ગરબાના ગ્રાઉન્ડમાં ફૅશન-ફૉર્વર્ડ લાગે અને સાથે બજેટની અંદર ફેસ્ટિવ વાઇબ પણ મળી રહે એ મલ્ટિકલર ઘાઘરાના વધી રહેલા ક્રેઝ પાછળનું કારણ છે
આ વખતે મલ્ટિકલર કલી ઘાઘરાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે
નવરાત્રિ પૂરી થવાને હજી ત્રણ દિવસ બાકી છે તોય માર્કેટમાં હજી પણ ચણિયાચોળી જોવા મળી રહ્યાં છે એટલે હજી તમે ફૅશનના મામલે અખતરા કરી શકો છો. આ વખતે મલ્ટિકલર કલી ઘાઘરાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. યુવતીઓ આવા ઘાઘરાને પોતાના નવરાત્રિ કલેક્શનમાં સામેલ કરવાનું વધુ પસંદ કરી રહી છે. પહેલાં તો એક કે બે કલરના ઘાઘરા વધુ લોકપ્રિય હતા, પણ હવે કલર બ્લૉકિંગ, કૉન્ટ્રાસ્ટ અને રેઇન્બો લુક ધરાવતા ઘાઘરાની ડિમાન્ડ વધી રહી છે.
શા માટે છે ટ્રેન્ડમાં?
ADVERTISEMENT
મલ્ટિકલર કલી પૅટર્નના ઘાઘરાની લોકપ્રિયતા વધવાનાં ઘણાં કારણો છે. નવરાત્રિ કલરફુલ તહેવાર હોવાથી મલ્ટિકલર ઘાઘરો આકર્ષણનું કેન્દ્ર બને છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે જો તમે તમારા કલેક્શનમાં આવો એક ઘાઘરો સામેલ કરશો તો તમે બ્લાઉઝ અને ઓઢણી બહુ જ સરળતાથી મિક્સ ઍન્ડ મૅચ કરી શકશો. કલરફુલ ઘાઘરા પર કલર પ્રમાણે બધી જ ઓઢણી મૅચ થઈ શકે અને બ્લાઉઝ બ્લૅક કે ક્રીમ કલરનું પહેરી શકાય. સ્લીવલેસ ટૅન્ક ટૉપ અથવા ક્રૉપ ટૉપ પણ તમારી ફ્યુઝન ફૅશનને અલગ પ્રકારની લેયર આપશે. આવા ઘાઘરાના ફોટો પણ બહુ મસ્ત આવે છે એટલે નો ડાઉટ તમે ગમેતેવા પોઝ આપશો તોય આવા ઘાઘરામાં ફોટો સારા જ આવશે. કલીવાળા ઘાઘરા આમ તો ટ્રેડિશનલ કહેવાય, પણ એમાં કલરફુલ કાપડને મિક્સ કરીને મલ્ટિકલર અને મૉડર્ન ટચ મળે છે જે તમારી ફૅશનને સામાન્ય કરતાં યુનિક દેખાડશે.
કેવી રીતે સ્ટાઇલ કરશો?
જો કોઈ યુવતીની હાઇટ ઓછી હોય તો વર્ટિકલ કલીવાળો ઘાઘરો તમારી હાઇટને ડિફાઇન કરશે અને એ પહેરવાથી તમે લાંબા લાગશો. હાઇટ સારી હોય તો હૉરિઝૉન્ટલ કટવાળા ઘાઘરા લુકને વધુ ગ્રેસફુલ બનાવવાનું કામ કરે છે.
બ્લાઉઝમાં તમે અઢળક અખતરાઓ કરી શકો છો. સીક્વન્સ, મિરર-વર્ક, કટઆઉટ બ્લાઉઝ પહેરીને તમે કલી ઘાઘરાના લુકને ફ્યુઝન અને મૉડર્ન ટચ આપી શકો છો.
કલરફુલ ઘાઘરામાં સૉલિડ કલરના દુપટ્ટા લુકને બૅલૅન્સ કરે છે.
મલ્ટિકલર ઘાઘરાની સાથે સિલ્વર ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી સટલ લુક આપશે અને સૂટ પણ થશે. આ સાથે ફુટવેઅરમાં બ્લૉક હીલ્સ પહેરી શકાય જે ડાન્સમાં કમ્ફર્ટેબલ રહે છે.
ઘાઘરો તમારા લુકને હાઇલાઇટ કરવાનું કામ કરતો હોવાથી મેકઅપ અને હેરસ્ટાઇલ મિનિમલ રાખવા. હેરસ્ટાઇલમાં તમે ઓપન કર્લ્સ અથવા બ્રેડેડ ચોટી વાળી શકો અને મેકઅપમાં કાજલ, લિપસ્ટિક અને બ્લશ અપ્લાય કરશો તો એ પૂરતું છે.


