Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બીજું બધું બરાબર, દિવાળી તો વેરાબર

બીજું બધું બરાબર, દિવાળી તો વેરાબર

Published : 07 November, 2021 07:39 AM | IST | Gujarat
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ભારતમાં રહેતા પરિવારો જ નહીં, વિદેશમાં રહેતા પરિવારો પણ દર વર્ષે અહીં આવે છે. આ ત્રણ દિવસ સવારની ચાથી લઈને રાતના ડિનર સુધીનું બધું જ આ પરિવાર સાથે માણે છે

કુબેરેશ્વર મહાદેવજીના મંદિરમાં યોજાયેલો પાટોત્સવ.

કુબેરેશ્વર મહાદેવજીના મંદિરમાં યોજાયેલો પાટોત્સવ.


ઇડર પાસેનું વેરાબર ગામ આમ બહુ નાનું છે, પણ આ ગામના બ્રહ્મ સમાજના ૧૨૫ પરિવાર છેલ્લાં ૧૦ વર્ષથી દિવાળી સાથે જ ઊજવે છે. ભારતમાં રહેતા પરિવારો જ નહીં, વિદેશમાં રહેતા પરિવારો પણ દર વર્ષે અહીં આવે છે. આ ત્રણ દિવસ સવારની ચાથી લઈને રાતના ડિનર સુધીનું બધું જ આ પરિવાર સાથે માણે છે

હવે દિવાળીની છુટ્ટી માણવા માટે રિસૉર્ટમાં કે ફરવાનાં સ્થળોએ નીકળી પડવાનો શિરસ્તો શરૂ થઈ ગયો છે, પણ ગુજરાતનું એક ગામ છે જ્યાં સવળી ગંગા વહે છે. લોકો પોતાના વતન ભણી કદમ માંડી રહ્યા છે. આમ તો ગામના મોટા ભાગના લોકો દેશ-વિદેશમાં ધંધાર્થે સ્થાયી થઈ ગયા છે, પણ દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ તો જ્યાં હોય ત્યાંથી અહીં આવીને એટલે કે ગામમાં આવીને જ મનાવે છે. એક તરફ સાબરમતી નદીનાં ખળખળ વહેતાં નીર અને બીજી તરફ અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે પ્રકૃતિની ગોદમાં આવેલા વેરાબર ગામની અહીં વાત થઈ રહી છે. 
સંબંધો ગાઢ બને, નવી પેઢી ગામ અને જ્ઞાતિ તથા મૂળિયાં સાથે જોડાયેલી રહે એવા આશયથી લગભગ ૧૨૫ જેટલા પરિવારો છેલ્લાં ૧૦ વર્ષથી આ પરંપરા જાળવે છે અને એ માટે લોકો ગુજરાતનાં શહેરો, મુંબઈથી જ નહીં, સ્વિટ્ઝરલૅન્ડથી પણ આવે છે. 
ગુજરાતના ઇડરમાં, ઇડરિયા ગઢની પાછળની બાજુએ ગામથી થોડે દૂર ચારે તરફ પહાડની ગોદમાં વસેલા નાનકડા વેરાબર ગામમાં વેરાબર યુવા બ્રહ્મ પરિવાર દ્વારા છેલ્લાં ૧૦ વર્ષથી ‘વતનનો સાદ’ નામનો કાર્યક્રમ થાય છે. વેરાબર ગામે નવા વર્ષની ઉજવણી કરનાર મુંબઈના બોરીવલીમાં રહેતા અજય ઉપાધ્યાય ઉત્સાહપૂર્વક કહે છે, ‘તમે માનશો નહીં, પણ અમે પરિવાર સાથે અમારા ગામમાં આવવાનું શરૂ કર્યું ત્યારથી છોકરાઓને આ ગામ ગમી ગયું છે અને કહે છે કે દિવાળીમાં ગામડે જ જવાનું, બીજે ક્યાંય ફરવા નહીં જવાનું, કેમ કે ચારે તરફ પહાડોની વચ્ચે અમારું ગામ આવેલું છે. ગામને સરાઉન્ડિંગ એવું નૅચરલ વાતાવરણ છે જે સૌને આકર્ષે છે. હવે તો અમે સ્લોગન પણ આપ્યું છે, ‘બીજું બધું બરાબર, દિવાળી તો વેરાબર’. પુષ્કળ મજા નવા વર્ષના ત્રણ દિવસ દરમ્યાન આવે છે.’ 
વિચાર ક્યાંથી આવ્યો?
ગામડે બધા ભેગા મળીને દિવાળી પર્વને ઊજવવાનું અને ગામથી દૂર રહેતી ફૅમિલી એકબીજાની નજીક આવે એનો વિચાર કેવી રીતે આવ્યો અને કેવી રીતે શરૂઆત થઈ એની વાત કરતાં ત્રિલોક પંડ્યા કહે છે, ‘અમારા ગામથી ધંધા-રોજગાર માટે ઘણા બધા પરિવાર શહેરમાં કે પછી વિદેશ ગયા છે. ૨૦૧૨માં અમે કેટલાક મિત્રો એકઠા થયા હતા અને થયું કે ૨૦-૨૫ વર્ષથી કોઈ મળી શક્યું નથી, નવી પેઢી ગામમાં આવતી નથી. તો બધા એકસાથે મળે એવું કંઈક આયોજન કરીએ જેથી નવી પેઢી પણ અહીં આવે, એકબીજા સાથે પરિચય કેળવે. અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે અમારું ગામ આવેલું છે. ગામથી થોડે દૂર સાબરમતી નદી વહે છે. આવા કુદરતી વાતાવરણ વચ્ચે ‘વતનનો સાદ’ સ્લોગન સાથે નવા વર્ષમાં ત્રણ દિવસ દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ સાથે મળીને ઊજવવાનું નક્કી કર્યું. છેલ્લાં ૧૦ વર્ષથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. જોકે ગયા વર્ષે કોરોનાને કારણે અમે આ કાર્યક્રમ યોજ્યો નહોતો. ગામમાં બ્રાહ્મણ સમાજની વાડી છે. ભગવાન કુબેરેશ્વર મહાદેવનું મંદિર છે અને મંદિરની બાજુમાં તળાવ છે. ગામમાં બધા જ પરિવારનાં ઘર છે એટલે રહેવાની ચિંતા નહીં અને સવારે ચા-નાસ્તાથી લઈને બપોરનું જમવાનું, સાંજનું જમવાનું બધું જ વાડીમાં એકસાથે થાય, સૌ સાથે બેસીને જમે, ચા-નાસ્તો કરે એટલે ઘરે કોઈને રસોઈ બનાવવાની ચિંતા નહીં. દિવાળીના દિવસે મહાદેવના મંદિરમાં સમૂહઆરતી થાય છે. બેસતા વર્ષના દિવસે સૌ એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવે, એકબીજાને મળે છે અને રાતે ગરબા યોજાય છે અને ભાઈબીજના દિવસે મહાદેવજીનો પાટોત્સવ ઊજવીએ છીએ. આ ઉપરાંત વડીલોનું સન્માન કરીએ, હાઉઝી સહિતના કાર્યક્રમો યોજીએ છીએ અને સૌ એમાં ભાગ લે છે.’
ત્રણ પેઢીનું મિલન
શરૂઆત કરી ત્યારે અમે ૧૧ સભ્યોએ ૧૧-૧૧ હજાર રૂપિયા કાઢ્યા હતા અને આ સ્નેહ મિલનની શરૂઆત કરી હતી. હવે સમાજના લોકો યથાશક્તિ સ્વૈચ્છિક ફાળો આપે છે અને એ રીતે ખર્ચ નીકળે છે એમ જણાવતાં ત્રિલોક પંડ્યા કહે છે, ‘ગામમાં બ્રહ્મ સમાજના આશરે ૧૫૦ જેટલાં ઘર છે. જોકે મોટા ભાગના બહારગામ કે વિદેશમાં વસે છે, પણ દિવાળીના દિવસોમાં બધા ભેગા થાય છે અને ગામડે આ દિવસોમાં ત્રણ પેઢીનું મિલન થાય છે. આ અમારું દસમું વર્ષ છે. આ વર્ષે મુંબઈ, અમદાવાદ, હૈદરાબાદ, વડોદરા, સુરત, વાપી, મહેસાણા, ગાંધીનગર, હિંમતનગર સહિતનાં શહેરોમાં રહેતા ગામના ૧૨૫ જેટલા બ્રહ્મ સમાજના પરિવાર આવ્યા છે. લગભગ ૬૦૦ જેટલી વ્યક્તિઓ આ વર્ષે એકઠી થઈ છે. ફૉરેનમાં રહેતા પરિવાર પણ ભાગ લેવા અહીં આવે છે. અહીં બધા એકબીજાને મળે છે જેથી સંબંધ ગાઢ બને. કેટલાક પરિવાર એકબીજાના પરિચયમાં આવતાં લગ્નો પણ યોજાય છે અને એકબીજા સાથે સુમેળ સધાય છે. ‘વતનનો સાદ’ નામે એક પુસ્તક પણ અમે બહાર પાડ્યું છે જેમાં ૧૪ સંસ્કારોની વિધિ સાથે રીતરિવાજોને આવરી લેવાયાં છે.’ 
મુંબઈથી ૧૬ પરિવાર
મૂળ આ ગામના વતની અને ધંધા-રોજગાર અર્થે મુંબઈ આવીને વસેલા વેરાબર ગામના ૧૬ પરિવારો મુંબઈથી ગામમાં દિવાળીનું સેલિબ્રેશન કરવા આવ્યા છે એની વાત કરતાં બોરીવલીના અજય ઉપાધ્યાય કહે છે, ‘દહિસરથી બાંદરા સુધીના વિસ્તારોમાં અને મુલુંડ તરફના વિસ્તારોમાં અમારા ગામના બ્રહ્મ સમાજના પરિવાર રહે છે. આ વર્ષે આ બધા વિસ્તારોમાં રહેતા ૧૬ પરિવાર ગામ આવ્યા છે. હું એવરી યર મારા પરિવાર સાથે દિવાળીના સેલિબ્રેશન માટે મારા ગામમાં આવું છું. જોકે ગયા વર્ષે કોરોનાને કારણે અમે જઈ શક્યા નહોતા. મારા દીકરા જિગરને અહીં ગામમાં આવવાનું બહુ ગમે છે. બધા ગામ આવતા થયા હોવાથી લગભગ ૫૦ જેટલા યંગસ્ટર્સનું એક ગ્રુપ પણ બન્યું છે. ગામની આસપાસ પહાડ છે, થોડે દૂર નદી છે એટલે આ બધું છોકરાઓને આકર્ષે છે. ગામ પાસે આવેલા દેવળિયા ડુંગર પર છોકરાઓ જાય છે અને બધા ફુલ એન્જૉય કરે છે. લેડીઝ વર્ગ ગામમાં આવવા તૈયાર હોય છે. ગામમાં તમારું ઘર હોય એટલે એ ખોલીને સાફસફાઈ કરીને રહેવાનું, બાકી રસોઈમાંથી આ ત્રણ દિવસ મુક્તિ મળે એ લેડીઝ માટે મોટી વાત છે. આ ત્રણ દિવસ ઘરમાં કંઈ કરવાનું નહીં એટલે મહિલાઓ અને દીકરીઓને મજા પડી જાય છે.’ 
દિવાળીમાં યોજાતા સેલિબ્રેશનમાં ગામડે આવવાના હેતુ વિશે અજય ઉપાધ્યાય કહે છે, ‘આ દિવસોમાં ફૅમિલી સાથે ગામ આવવાનો અમારો આશય એ છે કે બધા એકબીજાને ઓળખે. ગામના સમાજની અન્ય ફૅમિલીઓ સાથે મળવાનું થાય, નવી પેઢી એકબીજાને ઓળખે, જાણે, કોનું શું રિલેશન થાય એ સમજે અને સૌ સાથે મળીને દિવાળી ઊજવે છે એટલે અમને એ ગમતું હોવાથી અમે ગામડે આ દિવસોમાં અચૂક આવીએ છીએ. મારા પિતાજી યશવંતલાલજીએ અહીં આવવા અમને મોટિવેટ કર્યા હતા. હવે અમે યંગ જનરેશનને મોટિવેટ કરીએ છીએ, જેથી એકબીજાને તેઓ જાણે.’ 
આ વખતે ન આવી શકાયું એનો રંજ છે
વેરાબર ગામના અને અગાઉ અંધેરીમાં રહેતા તથા હવે સ્વિટ્ઝરલૅન્ડમાં રહેતા હિમાંશુ ત્રિવેદી કહે છે, ‘આમ તો અમે દિવાળી સેલિબ્રેશન કરવા ગામડે જઈએ છીએ, પણ આ વખતે ગામડે આવી શક્યા નથી. જોકે અમે એટલા માટે દિવાળીની ઉજવણીમાં ગામમાં જઈએ છીએ જેથી દિવાળીનું પર્વ આપણા ઘરે કરી શકીએ. બીજું એ કે ગામના જૂના મિત્રો, પાડોશીઓ, સમાજના વ્યક્તિઓને એકસાથે મળી શકાય છે. યંગ જનરેશન પણ એકબીજાથી પરિચિત થાય. દિવાળીના દિવસોમાં ગામડે જઈએ તો મજા આવે છે. ઘર ખોલીને સાફસફાઈ કરીને આરામ કરવાનો, બાકી રસોઈની કોઇ ચિંતા નહીં. ચા-નાસ્તો અને જમવાની વ્યવસ્થા સમાજ દ્વારા થાય અને સૌ સાથે મળીને ઉજવણી કરવાની હોય. ગરબા રમવાના, અંતાક્ષરી રમવાની, હાઉઝી રમવાની, ફૂડમાં પણ વેરિએશન રાખે એટલે બધાને મજા પડી જાય.’ 

યંગસ્ટર્સમાં દિવળિયા ડુંગરનું આકર્ષણ 
વેરાબર ગામમાં આવતા યંગસ્ટર્સમાં ગામ નજીક આવેલા દિવળિયા ડુંગરનું વિશેષ આકર્ષણ છે, માત્ર યંગસ્ટર્સમાં જ નહીં, મોટેરાઓમાં પણ આ ડુંગરનું મહત્ત્વ અને આકર્ષણ રહેલું છે. આ ડુંગર પર આજે પણ દિવાળીના દિવસે દીવો પ્રગટાવવાની પરંપરા જળવાતી આવી છે. દિવાળીના દિવસે દિવળિયા ડુંગર પર મેરાયું પ્રગટાવવાની પ્રથા છે. ડુંગર પરથી દીવાનો પ્રકાશ ચોતરફ પથરાય અને એનો નજારો અદ્ભુત હોય છે. આ વર્ષે પણ ડુંગર પર મેરાયું પ્રગટાવ્યું હતું. દેશ-વિદેશમાં રહેતા યંગસ્ટર્સ આ દૃશ્ય જોઈને અચંબિત થઈ જાય છે. ત્રણ દિવસ દરમ્યાન ગામમાં આવેલા યંગસ્ટર્સ ડુંગરાઓ ખૂંદતા રહે છે અને ટ્રેકિંગની મજા પણ માણે છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2021 07:39 AM IST | Gujarat | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK