નેપાલમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની રામાયણ.
રામાયણનું પોસ્ટર
‘રામાયણ’એ ઍકૅડેમી અવૉર્ડ્સ એટલે કે ઑસ્કર 2027માં પણ પોતાની હાજરી નોંધાવી છે. ફિલ્મે બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સની કૅટેગરીમાં દુનિયાભરની ૨૦ ફિલ્મોના શૉર્ટલિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.
ફિલ્મમેકરોએ રિલીઝના પહેલા જ અઠવાડિયામાં ‘રામાયણ’ને ઑસ્કર માટે મોકલી હતી. હવે રિપોર્ટ પ્રમાણે ફિલ્મે વિઝ્યુઅલ ઇફેક્ટ્સની કૅટેગરીમાં ટૉપ-૨૦ શૉર્ટલિસ્ટેડ ફિલ્મોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. જોકે આ ભારતની સત્તાવાર એન્ટ્રી નથી. ફિલ્મ ઑસ્કરના નિયમો અને તમામ શરતોનું પાલન કરતી હોવાથી ફિલ્મમેકરોએ એને અલગથી ઑસ્કર 2027 માટે મોકલી હતી.
ADVERTISEMENT
નિતેશ તિવારીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘રામાયણ’એ પાડોશી દેશ નેપાલની બૉક્સ-ઑફિસ પર ઇતિહાસ રચ્યો છે. ‘રામાયણ’ નેપાલમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે અલ્લુ અર્જુનની ઑલટાઇમ બ્લૉકબસ્ટર ‘પુષ્પા 2’ને પાછળ છોડીને આ રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.
રિપોર્ટ પ્રમાણે ‘રામાયણ’એ ત્રીજા વીકએન્ડ સુધીમાં નેપાલમાં ૧૬.૮૧ કરોડ રૂપિયા એટલે કે ૨૬.૯૦ કરોડ નેપાલી રૂપિયા કમાઈ લીધા છે. આ પહેલાં નેપાલમાં સૌથી વધુ કમાણી કરવાનો રેકૉર્ડ ‘પુષ્પા 2’ના નામે હતો. આ ફિલ્મે ત્યાં ૨૬.૪૬ કરોડ નેપાલી રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
સામાન્ય રીતે નેપાલમાં સાઉથ ઇન્ડિયન ફિલ્મોનો દબદબો જોવા મળે છે. ‘પુષ્પા’ પહેલાં ‘બાહુબલી 2’, ‘KGF ચૅપ્ટર 2’ અને ‘RRR’ જેવી ફિલ્મોએ પણ ત્યાં સારી કમાણી કરી હતી.
નેપાલનો રામાયણ સાથે સંબંધ
‘રામાયણ’ નેપાલમાં જબરદસ્ત કમાણી કરી રહી છે એની પાછળ એક ખાસ કારણ પણ છે. નેપાલનો રામાયણની કથા સાથે ઊંડો સંબંધ છે. રામાયણની કથા અનુસાર માતા સીતાનો જન્મ નેપાલના જનકપુરમાં થયો હતો. પ્રાચીન મિથિલાનગરી પર રાજા જનકનું શાસન હતું. માતા સીતાનું બાળપણ આ જ સ્થળે વીત્યું હતું અને ભગવાન રામ સાથે વિવાહ પહેલાં તેઓ અહીં જ રહેતાં હતાં. માતા સીતાને સમર્પિત પ્રસિદ્ધ જાનકી મંદિર આજે પણ નેપાલનાં મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે. આ જ કારણે નેપાલના લોકો માટે રામાયણની કથા સાથે વિશેષ ભાવનાત્મક અને ધાર્મિક જોડાણ છે.
