્રણ રનથી ફિફ્ટી ચૂક્યો.
અંગક્રિશ રઘુવંશીએ ૧૨૨ બૉલમાં ૧૧ ફોર, બે સિક્સની મદદથી ૭૮ રન ફટકાર્યા હતા
મુંબઈની ચોથા રાઉન્ડની રણજી ટ્રોફી મૅચ ગઈ કાલે રેલવેઝ સામે મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં શરૂ થઈ હતી. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર યજમાન મુંબઈએ ૮૩ ઓવરમાં ૬ વિકેટ ગુમાવીને ૨૪૭ રન કર્યા હતા.
ઓપનર અંગક્રિશ રઘુવંશીએ ૧૨૨ બૉલમાં ૧૧ ફોર, બે સિક્સની મદદથી ૭૮ રન ફટકાર્યા હતા. કૅપ્ટન સિદ્ધેશ લાડ ૧૨૫ બૉલમાં ૪ ફોરની મદદથી ૪૭ રન કરીને ફિફ્ટી ચૂકી ગયો હતો. સરફરાઝ ખાને ૧૦૦ બૉલમાં ૭ ફોરના સહારે પંચાવન રનનું યોગદાન આપ્યું હતું.
ADVERTISEMENT
મુંબઈએ પહેલા દિવસની અંતિમ પાંચ ઓવર દરમ્યાન ૨૨૬થી ૨૩૮ રનના સ્કોરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. રેલવેઝના ૯ બોલર્સમાંથી ફાસ્ટ બોલર હિમાંશુ સાંગવાને ૧૭ ઓવરમાં ૩૨ રન આપીને ૩ વિકેટ લીધી હતી.
રણજી ટ્રોફીની અન્ય રસપ્રદ અપડેટ
વિદર્ભના સ્પિનર હર્ષ દુબેએ મધ્ય પ્રદેશ સામે ૨૩.૧ ઓવરમાં ૫૩ રન આપીને ૯ વિકેટ લીધી હતી. મધ્ય પ્રદેશની ટીમે ૬૬.૧ ઓવરમાં ૨૦૯ રને ઑલઆઉટ થયા પછી પહેલા દિવસના અંતે વિદર્ભનો સ્કોર ૨૩ ઓવરમાં ૫૬-૪નો કર્યો હતો.
મહારાષ્ટ્ર સામે ૧૩ રને ૪ વિકેટ ગુમાવ્યા પછી બંગાળની ટીમે ૩૮.૫ ઓવરમાં ૧૪૩ રન કર્યા હતા. બંગાળ માટે અભિષેક પોરેલે ૬૭ બૉલમાં ૫૪ રન કરીને લાજ બચાવી હતી. દિવસના અંતે મહારાષ્ટ્રની ટીમે ૮ ઓવરમાં ૨૧-૨નો સ્કોર કર્યો હતો.
કેરલમ સામે પહેલા દિવસે ગુજરાતે ૮૩ ઓવરમાં ૩૦૦-૫નો સ્કોર કર્યો હતો. ઓપનર આર્ય દેસાઈએ ૧૩૨ બૉલમાં ૬ ફોર, ૩ સિક્સના આધારે ૯૫ રન કર્યા હતા અને અન્ય બે બૅટર્સ ફિફ્ટી ફટકારીને નૉટઆઉટ રહ્યા હતા.
ઓપનર ધ્રુવ પટેલના ૨૬૭ બૉલમાં ૧૭ ફોરની મદદથી રમેલી ૧૨૪ રનની ઇનિંગ્સની મદદથી બરોડાએ ઉત્તર પ્રદેશ સામે ૮૭ ઓવરમાં ૨૬૯-૬નો સ્કોર કર્યો હતો.
સૌરાષ્ટ્ર સામે ત્રિપુરાએ ૭૪.૩ ઓવરમાં ૨૧૯-૭નો સ્કોર કર્યો. આ ટીમે ૧૮.૩ ઓવરમાં ૨૮ રને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. બરોડાના સ્પિનર પાર્થ ભુતને ત્રણ વિકેટ મળી હતી.
