Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ચમચીભર ચટણીમાં છે ૨૩૦ ટકા ચટાકો

ચમચીભર ચટણીમાં છે ૨૩૦ ટકા ચટાકો

Published : 04 October, 2026 05:31 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

હાલમાં વર્લ્ડ ચટણી ડે ઊજવાઈ ગયો ત્યારે ભારતભરમાં ફરીને તેમણે તૈયાર કરેલા આ ચટણીપુરાણનો સ્વાદ માણીએ

રુશિના મુન્શૉ ઘિલ્ડિયાલ.

રુશિના મુન્શૉ ઘિલ્ડિયાલ.


સામાન્ય રીતે જમવાની થાળીમાં સાઇડલાઇન થઈ જતી ચટણી પર મૂળ મુંબઈનાં અને હવે દેહરાદૂન ‌શિફ્ટ થયેલાં ફૂડ-ક્રૉનિક્લર રુશિના મુન્શૉ ઘિલ્ડિયાલે ૫૨૪ પાનાંનું પુસ્તક લખી નાખ્યું છે. એમાં કાશ્મીરી અખરોટથી લઈને શાકભાજીની છાલમાંથી બનતી ઝીરો-વેસ્ટ ચટણી, મહારાષ્ટ્રના ઠેચાથી લઈને છત્તીસગઢના બસ્તરનાં જંગલોની લાલ કીડીમાંથી બનતી ચાપડા ચટણી અને ભાંગનાં બી ઉમેરીને ઉત્તરાખંડના પહાડોમાં બનતી ભંગજીરા ચટણી સહિત ૨૩૦ પ્રકારની રેસિપી અને એનો મજેદાર ઇતિહાસ વર્ણવ્યો છે. હાલમાં વર્લ્ડ ચટણી ડે ઊજવાઈ ગયો ત્યારે ભારતભરમાં ફરીને તેમણે તૈયાર કરેલા આ ચટણીપુરાણનો સ્વાદ માણીએ

ઢોકળાં હોય કે ગરમાગરમ બટાટાવડાં, થાળીમાં ગમે એટલી લિજ્જતદાર વાનગી પીરસી હોય પણ જો બાજુમાં ચટણી ન હોય તો એનો સ્વાદ અધૂરો લાગે છે. ચટણીની આવી ખાસિયત હોવા છતાં સામાન્ય રીતે જમવાની થાળીમાં એ એક ખૂણામાં સાઇડલાઇન થઈ જતી હોય છે. હકીકત તો એ છે કે છપ્પન ભોગ પીરસેલી થાળીમાંથી જો એ ચમચીભર ચટણી ગાયબ થઈ જાય તો ભોજનમાં કંઈક ખૂટતું હોય એવું લાગે.



રેપિસીનો ઇતિહાસ, એની પાછળની સંસ્કૃતિ અને ખાણી-પીણીની સફરને ક્રમબદ્ધ રીતે દસ્તાવેજ કે લિખિત સ્વરૂપમાં રેકૉર્ડ તરીકે રાખનાર વ્યક્તિ ફૂડ-ક્રૉનિક્લર તરીકે ઓળખાય છે. રુશિના મુન્શૉ ઘિલ્ડિયાલ એવાં જ એક ફૂડ-ક્રૉનિક્લર છે જે માત્ર રેસિપી નથી શૅર કરતા પરંતુ એ વાનગીના વારસાને સંશોધન દ્વારા જીવંત રાખવાનું કામ કરે છે. જાણીતાં ફૂડ-ક્રૉનિક્લર, કન્સલ્ટન્ટ અને ક્યુરેટર રુશિના મુન્શૉ ઘિલ્ડિયાલે ચટણીના આ અનસંગ હીરોવાળા અવતારને ઓળખ્યો અને ૫૨૪ પાનાંનું દળદાર પુસ્તક લખી નાખ્યું. ‘Chutney: A Compendium of Stories and Recipes’ એ કોઈ સામાન્ય કુકરી બુક નથી પરંતુ ભારતીય રસોડાના ઇતિહાસ, વિજ્ઞાન અને સંસ્કૃતિને ચટણીના માધ્યમથી ઉજાગર કરતો જ્ઞાનકોશ છે. આ પુસ્તકના દરેક પાને રુશિનાની પોતાની બે દાયકા લાંબી ફૂડ-જર્નીનો ફ્લૅશબૅક છુપાયેલો છે. ભારતભરમાં ફરીને તેમણે આ ચટણીપુરાણ તૈયાર કર્યું છે. હજી ૨૪ સપ્ટેમ્બરે વર્લ્ડ ચટણી ડે ઊજવાઈ ગયો ત્યારે ‘મિડ-ડે’ના વાચકો માટે પ્રસ્તુત છે ચટાકેદાર ચટણીનો ચટાકો અને એની પાછળની મહેનતની રોમાંચક સફર.



રુશિના મુન્શૉ ઘિલ્ડિયાલ તેમના ચટણીસંગ્રહના પુસ્તક સાથે.

શરૂઆત કઈ રીતે થઈ?


સ્માર્ટફોન, ઇન્સ્ટાગ્રામ રીલ્સ કે ફૂડ-ઇન્ફ્લુઅન્સર્સ જેવા શબ્દો પ્રચલિત નહોતા એ જમાનામાં એટલે કે ૨૦૦૫માં રુશિનાએ ડિજિટલ સ્પેસમાં રેસિપી અને એનું લોકલ કનેક્શન લખવાનું શરૂ કર્યું હતું. ભારતમાં ફૂડ-બ્લૉગિંગ કરનારા શરૂઆતના ગણ્યા-ગાંઠ્યા લોકોમાંથી તેઓ એક છે. તેમણે મુંબઈમાં ‘APB કુક સ્ટુડિયો’ સ્થાપીને ભારતીય ટેસ્ટ-કિચન અને ફૂડ-ઇન્ક્યુબેટરની સમજ આપી. તેઓ માત્ર રેસિપી બનાવતાં નથી; એ વાનગી પાછળનો ઇતિહાસ, સંસ્કૃતિ અને બદલાતા પ્રવાહોને પણ ટ્રૅક કરે છે. ‘ગોદરેજ ફૂડ ટ્રેન્ડ્સ રિપોર્ટ’નાં ક્યુરેટિંગ એડિટર તરીકે કામ કર્યા પછી તેમણે અનુભવ્યું કે ભારતના વૈવિધ્યને સાચી રીતે સમજવા માટે થાળીમાં સૌથી ઓછી જગ્યા રોકતી હોવા છતાં મહત્ત્વનું સ્થાન ધરાવતી ચટણી પર કંઈક લખવું જોઈએ. રુશિના અને તેના હસબન્ડ ચંદ્ર શેખર ઘિલ્ડિયાલના પોતાના જ પબ્લિશિંગ હાઉસ ‘અ પર્ફેક્ટ બાઇટ કન્સલ્ટિંગ’ દ્વારા બહાર પાડવામાં આવેલું ‘Chutney : A Compendium of Stories and Recipes’ પુસ્તક કદ અને સામગ્રી બન્નેમાં વિશાળ છે. આ કોઈ એક વ્યક્તિએ રૂમમાં બેસીને લખેલી રેસિપી-બુક નથી, એક બહુ મોટું કોલૅબરેટિવ મિશન છે. આ પુસ્તક લખવા માટે તેમણે દેશભરના ૧૨૦થી વધુ લોકલ ફૂડ-એક્સપર્ટ્સ, શેફ્સ, ક્યુરેટર્સ અને ગૃહિણીઓ સાથે હાથ મિલાવ્યા છે. બે વર્ષ કરતાં વધુ સમયના એકૅડેમિક, આર્કાઇવલ (ઐતિહાસિક દસ્તાવેજો) અને ઓરલ હિટરી (મૌખિક વાતો)ના રિસર્ચ પછી આ પુસ્તક આકાર પામ્યું છે.

મુંબઈથી દેહરાદૂન 

રુશિનાનાં દાદા-દાદી અમદાવાદથી મુંબઈ આવ્યાં હતાં. તેમનો ટેક્સટાઇલનો બિઝનેસ હતો. પપ્પા વૈષ્ણવ અને મમ્મી હાલાઈ ભાટિયા હોવાથી કચ્છી ભાષા સાથે પણ ઘરોબો રહ્યો છે. જાણીને આશ્ચર્ય થશે કે ચટણી જેવી વાનગી પર પુસ્તક લખનારાં રુશિનાએ હોટેલ મૅનેજમેન્ટ કે ફૂડ-સંબંધિત કોઈ કોર્સ નથી કર્યો. મુંબઈના ગુજરાતી પરિવારમાં જન્મેલાં આ મહિલાએ અજમેરથી ઍનિમેશન તથા ઇલસ્ટ્રેશનનો ઉચ્ચ અભ્યાસ કર્યો. ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં તેઓ એક સફળ ઍનિમેટર તરીકે કૉર્પોરેટ વર્લ્ડમાં સક્રિય હતાં. જીવનમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમનાં લગ્ન ઉત્તરાખંડના ગઢવાલી પરિવારમાં થયાં. એક તરફ ગુજરાતની ગળપણ-ખટાશવાળી વાનગીઓ અને બીજી તરફ ઉત્તરાખંડનો પહાડી ટેસ્ટ. આ સમન્વયે ફૂડ-ક્રૉનિકર તરીકેની તેમની જર્નીને પાંખો આપી. ચંદ્ર શેખર ઘિલ્ડિયાલ સાથે લગ્ન બાદ તેઓ ગામદેવીથી પવઈ રહેવા આવી ગયાં. ૨૦૨૪માં તેઓ દહેરાદૂન શિફ્ટ થઈ ગયાં. સંતાનમાં ૨૪ વર્ષનો દીકરો અને ૧૮ વર્ષની દીકરી છે. 


રુશિના હસબન્ડ ચંદ્ર શેખર ઘિલ્ડિયાલ સાથે.

આ પુસ્તક ભલે ગયા વર્ષે પહેલી ઑક્ટોબરે પબ્લિશ થયું, પણ એનો પાયો ૯ વર્ષ પહેલાં નખાયો હતો એમ જણાવતાં રુશિના કહે છે, ‘૨૦૧૭માં મેં ઇન્સ્ટાગ્રામ જૉઇન કર્યું ત્યારે જોયું કે લોકોને ઇન્ડિયન ક્યુઝીન વિશે જાણવામાં બહુ રસ છે. જોગાનુજોગ એ અરસામાં મુંબઈમાં ‘મેકરૂન ડે’ સેલિબ્રેશન માટે મને ઇન્વિટેશન આવ્યું. ત્યાંથી આવીને બહુ એક્સાઇટેડ હતી. આ જોઈને મારા હસબન્ડે સવાલ પૂછ્યો કે તું વેસ્ટર્ન ડિશ માટે આટલી ખુશ છે, પણ ઇન્ડિયન ડિશ પર આ રીતે કોણ ફોકસ કરે છે? બસ, આ વાત મારા મગજમાં ઘર કરી ગઈ અને ઇન્ટરનેટ પર ‘આચાર ડે’ શરૂ કર્યો. મારો જન્મ અને ઉછેર મુંબઈમાં ગામદેવી વિસ્તારમાં થયો છે. મૂળ અમદાવાદના ગુજરાતી પરિવારની દીકરી છું. પપ્પા વૈષ્ણવ અને મમ્મી હાલાઈ ભાટિયા. આથી ગુજરાતી અને કચ્છી વાનગીઓ પ્રત્યે પહેલેથી લગાવ હતો. નાનપણમાં દાદી અને મમ્મી જ્યારે અથાણાં બનાવવા માટે મીઠું-હળદર ચડાવેલી કેરીને ધાબા પર કપડું પાથરીને સૂકવવા મૂકતાં ત્યારે એ ખાટી કેરીને ચોરીછૂપીથી ખાવાની મજા પડતી. કેરીમાંથી આપણા દેશના દરેક પ્રાંતમાં અથાણું બને છે, બસ એને બનાવવાની રીત જુદી છે. પોતાના રૂટ્સ સાથે ફરીથી કનેક્ટ થવાના ઇરાદાથી શરૂ થયેલા આ ‘‘આચાર ડે’માં સોશ્યલ મીડિયાના માધ્યમથી અલગ-અલગ રાજ્યોની મહિલાઓએ પોતાની પરંપરાગત અથાણાંની રેસિપીઓ શૅર કરી, જે આગળ જતાં ચટણી અભિયાનમાં કન્વર્ટ થઈ ગયો. મોટિવેશન મળ્યા બાદ ઘરના રસોડા માટે ૧૦ દિવસનું કૅલેન્ડર બનાવ્યું. એમાં અથાણાં, વડી, પાપડ, મસાલા અને ચટણી ડેનો સમાવેશ કર્યો. ૨૦૨૦ની ૨૪ સપ્ટેમ્બરે ચટણીની રેસિપી શૅર કરી અને એ દિવસથી હું, મારી કમ્યુનિટી, ફ્રેન્ડ્સ વગેરે એની ઉજવણી કરવા લાગ્યાં. એ પછીના વર્ષે ચટણી પર ચર્ચા કરવા બે કલાકનું ઑનલાઇન સેશન રાખ્યું, જેમાં હોમ શેફ્સ અને ગૃહિણીઓ જોડાઈ. એમાંથી પુસ્તક લખવાનો વિચાર આવતાં વધુ ઊંડાણપૂર્વક રિસર્ચ શરૂ કર્યું અને ચટણીની રેસિપી પણ શૅર કરતી રહી. જોતજોતામાં ચટણી ડે પ્રખ્યાત થઈ ગયો અને આ વર્ષે તો અનેક જાણીતી બ્રૅન્ડે પણ સેલિબ્રેશનમાં ઝંપલાવ્યું.’


કાશ્મીરી ચેટિન : કાશ્મીરી વાઝવાન મેનુની શાન ગણાતી આ ચટણી તાજગી આપે છે. કાંદા અને વિનેગર સાથે બનતી આ ઘટ્ટ ચટણી માંસાહારી ભોજનને પચાવવામાં મદદ કરે છે. (માહિતીસૌજન્ય : શેફ નલિની સાધુ, મતામાલ રેસ્ટોરાં)

પુસ્તકમાં શું છે?

બે દાયકાથી ફૂડ-ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત રુશિના મુન્શૉના આ પુસ્તકમાં રિયલ કિચનમાંથી આવેલી રિયલ સ્ટોરીઝ લખેલી છે. તેમના હસબન્ડ આ સફરમાં કો-ફાઉન્ડર તરીકે તેમને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છે. રુશિના કહે છે, ‘આ પુસ્તક લખતાં પહેલાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફરીને લોકલ કિચન સુધી પહોંચવું જરૂરી હતું. બે વર્ષ સતત પ્રવાસ કર્યો. પુસ્તકની અંદર આટલી ચમચી મીઠું અને આટલાં મરચાં ઉમેરોવાળી રેસિપીઝ નથી. એમાં ભારતભરની ૨૩૦થી વધુ ચટણીઓનો ઇતિહાસ અને ૪૦ જેટલા નિબંધો છે. એક તરફ આમાં ઉત્તરાખંડના પહાડોમાં મળતા પેરિલા સીડ્સમાંથી બનતી ‘ભંગજીરા ચટણી’ની વાતો છે તો બીજી તરફ છત્તીસગઢના બસ્તરના આદિવાસીઓની પ્રખ્યાત ‘ચાપડા ચટણી’ (લાલ કીડીની ચટણી) પાછળનું વિજ્ઞાન છે. દરેક પ્રાંતના લુપ્ત થતા જતા સ્વાદને પુસ્તકમાં કાયમ માટે સંઘરી રાખ્યા છે. આપણી દાદી-નાનીએ રસોડામાં અને લોકલ માર્કેટમાં અવલેબલ સામગ્રીમાંથી પોતાની સૂઝબૂઝથી વિકસાવેલી ચટણીનું કોઈ ચોક્કસ નામ નહોતું. આ પુસ્તકમાં એવી સીક્રેટ રેસિપીઝ શોધીને એ ચટણીઓને બનાવનારી નારીશક્તિનાં નામ જ આપી દીધાં છે. દાખલા તરીકે મારાં નાની સાસુ તલ અને ટમેટાની ચટણી બનાવતાં. પુસ્તકમાં એ ચટણીને તેમનું જ નામ આપ્યું છે. એવી જ રીતે મારાં મમ્મીના હાથની સ્પેશ્યલ કાંદા-કેરીની ચટણી અને કાચી કેરીની આમલીવાળી ચટણીને પણ મમ્મીનું જ નામ આપીને દસ્તાવેજીકરણ કર્યું છે.’


ગઢવાલી તિલ ચટણી : પહાડી અનપૉલિશ્ડ તલમાંથી બનતી આ ચટણી શિયાળામાં ગઢવાલનાં ઘરોમાં ખાસ બનાવાય છે. આ ચટણીની તાસીર ગરમ હોવાથી શિયાળાના ભારે ખોરાકને પચાવવામાં અને શરીરને હૂંફ આપવામાં મદદ કરે છે.

ચટણીનાં ભૌગોલિક અને વૈજ્ઞાનિક પાસાંઓ પર પ્રકાશ પાડતાં રુશિનાએ સરસમજાની વાત કરી છે. વૈવિધ્ય સમજાવતાં તેમણે લખ્યું છે, ‘ચટણી સનાતન કન્સેપ્ટ છે જેનો ઉલ્લેખ આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ છે. ભારતની ભૌગોલિક વિવિધતાને કારણે એમાં ગજબના ફેરફારો થાય છે. ઉદાહરણ તરીકે ગુજરાતમાં આમલીને રાંધતા નથી, માત્ર મસાલા સાથે ગ્રાઇન્ડ કરીએ છીએ, જ્યારે પહાડી પ્રદેશોમાં આમલીને રાંધીને ચટણી બને છે. સામગ્રી એ જ હોવા છતાં પ્રાંત બદલાતાં એનો વપરાશ, મસાલા અને સ્વાદ તદ્દન બદલાઈ જાય છે. મિક્સરના જમાનામાં પથ્થરના
સિલ-બટ્ટા કે ખાંડણિયામાં ખાંડેલી ચટણીનો સ્વાદ કેમ બદલાઈ જાય છે એનું રસપ્રદ લૉજિક પણ પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પુસ્તકમાં ‘ચટણી ટ્રાવેલ આઉટસાઇડ’ નામથી અલગ એક ચૅપ્ટર છે. ભારતીયો દુનિયાના જે પણ ખૂણે ગયા, પોતાની સાથે ચટણી સંસ્કૃતિ પણ લઈ ગયા એની સફરને પુસ્તકમાં આવરી લેવામાં આવી છે.

સ્વાદ, સંસ્કૃતિ અને સાયન્સ

આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં ૫૦૦ જેટલી ચટણીઓ શૉર્ટલિસ્ટ કરી હતી. રિસર્ચ દરમ્યાન તેમને સમજાયું કે લસણ, નારિયેળ, કોથમીર, કેરી અને ટમેટાંની ચટણી લગભગ ભારતના દરેક પ્રાંતમાં બને છે. તેથી દરેક સેક્શનમાંથી શ્રેષ્ઠ અને યુનિક રેસિપી જ પસંદ કરી. આકરી મહેનત અને વર્ગીકરણ પછી છેલ્લે ૨૩૦ રેસિપી ફાઇનલ થઈ. ભારતીય થાળીમાં ચટણીનો ચોક્કસ રોલ શું છે એના પર વિચારવિમર્શ કર્યા પછી દરેક રીજનની બેથી ૬ વિશિષ્ટ ચટણીઓને સ્થાન આપ્યું છે. કાશ્મીરથી શરૂ કરીને સ્ટેટ બાય સ્ટેટ અને રીજન ટુ રીજન આખું ડૉક્યુમેન્ટેશન કર્યું. વિવિધ રાજ્યોના સેક્શન ઉપરાંત અમે ભારતીય સંસ્કૃતિમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા સિંધી અને પારસી સમુદાયની પરંપરાગત ચટણીઓને પણ આવરી લીધી છે.


ચાપડા ચટણી :લાલ કીડીઓમાંથી બનતી આ ભારતની એક અનોખી આદિવાસી વાનગી છે. રોગપ્રતિકારક શક્તિ વધારતી આ ચટણીના નાના લાડુ બનાવીને સ્થાનિક લોકો એને ગરમ ભાત, રોટલા કે મહુડાના દેશી દારૂ સાથે માણવાનું પસંદ કરે છે. (માહિતીસૌજન્ય : ગરિમા તિવારી, @noneeecooks)

રુશિનાએ ચટણીઓને વેજ કે નૉન-વેજ જેવા ખાનામાં નથી વહેંચી. એની પાછળનું વૈજ્ઞાનિક અને ભૌગોલિક કારણ સમજાવતાં તેઓ કહે છે, ‘આપણી થાળીમાં જે પીરસાય છે એ ભૌગોલિક વિસ્તારને અનુકૂળ હોય છે. દરિયાકાંઠે રહેતા લોકો સી-ફૂડ અને નારિયેળ ખાય એ સ્વાભાવિક છે, કારણ કે કોસ્ટલ રીજનમાં એ જ સરળતાથી મળે છે. લદ્દાખ જેવા પહાડી વિસ્તારોમાં પ્લાન્ટ્સ કે વનસ્પતિઓ સર્વાઇવ નથી કરતાં ત્યાં લોકોને મીટ ખાવું જ પડે છે. કાશ્મીરમાં અખરોટ વધુ થાય એટલે ત્યાં અખરોટની ચટણી બને. ઉત્તરાખંડમાં શિયાળાની કડકડતી ઠંડીમાં શરીરને અંદરથી ઉષ્ણ રાખવા માટે તલની સાથે ભાંગનાં બી અને મૂળા ભેળવીને ચટણી બનાવાય છે. એવી જ રીતે જનજાતિ (આદિવાસી) સમાજ જે છત્તીસગઢના બસ્તરમાં લાલ કીડીની ચાપડા ચટણી ખાય છે એની પાછળ પૂર્વજોનું વિજ્ઞાન છે. આ ચટણીની ન્યુટ્રિશનલ વૅલ્યુ તો અદ્ભુત છે જ; પણ સ્થાનિક લોકો માને છે કે આ ચટણીને ખાવાથી તો ઠીક, માત્ર એને વાટતી વખતે એની સુગંધ સૂંઘવાથી શરદી ગાયબ થઈ જાય છે. કાશ્મીરની ‘ચેટિન’, ઉત્તરાખંડની ‘ભંગજીરા’, તામિલનાડુની નારિયેળ અને વનસ્પતિ આધારિત ‘થોગાઇયલ’, કેરલમની ‘ચમ્મંથી’, રાજસ્થાનની ખાટી-મીઠી ‘લૌંજી’, મહારાષ્ટ્રના તીખા ‘ઠેચા’, કર્ણાટકના ‘રંજકા’ અને આપણા ગુજરાતની લસણની ચટણીઓ સાબિત કરે છે કે રેસ્ટોરાંમાં મળતી લીલી કોથમીર કે ખાટી આમલીની ચટણી એ ભારતના અસલી ચટણીવારસાનું નાનું અને અધૂરું ચિત્ર છે. આ પુસ્તકમાં માત્ર સ્વાદનો ચટાકો જ નથી; દરેક ચટણી પાછળ છુપાયેલા હેલ્થ-બેનિફિટ્સ, ન્યુટ્રિશન વૅલ્યુ અને આપણા પૂર્વજોનું સ્વાસ્થ્ય વિજ્ઞાન છે.’


રાંજકા ચટણી :મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરહદોને સ્વાદથી જોડતી આ એક અદ્ભુત ચટણી છે. ખાસ કરીને કર્ણાટકના બ્યાડગી (Byadgi) ગામનાં ઘટ્ટ લાલ અને ઓછાં તીખાં મરચાંમાંથી બનતી આ ચટણી આ પ્રદેશની દેશી સંસ્કૃતિની ઓળખ છે. (માહિતીસૌજન્ય: શેફ શ્રી બાલા, નાદુ)


કાઠિયાવાડી લસણિયું :ગુજરાતના ઘર-ઘરમાં વપરાતી લસણ-મરચાંની આ ઑલ-પર્પઝ ચટણી છે જે મસાલા તરીકે પણ વપરાય છે. કાઠિયાવાડમાં આ સ્વાદિષ્ટ ચટણીને લાંબા સમય સુધી સાચવવા માટે અખરોટ જેવડા નાના-નાના લાડુ બનાવીને રાખવાની પરંપરા છે.

આ પુસ્તકનું સૌથી મજબૂત અને વિચારવા જેવું પાસું છે ‘રૂટ-ટુ-લીફ’ કન્સેપ્ટ. પશ્ચિમી દેશોમાં આજે વેસ્ટ મૅનેજમેન્ટની મોટી-મોટી વાતો થાય છે, પરંતુ રુશિનાએ આ પુસ્તક દ્વારા જણાવ્યું છે કે ભારતીય ગૃહિણીઓ વર્ષોથી કશું જ ફેંક્યા વગર શાકભાજીના દરેક હિસ્સાનો ચટણીમાં કઈ રીતે ઉપયોગ કરવો એ જાણતી હતી. ગૃહિણીઓ ફૂલ અને પાંદડાંમાંથી પણ સ્વાદિષ્ટ ચટણી બનાવી જાણે છે. કોથમીર કે ફુદીનાની ફેંકી દેવાતી દાંડીઓ, ફળોનાં બી અને પાંદડાંઓમાંથી, તૂરિયાંની કે દૂધીની છાલને લસણ અને મરચાં સાથે સાંતળીને કે પછી રાઈનાં પાનમાંથી પણ ચટણી બનાવી શકાય છે. પુસ્તકમાં ચટણીના ઇતિહાસને ૩ મુખ્ય પિલર્સ પર ટ્રૅક કરવામાં આવ્યો છે : સામગ્રી, સાધનો અને બનાવનાર વ્યક્તિ અથવા પ્રાંત. કાશ્મીરી અખરોટની રેસિપીથી લઈને શાકભાજીની છાલમાંથી બનતી ઝીરો-વેસ્ટ ચટણી સુધીનો મજેદાર ઇતિહાસ આપણો ચટણીને જોવાનો નજરિયો બદલી નાખે છે. રુશિનાના મતે ચટણી એ માત્ર જીભનો ચટાકો નથી, રસોડામાં વપરાતી દરેક સામગ્રીને ચટણીમાં બદલવાની કળા છે જેમાં ભારતની સ્ત્રીઓ પારંગત છે. 

ઓહો... આશ્ચર્ય

પુસ્તકના રિસર્ચની સાથે-સાથે રુશિનાએ પોતાના પિયરની અટક વિશે આશ્ચર્યજનક અને ગર્વ લેવા જેવી હકીકત શૅર કરી. મુન્શૉ અટક કોઈ ચોક્કસ જ્ઞાતિ સાથે જોડાયેલી નથી. ગુજરાતમાં ‘મુનશી’ શબ્દ ફારસી ભાષામાંથી આવ્યો છે જેનો અર્થ ‘વહીવટકર્તા’, ‘સેક્રેટરી’ કે ‘રાજવી દરબારના મુનીમ’ એવો થતો હતો. સમય જતાં કોઈ વડવાઓને મળેલી ખાસ પદવીના કારણે ‘મુનશી’ પરથી અપભ્રંશ થઈને મુન્શૉ થઈ ગયું. આ અટક ધરાવતો આખો વંશવેલો મૂળ એક જ પરિવારમાંથી વિસ્તરેલો છે. મુંબઈ અને અમદાવાદના બિઝનેસ-સર્કલમાં ‘મુન્શૉ’ પરિવાર ટેક્સટાઇલ (કાપડની મિલો)ના વ્યવસાય માટે જાણીતો રહ્યો છે. આ અટક એક જ વેપારી વાણિયા પરિવારની યુનિક ઓળખ છે. એટલે જ રુશિનાનો આ દાવો સાચો ઠરે છે કે આખા વિશ્વમાં આ અટક ધરાવતો માત્ર એક જ પરિવાર છે. ટેક્નિકલી, વિશ્વમાં કોઈ વ્યક્તિ મુન્શૉ લખે છે તો તેનાં રૂટ્સ અમદાવાદ સાથે જોડાયેલાં હોય છે. તેમના વંશજો વિદેશમાં પણ સ્થાયી થયા છે એટલે જ આ કોઈ જ્ઞાતિસૂચક અટક નથી, એક સિંગલ ફૅમિલી આઇડેન્ટિટી છે.

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 05:31 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK