ક્યારેક તમે જે કરી રહ્યા છો એનાથી એટલે સંતુષ્ટ હો છો કે એની આગળ પણ કંઈ કરવાનું છે એવા વિચારો પણ તમારી અંદર આવતા નથી, પરંતુ તમારું કામ તમને પોકારતું હોય છે. તમારી કર્મભૂમિ તમને સાદ આપે ત્યારે તમારે બધું છોડીને પણ ત્યાં જવું જ પડે.
રૂપા દિવેટિયા તેમના પતિ કુંતલ દિવેટિયા સાથે, રૂપા દિવેટિયા તેમના ડૉગી બિટ્ટુ અને બલ્લુ સાથે
ક્યારેક તમે જે કરી રહ્યા છો એનાથી એટલે સંતુષ્ટ હો છો કે એની આગળ પણ કંઈ કરવાનું છે એવા વિચારો પણ તમારી અંદર આવતા નથી, પરંતુ તમારું કામ તમને પોકારતું હોય છે. તમારી કર્મભૂમિ તમને સાદ આપે ત્યારે તમારે બધું છોડીને પણ ત્યાં જવું જ પડે. ૧૯૯૪-’૯૫ આસપાસની વાત છે. અમદાવાદ દૂરદર્શનમાં અસિસ્ટન્ટ પ્રોડ્યુસર તરીકે કામ કરતાં રૂપા દિવેટિયાને એ સમયે ‘હુતો હુતી’ નામની એક સિરિયલમાં કામ કરવાનો અવસર મળ્યો હતો અને ટીવી પર એ તેમનું પહેલું કામ હતું. મુંબઈથી ફિરોઝ ભગત અમદાવાદ એક નાટક લઈને ગયા હતા અને ત્યાં અચાનક તેમની એક આર્ટિસ્ટ આવી નહીં. અમદાવાદમાં કોઈ હોય જે એક કલાકની અંદર નાટક તૈયાર કરીને પર્ફોર્મ કરી શકે એવી ડિમાન્ડના જવાબમાં રૂપા દિવેટિયાનું નામ સામે આવ્યું. રૂપાબહેન ગયાં અને તેમને જે રીતે પર્ફોર્મ કર્યું એ જોઈને ફિરોઝભાઈએ કહ્યું કે તમે અહીંના ૧૫ શો તો કરો જ; પણ તમે મુંબઈ આવો, ત્યાં આપણે નાટક કરીએ. એ સમયે રૂપાબહેનના સસરા જે તેમને પોતાની દીકરી જ ગણતા હતા તેમણે સેફટી ખાતર રૂપાબહેનને એકલાં મુંબઈ જવાની ના પાડી. એ સમયે પતિ કુંતલ દિવેટિયા પરિવારનો બિઝનેસ છોડીને રૂપાબહેન સાથે
મુંબઈ આવ્યા. અહીં તેમણે સાઉન્ડ-એન્જિનિયર તરીકે અને રૂપાબહેને ઍક્ટર તરીકે પહેલું ફિરોઝ ભગત દિગ્દર્શિત નાટક કર્યું ‘શુભ ચિંતક’. એ સમયને યાદ કરતાં તેઓ કહે છે, ‘મુંબઈ આવ્યા ત્યારે નક્કી કરેલું કે અમદાવાદથી કશું જ નહીં લાવીએ, ખુદ કમાઈશું અને ખુદ જીવન બનાવીશું. ખુદના આત્મવિશ્વાસ માટે એ જરૂરી હતું. મુંબઈમાં અમુક લોકોએ છેતર્યા, પૈસાની ખૂબ તકલીફ પડી. એક સમયે ફક્ત વડાપાંઉ ખાઈને અમે દિવસ કાઢ્યો હોય એવું પણ બન્યું હતું. અમે એક-એક રૂપિયો વિચારીને વાપરતાં. અમદાવાદનો ૯ બેડરૂમ-હૉલ-કિચનનો બંગલો છોડીને મુંબઈમાં એક રૂમ-કિચનમાં રહ્યાં. ફક્ત એટલે કારણ કે મારે ‘ઍક્ટિંગ’ કરવી હતી અને એના દમ પર પગભર થવું હતું. એટલી સખત મહેનત કરી કે ૨૦૦૧માં મુંબઈમાં ખુદનું ઘર અમે લઈ શક્યાં. એ સ્ટ્રગલે મને જ નહીં, મારા અને કુંતલના સંબંધને પણ ખૂબ મજબૂત બનાવ્યો. આ રીતે અમે ખરા અર્થમાં સુખ-દુઃખનાં સાથી બન્યાં.’
કરીઅર
રૂપા દિવેટિયા ગુજરાતી રંગભૂમિનું જ નહીં, ટીવી-સિરિયલોમાં જોવા મળતું અત્યંત જાણીતું નામ છે. તેમણે ‘હુતો હુતી’, ‘રિદ્ધિ-સિદ્ધિ’, ‘મને બચાવો’, ‘અંતરનાં અજવાળાં’, ‘ફફડાટ’, ‘અંબા’, ‘મોટા ઘરની વહુ’, ‘સ્વપ્ન કિનારે’, ‘માથાભારે મંજુલા’ જેવી ઘણી ગુજરાતી સિરિયલોમાં કામ કર્યું છે. તેમણે ‘વૃક્ષ’, ‘લીલા’, ‘વરસો’, ‘બા પાવરફુલ’, ‘શોર’, ‘શિકસ્ત’, ‘બા રિટાયર થાય છે’, ‘જશરેખા’, ‘હળી-મળીને સાથે રહીએ’, ‘સૂતરના તાંતણે બંધાયા’, ‘જીવવું તો વટથી’ ‘વ્હાલી મમ્મી’, ‘તમે લઈ ગયા અમે રહી ગયા’, ‘આયુષ્યમાન ભવ:’, ‘કિટ્ટા-બુચ્ચા’, ‘મહારથી’ જેવાં ઘણાં ગુજરાતી નાટકો પણ કર્યાં છે. આ સિવાય ‘કુસુમ’, ‘કોઈ અપના સા’, ‘ઘર એક મંદિર’, ‘રક્ષાબંધન’, દીવાની’, ‘મન્નત’, ‘કસોટી ઝિંદગી કી’, ‘પિયા બસંતી રે’, ‘સંભવ-અસંભવ’, બેહદ-૨’, કસ્તુરી, ‘નાગમણિ’, ‘કુમકુમ ભાગ્ય’, ‘બ્રહ્મરાક્ષસ-૨’, ‘કલશ’ જેવી હિન્દી સિરિયલોમાં ઘણું કામ કર્યું છે. હાલમાં તેઓ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’માં કામ કરતાં નજરે ચડી રહ્યાં છે. આવનારા પ્રોજેક્ટમાં ઝી ટીવીની એક સિરિયલ તેઓ જલદી શરૂ કરવાનાં છે.
બાળપણ
અમદાવાદમાં જ જન્મેલાં અને ત્યાં જ ઊછરેલાં રૂપાબહેનનાં ફોઈ દામિની મહેતા એ સમયે મૃણાલિની સારાભાઈની ‘દર્પણ’ ઍકૅડેમી સાથે જોડાયેલાં હતાં. એ સમયે ‘પ્રચાર નાટકો’ ખૂબ થતાં. એમાં એક નાટક હતું ‘હરિશ્ચંદ્ર તારામતી’. એમાં ૩ વર્ષની નાનકડી રૂપા મહેતા હરિશ્ચંદ્રના પુત્ર રોહિતનું પાત્ર ભજવતી હતી. એ ઉંમરથી તેમણે સ્ટેજ પર પગ મૂકી દીધો હતો જે ઉંમરે તેમને સ્ટેજ શું છે એ પણ ખબર નહોતી. ૯ વર્ષની ઉંમરે લાભશંકર ઠાકરનું નાટક ‘વૃક્ષ’ તેમણે કર્યું હતું. ૧૯૭૨માં વિક્રમ સારાભાઈએ એજ્યુકેશનલ પ્રોગ્રામ બનાવવાનું શરૂ કર્યું હતું. એમાં ક્ષય એટલે કે TBના રોગ પર એક પ્રોગ્રામ બનાવ્યો હતો જેમાં પહેલી વાર તેમણે કૅમેરા ફેસ કર્યો હતો. ૧૯૮૦માં ૧૭ વર્ષની ઉંમરે ‘જસમા ઓડણ’ નામે નાટક તેમણે કર્યું જેમાં તેમનો ટાઇટલ રોલ હતો. આ ઉપરાંત આકાશવાણી અમદાવાદનાં ‘A’ ગ્રેડ વૉઇસ-આર્ટિસ્ટ તેઓ બન્યાં હતાં. એ સમયને યાદ કરતાં તેઓ કહે છે, ‘નાનપણથી નાટકો, સ્ટેજ અને ઍક્ટિંગનું કામ કર્યું; પણ એમાં કરીઅર બનાવી શકાય કે એમાંથી પૈસા કમાઈ શકાય એ કન્સેપ્ટ અમારા ઘરમાં હતો નહીં એટલે મેં BCom કર્યું. ખર્ચો કાઢવા નોકરી પણ કરતી હતી અને
આકાશવાણીનું કામ પણ કરતી હતી, પણ એવું મનમાં નહોતું કે ઍક્ટિંગને પ્રોફેશન બનાવીશ.’
લગ્ન
‘શકુંતલા વિદાય’ નામનું એક મ્યુઝિકલ હતું જેમાં સુધા દિવેટિયા ગાયક હતાં અને શ્રેણુ દિવેટિયાનું સંગીત હતું. એમાં શકુંતલા રૂપાબહેન બન્યાં હતાં. શ્રેણુભાઈ અને સુધાબહેન રૂપાબહેનનાં ફોઈ દામિની મહેતાને ખૂબ સારી રીતે ઓળખતાં હતાં. તેઓ પોતાના દીકરા માટે છોકરી શોધતાં હતાં અને અહીં રૂપાબહેનના ઘરમાં પણ લગ્નની વાતો શરૂ થઈ ગઈ હતી. એ સમયે આકાશવાણી અમદાવાદનાં ડિરેક્ટર જનરલ વસુબહેન ભટ્ટને આ વિચાર આવ્યો કે રૂપા માટે શ્રેણુભાઈ અને સુધાબહેનનો દીકરો કુંતલ બરાબર રહેશે; બન્ને નાગર પરિવારો છે, બન્ને ક્રીએટિવ છે એટલે જોડી જામશે. એ સમયે કુંતલભાઈ તેમનો કેમિકલનો બિઝનેસ સંભાળતા હતા, પણ ખૂબ સારા તબલચી હતા અને ફોટોગ્રાફીનો પણ શોખ હતો. રૂપાબહેન એ સમયે ભવાઈના શો ઘણા કરતાં. એમાં તબલાં કુંતલભાઈ વગાડતા. ૨૧ વર્ષની ઉંમરે રૂપાબહેનનાં કુંતલભાઈ સાથે લગ્ન થઈ ગયાં. એ વિશે વાત કરતાં રૂપાબહેન કહે છે, ‘મારા ઘરમાં આર્ટને પ્રોફેશન તરીકે નહોતા જોતા. મારા સાસરે આવીને હું આર્ટને એ દૃષ્ટિથી જોતાં શીખી. કળા અમારા નાગરોમાં ભરી-ભરીને હોય એટલે બધા જ ક્રીએટિવ હોય, પરંતુ એમાં પણ એક સફળ કરીઅર હોઈ શકે એ હું પાછળથી સમજી શકી.’
એ પછી બન્ને મુંબઈ આવ્યાં. સ્ટ્રગલ કરીને સતત કામ કરતાં રહ્યાં, પણ હાર ન માની. જોકે સ્ટ્રગલ પિરિયડ એ ઉંમરે આવ્યો હતો જ્યારે વ્યક્તિ બાળક વિશે વિચારતી હોય. એ વિશે વાત કરતાં રૂપાબહેન કહે છે, ‘મારાં મમ્મી અને સાસુએ મને કહ્યું કે તમે બન્ને બાળક કરી લો, એ બાળકને અહીં અમદાવાદ મોકલી દેજો, અમે મોટું કરી દઈશું. જોકે મને એ મંજૂર નહોતું. કામ છોડી શકાય એમ નહોતું. એ કરવાનું, સ્ટેબલ થવાનું ખૂબ જરૂરી હતું. હું બાળકને જન્મ આપું અને મમ્મીઓ તેને પાળે એ પણ મને મંજૂર નહોતું. બીજું એ કે હું ખાસ કિડ-ફ્રેન્ડ્લી નથી એટલે બાળક તો જોઈએ જ એવું મને હતું નહીં. એટલે અમે સમજી-વિચારીને એ નિર્ણય લીધો કે અમારે બાળક નથી કરવું. આ નિર્ણય લેતી વખતે વિચારો એટલા સ્પષ્ટ હતા કે જીવનમાં ક્યારેય આ વાતનો અફસોસ નથી થયો કે મારે બાળક નથી. લગ્ન પહેલાં મારા ઘરે કૂતરાઓ હતા અને હું લગ્ન કરીને આવી ત્યારે સાસરે પણ અમારા ઘરે કૂતરાઓ હતા. આટલાં વર્ષોમાં ૯ બ્રીડ હું પાળી ચૂકી છું. અત્યારે તો એક આફ્રિકન પોપટ પણ છે અમારા ઘરે. મુંબઈમાં જ્યારે ભાડા પર રહેતાં હતાં ત્યારે મારી પાસે ડૉગ્સ નહોતા. ઘર લીધું પછી લાવેલા. મને એમ પણ છે કે બાળકો નહોતાં એટલે અમે અમારાં માતા-પિતાની સારી કાળજી લઈ શક્યાં, તેમને જરૂર હતી ત્યારે બધી જ જગ્યાએ તેમનો ટેકો બની શક્યાં. બાળકો હોત તો એ અઘરું થઈ જાત.’
