Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > જિંદગી મન ભરીને જીવવી છે કે મનમાં ભરી-ભરીને?

જિંદગી મન ભરીને જીવવી છે કે મનમાં ભરી-ભરીને?

Published : 10 March, 2026 11:19 AM | IST | Mumbai
Jainacharya shree Udayvallabhasuri | feedbackgmd@mid-day.com

આપણી યાદશક્તિ કૅમેરા જેવી છે. એક વાર ઝિલાયું એટલે મગજમાં કેદ થઈ ગયું. પોતાના પ્રસંગે કોઈએ આપણને ન બોલાવ્યા તો એ વર્ષો સુધી યાદ રાખવાનું.

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


થોડાં વર્ષો પહેલાં જાણીતા ગીતકાર અભિલાષ મુંબઈમાં મૃત્યુ પામ્યા. લિવર કૅન્સરના કારણે છેલ્લા મહિનાઓમાં તે પથારીવશ હતા. ‘ઇતની શક્તિ હમેં દેના દાતા’ ગીતની રચનાથી તેમણે એક અલગ પ્રસિદ્ધિ મળી હતી. એ ગીતે ધૂમ મચાવી. ૧૯૮૭માં જ્ઞાની ઝૈલસિંહ દ્વારા કલાશ્રી અવૉર્ડ ઉપરાંત ત્રીસથી વધુ નાના-મોટા અવૉર્ડ્‍સ મળ્યા.

આ ઘટનાનાં વર્ષો પછી એક ઇન્ટરવ્યુમાં તેમને આ ગીત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અંદરની બળતરા રજૂ કરતાં કહેલું કે એ ગીતની મળવા પાત્ર પૂરી રકમ, રૉયલ્ટી નહોતી મળી. વર્ષોથી આ વસવસો તેમણે સાચવી રાખેલો. તેમણે ત્યાં યાદ કર્યું કે તેમનું ઉદાહરણ ટાંકીને જાવેદ અખ્તરે રાજ્યસભામાં કૉપીરાઇટ બિલ પાસ કરાવ્યું હતું. જોગાનુજોગ આ ગીતને સ્વર આપનાર પુષ્પા પગધરે પણ માંદાં પડ્યાં ત્યારે ખાવાનાં સાંસાં હતાં. સરકારી પેન્શન ૩૧પ૦ રૂપિયાની પણ સમયસર મળતી નહોતી. આ ગીતની રૉયલ્ટી એકેય મ્યુઝિક કંપનીએ આપી નહોતી એવી તેમની પણ ફરિયાદ હતી. દુઃખદ યાદો જ્યારે ફરી-ફરીને કરવામાં આવે છે ત્યારે એ ફરિયાદ બને છે. ફરિયાદનું સર્જન એટલે દુઃખનું સર્જન.



‘મને શું નથી મળ્યું?’ એના પર માણસનું ધ્યાન કેન્દ્રિત થઈ જાય છે ત્યારે તેને મળેલી અઢળક અને અમૂલ્ય ચીજો પણ સાઇડલાઇન થઈ જાય છે.


ગીતની પંક્તિ ભાવથી ગવાય તો અંદરથી જ અવાજ ઊઠશે કે ‘યે ન સોચેં હમેં ક્યા મિલા હૈ, યે હી સોચેં કિયા ક્યા હૈ અર્પણ,’ ગીતની પંક્તિમાં જ સૉલ્યુશન છે.

આપણી યાદશક્તિ કૅમેરા જેવી છે. એક વાર ઝિલાયું એટલે મગજમાં કેદ થઈ ગયું. પોતાના પ્રસંગે કોઈએ આપણને ન બોલાવ્યા તો એ વર્ષો સુધી યાદ રાખવાનું. કોઈ કામમાં આપણી મહેનત વધારે હોવા છતાં એ કામની ક્રેડિટ બીજાને વધુ આપવામાં આવે તો એ અંદરથી ખૂંચે છે. વર્ષો પછી પણ એ યાદ રહે છે. આ બળતરામાં સફળ થયેલા કામનો આનંદ પણ બળીને ખાખ થઈ જાય છે. એમ લાગે કે સ્મરણશક્તિની જેમ ક્યારેક વિસ્મરણશક્તિ પણ સતેજ હોવી જરૂરી છે. નકારાત્મક પ્રસંગોમાં તો ખાસ આપણી સ્મરણશક્તિ સ્નૅપચૅટ જેવી હોવી જોઈએ. ઘટના બન્યા પછી એનો કોઈ અંશ મનની સ્ક્રીન પર ક્યાંય રિફ્લેક્ટ ન થવો જોઈએ.


પશુઓ આવો માનસિક સંગ્રહ કરતાં નથી એટલે તેમને ક્યારેય કોઈ માનસિક રોગ, પીડા, તનાવનો અનુભવ પણ થતો નથી. બધા પ્રસંગોને યાદ રાખવા જરૂરી પણ નથી. ટેનિસ-કોર્ટ પર દરેક બૉલ રમવા જરૂરી હશે પણ ક્રિકેટની રમતમાં કેટલાક બૉલ છોડી દેવાના હોય છે. જિંદગીની પિચ પર બનતા કટુ પ્રસંગોને આઉટગોઇંગ ડિલિવરી માફક છોડી દેવા એ જ એને રમ્યા કહેવાય.
આવાં ઘટના-પ્રસંગોને અરીસા માફક ઝીલીને તરત એના પ્રતિબિંબથી મુક્ત થતાં શીખવું જ પડશે અને નહીં તો સુખી થવાના અભરખા છોડી દેવા પડશે. આપણે જાતે જ નક્કી કરવાનું છે કે જિંદગી મન ભરીને જીવવી છે કે મનમાં ભરી-ભરીને?

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 11:19 AM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK