પોષક તત્ત્વોથી ભરપૂર ગણાતી આ ભાજીને રાંધવાની સાચી રીત ઉપરાંત એનો લાભ કયા કૉમ્બિનેશનમાં ખાઓ તો સારી રીતે ઉઠાવી શકાય એ વિશે વિગતવાર જાણી લો
પ્રતીકાત્મક તસવીર
આપણે આગલી પેઢી પાસેથી એ સાંભળતાં કે અમને તો પાણાય પચી જાય. એટલે કે અમે પથરા ખાઈએ તો અમને એ પણ પચી જાય. પરંતુ આજનો સીન એવો છે કે બધાની જ પાચનશક્તિ નબળી થઈ ગઈ છે અને એનું મુખ્ય કારણ એ છે કે આપણે ફૂડ રૉન્ગ કૉમ્બિનેશનમાં ખાવા લાગ્યા છીએ. આપણે સાંભળ્યું છે કે કે મૂળો રાત્રે ન ખવાય, કાંદા અને દૂધ ભેગાં ન ખવાય, અગાઉ શિરામણ છાશ સાથે અને વાળુ દૂધ સાથે થતું. મોટા ભાગનાં ઘરોમાં આથાવાળી વસ્તુઓ સવારના બનતી. આ બધા નિયમ પાછળ રીઝન છે, શાસ્ત્ર છે, વિજ્ઞાન છે. આપણે હવે એ નિયમો ફૉલો કરતા નથી. ખાવાના અને રાંધવાના સમય તેમ જ કૉમ્બિનેશન પણ ખોટાં થઈ ગયાં છે.
ઘણી એવી શાકભાજી છે જે સુપર ફૂડમાં ગણાય છે, પરંતુ આપણે એને સરખી રીતે રાંધતાં કે ખાતાં નથી. પાલકની વાત કરીએ તો એ સુપર ફૂડ છે. કૅલ્શિયમથી ભરપૂર. પરંતુ ઉપયોગ કરવાની ખોટી રીતને કારણે મોટા ભાગનું કૅલ્શિયમ શરીરમાં ઍબ્સૉર્બ નથી થતું. પાલકને કઈ રીતે રાંધવી જોઈએ કે કયા કૉમ્બિનેશનમાં રાંધવી અને ખાવી જોઈએ જેથી એમાં રહેલા કૅલ્શિયમ પોષક તત્ત્વોનો મૅક્સિમમ લાભ મળી શકે. આ બધા જ સવાલોનો જવાબ એક્સપર્ટ પાસેથી જાણીએ.
ADVERTISEMENT
રાંધતી વખતે આટલું ધ્યાન રાખો
પાલક કાચી ન ખાવી જોઈએ એમ જણાવીને ડાયટિશ્યન રીટા જૈન કહે છે, ‘એ પચવામાં ખૂબ ભારે હોય છે. જેમનું પાચનતંત્ર નબળું હોય તેમને તકલીફ થઈ શકે. ધોયેલી પાલકને વાસણમાં બે મિનિટ વગર પાણીએ સ્ટીમ કરો કે પછી ગરમ પાણીમાં બોળીને રાખો કે પછી એને પ્રૉપરલી રાંધો. એમાં ખૂબ ફોલિક ઍસિડ અને આયર્ન હોય છે. મેથી અને તાંદળજાની ભાજી પૂરી રીતે રાંધવી જરૂરી છે. પરંતુ પાલકમાં એવું ન કરીએ તો ચાલે. સ્લાઇટ્લી કુક કરીએ તો ચાલે જેથી એની અંદરના ફાઇબર સૉફ્ટ થઈ જાય અને એ ડાઇજેસ્ટ કરવામાં પણ ઈઝી થઈ જાય. બીજું, પાલક સાથે કરાતું કૉમ્બિનેશન શું છે એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. પાલકમાં ખૂબ આયર્ન હોય છે એ બરાબર છે, પરંતુ આપણા શરીરને જેટલું જરૂરી છે એટલું આયર્ન પાલકમાંથી મેળવવા માટે ખૂબ બધી પાલક ખાવી પડે જે પૉસિબલ નથી. તમે ૩૦૦થી ૪૦૦ ગ્રામ પાલક ખાઓ ત્યારે તમને જરૂર પૂરતું પોષણ મળે. એની સામે તમે ૧૦૦ ગ્રામ નાચણી કે બ્રૉકલી ખાશો તો એમાંથી પણ એટલું જ આયર્ન મળી જશે. એટલે સૌપ્રથમ તો પાલકને ખાવાની સાચી રીત સમજો. આ ભાજી સાથે વિટામિન C લેવું જરૂરી છે. આપણે જ્યારે શાક કે સૂપ બનાવીએ ત્યારે એમાં ટમેટાં નાખતા હોઈએ છીએ અને ટમેટાંમાં વિટામિન C હોય છે પણ મહત્ત્વની વાત એ છે કે રાંધતી વખતે મોટા ભાગનું વિટામિન C ઊડી જાય છે. વિટામિન C નાખીને વસ્તુને રાંધી ન શકાય. જ્યારે શાક પૂરેપૂરું રંધાઈ જાય અને ગૅસ બંધ કરો ત્યારે ઉપરથી વિટામિન C એટલે કે લીંબુ નાખવાનું હોય. ઉપરથી લીંબુ નાખવાથી કૅલ્શિયમ અને ફોલિક ઍસિડના ગુણ એન્હૅન્સ થઈ જતા હોય છે અને વાનગી ડાઇજેસ્ટ થવામાં પણ ઈઝી પડે છે.’
પાલકમાં શું નખાય, શું નહીં?
પાલકમાં ઘણી વધુ માત્રામાં ઓક્ઝલેટ પણ હોય છે એમ જણાવીને રીટાબહેન કહે છે, ‘એટલે પાલકમાં ટમેટાં નાખવાં એ સારો આઇડિયા નથી. જો તમારે પાલકમાં ટમેટાં નાખવાં જ હોય તો એનાં સીડ્સ કાઢી લો અને માત્ર છાલ યુઝ કરો. પાલક અને બીટ કે આલૂ-પાલક કે પાલક-મટર પણ સારું કૉમ્બિનેશન છે. આ કૉમ્બિનેશન શરીરને ભરપૂર પોષણ આપે છે. પરંતુ આપણે ત્યાં સૌથી વધુ ફેમસ પાલક પનીર છે અને જે રૉન્ગ કૉમ્બિનેશન છે. પાલકમાં પ્રોટીન હોય અને મિલ્કમાં પણ પ્રોટીન હોય. આ બેઉ પ્રોટીન મળીને ડાઇજેશન માટે હાર્ડ સાબિત થાય છે. પાલકમાં વળી વેજિટેબલ પ્રોટીન છે. એમાંય વળી આપણે પનીર સાથે ક્રીમ પણ નાખીએ, ટમેટાં પણ નાખીએ. જેનું ગટ સેન્સિટિવ હોય એના માટે આ શાક પચાવવું અઘરું છે. આવા કૉમ્બિનેશન ખાઓ ત્યારે બૉડી ખુદ કન્ફ્યુઝ થઈ જાય કે પહેલાં શું ડાઇજેસ્ટ કરું! સાચું પૂછો તો શાક ખાવાની સૌથી સારી રીતે એ છે કે એને સોલો ખાઓ. પાલક-પનીર ખાવું હોય તો ઘરનું બનાવેલું ખાવું. એમાં ક્રીમ અવૉઇડ કરવી અને ટમેટાંમાંથી ગર કાઢી નાખવો. તમને યાદ હોય તો આપણા વડવાઓ કહેતા કે ટમેટાં સાથે દૂધ ન વાપરવું જોઈએ. એની પાછળનું વૈજ્ઞાનિક રીઝન પણ હવે તો સાબિત થઈ ગયું છે. શાક સાથે શાકનું કૉમ્બિનેશન સૌથી બેસ્ટ છે અને હા, પાલક જે પણ સ્વરૂપે ખાઓ એના પર લીંબુ નિચોવવાનું ભૂલતા નહીં.’
પોષક તત્ત્વોથી સભર
મુંબઈ અને અમદાવાદ એમ બેઉ જગ્યાએ બહોળી પ્રૅક્ટિસ ધરાવતાં આયુર્વેદ ડૉક્ટર દીપા મહેતા પાલકના ગુણધર્મ વિશે વધુ વાત કરે છે. તેઓ કહે છે, ‘પાલકની તાસીર ઠંડી છે. એ અગ્નિને વધારે છે. પાચન તેમ જ આંતરડાંને મજબૂતી આપે છે. પાલક વિટામિન A, વિટામિન E, વિટામિન C અને વિટામિન Kનો ખૂબ સરસ સ્રોત છે. એ ઉપરાંત એમાં આયર્ન, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, પોટૅશિયમ જેવી ધાતુઓ પણ મળે છે. પાલક લેવાથી આંખના રોગમાં ફાયદો થાય છે, ઇમ્યુનિટી વધે છે, પિત્ત અને લોહીના રોગોમાં પણ પાલક ઉપયોગી છે. જેને કૉન્સ્ટિપેશન રહેતું હોય તેના માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. લોહીમાં બગાડ, શ્વાસના રોગ, બ્લડ ડિસઑર્ડરની તકલીફ હોય એ લોકો પણ પાલક ખાઈ શકે છે. એની અંદર પોટૅશિયમનું પ્રમાણ વધુ હોવાથી હાઈ બ્લડપ્રેશર રહેતું હોય એ લોકો પણ પાલક લઈ શકે છે. પાલક બોન-હેલ્થને સુધારે છે. શ્વાસના રોગ હોય, ડાયાબિટીઝ હોય, કિડની સ્ટોન હોય કે પછી ઍસિડિટી રહેતી હોય એ લોકો પણ પાલક લઈ શકે છે.’
કોણે પાલક ન ખાવી?
પાણી સારું આવતું નથી એટલે પાલકમાં એટલું નરિશમેન્ટ રહેતું નથી. એ ઉપરાંત એ કઈ જગ્યાએ ગ્રો થઈ છે અને કેવા પાણીથી ઉગાડવામાં આવી છે એના પર પાલકના ગુણધર્મો આધારિત હોય છે. ડૉ. દીપા કહે છે, ‘પાલક ખાવા માટે સૌથી બેસ્ટ સીઝન શિયાળો છે. ઉનાળામાં તો એ આમેય ઓછી મળે છે. તમે જ્યારે વાપરો ત્યારે પહેલાં એને બહુ સારી રીતે વૉશ કરવી ખૂબ જરૂરી છે. વાયુની પ્રકૃતિ હોય તેમણે પાલકનો ઉપયોગ સમજીને કરવાનો હોય છે. જો ખાવી જ હોય તો કઈ રીતે બનાવવી એ મહત્વનું છે. વધુપડતા ઘી અથવા તેલ સાથે સરખી રીતે રાંધીને વાયુ પ્રકૃતિવાળા એનો ઉપયોગ કરી શકે. પાલકને ક્યારેય કાચી ન ખાવી જોઈએ. કોઈ પણ પ્રકારે બાફીને, સ્ટીમ કરીને કે પછી સરખી કુક કરીને ખાવાથી એનો મૅક્સિમમ ફાયદો લઈ શકાય છે. આયુર્વેદમાં પાલકનો ઉપયોગ દૂધ સાથે કરવાનું વર્જ્ય ગણવામાં આવ્યું છે. વાયુ પ્રકૃતિવાળા જો પાલકનો ઉપયોગ કરવા માગતા હોય તો સરખા ઘીમાં રાંધવી અને સાથે આદું તેમ જ જીરાનો ઉપયોગ કરવો. પિત્ત પ્રકૃતિ હોય તો પાલકની વાનગી બનાવતાં પહેલાં ઘી અને મીઠું નાખીને બાફી લેવી પછી જ ઉપયોગ કરવો. કફ પ્રકૃતિ ધરાવતા લોકોએ મરી, પીપરી કે પછી સૂંઠ પાઉડર જેવા મસાલાનો ઉપયોગ કરીને પાલકની વાનગીઓ બનાવવી. એવું કરવાથી કફ નહીં વધે. એ ઉપરાંત વર્ષાઋતુમાં પાલક વાપરવી ન જોઈએ. એ દરમિયાન પાણી સારું આવતું નથી એટલે પાલકમાં એટલું નરિશમેન્ટ રહેતું નથી.’
દૂધ સાથે પાલક જરાય નહીં
પાલકમાંથી પરોઠાં બનાવો, એની ગ્રેવી બનાવીને ઢોકળાં કે ઇડલી બનાવો, અલગ-અલગ કૉમ્બિનેશન સાથે શાક બનાવો, મૂઠિયાં બનાવો. ડૉ. દીપા કહે છે, ‘એનો ઉપયોગ કોઈ પણ રીતે કરી શકાય. નિયમ માત્ર એક છે કે એને દૂધની પ્રોડક્ટ સાથે ન વાપરવી તેમ જ બનાવતી વખતે મસાલા અને ઘી અથવા તેલનો આગળ પડતો ઉપયોગ કરવો. તો વધુ ફાયદાકારક છે. પાલક પચવામાં ભારે છે કારણ કે એનો ગુણધર્મ રુક્ષ છે અને એટલા માટે જ એને કુક કરતી વખતે ફૅટનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. અને હા, ખાતી વખતે વિટામિન C એટલે કે લીંબુનો રસ ઉમેરવાનું પણ ન ભૂલવું.’
પાલકને ક્યારેય કાચી ન ખાવી જોઈએ. કોઈ પણ પ્રકારે બાફીને, સ્ટીમ કરીને કે પછી સરખી કુક કરીને ખાવાથી એનો મૅક્સિમમ ફાયદો લઈ શકાય છે. આયુર્વેદમાં પાલકનો ઉપયોગ દૂધ સાથે કરવાનું વર્જ્ય ગણવામાં આવ્યું છે.

