ઘણી મહેનત અને મોંઘી હેર-પ્રોડક્ટ્સ છતાં જો વાળમાં શાઇન ન આવતી હોય અને એ સતત તૂટતા રહેતા હોય તો સમસ્યા કદાચ તમારા હેર-કૅર રૂટીનમાં નહીં પણ પાણી અને પર્યાવરણમાં છુપાયેલી હોઈ શકે.
પ્રતીકાત્મક તસવીર
ઘણી વાર આપણે વાળ માટે મોંઘી પ્રોડક્ટ્સ ખરીદવામાં હજારો રૂપિયા ખર્ચી નાખીએ, મોંઘી હેર ટ્રીટમેન્ટ્સ કરાવીએ પણ એ છતાં વાળ બરછટ અને નબળા રહે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો એનું કારણ તમારા વાળમાં જમા થયેલા ધાતુના કણો એટલે કે મેટલ બિલ્ડઅપ હોઈ શકે. હાર્ડ વૉટર અને પર્યાવરણના પ્રદૂષણને કારણે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને આયર્ન જેવા ખનિજો વાળ પર જમા થાય છે જે વાળને અંદરથી નબળા પાડે છે. મેટલ બિલ્ડઅપ વાળના ક્યુટિકલ એટલે કે વાળના બહારના સ્તર પર એક કઠણ કોટિંગ બનાવી દે છે. આ પડને કારણે આપણે જે હેરમાસ્ક, સિરમ કે તેલ લગાવીએ છીએ એનું મૉઇશ્ચર અને પ્રોટીન વાળની અંદર સુધી પહોંચી શકતાં નથી. પોષણના અભાવે વાળ અંદરથી ખાલી અને અત્યંત નબળા થવા લાગે છે, જેને કારણે એ સહેજ ખેંચાતાં જ તૂટી જાય છે. જ્યારે તમે કલર કે સ્ટ્રેટનિંગ કરાવો છો ત્યારે આ જમા થયેલું મેટલ કેમિકલ્સ સાથે પ્રતિક્રિયા આપીને વાળને અચાનક વધુ ડૅમેજ કરે છે.
જો નીચેનાં લક્ષણો જણાય તો સમજી જવું કે વાળને મેટલ ડીટૉક્સની જરૂર છે
ADVERTISEMENT
વાળને સ્પર્શ કરતાં એ સૂકા, બરછટ કે ઘાસ જેવા લાગે.
વાળ વધુપડતા તૂટવા અને સ્પ્લિટ એન્ડ્સ આવવા.
કલર કરેલા વાળનો રંગ જલદી ઝાંખો પડી જવો.
માથાની ત્વચા પર ખંજવાળ કે પતરી થવી.
કોઈ પણ હેર-પ્રોડક્ટ્સની અસર ઓછી થવી.
આ શૅમ્પૂના ફાયદા
એ મિનરલ લેયરને હટાવીને વાળને ફરીથી રેશમી અને મુલાયમ બનાવે છે.
એ હેરકલરને લાંબો સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે.
એ માથાની ત્વચા પર આવતી ખંજવાળ જેવી સમસ્યામાંથી રાહત આપે છે.
જ્યારે વાળ મેટલ-ફ્રી હોય ત્યારે હેરમાસ્ક અને કન્ડિશનર વાળમાં ઊંડે સુધી ઊતરે છે અને સારું પરિણામ આપે છે.
કોણે આ શૅમ્પૂ વાપરવું?
જેઓ હાર્ડ વૉટરથી વાળ ધોતા હોય.
નિયમિત સ્વિમિંગ કરતા હોય.
જેઓ વારંવાર હેરકલર, બ્લીચ કે કેમિકલ ટ્રીટમેન્ટ કરાવે છે.
વધુ પ્રદૂષણ ધરાવતાં શહેરોમાં રહેતા લોકો.
શું સાવચેતી રાખશો?
મેટલ ડીટૉક્સ શૅમ્પૂનો ઉપયોગ રોજેરોજ ન કરવો જોઈએ. અઠવાડિયામાં કે બે અઠવાડિયાંમાં એક વાર આનો ઉપયોગ રીસેટ તરીકે કરવો પૂરતો છે. વધુપડતો ઉપયોગ કરવાથી વાળ વધુપડતા ડ્રાય થઈ શકે છે. તેથી આ શૅમ્પૂ લગાવ્યા પછી હંમેશાં સારા નરિશિંગ કન્ડિશનરનો ઉપયોગ કરો. શૅમ્પૂ ખરીદતી વખતે એમાં EDTA અથવા સાઇટ્રિક ઍસિડ જેવાં તત્ત્વો છે કે નહીં એ તપાસો જે મેટલ હટાવવામાં મદદરૂપ છે.


