Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > રંગોની દુનિયાના અજરામર રાજકુમાર

રંગોની દુનિયાના અજરામર રાજકુમાર

Published : 12 April, 2026 01:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘર-ઘરમાં દેવી-દેવતાઓનાં ચિત્રોને પ્રચલિત કરનારા રાજા રવિ વર્માના એક ચિત્રએ તાજેતરમાં એમ. એફ. હુસૈનનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. ગળથૂથીમાં કળા લઈને જન્મેલા આ ચિત્રકારે ભારતમાં ધાર્મિક ચિત્રોની ક્રાન્તિ આણી હતી એમ કહીએ તો ખોટું નથી

તાજેતરમાં રાજા રવિ વર્માનું ‘યશોદા અને કૃષ્ણ’ ચિત્ર રેકૉર્ડબ્રેક ૧૬૭.૨ કરોડ રૂપિયામાં વેચાયું હતું. રાજા રવિ વર્મા.

તાજેતરમાં રાજા રવિ વર્માનું ‘યશોદા અને કૃષ્ણ’ ચિત્ર રેકૉર્ડબ્રેક ૧૬૭.૨ કરોડ રૂપિયામાં વેચાયું હતું. રાજા રવિ વર્મા.


‘જા, એક કોલસો લઈ આવ.’

એક છોકરો મંદિરની ચૂનાથી તાજી ધોળાયેલી સફેદ દીવાલને એકીટશે જોઈ રહ્યો છે. બાજુમાં ઊભેલી તેની નાની બહેનને અચાનક છોકરાએ ઉપર્યુક્ત આદેશ છોડ્યો. બહેન કોલસાનો ટુકડો લઈને આવી એટલે આ છોકરાએ ધોળીધબ્બ ભીંત પર કોલસાથી ચિત્રકળાનાં કામણ પાથરવા માંડ્યાં.



કોલસાનો સામાન્ય ટુકડો તે છોકરાના હાથમાં પીંછી બનીને સફેદ ભીંતના કૅન્વસ પર નાગણની જેમ સરકવા માંડ્યો. રેખાઓ, વળાંકો અને થોડી વારમાં એક આકૃતિ ઊપસી આવી. આ કામણ પાથર્યાં હતાં બાળ રાજા રવિ વર્માએ.


આ કલાગીરીથી મોટેરાંઓનો ‘પ્રસાદ’ ખાવો પડશે એ ભયે હમણાં સુધી ફફડતી બહેન ચિત્ર જોઈને એક ક્ષણ માટે બધું જ ભૂલી ગઈ. આસપાસથી પસાર થતા લોકોના પગ ક્ષણ માટે ત્યાં જ સ્થિર થઈ ગયા અને આંખો ચોંટી ગઈ જાણે હમણાં જીવંત થઈને હણહણાટી કરવાનો હોય એવા ઘોડાના બેમિસાલ ચિત્ર પર.

જેના તરફથી ઠપકો મળવાનો ભય હતો તે મામાએ આવીને જોયું તો તેમનો રોષ ઘોડાની પીઠ પર સવાર થઈને છૂમંતર થઈ ગયો. કલાપારખુ મામાએ ભાણેજનું હીર પારખીને ચિત્રકામમાં પ્રોત્સાહન અને પ્રશિક્ષણનો ધક્કો આપ્યો. પછી રચાયો ભારતીય ચિત્રકલાના કૅન્વસ પર એક સુવર્ણ ઇતિહાસ.



પગના કાંટાને કાઢવાના બહાને દુષ્યંતને પાછળ ફરીને જોતી શકુંતલાનું ૧૮૭૬માં ‘શકુંતલાની પ્રેમદૃષ્ટિ` નામનું આ પેઇન્ટિંગ રાજા રવિ વર્માનું અતિપ્રસિદ્ધ ચિત્ર છે. 

તેમની દૈહિક હાજરી નથી, પરંતુ ભારતીય ચિત્રકલાની બ્રૅન્ડ બની ગયેલા આ કલાકારનો ઉલ્લેખ થતાં રંગોની દુનિયાના ભલભલા સિકંદરો આદર અહોભાવથી કાનની બૂટ પકડે છે.

આ લેજન્ડરી ચિત્રકાર રાજા રવિ વર્માનાં પેઇન્ટિંગ્સ આજે કરોડો રૂપિયામાં વેચાય છે. ભારતીય પરંપરા અને યુરોપિયન શૈલીનો કાબિલેદાદ સમન્વય રચીને ફાધર ઑફ મૉડર્ન આર્ટનું બિરુદ પામેલા ભારતના મહાન ચિત્રકાર રાજા રવિ વર્મા દ્વારા નિર્મિત ‘યશોદા અને કૃષ્ણ’ ચિત્રે એક નવો રેકૉર્ડ સરજ્યો છે.

૨૦૨૬ની ૧ એપ્રિલે દિલ્હીમાં સૅફ્રન આર્ટ દ્વારા આયોજિત હરાજીમાં આ પેઇન્ટિંગ ૧૬૭.૨ કરોડ રૂપિયામાં વેચાયું હતું. એ હરાજીમાં વેચાયેલું સૌથી મોંઘું ભારતીય પેઇન્ટિંગ છે. અગાઉનો રેકૉર્ડ એમ. એફ. હુસૈનની ‘અનટાઇટલ્ડ - વિલેજ ટૂર’ના નામે હતો જેને ગયા વર્ષે ૧૧૯ કરોડ રૂપિયાની જંગી કિંમતે ખરીદાયું હતું.

ચાલો, રાજા રવિ વર્માની રંગીન દુનિયામાં મારીએ એક લટાર.


રાજા રવિ વર્માનાં ૧૧ ચિત્રોની પ્રતિકૃતિ ધરાવતી સાડીએ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં સૌથી મોંઘી સિલ્કની સાડી તરીકે સ્થાન મેળવ્યું છે.

ફાધર ઑફ મૉડર્ન આર્ટ

રાજા રવિ વર્માએ ચિત્રકામ શરૂ કર્યું ત્યારે મોગલ અને રાજપૂત ચિત્રકલાની પાઠશાળાઓ ઓછી થઈ ગઈ હતી અને દિલ્હી, પટના અને થાંજાવુરમાં એક મિ​િશ્રત શૈલીનો ઉદય થયો. થાંજાવુર શૈલીમાં જ રાજા રવિ વર્માએ ચિત્રો બનાવ્યાં. આર્ટ-હિસ્ટોરિયન અલકા પાંડે કહે છે એમ રાજા રવિ વર્માની ચિત્રોમાં રંગ પૂરવાની એક ખાસ શૈલી હતી. તેમનાં કમ્પોઝિશન્સ પણ યુનિક હતાં. પોતાનાં પેઇન્ટિંગ્સમાં પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ એવી અદ્ભુત રીતે કરતા કે તેઓ આજે ભારતના ફાધર ઑફ મૉડર્ન આર્ટ કહેવામાં આવે છે.

કોચુની કુદરતના રંગો સાથે મેળવણી

રાજા રવિ વર્માનો જન્મ ૧૮૪૮ની ૨૯ એપ્રિલે કેરલમના કિલિમાનૂરમાં એક પ્રતિષ્ઠિત કુટુંબમાં થયો. પિતાનું નામ એડુમાવિલ નીલકંથન હતું અને માતા ઉમ યામ્બા થમ્પુરાટ્ટી જાણીતાં કવયિત્રી અને લેખિકા હતાં. તેમના મૃત્યુ પછી તેમની કૃતિ ‘પાર્વતી સ્વયંવરમ’ રાજા રવિ વર્મા દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. ઘરમાં સૌ રાજા રવિ વર્માને કોચુ કહીને બોલાવતા.

રાજા રવિ વર્માને ત્રણ ભાઈ-બહેન હતાં. સ્થાનિક પરંપરા અનુસાર તેમના મામા રાજા રાજ વર્માનું નામ તેમની સાથે જોડવામાં આવ્યું હતું. તેથી તેમનું નામ રાજા રવિ વર્મા પડ્યું.

પારિવારિક વારસાને કારણે બાળપણમાં તેમના માનસપટ પર સંસ્કૃત સાહિત્યની ઊંડી અને કાયમી છાપ પડી, જેની અસર પુખ્ત વયે ચિત્રસર્જનમાં પણ પડી. સાહિત્ય ઉપરાંત રાજા રવિ વર્માને બાળપણથી જ પ્રકૃતિ તરફ ગાઢ લગાવ. તેઓ આસમાન તરફ મીટ માંડીને બેસી રહે અને ક્ષિતિજ પર આથમતા સૂર્યની રંગછટાને નીરખે. રાત્રે આકાશમાં ટોળે વળતા તારાઓનાં ઝૂમખાંમાં મગ્ન બને.


વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડનું રાજા રવિ વર્માએ દોરેલું ચિત્ર. 

કલ્પનાજગતને વિકસાવતી પ્રકૃતિનું દર્શન રાજા રવિ વર્માના ચિત્રકામમાં ઈંધણ પૂરતું હતું. બાળપણથી જ રાજા રવિ વર્માને ચિત્રકામમાં, ચિત્રકલામાં ખૂબ જ રસ. કુદરતમાં મસ્ત રહેતા રાજા રવિ વર્મા રંગો પણ ફૂલો, પાંદડાં અને છોડમાંથી બનાવતા.

તિરુવનંતપુરમમાં તાલીમ

રાજા રવિ વર્માનો રંગો સાથેનો પહેલો પરિચય તો થઈ ગયો માત્ર પાંચ જ વર્ષની ઉંમરે. મામા રાજા રાજ વર્મા પોતે એક સારા કલાકાર. દંતકથા તો એવી પણ છે કે એક વાર તેઓ કોઈ ચિત્ર અધૂરું મૂકીને બહાર ગયા ત્યારે ભાણેજે એ ચિત્ર પૂરું કરી નાખ્યું. મામા તો આભા જ રહી ગયા.

કલાપારખુ મામાએ ભાણેજને તાલીમ આપવાની, એક કુશળ ચિત્રકાર તરીકે ઘડવાની જવાબદારી હાથમાં લીધી. આમ રાજા રવિ વર્માના પ્રથમ શિક્ષક તેમના મામા હતા. ૧૪ વર્ષની ઉંમરે રાજા રવિ વર્માને તિરુવનંતપુરમ મોકલવામાં આવ્યા.

રાજા રવિ વર્માનું વૈચારિક પિંડ ઘડવામાં, ચિત્રકલાને બારીકાઈથી સમજવા માટે આ જગ્યા બહુ ફાયદાકારક સાબિત થઈ. અહીં રાજમહેલમાં દુનિયાભરના મોટા ચિત્રકારો આવતા રહેતા, જ્યાં ઇટાલિયન અને યુરોપિયન કલા પ્રદર્શિત થતી હતી. આ જ દરમ્યાન તેમને મૈસૂર, વડોદરા અને દેશના અન્ય ભાગોમાં પણ જવાનો મોકો મળ્યો. આ પછી તેઓ ત્રાવણકોર પાછા ફર્યા.


લિથિયોગ્રાફી પ્રેસમાં આવા પથ્થરના બ્લૉક્સ બનાવીને દેવી-દેવતાઓનાં પોસ્ટર્સ પ્રિન્ટ કરવામાં આવતાં હતાં.

એક વિદેશી કલાકાર અને ઑઇલ પેઇન્ટિંગમાં રુચિ

ચિત્રકારીના બુનિયાદી પાઠ રાજા રવિ વર્મા મદુરાઈથી શીખ્યા હતા. આની પાછળ એક રસપ્રદ પ્રસંગ છે.

તિરુવનંતપુરમના મહેલમાં ભારે કોલાહલ હતો. મૂળ વાત એમ હતી કે ડચ ચિત્રકાર થિયોડોર જેન્સન આવી રહ્યો હતો. જેન્સને તિરુંવતનપુરમનાં રાજા અને રાણીનું ચિત્ર બનાવવું હતું. હવે એ સમયનું ભારત તો અતિ ચુસ્ત. બહારની કોઈ વ્યક્તિ માટે રાણીનાં દર્શન દુર્લભ હતાં. એ સમયે કોઈ વિદેશી આવીને રાણીને જોઈ લે અને તેની સુંદરતાને પીંછીએ કંડારે એ વાત લોકો માટે તાજુબભરી હતી એટલે તે ચિત્રકારને જોવા લોકો દૂર-દૂરથી આવ્યા હતા. એ ભીડમાં રાજા રવિ વર્મા પણ સામેલ હતા.

થિયોડોર જેન્સનને મળ્યા પછી રાજા રવિ વર્માને પશ્ચિમી શૈલીનાં તૈલચિત્રો (ઑઇલ પેઇન્ટિંગ્સ)માં વધુ રસ પડ્યો. થિયોડોર જેન્સન રાજા રવિ વર્માની પ્રતિભાને સમજ્યા અને પછી તેમને ચિત્રકળાની બારીકાઈઓ શીખવવા લાગ્યા. જેન્સન પાસેથી તેમને મળેલી તાલીમે રાજા રવિ વર્માના જીવનમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. એ પછી માત્ર ભારતમાં જ નહીં, વિશ્વનાં મોટાં શહેરોમાં તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો યોજાયાં. તેમને અનેક પ્રશંસા મળવા લાગી અને ચિત્રકાર તરીકે તેમનું નામ પ્રસ્થાપિત થયું. થિયોડોર જેન્સન ઉપરાંત અલાગિરિ નાયડુનો પણ રાજા રવિ વર્માની કારકિર્દીમાં ખૂબ મહત્ત્વનો ફાળો રહ્યો છે. રાજા રવિ વર્માનાં ચિત્રોમાં યુરોપિયન શૈલીની જે અસર જોવા મળે છે એમાં આ બન્ને ચિત્રકારોની તાલીમ દરમ્યાન ઝિલાયેલી અસર મુખ્ય કારણભૂત છે.

 જાણો છો? ભારતીય ફિલ્મજગતના પિતામહ દાદાસાહેબ ફાળકેએ રાજા રવિ વર્માના પ્રેસમાં નોકરી કરી હતી. આ દરમ્યાન રાજા રવિ વર્મા સાથે તેમની સારી મિત્રતા થઈ હતી.

આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડ્યો

૧૮ વર્ષની ઉંમરે રાજા રવિ વર્માએ ત્રાવણકોરના મહારાજાની નાની બહેન સાથે લગ્ન કર્યાં. રાજા રવિ વર્માનું માન ઑર વધ્યું આ સંબંધને કારણે. ૧૮૭૩માં તેમને મદ્રાસમાં આયોજિત કલાપ્રદર્શનમાં ભાગ લેવાનો મોકો મળ્યો જ્યાં તેમણે પ્રથમ પુરસ્કાર જીત્યો. આ જ વર્ષે વિયેના ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય ચિત્ર-પ્રદર્શનમાં અવૉર્ડ જીત્યા બાદ રાજા રવિ વર્માનું નામ અને પ્રસિદ્ધિ દેશના સીમાડા વટાવી ગયાં.

રાજા રવિ વર્મા અને ગુજરાત

રાજા રવિ વર્મા પરથી ગુજરાતી ફિલ્મકાર કેતન મહેતાએ રણદીપ હૂડા અને નંદના સેનને લઈને ફિલ્મ ‘રંગરસિયા’ બનાવી છે એ વાત આપણે જાણીએ છીએ. રાજા રવિ વર્માનો ગુજરાત-વડોદરા સાથે ગાઢ નાતો રહ્યો છે.

૧૮૮૧માં વડોદરાના રાજપરિવારે રાજા રવિ વર્માને આમંત્રિત કર્યા હતા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)નું પૉર્ટ્રેટ બનાવવા માટે. રાજા રવિ વર્માની કાબેલિયત અને કલાનિષ્ઠાને જોઈને વડોદરાના મહારાજાએ ખુશ થઈને ખાસ સ્ટુડિયો બનાવી આપ્યો હતો. આ પછી રાજા રવિ વર્માએ ભાવનગર, મૈસૂર, બીકાનેરના રાજઘરાના-રાજવીઓનાં પણ ચિત્રો દોર્યાં હતાં.

વડોદરા નિવાસ દરમ્યાન રાજા રવિ વર્માએ પૌરાણિક પાત્રોનાં અદ્ભુત ચિત્રો દોર્યાં. આ ચિત્રો આજે પણ લક્ષ્મી વિલાસ પૅલેસમાં સચવાયેલાં છે. દીર્ઘદ્રષ્ટા વડોદરાના મહારાજાએ ભારતીય જનમાનસને પ્રથમ નજરે જ સ્પર્શી જાય એ પ્રકારનાં રામાયણ-મહાભારત આધારિત પૌરાણિક ચિત્રો પોતાના રાજમહેલ માટે બનાવવાની ધરખમ જવાબદારી સોંપી. રાજા રવિ વર્માએ મહારાજાના આ સૂચનનો સહર્ષ સ્વીકાર કર્યો.

પૌરાણિક પાત્રો માટે ભારતભ્રમણ

ભારતીય પૌરાણિક ચિત્રો બનાવતાં પહેલાં રામાયણ અને મહાભારત બન્ને મહાન ગ્રંથોનાં પાત્રોનો પહેરવેશ, અલંકારો વગેરેનો અભ્યાસ જરૂરી હતો. રામાયણ અને મહાભારત આ દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક ચેતનાના પ્રતીક જેવા ગ્રંથો છે. આ બે ગ્રંથોનાં પાત્રોને ચિત્રોમાં આકાર આપતાં પહેલાં આખા દેશનો મૂળ આત્મા જાણવો જરૂરી હતો એટલે સમગ્ર દેશમાં ફરવાની ઇચ્છા રાજા રવિ વર્માને થઈ. તેમણે આ વાત મહારાજા ગાયકવાડને કહી. મહારાજાએ ટી. માધવરાવને કહીને પ્રવાસની બધી વ્યવસ્થા કરી આપી. રાજા રવિ વર્માએ પોતાના ભાઈ તથા નોકરો સાથે રાજસ્થાન, દિલ્હી, આગરા, અવધ, કાશી, કલકત્તા વગેરે શહેરોની મુલાકાત લીધી અને ભારત દેશની સંસ્કૃતિ અને કલાને નજીકથી જાણી અને અનુભવી. થાંજાવુર, માયાવરમ્, ચિદમ્બરમ્, શ્રીરંગમ્, મદુરાઈ વગેરે સ્થાનોનાં મંદિરોનાં દર્શન કર્યાં. તહેવારો અને ઉત્સવો, વેશ-પરિધાનો, હથિયારો, ઘરેણાંઓ તેમ જ અન્ય વસ્તુઓનો ઝીણવટથી અભ્યાસ કરીને એનાં રેખાંકનો કર્યાં. રાજમહેલો અને ખંડેરોની મુલાકાત પણ લીધી.

ભારતભ્રમણ ઉપરાંત રાજા રવિ વર્માએ પોતાનાં પેઇન્ટિંગ્સમાં વધુ નિખાર લાવવા માટે ઇન્ડિયન માઇથોલૉજીનો પણ ઊંડો અભ્યાસ કર્યો.  આખરે પાક્કું હોમવર્ક કરીને રાજા રવિ વર્માએ મહાભારત અને રામાયણના પ્રસંગો પર આધારિત ૧૪ પેઇન્ટિંગ્સ બનાવ્યાં હતાં જે આજે પણ વડોદરાના લક્ષ્મી વિલાસ મહેલના દરબાર હૉલમાં શોભી રહ્યાં છે. આ ચિત્રોમાં તેમણે વ્યાસ, વાલ્મીકિ, નળ-દમયંતી, અર્જુન-સુભદ્રા, દ્રૌપદી ચીરહરણ, હરિશ્ચંદ્ર-તારામતી, દેવકી-કૃષ્ણ અને સીતા સ્વયંવર જેવા વિષયો પસંદ કર્યા હતા જેમનું ભારતની પૌરાણિક કથાઓમાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન રહ્યું છે.


લક્ષ્મીજીનું આ ચિત્ર રાજા રવિ વર્માનું સર્જન છે જે એક જમાનામાં લગભગ દરેક ઘરોમાં જોવા મળતું. 

શું આ જાણો છો?

રાજા રવિ વર્માનાં ચિત્રો ભારતની સૌથી વધુ વેચાતી કૉમિક બુક શ્રેણી અમર ચિત્રકથા કૉમિક્સ માટે પ્રેરણારૂપ હતાં.

૨૦૦૮માં રાજા રવિ વર્માનાં ૧૧ ચિત્રોની પ્રતિકૃતિ ધરાવતી સાડીએ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં સૌથી મોંઘી રેશમી સાડી તરીકે સ્થાન મેળવ્યું હતું.

તેમનાં પેઇન્ટિંગ્સની ખ્યાતિ એટલી હતી કે હજારો લોકો તેમને પત્ર લખતા હતા. તેમના ઘરે આવતા પત્રોને કારણે ખાસ કિલિમાનૂરમાં પોસ્ટ-ઑફિસ ખોલવી પડી હતી.

ભારતીય કલામાં રાજા રવિ વર્માના યોગદાનને જોઈને કેરલમની સરકારે રાજા રવિ પુરસ્કારમની સ્થાપના કરી છે.

કલા અને સંસ્કૃતિ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ બદલ આ અવૉર્ડ આપવામાં આવે છે. ૨૦૧૩માં બુધ ગ્રહ પરના એક ક્રેટરને રાજા રવિ વર્માનું નામ આપવામાં આવ્યું છે. તેમની યાદમાં ટપાલટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી.

રાજા રવિ વર્માના નામથી કેરલમમાં એક ફાઇન આર્ટ્સ કૉલેજ પણ સ્થાપવામાં આવી હતી. દેશના ઘણા ભાગોમાં પછી તો રાજા રવિ વર્માના નામથી સ્કૂલ-કૉલેજ શરૂ થઈ હતી.

એ લોકો મારી કલાને નહીં, તેમની શ્રદ્ધાને વંદન કરે છે

વડોદરાના મહારાજાની સહમતીથી આ ચિત્રોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. પ્રથમ પ્રદર્શન ત્રિવેન્દ્રમમાં યોજાયું હતું, જ્યાં સેંકડો લોકો જોવા માટે આવ્યા હતા અને પછી વડોદરા અને મુંબઈમાં પણ આ ચિત્રો જોવા માટે મોટી ભીડ ઊમટી હતી. મેળાવડો એવો જામ્યો કે ભીડ આવીને ચિત્રો જોતી, હાથ જોડીને એની સામે ઊભી રહેતી, પ્રાર્થના કરતી, મનની વાત કહેતી, કંઈક માગતી અને નીકળી જતી. એ સમયે રાજા રવિ વર્માના મિત્ર રામૈયા રાજા ત્યાં ઉપસ્થિત. રામૈયા રાજા પોતે પાછા અવ્વલ દરજ્જાના ચિત્રકાર. તેમણે કહ્યું, ‘રાજાજી, આ બધું શું થઈ રહ્યું છે? લોકો અહીં તસવીરો જુએ છે અને પછી એની પૂજા કરે છે.’

ત્યારે ભારતીય પ્રજાની તાસીરથી વાકેફ રાજા રવિ વર્માએ જવાબ આપતાં કહ્યું હતું, ‘આ લોકો મારી આર્ટને નહીં તેમની શ્રદ્ધાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, એની આગળ નતમસ્તક થઈ રહ્યા છે.’

મુંબઈમાં પ્રિન્ટિંગ પ્રેસ નાખ્યું

આ એ સમય હતો જ્યારે લોકોએ ભગવાનનાં દર્શન કરવા માટે મોટી-મોટી મૂર્તિઓ બનાવવી પડતી હતી અથવા મંદિરમાં જવું પડતું હતું. ચિત્રો અને આવાં ચિત્રો ફક્ત શાહી દરબારમાં જ બનતાં હતાં. તેથી જ્યારે રાજા રવિ વર્માએ આ ભક્તોને તેમના દ્વારા બનાવેલાં ચિત્રો સામે હાથ જોડીને પ્રાર્થના કરતા જોયા ત્યારે તેમના મનમાં એક વિચારબીજનો જન્મ થયો.

તેમણે વિચાર્યું કે જો હિન્દુ દેવી-દેવતાઓનાં ચિત્રોની કૉપીને લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે તો કેમ? ઈશ્વર માત્ર મંદિરોમાં કે પછી મૂર્તિ સ્વરૂપે સીમિત ન રહેતાં કાગળ પર આમઆદમીના ઘર-ઘર સુધી પહોંચે. આ વિચારબીજમાંથી જન્મ થયો પ્રિન્ટિંગ પ્રેસ નાખવાનો. તેમનું આ સપનું સાકાર થયું ૧૮૯૪માં. મુંબઈના ગિરગામમાં પહેલા પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી. એમાં લિથોગ્રાફિક પ્રિન્ટિંગ થતું હતું.

આ પ્રેસ દ્વારા રામાયણ, મહાભારત અને પુરાણના પ્રસંગો અને દેવી-દેવતાના ચિત્રો છાપવામાં આવ્યાં. આ ચિત્રો ૧૯૦૬ની સાલમાં રવિ વર્માના નિધન બાદ પણ વર્ષો સુધી હજારોની સંખ્યામાં છપાતાં રહ્યાં. રાજા રવિ વર્મા પ્રેસ એ સમયનું ભારતનું સૌથી મોટું પ્રેસ હતું. 

આ પ્રિન્ટ્સ એટલી લોકપ્રિય થઈ કે ભારતીય ઘરોમાં પૂજાઘર સુધી રાજા રવિ વર્મા દ્વારા કલ્પિત દેવી-દેવતાઓનાં સ્વરૂપો સ્થાયી થઈ ગયાં. આ ચિત્રો ઓલિયોગ્રાફ (તૈલચિત્ર) સ્વરૂપે દેશના ઘર-ઘરમાં પહોંચ્યાં હતાં. તેમણે તૈયાર કરેલાં ચિત્રોમાંથી એ સમયે લક્ષ્મી અને સરસ્વતી ચિત્રોની આવૃત્તિઓ વ્યાપક પ્રમાણમાં છપાઈ હતી. દેશમાં આ બન્ને હિન્દુ દેવીઓનાં ચિત્રો ઉપરાંત અન્ય કેટલાંક ચિત્રોની કૃતિઓ પણ લોકપ્રિય થઈ હતી. આ ચિત્રની આવૃત્તિઓ કૅલેન્ડરથી લઈને ઘરની દીવાલો સુધી પહોંચી ગઈ હતી.

રાજા રવિ વર્માના નામ હેઠળ સ્થાપિત આ પ્રેસમાં વ્યાવસાયિક ભાગીદાર ગોવર્ધનદાસ ખટાઉ માખણજી આર્થિક પાસાંઓ સંભાળતા હતા. ૧૮૯૦ના દાયકામાં પ્લેગ ફાટી નીકળ્યા બાદ માખણજીએ ૧૮૯૮માં પ્રેસને ઘાટકોપર પાસે ખસેડ્યું, પરંતુ થોડા સમય પછી તેઓ રાજા રવિ વર્માથી અલગ થઈ ગયા. અંતે આર્થિક નુકસાન અને મૅનેજમેન્ટની સમસ્યાઓને કારણે પાછળથી આ પ્રેસ જર્મનીના પ્રિન્ટિંગ ટેક્નિશિયન ફ્રિટ્ઝ શ્લેઇચરને વેચી દેવામાં આવ્યું.

વિદેશમાં ખ્યાતિ, દેશમાં વિરોધ

ઑઇલ પેઇન્ટિંગ્સને કારણે એક બાજુ રાજા રવિ વર્માની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ વધી રહી હતી, પણ પોતાના જ દેશમાં રૂઢિચુસ્ત વર્ગના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

રાજા રવિ વર્માના પ્રેસમાં છપાયેલાં હિન્દુ દેવી-દેવતાઓનાં ચિત્રોને કારણે એક વર્ગની લાગણી દુભાઈ હતી. આ વર્ગ માનતો હતો કે આ રીતે દેવી-દેવતાઓનાં ચિત્રો દોરવાથી, પ્રેસમાં છપાવાથી તેમના સન્માનને હાનિ થાય છે.

આખરે આયખાના રંગો સમેટી લીધા

રાજા રવિ વર્માની ખ્યાતિ ભારતથી બહાર નીકળીને આખી દુનિયામાં ફેલાઈ ગઈ હતી. ૧૯૦૪માં તેમને ‘કૈસર-એ-હિન્દ’નું બિરુદ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

૧૯૦૬ની બીજી ઑક્ટોબરે રાજા રવિ વર્માએ આયખાના રંગોને સમેટી લીધા. આ મહાન ચિત્રકાર આજે પણ ભારતના રંગોમાં ધબકે છે.

- વિક્રમ મહેતા

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK