ઇન્ડોનેશિયાના બોર્નિઓમાં જંગલી પ્રાણીઓ અને પંખીઓની તસવીરો પાડીને પોર્ટલ પર અપલોડ કરનાર લોકોને કૅશ પ્રાઇઝ મળે છે. શિકાર રોકવા શરૂ કરાયેલી આ યોજનાથી લોકો ઉરાંગઉટાંગ અને વાંદરાની તસવીરો લેવા લાગ્યા છે.
ઇન્ડોનેશિયાની અનોખી પહેલ
જંગલોમાં પણ હવે પ્રાણીઓ કે પંખીઓ સુરક્ષિત નથી રહ્યાં. એનું કારણ એ છે કે માણસો વાઇલ્ડલાઇફ પ્રાણીઓને જોવાના બહાને એમને પરેશાન કરે છે. જોકે ઇન્ડોનેશિયાના બોર્નિઓ પ્રાંતમાં જંગલમાંનાં પ્રાણીઓનો શિકાર કરવાની વૃત્તિ ઘટે અને લોકો પ્રાણીઓને પણ કુદરતના સંવર્ધનનો એક ભાગ સમજે એ માટે એક અનોખી સ્કીમ શરૂ કરવામાં આવી છે. એ સ્કીમ છે જંગલી પ્રાણીઓ કે પંખીઓની તસવીર ખેંચો, એને ચોક્કસ પોર્ટલ પર શૅર કરો અને એના બદલામાં કૅશ પ્રાઇઝ મેળવો. કન્ઝર્વેશન પ્રોગ્રામ અંતર્ગત આવો પ્રોજેક્ટ શરૂ કરવા પાછળ સરકારનો સંદેશ છે કે મરેલાં નહીં, જીવતાં પ્રાણીઓની કિંમત વધુ છે. એવું મનાઈ રહ્યું છે કે આ પ્રોજેક્ટને કારણે લોકોની જંગલી પ્રાણીઓ પ્રત્યેની સંવેદનાઓમાં ફરક આવ્યો છે. હવે લોકો જંગલી પ્રાણીઓ તેમના ગામની આસપાસ દેખાય છે ત્યારે એને મારવા નથી દોડતા, પરંતુ ઉરાંગઉટાંગ, વાંદરા, પંખીઓની તસવીરો લેવા માટે લોકો પડાપડી કરે છે. આ સ્કીમ બોર્નિઓ પ્રાંતના ૯ ગામોમાં ચાલે છે. એનો હેતુ શિકાર કરવાની વૃત્તિ પર કન્ટ્રોલ લાવવાનો છે. આનો ફાયદો પણ થયો છે. ગામના કેટલાક લોકો પ્રાણીઓની તસવીરો પાડીને મહિનામાં લગભગ પચાસથી ૫૪,૦૦૦ રૂપિયા કમાયા છે જે સરેરાશ મજૂરીની આવક કરતાં લગભગ બમણી રકમ છે. ઇન્ડોનેશિયન ભાષામાં ‘કેહાતિકુ’ નામે ઓળખાતા આ પ્રોજેક્ટ અંતર્ગત ૩.૫ લાખથી વધુ પ્રાણીઓની તસવીરો અને રેકૉર્ડિંગ સરકારી પોર્ટલ પર અપલોડ થઈ છે.