મુંબઈ અને અમદાવાદ
૨૦૧૩-’૧૪માં કુંતલભાઈને આંખમાં તકલીફ ઊભી થઈ. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. એ સમયને યાદ કરતાં રૂપાબહેન કહે છે, ‘અમદાવાદ અને મુંબઈમાં આ મોટો ફરક છે. મુંબઈમાં કુંતલ હૉસ્પિટલમાં દાખલ થયો તો પાડોશીને ખબર પણ નહોતી. એ સમયે ફક્ત નીરજ વોરાએ અમારી કાળજી લીધેલી. મુંબઈ તમને ઘણું શુષ્ક બનાવી દે છે, જે ઉષ્મા જોઈએ એ મળતી નથી. અહીં મેં ખૂબ કામ કર્યું છે, પણ જેટલા સંબંધો છે એ ક્ષણભંગુર છે. વ્યક્તિઓ કામ પૂરતી સાથે હોય. અમદાવાદમાં મને ખાંસી પણ આવે તો પાડોશી અડૂસીનું પાન આપી જાય. જેમની સાથે મેં નાનકડું પણ કામ કર્યું છે તે બધા જ મારી સાથે હજી પણ કનેક્ટેડ છે. આ ભાવ જ્યારે મનમાં આવે ત્યારે મન એ જગ્યાથી ઊઠી જાય છે અને એમ વિચારીને પણ અમે નક્કી કર્યું કે અમદાવાદ પાછાં જતાં રહીએ. અમે અમારું ઘર વેચી કાઢ્યું અને અમદાવાદ જતાં રહ્યાં. જોકે પાછળથી ધર્મેશ મહેતાનો ફોન આવ્યો. તેઓ ‘માથાભારે મંજુલા’ નામની સિરિયલ બનાવી રહ્યા હતા અને ૫૦ વર્ષની ઉંમરે મને લીડ રોલ આપી રહ્યા હતા જે મારે છોડવો નહોતો. એ સમયે હું સમજી કે ઍક્ટર બધું જ છોડી શકે, તેનું કામ ન છોડી શકે. અમારી અંદર એવું કંઈ હોય છે જે અમને અમારા કામથી દૂર નથી કરી શકતું. હું ફરી મુંબઈ આવી. ભાડે રહી. અત્યારે પેઇંગ ગેસ્ટ તરીકે રહું છું. કુંતલ અમદાવાદ રહે છે. અમે બન્ને અમદાવાદ-મુંબઈ આવતાં-જતાં રહીએ છીએ. બન્ને ખુશ છીએ. કામ મને ખૂબ ખુશી આપી રહ્યું છે. બસ, હવે મનમાં એક જ વિચાર છે કે મરું તો પણ મેકઅપ સાથે. એટલે કે જીવનપર્યંત સતત કામ કરતી રહું એ જ મારી ઇચ્છા છે.’
શેનાથી ડર લાગે? : મને સિંહ-વાઘથી ડર નથી લાગતો. મને ડર લાગે છે વાંદાથી. વાંદા ઘરમાં ન આવે એટલા માટે મેં ગરોળી પાળી છે. એનાથી મને કોઈ તકલીફ નથી, પણ વાંદાથી ખૂબ છે.
શોખ : હું ખૂબ વાંચું છું. ફ્રી પડું તો ચોપડી લઈને બેસી જાઉં. બાકી મને કુકિંગનો પણ ખૂબ શોખ છે. જોકે મને જમવામાં સાદું ભોજન જ ભાવે, પણ બધી ફૅન્સી આઇટમો હું બનાવું.
પ્રથમ પ્રેમ : કામ. લોકો માટે કામ કમાણી હોય છે, કલાકાર માટે કામ તેના શ્વાસ સમાન હોય છે. કામ હોય તો જીવન ચાલે, કામ અટકે તો જીવન અટકી જાય.
જો ઍક્ટિંગ ન કરતાં હોત તો? : તો હું ગૃહિણી હોત. મને ઘરનાં બધાં જ કામ કરવાં ખૂબ ગમે. મને ઍક્ટિંગની સાથે-સાથે સફાઈનો કીડો પણ છે એટલે હું એક સારી ગૃહિણી બની શકી હોત.
અફસોસ : મને કોઈ અફસોસ તો નથી, પણ જો લિમિટેશનની વાત કરું તો પહેલાં જેટલાં નાટકો અને ટીવી સાથે થતાં હતાં એવું હવે નથી થતું. બન્નેમાંથી એક જ પસંદ કરવું પડે છે, કારણ કે ૬૪ વર્ષે મને ૮ કલાકની ઊંઘ જરૂરી થઈ પડે છે. જોકે એક રીતે લાગે કે આટલું કામ કર્યા પછી હું એ ડિઝર્વ કરું છું. નસીબદાર છું કે આજની તારીખે પણ કામ ઘણું છે. બસ, આમ જ કરતી રહું.
