કાંદિવલી-વેસ્ટની હીરાનંદાની હેરિટેજ સોસાયટીએ કળા અને સામાજિક સંદેશાઓનું અનોખું ફ્યુઝન કર્યું. જેજુરીના ખંડોબા મંદિર આધારિત ડેકોરેશન થીમ સાથે FDAના નિયમો પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા વિશેષ સ્લોગનો સાથે બૅનરો લગાવવામાં આવ્યાં
જય મલ્હાર સ્વરૂપમાં આશીર્વાદ આપતા બાપ્પા.
ગણેશોત્સવ દરમ્યાન મુંબઈના વિવિધ પંડાલોમાં અવનવી થીમ અને સામાજિક સંદેશાઓનું ફ્યુઝન જોવા મળી રહ્યું છે. આવી જ એક અનોખી અને પ્રશંસનીય પહેલ કાંદિવલી-વેસ્ટમાં પોઇસર ડેપો પાસે આવેલી હીરાનંદાની હેરિટેજ સોસાયટીએ કરી હતી. સોસાયટીના સભ્યોએ મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ જેજુરીના ખંડોબા મંદિર આધારિત ‘જય મલ્હાર’ ડેકોરેશન થીમ સાકાર કરી હતી. આ ભક્તિમય વાતાવરણ વચ્ચે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના નિયમો પ્રત્યે જનજાગૃતિ ફેલાવતાં સ્લોગનો સાથેનાં પોસ્ટરો પણ
લગાવ્યાં હતાં.
સોસાયટીની કલ્ચરલ કમિટીના પ્રમુખ સંજય વાડકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ વર્ષે સોસાયટી અગિયારમો ગણેશોત્સવ ઊજવ્યો. આ ખાસ અવસરે અમે આસ્થા, મહારાષ્ટ્રની લોકસંસ્કૃતિ અને વહીવટી કડકતાનો ત્રિવેણી સંગમ રજૂ કર્યો હતો. મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ જેજુરીના ખંડોબા મંદિર પર આધારિત ‘જય મલ્હાર’ ડેકોરેશન થીમ સાકાર કરી. જેજુરીમાં જેમ ભગવાન શંકરના સ્વરૂપ ખંડોબાએ મણિ અને મલ્લ નામના બે રાક્ષસોનો નાશ કરીને પ્રજાને સંકટમાંથી ઉગારી હતી, બરાબર એ જ થીમને મહારાષ્ટ્રના કડક IAS અધિકારી તુકારામ મુંઢેની કાર્યવાહી સાથે સરખાવીને સંદેશો આપ્યો કે ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારા રાક્ષસોનો નાશ પણ હવે નજીકમાં જ છે. આ કન્સેપ્ટનો મૂળ આઇડિયા સોસાયટીના રહેવાસી રાજેશ દોશીનો હતો. તુકારામ મુંઢેએ મિલાવટખોરો સામે સપાટો બોલાવ્યો એનાથી અમારી આંખો ખૂલી ગઈ છે. અમને રિયલાઇઝ થયું કે આપણે રોજબરોજના ભોજનમાં ભેળસેળવાળી વસ્તુઓ ખાઈ રહ્યા છીએ. ‘ખાવામાં મિલાવટ નહીં, ભક્તિમાં પણ મિલાવટ નહીં’ આ સ્લોગન દ્વારા ફૂડ-વેન્ડર્સ, કેટરર્સ અને રેસ્ટોરાંના માલિકોને અપીલ કરવામાં આવી હતી કે બાપ્પાના આશીર્વાદ મેળવવા માગો છો તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન કરો.’
૪૩૬ ફ્લૅટ ધરાવતી આ સોસાયટીમાં સ્થાપિત ગણેશજીની સાડાચાર ફુટ ઊંચી મૂર્તિ પણ અનોખી હતી. મલ્હારી માર્તન્ડના સ્વરૂપમાં બિરાજમાન બાપ્પાના માથા પર સોના જેવી પીળી હળદર શોભી રહી હતી અને હાથમાં તલવાર હતી. બાપ્પા સમાજમાંથી મિલાવટખોરી નામના આધુનિક રાક્ષસનો નાશ કરવાનો સંદેશ આપી રહ્યા હતા. પંડાલમાં ઠેર-ઠેર જનજાગૃતિ અભિયાન ચલાવતાં બૅનરો મૂકવામાં આવ્યાં હતાં. ઉત્સવના માહોલને ધ્યાનમાં રાખીને થીમ પસંદ કરવામાં આવી હતી જેથી વધુમાં વધુ લોકો સુધી સંદેશ પહોંચે.’
