મલાડ-ઈસ્ટમાં નવા શરૂ કરવામાં આવેલા લોવેના બાઇટ્સમાં કંઈક હટકે અને નવા સ્વરૂપમાં વૉફલ્સ મળી રહ્યાં છે.અત્યારે અહીં ચૉકલેટ સ્ટ્રૉબેરી બબલ વૉફલ, કિટકૅટ બબલ વૉફલ, ઓરિયો શેક, બ્લુ મૅજિક શેક જેવી આઇટમ ખૂબ જ વેચાય છે.’
બબલ વૉફલ ઇન ગ્લાસ: છેને નવી વરાઇટી?
વૉફલ અત્યારે ટ્રેન્ડિંગ ડિઝર્ટની યાદીમાં આવે છે. એટલે જ ઠેર-ઠેર એનાં આઉટલેટ ખૂલી ગયાં છે જ્યાં વિવિધ ફ્લેવર અને ટૉપિંગ સાથેનાં વૉફલ્સ મળી રહ્યાં છે. જોકે એવાં વૉફલ્સ તો તમે ઘણાં ખાધાં હશે પણ જો તમને કંઈક યુનિક ટ્રાય કરવું હોય તો મલાડ-ઈસ્ટમાં આવેલા વૉફલના આ સ્ટૉલ પર એક રાઉન્ડ મારી આવવા જેવો છે જ્યાં બબલ વૉફલ મળે છે, એ પણ ગ્લાસની અંદર વિવિધ ટૉપિંગ સાથે ઉમેરીને.
મલાડ-ઈસ્ટમાં આવેલો લોવેના બાઇટ્સ સ્ટૉલ બે ગુજરાતી ફ્રેન્ડે મળીને શરૂ કર્યો છે. તેમને યુનિક વૉફલ રજૂ કરવાનો આઇડિયા ક્યાંથી આવ્યો અને એમાં બીજું શું નવું છે એ વિશે માહિતી આપતાં સ્ટૉલના કો-ઓનર પ્રશાંત વાઘેલા કહે છે, ‘મેં મારી મિત્ર મેઘના સાથે મળીને આ સ્ટૉલ શરૂ કર્યો છે. અમે બન્નેએ ટોચની વૉફલ ચેઇનના આઉટલેટમાં ઘણાં વર્ષ સુધી કામ કર્યું છે એટલે અમારી વૉફલ બનાવવામાં સારીએવી હથોટી તો હતી જ, પરંતુ અમને એમાં કંઈક નવું લાવવું હતું. અમે જ્યારે વૉફલ બનાવવાનું મશીન ખરીદવા ગયાં ત્યાં અમારી નજર બબલ વૉફલના મશીન પર પડી જે અમને યુનિક લાગ્યું. આમ તો અમુક જગ્યાએ આ બબલ વૉફલ મળે છે પરંતુ અમારે એમાં હજી નવીનતા લાવવી હતી જે બધી ઉંમરના લોકો માટે ફ્રેન્ડ્લી બને. એટલે અમે એને ગ્લાસમાં ફોલ્ડ કરીને સર્વ કરવાનું નક્કી કર્યું જેથી દરેક એજના લોકો એ આરામથી ખાઈ શકે. આ બબલ વૉફલની સાથે અમે ગ્લાસની અંદર કસ્ટમરની ડિમાન્ડ પ્રમાણે ક્રીમ, આઇસક્રીમ, ચૉકલેટ, ચોકો ચિપ્સ, કિટકૅટ, ઓરિયો વગેરે ઍડ કરીને સર્વ કરીએ છીએ. અમે વૉફલ બનાવવા માટે જે પ્રીમિક્સ વાપરીએ છીએ એ પણ અમે જ બનાવીએ છીએ. આ કન્સેપ્ટ મુંબઈમાં તદ્દન નવો જ છે. આવનારા દિવસોમાં અમે એમાં નવી વરાઇટી લાવવાનાં છીએ. અત્યારે અહીં ચૉકલેટ સ્ટ્રૉબેરી બબલ વૉફલ, કિટકૅટ બબલ વૉફલ, ઓરિયો શેક, બ્લુ મૅજિક શેક જેવી આઇટમ ખૂબ જ વેચાય છે.’
ક્યાં મળશે? : લોવેના બાઇટ્સ, વૈષ્ણોદેવી મંદિરની બાજુમાં, સુભાષ લેન, મલાડ (ઈસ્ટ).


