સવાલ માત્ર અહીં ધન-સંપત્તિ કે પ્રસિદ્ધિનો નથી, પરંતુ સમાજની-પ્રજાની માનસિકતાનો છે. લોકો કોને અને શું વધુ પસંદ કરે છે એ સમાજની માનસિકતાનું પ્રતિબિંબ પાડે છે.
એનિમલ , સેમ બહાદુર
સમાજની માનસિકતાના પતનનું તળિયું ક્યાં છે? આપણે જ શોધવું-વિચારવું રહ્યું! હાસ્ય શાહબુદ્દીન રાઠોડનું અને હાસ્ય કપિલ શર્માનુંઃ આપણી ચૉઇસ આપણી માનસિકતાનું પ્રતિબિંબ છે. એવી જ રીતે હમણાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઍનિમલ’ અને ‘સૅમ બહાદુર’માં પણ આ વાત લાગુ પડે છે. એક તરફ બીભત્સતા-હિંસાના અતિરેકની બોલબાલા અને બીજી તરફ પ્રેરણારૂપ વાસ્તવિકતાની કરુણ ગાથા. યાદ રાખજો જ્યારે પણ સમાજમાં કંઈક ખોટું થતું હોય ત્યારે આપણે બોલીએ કે ન બોલીએ, પરંતુ આપણામાં રહેલું કોઈક તત્ત્વ કે પરિબળ સતત બોલતું હોય છે કે આ ખોટું થાય છે, આ અન્યાય થાય છે, આ અનૈતિક થાય છે. આજે અમારું હૈયું પણ કકળી ઊઠ્યું એટલે આ વિચારો અને આક્રોશ બહાર આવ્યા છે. જો સચ્ચા લગે ઉસે અપના લો... જો બૂરા લગે ઉસે જાને દો...
ટીવી-ચૅનલો પર કપિલ શર્મા સર્જિત હાસ્ય કરોડોમાં વેચાય છે, ખરીદાય છે, જોવાય છે; જે ચીલાચાલુ, ગેરમાર્ગે દોરતું, ચીતરી ચડે એવું બીભત્સ (ક્યારેક-ક્યારેક), ઊતરતી કે નીચલી કક્ષાનું, તેના કાર્યક્રમમાં કામ કરતા કલાકારોનું અપમાન કરતું, તેમને વારંવાર ઉતારી પાડતું, ગંદી ભાષા અને ગંદા અર્થનું, સ્ત્રીઓની વિશેષ ગંદી મજાક કરતું, સ્ત્રીની ગરિમાને નીચે લઈ જતું લાગે છે, છતાં કપિલ શર્મા આજે કરોડો રૂપિયા કમાય છે. દેશ-વિદેશમાં નામ કમાય છે. તેના કલાકારો કરોડો રૂપિયા કમાય છે. તેની ચૅનલ્સ કરોડોની આવક મેળવે છે. કંપનીઓ સહિત વિવિધ સેલિબ્રિટીઝ એમાં હાજર રહીને ફિલ્મોનાં પ્રમોશન અને જાહેરાત કરે છે, કારણ કે ટીવી પર એ કરોડોમાં ટીઆરપી કમાય છે. કપિલ શર્માની મંડળીએ સાત પેઢી ચાલે એટલું ધન ગણતરીનાં વર્ષોમાં ભેગું કરી લીધું છે છતાં એને વધુ ને વધુ સંપત્તિ-પ્રસિદ્ધિ મળતાં જાય છે. આને શું સમજવું?
ADVERTISEMENT
બીજી બાજુ આપણા સૌના લાડીલા શાહબુદીનભાઈ રાઠોડનું હાસ્ય કપિલના જન્મ પહેલાંથી ચાલી રહ્યું છે. તેમનો મંચ, તેમના દ્વારા સર્જાતું હાસ્ય એકલાનું મંચ છે, કોઈ મોટો સપોર્ટ કે ટેકો નથી. તેમના કાર્યક્રમનું હાસ્ય શુદ્ધ-સાત્ત્વિક છે, એમાં કોઈનું અપમાન નથી, કોઈ ગંદકી કે બીભત્સતા નથી, કોઈને ઉતારી પડાતા નથી, પરિવાર સાથે બેસીને જોઈ શકાય છે. એમાંથી કંઈક સારું પામી શકાય છે, કારણ કે આ હાસ્ય સાથે જીવનની ફિલસૂફી, માનવતા, ગુણવત્તાના ઊંચા સ્તર, સંસ્કાર, હૃદયસ્પર્શી વાતો-બોધ-સંદેશ સમાઈ જાય છે. ખડખડાટ હસાવતા શાહબુદીનભાઈ દાયકાઓથી એ ઉચ્ચ સ્તરને જાળવીને એકલા હાથે આ વિનોદને પોતે ફરી-ફરીને લોકો સુધી પહોંચાડતા રહ્યા છે છતાં ગુજરાતી સમાજ સુધ્ધાં તેમની જોઈએ એવી કદર કરી શક્યો નથી. તેમને સાંભળીને અનેક લોકોનાં જીવન પરિવર્તિત થયાં હશે, તેમની એકની એક વાત કે વાર્તા પણ વારંવાર સાંભળવી ગમે એવા મિજાજની હોય છે. તેમનું સાત્ત્વિક તત્ત્વ સતત એકધારું જળવાયેલું રહ્યું છે. તેમની કક્ષા કે સ્તર ક્યારેય નીચાં ઊતર્યાં નથી.
સવાલ માત્ર અહીં ધન-સંપત્તિ કે પ્રસિદ્ધિનો નથી, પરંતુ સમાજની-પ્રજાની માનસિકતાનો છે. લોકો કોને અને શું વધુ પસંદ કરે છે એ સમાજની માનસિકતાનું પ્રતિબિંબ પાડે છે. શાહબુદીનભાઈ ઉપરાંત આપણા સમાજમાં અનેકવિધ હાસ્ય કલાકારો આવતા રહ્યા છે, લોકોને સાત્ત્વિક અને શુદ્ધ-નિર્મળ હાસ્ય આપતા રહ્યા છે છતાં સમાજ, હા, ગુજરાતી સમાજ તરફથી તેમને મળવી જોઈએ એટલી કદર મળતી નથી. આ આપણી ગુજરાતી સમાજની કમનસીબી કે કરુણતા કહેવાય.
ફિલ્મોની દશા પણ આવી જ
આ જ વાતને જરા ફિલ્મો તરફ લઈ જઈએ તો હાલમાં આપણા દેશના એક સમયના ફીલ્ડ માર્શલ ‘સૅમ બહાદુર’ જેવા રિયલ લાઇફ હીરોના જીવન પર ફિલ્મ બની છે, જેમણે આપણા દેશને યુદ્ધ જિતાડ્યાં, દેશની શાન કાયમ માટે ઊંચી રહે એવાં પરાક્રમ કર્યાં, કોઈની પણ શેહ વિના જવાનોના હોંસલા બુલંદ બનાવ્યા. રાષ્ટ્રપ્રેમને અને રાષ્ટ્રની ગરિમાને જ સર્વોપરી રાખનાર એ વાસ્તવિક પાત્ર અને કથા આધારિત ફિલ્મ જોવામાં બહુ ઓછા લોકોને રસ પડ્યો છે. નવી પેઢી જેમના વિશે જાણી-સમજીને પ્રેરણા મેળવી શકે એ સૅમ બહાદુર માણેકશોના જીવન આધારિત ફિલ્મને મળવી જોઈએ એટલી સફળતા મળી નથી. જ્યારે એની સામે સાવ જ અર્થહીન ફિલ્મ ‘ઍનિમલ’ પ્રથમ દિવસથી કરોડો રૂપિયાનાં કલેક્શન મેળવી રહી છે. અહીં પણ સવાલ માત્ર પૈસાનો નથી, લોકોની માનસિકતાનો છે. ‘ઍનિમલ’ ફિલ્મમાં કેવળ હિંસા અને ક્રૂરતાની સીમા વટાવતી કથા જ છે, એમાંથી નવી પેઢી શું શીખશે એવા બુનિયાદી સવાલ ઊભા થતા હોવા છતાં લોકો ‘ઍનિમલ’ જોવા હોંશે-હોંશે પહોંચી જાય છે. કરુણતાની પરાકાષ્ઠા એ પણ ખરી કે યુવા અને ટીનેજ વર્ગ જ વધુ જાય છે. આપણી નવી પેઢી આવી ફિલ્મોમાંથી શું પામતી હશે કે શું પામે છે એ વિશે સર્વેક્ષણ કરવાની જરૂર છે. સમાજના હિતમાં આ સર્વેક્ષણ સરકાર કે નિષ્પક્ષ-સ્વતંત્ર-સ્વાયત્ત એજન્સી દ્વારા થવો જોઈએ અને એનો અહેવાલ લોકો સમક્ષ મુકાવો જોઈએ. સમાજમાં હજી પણ ઘણા સમજુ-વિવેકી-જાગ્રત યુવાનો છે. જૂની પેઢીમાં પણ એવો સમજદાર વર્ગ છે, પરંતુ સમાજના વિશાળ ગાડરિયા પ્રવાહ સામે તેઓ ઓછા-ટૂંકા પડી જાય છે અને મોટા ભાગે મૌન યા શાંત રહે છે.
હિંસા-ક્રૂરતાનો અતિરેક
વાત માત્ર ‘ઍનિમલ’ ફિલ્મની જ નથી, આ પહેલાં ‘જવાન’ કે ‘પઠાન’ સહિતની ઘણી ફિલ્મો અને ‘ગૅન્ગ ઑફ વાસેપુર’ જેવી અનેક સિરીઝ આવીને કરોડોની કમાણીના રેકૉર્ડ સ્થાપી ગઈ. આવું પ્રથમ વાર બન્યું નથી, હવે ફિલ્મોમાં હિંસા-ક્રૂરતા-સેક્સ-નગ્નતા અને ગાળનો અતિરેક થઈ રહ્યો છે. સેન્સરશિપ બોર્ડ સામે બહુ બધા સવાલ થઈ શકે છે. ઓટીટી પ્લૅટફૉર્મ તો બેકાબૂ અને બેફામ છે. આ બધાં દૃશ્યો લોકોના ઘર-ઘરમાં પણ સર્જાવાથી બહુ દૂર નથી. કરુણતા તો જુઓ, આવાં ગંદાં-નેગેટિવ કામ પણ હવે હીરો-હિરોઇનોને કરતાં બતાવવામાં આવે છે, જેમને નવી પેઢી-યુવા વર્ગ પોતાના મૉડલ માને છે. જોકે પૈસા માટે આ કથિત હીરો-હિરોઇન કંઈ પણ કરવા તૈયાર હોય છે. તેમને પૈસા તો મળે જ છે, નામના પણ મળે છે. પૉપ્યુલરિટી મળે છે, જેને લીધે પાછાં વધુ કામ અને ધન-સંપત્તિ મળતાં રહે છે. ઉપરથી કરોડો કમાતા હીરો-સુપર સ્ટાર્સ ગુટકા જેવી જાહેરખબરો પણ કરતા રહે છે. આ કહેવાતા હીરો અને સમાજના પતનની બૉટમ ક્યાં હશે?
જો તમને આ વિષય વિચારવા જેવો લાગ્યો હોય તો એને વધુ વિચારો, તમે સહમત હો તો વધુ લોકો સુધી પહોંચાડો. તમારાં સંતાનો, તમારી પેઢીને પણ જગાડો-સમજાવો, તમને કેવો સમાજ જોઈએ છે? એ તમે જ નક્કી કરી શકો છો... યસ, વી કૅન...


