સેલ્ફી, વિડિયોઝ અને રીલ્સ માટે ગમે તે હદ વટાવીને જીવ જોખમમાં મૂકતા લોકોને અટકવાની ભલામણ સાથે પોતાના અનુભવો શૅર કરતાં ટ્રાવેલ-ઇન્ફ્લુઅન્સરે બીજી કઈ-કઈ વાત ‘મિડ-ડે’ સાથે કરી એ જાણવું જરૂરી છે
પ્રતીકાત્મક તસવીર
૨૭ વર્ષની સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર આન્વી કામદારના ટ્રેકિંગ દરમ્યાન થયેલા આકસ્મિક મૃત્યુએ ચકચાર મચાવી છે. રાયગડ જિલ્લાના માણગાવ તાલુકાના કુંભે વૉટરફૉલ પર ગયેલી આન્વી રીલ બનાવતી વખતે ખીણમાં નહોતી પડી એવું તેના પરિવારજનોએ કહ્યું છે, પણ આ ઘટના પછી વ્યુઝ અને લાઇક્સ માટે રીલ-સ્ટાર્સ કઈ હદે જાય છે એની ચર્ચા ફરી ઊપડી છે. છેલ્લા થોડાક અરસામાં બનેલી કેટલીક ઘટનાઓ અને કેટલાક સર્વે રિપોર્ટ પણ ક્યાંક આ વાતને સાચી ઠેરવી રહ્યા છે. જેમ કે ઉત્તરાખંડમાં છેલ્લાં બે વર્ષમાં રેલવે ટ્રૅક પર થયેલા અકસ્માતમાં ૬૩ ટકાનો વધારો થયો છે, જેની પાછળ ફોટો અને વિડિયો બનાવવાનો ક્રેઝ જવાબદાર છે એવો દાવો ઉત્તરાખંડની ગવર્નમેન્ટ રેલવે પોલીસે પોતાની પાસે રહેલા ડેટાના આધારે કર્યો છે.