સાંતાક્રુઝમાં તાપમાનનો પારો ૩૮ ડિગ્રીએ પહોંચ્યો
પ્રતીકાત્મક તસવીર
ઑક્ટોબર હીટની આગાહી તથા જાહેર કરવામાં આવેલી યલો અલર્ટ મુજબ રવિવાર મુંબઈગરાઓ માટે હૉટ-હૉટ સાબિત થયો હતો. છેલ્લાં ૧૩ વર્ષમાં ઑક્ટોબર મહિનાના આ સમયગાળા દરમ્યાન નોંધવામાં આવેલું આ બીજા નંબરનું સૌથી વધુ તાપમાન હતું. રવિવારે મુંબઈમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી સેલ્શિયસે પહોંચી ગયું હતું, જે ઑક્ટોબર મહિનાના આ દિવસ દરમ્યાન છેલ્લાં ૧૩ વર્ષમાં નોંધવામાં આવેલું સૌથી વધુ તથા આ સમયગાળા દરમ્યાન રહેતા તાપમાન કરતાં ૪ ડિગ્રી સેલ્શિયસ જેટલું વધુ નોંધાયું હતું.
ગઈ કાલે ગરમીનો પારો સામાન્ય કરતાં ૪.૯ ડિગ્રી સેલ્શિયસ વધારે રહ્યો હતો, જેને પગલે આ ઑક્ટોબર મુંબઈગરાઓ માટે ગરમીની દૃષ્ટિએ કપરો સાબિત થઈ રહ્યો છે. જોકે હવામાન ખાતાના અંદાજ મુજબ મંગળવારથી ગરમીથી થોડી રાહત મુંબઈગરાઓને મળી શકે અને ગરમીનો પ્રકોપ ઓછો થઈ શકે.
આ પહેલાં ઑક્ટોબર મહિનામાં સૌથી વધુ તાપમાન મુંબઈમાં ૩૮.૬ ડિગ્રી નોંધાયું હતું, જે ૨૦૧૫માં ૧૭ ઑક્ટોબરે નોંધવામાં આવ્યું હતું. સામાન્ય રીતે મુંબઈમાં ચોમસાની વિદાય ૧૦ ઑક્ટોબરની આસપાસ થાય છે, જે આ વર્ષે ૩ ઑક્ટોબરે જ થઈ ચૂકી હતી. નબળું ચોમાસું, ચોમાસાની જલદી વિદાય વગેરે પરિબળોને ધ્યાનમાં લેતાં ગરમીનો પારો ઊંચો હોવાનું હવામાન ખાતાના જાણકારોનું માનવું છે.
