Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > આપણે વિલંબ કરીએ તો જ પ્રભુ ન આવે, બાકી તે તો આવવા આતુર છે

આપણે વિલંબ કરીએ તો જ પ્રભુ ન આવે, બાકી તે તો આવવા આતુર છે

Published : 10 April, 2026 11:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રભુનાં દર્શન થતાંની સાથે જ આપણો ભાવપ્રવાહ એકરસ બનીને સ્થિર થઈ જાય છે, આપણને શાંતિ મળી જાય છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


આપણા સમાજમાં એક કહેવત પ્રચલિત છે કે ‘ભગવાનના ઘરે દેર છે, અંધેર નથી.’ હું તો વારંવાર કથામાં કહું છું કે ‘આ કહેવત બરાબર નથી. ભલા, ભગવાનના દરબારમાં દેર શેની? વિલંબ વિષ્ણુને કેવી રીતે પસંદ હોય? દેવના ઘરે ક્યારેય દેર ન હોઈ શકે. ભગવાનના ઘરે ન તો દેર હોય છે, ન તો અંધેર. ત્યાં તો તમે જેવા માગશો એવું તરત જ પામશો. જો તમને વિલંબ થતો જોવા મળે તો એનું કારણ દેવ નથી, તમે સ્વયં છો!’

તમે સ્વયં વિલંબ કરી રહ્યા છો અને દોષ પ્રભુને આપી રહ્યા છો.



હા, હકીકત છે. વિલંબનું મૂળ કારણ આપણે જ છીએ. આપણે જ પ્રભુને આમંત્રિત કરવામાં મોડું કર્યું. ગજેન્દ્રએ પ્રભુને પોકારવામાં વિલંબ કર્યો. ત્યાં સુધી પ્રભુ મદદ કરવા માટે આવ્યા જ નહીં, પરંતુ જ્યારે તેણે નિર્બળ બનીને રામને બોલાવ્યા અને ‘રા...’


ફક્ત અડધું જ નામ લીધું કે પ્રભુ તેની મદદ કરવા આવી પહોંચ્યા.

વસ્ત્રહરણના પ્રસંગમાં પણ જ્યાં સુધી દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણને બોલાવવા માટે વિલંબ કર્યો ત્યાં સુધી ભગવાન આવ્યા નહીં. તો વિલંબ આપણા તરફથી થાય છે. હરિ તો આપણને દર્શન આપવા આતુર છે, પણ આપણી આંખ જ ખૂલતી નથી. આપણાં નયનોની આળસને કારણે આપણે હરિનાં દર્શન કરી શકતા નથી. એક વાર આપણાં નયન આળસ છોડી દે તો હરિ નજીક જ છે.


પ્રભુના ચરણાર્વિંદ અને આપણી વચ્ચે ક્યારેય અંતર હોતું નથી. પ્રભુનાં દર્શન થતાંની સાથે જ આપણો ભાવપ્રવાહ એકરસ બનીને સ્થિર થઈ જાય છે, આપણને શાંતિ મળી જાય છે. પછી સંસારનાં તમામ બંધનો છૂટી જાય છે અને જીવ શિવમાં એકાકાર બની જાય છે.

શ્રીમદ્ ભાગવતનું પઠન-શ્રવણ પરમ શાંતિની પ્રાપ્તિ કરાવે છે. વેદવ્યાસજીએ અનેક ગ્રંથોની રચના કરી, પરંતુ પરમ શાંતિની પ્રાપ્તિ થઈ નહીં. શ્રીમદ્ ભાગવતની રચના કર્યા બાદ વેદવ્યાસજીને પરમ શાંતિની પ્રાપ્તિ થઈ હતી એટલે મનુષ્યે ભાગવત બનવું જરૂરી છે. ભાગવત બનવું એટલે ભક્ત બનવું. દુનિયાના કેટલાક ધર્મ ભગવાનનો સ્વીકાર કરે છે અને કેટલાક નિરીશ્વરવાદી છે. જોકે પ્રત્યેક મનુષ્ય માટે ધર્મનો સ્વીકાર અનિવાર્ય છે, કેમ કે અન્ય પશુ-પંખી વગેરે જીવો માટે ધર્મ નથી. એ માત્ર મનુષ્ય એવા બુદ્ધિમાન પ્રાણી માટે છે. આથી મનુષ્ય બનવા માટે ધર્મ જરૂરી છે.

ધર્મસત્તા, સમાજસત્તા અને રાજ્યસત્તા એ ત્રણેયનું પાલન કરવું જરૂરી છે. ધર્મસત્તા એટલે પાપ અને પુણ્યનો વિચાર કરીને પુણ્ય વધે એવી પ્રવૃત્તિ કરવી. સમાજના રીત-રિવાજનું પાલન કરવું જરૂરી છે. રાજ્યસત્તા કાનૂન અનુસાર જીવવાની આશા કરે છે. સ્વચ્છંદ વિચરણ કરનારને કાયદો નિયંત્રણમાં રાખે છે.

Whatsapp-channel Whatsapp-channel

10 April, 2026 11:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK