Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > દિવાળીના પાંચ દિવસમાં જરૂર પ્રગટાવજો કુલ ૬૪ દીવડા

દિવાળીના પાંચ દિવસમાં જરૂર પ્રગટાવજો કુલ ૬૪ દીવડા

Published : 04 November, 2026 11:44 AM | Modified : 04 November, 2026 11:47 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

દીપાવ‌લિ એટલે દીવડા અને પ્રકાશનું પર્વ. આ દિવસોમાં દીવડા પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલતી માત્ર ધાર્મિક પરંપરા જ નથી; પ્રકૃતિ સાથેનું જોડાણ, કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અભિવ્યક્તિ અને મનને એકાગ્ર કરવાની પ્રાચીન રીત પણ છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દીપાવ‌લિ એટલે દીવડા અને પ્રકાશનું પર્વ. આ દિવસોમાં દીવડા પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલતી માત્ર ધાર્મિક પરંપરા જ નથી; પ્રકૃતિ સાથેનું જોડાણ, કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અભિવ્યક્તિ અને મનને એકાગ્ર કરવાની પ્રાચીન રીત પણ છે. ઘી, તેલ, માટી કે લોટના દીવા ક્યારે પ્રગટાવાય એનું વિજ્ઞાન જાણીએ

દિવાળીની વાત આવે એટલે આંખ સામે ઝગમગતી રોશની, રંગોળી, ફટાકડા અને ઘરના ઉંબરા પર પ્રગટતા માટીના દીવાનું ચિત્ર ઊભું થાય છે. ટેક્નૉલૉજીના જમાનામાં ઇલેક્ટ્રિક લાઇટ્સ અને ડેકોરેટિવ લૅમ્પ્સે ઘરની સજાવટમાં મોટું સ્થાન મેળવી લીધું છે. એમ છતાં માટીના દીવાની જ્યોત પ્રત્યેનું આકર્ષણ આજે પણ અકબંધ છે. સદીઓથી વાઘબારસથી લાભપાંચમ સુધી દીવા પ્રગટાવવાની પરંપરા જળવાઈ રહી છે, પરંતુ આ પરંપરા પાછળ માત્ર ધાર્મિક આસ્થા જ જવાબદાર છે કે પછી એની સાથે માનવીના મન, વર્તન, પ્રકૃતિ અને વિજ્ઞાનનું પણ કોઈ જોડાણ છે? અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની ભાવના માત્ર ધાર્મિક વિચાર જ નથી, માનવીની મનોવૃત્તિ સાથે પણ જોડાયેલી છે. દીવો પ્રગટાવવાની ક્રિયા આપણને થોડી ક્ષણો માટે રોજબરોજની દોડધામમાંથી બહાર લાવીને ચોક્કસ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મોકો આપે છે. કદાચ આ જ કારણ છે કે મૉડર્ન લાઇફસ્ટાઇલમાં પણ દીવાનું મહત્ત્વ માત્ર શણગાર પૂરતું સીમિત નથી રહ્યું.



દીવા પ્રગટાવવા પાછળની પરંપરા શું કહે છે?


દિવાળી દરમ્યાન ૧૩ અલગ-અલગ સ્થાનો અને દેવદેવતાઓના નામે દીવા પ્રગટાવવાની પરંપરા ઘણા પરિવારોમાં જોવા મળે છે. સામાન્ય રીતે યમરાજ, લક્ષ્મીજી, ગણેશજી, સરસ્વતીજી, તુલસીજી, રસોડું, પાણીનો સ્રોત એટલે કે માટલું, પિતૃઓ, વડ-પીપળો, પશુ-પક્ષીઓના રહેઠાણની આસપાસ, ઘરના ૪ ખૂણા અને કુળદેવી-કુળદેવતાને યાદ કરીને દીવા પ્રગટાવવામાં આવે છે. આ દરેક સ્થાન પાછળ એક અલગ ભાવના રહેલી છે. યમદીપદાનમાં દીર્ઘાયુષ્ય અને પરિવારના કલ્યાણની પ્રાર્થના છે. લક્ષ્મીજી સમૃદ્ધિનું, સરસ્વતીજી જ્ઞાનનું અને ગણેશજી શુભ શરૂઆતનું પ્રતીક છે. તુલસી, વડ અને પીપળા જેવાં વૃક્ષો પ્રત્યે આદર વ્યક્ત થાય છે; જ્યારે રસોડા અને પાણીના સ્રોત પાસે દીવો પ્રગટાવવો અન્ન તથા જળના મહત્ત્વને યાદ કરાવે છે. વિક્રોલીમાં રહેતાં અનુભવી વેલનેસ કોચ ડૉ. મીનલ મહેતા આ વિશે કહે છે, ‘આ પરંપરાને માત્ર ધાર્મિક વિધિ તરીકે જોવાને બદલે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના માધ્યમ તરીકે પણ સમજવી જોઈએ. આપણા જીવનમાં જે વસ્તુઓ સતત સુવિધા, પોષણ અને સુરક્ષા આપે છે એને યાદ કરીને દીવો પ્રગટાવવો એ આપણી સંસ્કૃતિનો વિશેષ અભિગમ છે. આ રીતે જોઈએ તો ૧૩ દીવાઓની પરંપરા જીવનનાં વિવિધ પાસાં પ્રત્યે આભાર વ્યક્ત કરવાનું એક પ્રતીકાત્મક માધ્યમ છે.’

સૂર્યાસ્ત પછી જ દીવો કેમ પ્રગટાવાય?


પહેલાંના સમયમાં ઇલેક્ટ્રિસિટીની સુવિધા નહોતી. સૂર્યાસ્ત થતાં જ કુદરતી પ્રકાશ ઓછો થઈ જતો અને ઘરમાં પ્રકાશ માટે દીવા પ્રગટાવવામાં આવતા. ધીમે-ધીમે આ જરૂરિયાત ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો ભાગ બની ગઈ. આજે ઇલેક્ટ્રિસિટી હોવા છતાં સૂર્યાસ્ત પછી દીવો પ્રગટાવવાની પ્રથા જળવાઈ રહી છે એનું એક મનોવૈજ્ઞાનિક પાસું પણ છે એમ જણાવતાં ડૉ. મીનલ મહેતા કહે છે, ‘આપણું મન દિવસ દરમ્યાન અનેક પ્રકારની માહિતી, અવાજો, નિર્ણયો અને જવાબદારીઓથી ઘેરાયેલું રહે છે. ખાસ કરીને મોબાઇલ અને લૅપટૉપના સતત ઉપયોગને કારણે ધ્યાન વારંવાર એક વસ્તુ પરથી બીજી વસ્તુ તરફ જતું રહે છે. આવી સ્થિતિમાં સાંજે એક નિશ્ચિત સમયે દીવો પ્રગટાવવો એ દિવસની વ્યસ્તતા વચ્ચે Me Time મળી જાય છે. દીવાની જ્યોત સામે થોડી ક્ષણો શાંતિથી બેસવું, શ્વાસની ગતિ પર ધ્યાન આપવું અને આસપાસના વિક્ષેપોથી દૂર રહેવું મનને એકાગ્ર કરવાની સરળ પ્રૅક્ટિસ બની શકે છે. રોજિંદા જીવનમાં વારંવાર કરવામાં આવતી નાની વિધિઓ વ્યક્તિને માનસિક સ્થિરતા અને નિયમિતતાનો અનુભવ કરાવી શકે છે. યોગની વાત કરીએ તો દીવાની જ્યોત પર એકાગ્રતાથી દૃષ્ટિ કેન્દ્રિત કરવાની પ્રક્રિયાને ત્રાટક કહેવાય છે. જોકે દીવાની જ્યોત જોવાથી દરેક વ્યક્તિની એકાગ્રતા વધે અથવા માનસિક તનાવ દૂર થાય એવું ચોક્કસ સાયન્ટિફિક સૉલ્યુશન કાઢી શકાય નહીં. આ પ્રૅક્ટિસને માનસિક સ્વાસ્થ્યની સારવારનો વિકલ્પ પણ માનવો નહીં.’

દીવાની જ્યોતનું સાઇકૉલૉજી કનેક્શન

જ્યારે વ્યક્તિ પોતાની ઇચ્છાથી કોઈ નાની વિધિ કરે છે ત્યારે તેને પોતાના સમય અને પરિસ્થિતિ પર થોડું નિયંત્રણ હોવાનો અનુભવ થાય છે એમ જણાવતાં ડૉ. મીનલ મહેતા કહે છે, ‘હેક્ટિક શેડ્યુલ વચ્ચે દીવો પ્રગટાવવાની એક નિશ્ચિત ક્રિયા મનને વિરામ આપે છે. બીજું પાસું છે પ્રતીકાત્મકતા. દીવાની જ્યોતને આશા, નવી શરૂઆત અને અંધકારમાંથી બહાર આવવાના સંદેશ સાથે જોડીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિ દીવો પ્રગટાવીને પરિવારના સ્વાસ્થ્ય, સમૃદ્ધિ કે સુખાકારી માટે પ્રાર્થના કરે છે ત્યારે તે પોતાના વિચારો અને ઇચ્છાઓને એક ચોક્કસ દિશા આપે છે. ત્રીજું પાસું છે સોશ્યલ કનેક્શન. પરિવારના સભ્યો સાથે મળીને દીવા પ્રગટાવવાની, પૂજા કરવાની અને ઘરને સજાવવાની ક્રિયા એક સામૂહિક અનુભવ ઊભો કરે છે. આવી પરંપરાઓ પેઢીથી પેઢી સુધી સંસ્કૃતિને આગળ વધારવામાં પણ મદદરૂપ થાય છે. એટલે દીવો માત્ર પ્રકાશ આપતું સાધન નથી; વ્યક્તિ, પરિવાર અને સંસ્કૃતિ વચ્ચે જોડાણ સ્થાપિત કરતું પ્રતીક પણ છે.’

કયા દીવા પાછળ શું છે વિજ્ઞાન?

ગાયના ઘીનો દીવો - શુદ્ધતા અને સાત્ત્વિકતાનું પ્રતીક

આપણી ધાર્મિક પરંપરામાં ગાયના ઘીનો દીવો વિશેષ સ્થાન ધરાવે છે. પૂજા, હવન અને અન્ય ધાર્મિક અનુષ્ઠાનોમાં ઘીનો દીવો પ્રગટાવવો શુભ અને સાત્ત્વિક માનવામાં આવે છે. ઘીને સમૃદ્ધિ, પવિત્રતા અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘીનો દીવો વ્યક્તિની પવિત્રતાની લાગણી સાથે જોડાયેલો છે. કોઈ વસ્તુને પવિત્ર માનવાથી ની સાથે જોડાયેલી વિધિ વ્યક્તિ માટે વધુ અર્થપૂર્ણ બની શકે છે. એટલે ઘીનો દીવો પ્રગટાવવાથી મળતો સંતોષ માત્ર જ્યોતમાંથી નહીં, એની સાથે જોડાયેલી આસ્થા અને વ્યક્તિગત અર્થમાંથી પણ આવે છે.

તેલનો દીવો - લાંબા સમય સુધી પ્રકાશ આપવાની પરંપરા

તેલના દીવાનો ઉપયોગ વિવિધ ધાર્મિક વિધિઓમાં સદીઓથી થતો આવ્યો છે. કાળીચૌદસ, યમદીપદાન અને અન્ય કેટલીક પરંપરાઓમાં તેલના દીવાનું વિશેષ મહત્ત્વ છે. તલનું તેલ, સરસવનું તેલ અને અન્ય વનસ્પતિજન્ય તેલનો ઉપયોગ પરંપરા અને સ્થાનિક ઉપલબ્ધતા પ્રમાણે કરવામાં આવે છે. તેલના દીવા સાથે જોડાયેલી પરંપરાઓમાં સુરક્ષા, રક્ષણ અને પરિવારના કલ્યાણની ભાવના જોવા મળે છે. યમદીપદાન જેવી વિધિઓમાં જીવનની નશ્વરતા અને પરિવારના સ્વાસ્થ્ય માટેની પ્રાર્થનાનું પ્રતીકાત્મક મહત્ત્વ રહેલું છે.

માટીનો દીવો - પ્રકૃતિ સાથેનું જોડાણ

માટીમાંથી તૈયાર થતો દીવો પૃથ્વી સાથેના આપણા જોડાણને યાદ કરાવે છે. પંચમહાભૂતની પરિકલ્પનામાં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશને જીવનનાં મૂળભૂત તત્ત્વો તરીકે જોવામાં આવે છે. માટીનો દીવો, એમાં ભરાતું તેલ અને પ્રગટતી જ્યોત આ તત્ત્વો સાથેના સાંસ્કૃતિક સંબંધને પ્રતીકાત્મક રીતે વ્યક્ત કરે છે. માટીના દીવા સાથે ભાવનાત્મક અને સાંસ્કૃતિક જોડાણ રહેલું છે. માટીનો સ્પર્શ, એની સાદગી અને પરંપરાગત આકાર વ્યક્તિને પોતાની સંસ્કૃતિ અને બાળપણની સ્મૃતિઓ સાથે જોડે છે. બીજી તરફ માટીના દીવા ખરીદવાથી સ્થાનિક કારીગરોની આજીવિકાને ટેકો મળે છે. એટલે માટીનો દીવો પ્રગટાવવો એ વ્યક્તિગત પસંદગીની સાથે સામાજિક જવાબદારીની અભિવ્યક્તિ પણ બની શકે છે.

લોટનો દીવો - અન્ન પ્રત્યે કૃતજ્ઞતાની અભિવ્યક્તિ

ઘઉંના લોટ અથવા અન્ય અનાજના લોટમાંથી તૈયાર કરવામાં આવતા દીવા કેટલીક વિશેષ ધાર્મિક વિધિઓમાં પ્રગટાવવામાં આવે છે. ખાસ કરીને કાળીચૌદસ અને પિતૃઓ સાથે જોડાયેલી કેટલીક સ્થાનિક પરંપરાઓમાં એનો ઉપયોગ જોવા મળે છે. જોકે એનો ઉપયોગ દરેક પરિવારમાં એકસરખો નથી. સાઇકોલૉજિકલ અને સાંસ્કૃતિક અર્થની દૃષ્ટિએ લોટનો દીવો અન્ન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની ભાવના સાથે જોડાઈ શકે છે. અનાજ માનવીના જીવનનું મૂળભૂત પોષણ છે. અન્નમાંથી દીવો તૈયાર કરીને પ્રગટાવવાની વિધિ જીવનમાં અન્નનું મહત્ત્વ યાદ કરાવે છે. કેટલીક પરંપરાઓમાં એનો સંબંધ પિતૃસ્મરણ અને રક્ષણની પ્રાર્થના સાથે પણ જોડાયેલો છે.

શું દીવાની જ્યોત ખરેખર નકારાત્મકતા દૂર કરે છે?

આ માટે ધાર્મિક માન્યતા અને વૈજ્ઞાનિક હકીકત વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. ધાર્મિક દૃષ્ટિએ દીવો પ્રગટાવવો અંધકાર અને નકારાત્મકતા દૂર કરવાનું પ્રતીક છે. દીવાનું મહત્ત્વ હવામાં રહેલા પ્રદૂષણને દૂર કરવામાં નહીં; આપણા વિચારો, લાગણીઓ અને સાંસ્કૃતિક જીવનમાં પ્રકાશનું પ્રતીક ઊભું કરવામાં રહેલું છે. આજના સમયમાં ઇલેક્ટ્રિક લાઇટ્સ સુવિધાજનક છે. એ લાંબા સમય સુધી પ્રકાશ આપે છે અને ઘરની સજાવટને પણ આકર્ષક બનાવે છે. એમ છતાં પરંપરાગત માટીના દીવાઓનું સ્થાન જાળવી રાખવું જરૂરી છે, કારણ કે એની સાથે માત્ર ધાર્મિક આસ્થા જ નહીં; સ્થાનિક કારીગરી, રોજગાર અને આપણી સાંસ્કૃતિક ઓળખ પણ જોડાયેલાં છે. આ દિવાળીએ આખા ઘરને ઇલેક્ટ્રિક લાઇટ્સથી સજાવવાની સાથે ઘરના ઉંબરા, તુલસીક્યારા અને પૂજાના સ્થળે માટીના દીવા પ્રગટાવી શકાય. દીવો પ્રગટાવતી વખતે માત્ર પોતાની મનોકામના માટે જ નહીં; પરિવાર, પ્રકૃતિ, અન્ન, પાણી અને જીવનમાં મળેલી સુવિધાઓ માટે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી શકાય.

