ઓશોએ બહુ સરસ વાત કહી છે. સેક્સ બે પગ વચ્ચે નહીં, પણ બે કાન વચ્ચે હોય છે
પ્રતીકાત્મક તસવીર
હમણાં એક વડીલને મળવાનું થયું. વડીલ ગવર્નમેન્ટ ઑફિસર હતા. ચારેક વર્ષ પહેલાં તેમની રિટાયરમેન્ટ થઈ હતી. અત્યારે તે ૬પ પ્લસ હશે એવું સહેજે કહી શકાય. બીજું કોઈ સાંભળે તો તેને ચોક્કસપણે તેમનો પ્રશ્ન ગેરવાજબી લાગે પણ પ્રોફેશન હોવાના કારણે મને એ પ્રશ્નમાં જરા પણ અજુગતું લાગ્યું નહીં. તેમની વાત હતી કે તેમને આજે પણ ઇન્ટિમેટ રિલેશનની ઇચ્છા થાય છે પણ વાઇફનું કહેવું એવું છે કે હવે દીકરાઓની ઘરે પણ છોકરાઓ આવી ગયા એવા સમયે આવી ઇચ્છા ગેરવાજબી કહેવાય. એ વડીલનું કહેવું હતું કે વાઇફ પરાણે બેડરૂમના દરવાજાઓ પણ ખુખૂલ્લા રખાવે જેથી હું મજાકમાં પણ તેની સાથે છૂટછાટ ન લઉં અને જો તેમનાથી ક્યારેય એવી કોઈ મજાક કે હાથચાલાકી થઈ જાય તો વાઇફ ઘરના બેઠકરૂમમાં સૂવા માટે જતી રહે.
એક ચોક્કસ ઉંમર પછી અમુક પ્રકારની જાતીય ઇચ્છાઓ ન થવી જોઈએ એવી જે માન્યતા છે એ માન્યતા સંપૂર્ણપણે ભૂલભરેલી છે. આવું માનવું કે આવી સામેના પાત્ર પાસેથી અપેક્ષા રાખવી એ પણ ગેરવાજબી છે. આ થઈ પહેલી વાત, હવે વાત કરીએ બીજી. સેક્સની કોઈ ઉંમર હોતી જ નથી. ઓશોએ બહુ સરસ વાત કહી છે. સેક્સ બે પગ વચ્ચે નહીં, પણ બે કાન વચ્ચે હોય છે. અર્થાત, ઇન્ટિમેટ રિલેશન માટે મન હોય, ઇચ્છા હોય એ જ એની આવરદા, નહીં કે શારીરિક અંગો.
આપણે ત્યાં એવું જોવા મળતું રહ્યું છે કે મોટી ઉંમરની વ્યક્તિઓએ સ્પર્શ દ્વારા કે આંખો દ્વારા ગેરવાજબી વર્તન કરી લીધું હોય. આવા અનેક લોકોને હું અંગત રીતે મળ્યો પણ છું અને તેમની સારવાર માટે પણ મળવાનું થયું છે. એ સમયે તેમની સાથે વાત કરતાં ખબર પડી છે કે તેમનો આ પ્રકારનો સ્વભાવ ઊભો કરવામાં ક્યાંક ને ક્યાંક સોસાયટીમાં રહેલી આ પ્રકારની ગેરવાજબી માનસિકતા છે.
ADVERTISEMENT
ઉંમર સાથે જ્યારે નિસબત નથી એવા સમયે પણ જો વ્યક્તિને અટકાવવામાં આવે કે પછી તેના મનમાં આ પ્રકારની વાતો પરાણે ઘુસાડવામાં આવે તો વ્યક્તિ સંયમની કોશિશ કરી શકે, પણ એ સંયમ કઈ હદે પાળી શકશે એ તો તેના મનોબળ અને મક્કમતા પર આધાર રાખે છે. હું એક ફૅમિલીને ઓળખું છું. પરિવારના વડીલનાં વાઇફ દસેક વર્ષ પહેલાં ગુજરી ગયાં. પરિવારનાં દીકરા-દીકરીઓએ જ નક્કી કર્યું કે વર્ષમાં બે વખત પપ્પાને ફૉરેન ફરવા માટે મોકલવા અને પહેલી વાર તો દીકરાઓએ જ પપ્પાને થાઇલૅન્ડની ટિકિટ આપી હતી. શારીરિક આવેગોને દબાવવાને બદલે એને સહજ રીતે નીકળવાનો માર્ગ મળી જાય એનાથી ઉત્તમ બીજું કશું હોઈ શકે નહીં.

