આપણે ત્યાં શ્રાવણ મહિનાની શીતળા સાતમનો જેટલો દબદબો છે એવો જ ઠસ્સો ઉત્તર ભારતનાં રાજ્યોમાં ચૈત્ર મહિનાની શીતળા સાતમનો છે
ગઈ કાલે અજમેરમાં શીતળા સપ્તમી નિમિત્તે મહિલાઓએ ગધેડાની પૂજા કરી હતી. એ પછી શીતળાદેવીની પૂજા કરી હતી.
ગઈ કાલે ઉત્તર ભારતનાં રાજ્યોમાં શીતળા સપ્તમીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઊજવાયો હતો. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ જેવાં રાજ્યોમાં ચૈત્ર મહિનાની સપ્તમી અને અષ્ટમીએ શીતળામાતા એટલે માતા પાર્વતીના જ એક સ્વરૂપની પૂજા-અર્ચના થાય છે. આપણે ત્યાં હજી ચૈત્ર મહિનો ગૂઢીપાડવાના દિવસે બેસશે, પરંતુ ઉત્તર ભારતનાં રાજ્યો પૂર્ણિમાંત હિન્દુ કૅલેન્ડર પાળતા હોવાથી હોળીના બીજા દિવસે જ ચૈત્ર મહિનો બેસી ગયો હતો.
ગઈ કાલે ઉત્તર ભારતના હિન્દુ કૅલેન્ડર મુજબ ચૈત્ર સુદ સાતમે માતા શીતળા અને માતા પાર્વતીના કાત્યાયની સ્વરૂપનું પર્વ ઊજવાયું હતું. ગ્રામીણ ભારતમાં બહેનો પોતાનાં નાનાં બાળકોને ત્વચાના ચેપી રોગથી બચાવવા માટે શીતળામાતાની પૂજા કરે છે. ઉત્તર ભારતમાં ચૈત્ર સપ્તમી અને અષ્ટમી એમ બે દિવસનું શીતળામાતાનું વ્રત થાય છે. બન્ને દિવસે મહિલાઓ ગૅસ કે ચૂલો પેટાવતી નથી. બન્ને દિવસ ઠંડું જ ખાવાનું ખાય છે. આ દિવસોમાં વાસી, ઠંડી અથવા સૂકી ચીજોનું જ સેવન થાય છે અને શીતળામાતાને પણ આ જ ચીજોનો ભોગ ધરાવાય છે. આ દિવસોમાં સીવવાનું કે ભરતગૂંથણનું કામ કરવાની મનાઈ હોય છે.
ADVERTISEMENT
શીતળામાતાનું વાહન ગર્દભ છે એટલે એ દિવસે મહિલાઓ ગધેડાની પૂજા કરીને એને ભરપેટ ખાવાનું ખવડાવે છે.