દિવાળીના દીવાની વિશેષતા એ આપણને શું યાદ કરાવે છે એમાં રહેલી છે. જીવનમાં પ્રકાશ માટે માત્ર બહારની રોશની પૂરતી જ નથી; વિચારોમાં સ્પષ્ટતા, સંબંધોમાં સંવેદનશીલતા, પ્રકૃતિ પ્રત્યે જવાબદારી અને પોતાની જાત સાથે જોડાવા માટેનો સમય પણ એટલો જ જરૂરી છે. સદીઓ જૂની દીવો પ્રગટાવવાની પરંપરા આજના સમયમાં પણ પ્રાસંગિક છે, કારણ કે એ આપણને થોડો સમય થોભીને જીવન તરફ નવેસરથી જોવાની તક આપે છે.

 

પાંચ દિવસમાં ૬૪ દીવા ક્યારે, કેટલા અને ક્યાં પ્રગટાવવા?

ધનતેરસના ૧૩ દીવા:  સ્કંદપુરાણમાં જણાવ્યા અનુસાર ધનત્રયોદશીની
સાંજે એક દીવો ઘરની બહાર પ્રગટાવવો. એને યમનો દીવો કહેવાય છે. યમ દીપમ દક્ષિણા દિશિ. બાકીના ૧૨ દીવડા મુખ્ય દ્વાર, રસોઈ, તુલસી, તિજોરી પાસે અને આંગણામાં સજાવીને મૂકવા જોઈએ.

નરક ચતુર્દશી (કાળી ચૌદસ)ના ૧૪ દીવા:  આ તમામ દીવા યમના નામે કરવાના હોય છે. પદમપુરાણ અને ધર્મબિન્દુ ગ્રંથમાં જણાવ્યા અનુસાર આ સાંજે તમામ દીવા ઘરના તમામ ખૂણે અને આંગણમાં ચારે તરફ પ્રગટાવવાના હોય છે. આ દિવસે તમામ એનર્જીને ઘરની બહાર જ રાખવાની છે.

દિવાળીના ૨૧ દીવા:  લક્ષ્મીતંત્ર અને સ્કંદપુરાણમાં જણાવ્યા મુજબ ૮ દીવા લક્ષ્મીજીના નામે પ્રગટાવવાના હોય. ૮ લક્ષ્મી છે આદિ લક્ષ્મી, ધન લક્ષ્મી, ધાન્ય લક્ષ્મી, ગજ લક્ષ્મી, સંતાન લક્ષ્મી, વીર લક્ષ્મી, વિજય લક્ષ્મી અને વિદ્યા લક્ષ્મી. બાકીના ૧૩માંથી પાંચ દીવા પંચતત્ત્વ માટે હોય. આકાશતત્ત્વ માટે ઘરની છત પર, વાયુતત્ત્વ માટે ઘરના આંગણામાં, જળતત્ત્વ માટે પાણિયારા પાસે, અગ્નિતત્ત્વ માટે કિચનમાં ચૂલા પાસે અને પૃથ્વીતત્ત્વ માટે તુલસીક્યારા પાસે. બાકીના ૮ દીવા આઠેય દિશાઓમાં પ્રગટાવવા.

ગોવર્ધન પૂજા (નવા વર્ષ)ના ૧૧
દીવા : આંગણામાં અને ઘરના ચારે ખૂણે ૧૧ દીવા કરીને ગાયોની પૂજા કરવાની.

ભાઈબીજના પાંચ દીવા : આ દિવસે પાંચેય દીવા ઘરના દ્વાર પર ભાઈના સ્વાગત માટે કરવામાં આવે છે.

- ડૉ. મીનલ મહેતા, વેલનેસ કોચ

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2026 11:47 AM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK