Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દોરાબજી તાતાએ શરૂ કરેલી સંસ્થા એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી

દોરાબજી તાતાએ શરૂ કરેલી સંસ્થા એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી

Published : 18 January, 2025 08:12 AM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

૧૯૨૪માં પહેલી વાર ભજવાયેલા નાટક ‘માલવપતિ મુંજ’નું આ ગીત લખતી વખતે પ્રભુલાલ દ્વિવેદીની આંખ સામે તો નાટકનાં પાત્રો જ હશે. બહુ-બહુ તો વ્યક્તિઓ હશે

વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા નવા કૅમ્પસનું ઉદ્ઘાટન

ચલ મન મુંબઈનગરી

વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ દ્વારા નવા કૅમ્પસનું ઉદ્ઘાટન


એકસરખા દિવસ સુખના


કોઈના જાતા નથી,



એથી જ શાણા સાહ્યબીથી


લેશ ફુલાતા નથી

૧૯૨૪માં પહેલી વાર ભજવાયેલા નાટક ‘માલવપતિ મુંજ’નું આ ગીત લખતી વખતે પ્રભુલાલ દ્વિવેદીની આંખ સામે તો નાટકનાં પાત્રો જ હશે. બહુ-બહુ તો વ્યક્તિઓ હશે, પણ સંસ્થાઓ તો નહીં જ હોય. પણ આ ગીત જેટલું વ્યક્તિના નસીબ માટે બંધબેસતું છે એટલું જ એ સંસ્થાઓની ચડતીપડતી માટે પણ બંધબેસતું છે. તાતા ખાનદાનના એક નબીરા દોરાબજી તાતાએ શરૂ કરેલી એક સંસ્થાના કરમની કઠણાઈ જ જુઓને!


મેહેરબાઈ અને દોરાબજી તાતા

એક અમેરિકન પાદરી, નામે ક્લિફર્ડ મન્સહર્ટ (૧૮૯૭-૧૯૮૯) ૧૯૨૫માં મુંબઈ આવ્યા અને નાગપાડા વિસ્તારમાં સામાજિક કાર્ય (સોશ્યલ વર્ક) કરવા લાગ્યા. એ વખતના મુંબઈમાં વારંવાર કોમી રમખાણો થતાં. એ વખતે નાગપાડામાં બન્ને કોમોની સારી એવી વસ્તી. આ પાદરીએ રમખાણોનો અભ્યાસ કરીને બે કોમ વચ્ચેનું અંતર ઘટાડવાના હેતુથી ‘નાગપાડા નેબરહુડ હાઉસ’ નામની સંસ્થાની શરૂઆત કરી. આ સંસ્થાની કામગીરી દરમ્યાન તેઓ દોરાબજી તાતાના પરિચયમાં આવ્યા અને વખત જતાં બન્ને મિત્રો બન્યા. તેમણે દોરાબજીને કહ્યું કે સોશ્યલ વર્કની વ્યવસ્થિત તાલીમ આપનારી એક પણ સંસ્થા હિન્દુસ્તાનમાં નથી, તો તમારે એવી એક સંસ્થા શરૂ કરવી જોઈએ. અને તેમની પ્રેરણાથી ૧૯૩૬માં નાગપાડામાં જ શરૂ થઈ દોરાબજી તાતા ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑફ સોશ્યલ વર્ક. એ વખતે હિન્દુસ્તાનમાં જ નહીં, આખા દક્ષિણ એશિયામાં, આ પ્રકારની આ પહેલવહેલી સંસ્થા હતી. નાગપાડાના એક નાનકડા મકાનમાં શરૂ થયેલી આ સંસ્થાએ વખત જતાં એવું તો કાઠું કાઢ્યું કે એની ગણના આખી દુનિયાની આ પ્રકારની સંસ્થાઓમાં એક અગ્રણી સંસ્થા તરીકે થવા લાગી. પાદરી મન્સહર્ટ એના પહેલા ડિરેક્ટર હતા અને ૧૯૪૧ સુધી તેઓ એ હોદ્દા પર રહ્યા.

મુંબઈમાં જે સામાજિક કાર્ય કર્યું એના આધારે મન્સહર્ટે દસ જેટલાં પુસ્તકો લખ્યાં. એમાંનાં કેટલાંક :

Hindu-Muslim problem in India, Bombay Looks Ahead, Pioneering on Social Frontiers in India, Freedom without violence, India’s struggle for independence, The Nagpada Neighbourhood House in action, The Child In India. આમાંનાં કેટલાંક પુસ્તકો હજી આજેય છપાય છે અને વેચાય છે. જો વંચાતાં ન હોય તો આમ બનવું મુશ્કેલ.

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસની જ્યાં શરૂઆત થઈ

મન્સહર્ટે પોતાની સંસ્થામાં Bombay : Today and Tomorrow વિષય પર એક વ્યાખ્યાન માળા યોજી હતી અને પછી એમાં રજૂ થયેલાં વક્તવ્યોનું સંપાદન પણ એ જ નામે પુસ્તક રૂપે પ્રગટ કર્યું હતું. ૧૯૩૦મા ધ નાગપાડા નેબરહુડ હાઉસ દ્વારા પ્રગટ થયેલા આ પુસ્તકમાં કુલ આઠ પ્રવચનો સંઘરાયાં છે. એમાંનું એક મન્સહર્ટનું પોતાનું છે. એમાં તેમણે જે કહ્યું છે એ ત્યારના મુંબઈ માટે જેટલું સાચું હતું એટલું જ આજના – અને કદાચ આવતી કાલના પણ – મુંબઈ માટે સાચું છે. એટલે જરા ચાતરીને પણ તેમના મુંબઈ વિશેના વિચારો જોઈએ : આજે મુંબઈને સૌથી વધુ જરૂર છે એ દૃષ્ટિવાન માણસોની. આજનું મુંબઈ એ ઘણે અંશે ઔદ્યોગિક સંસ્કૃતિનું ફરજંદ છે. હું જ્યાં રહેતો હતો એ શિકાગો શહેરમાં ઊંચાં-ઊંચાં ‘સ્કાયસ્ક્રેપર’ બંધાય છે. એમાં મકાન જેટલું ઊંચું બાંધવાનું હોય એટલો જ ઊંડો એનો પાયો નાખવો પડે. પાયો પૂરતો ઊંડો અને મજબૂત હોય તો જ એના પર ગગનચુંબી ઇમારત ઊભી રહી શકે. આજે આપણે જે મુંબઈ શહેર જોઈએ છીએ એ પહેલી નજરે જોતાં તો સારી રીતે બંધાયેલું હોય એવું લાગે છે. પણ એ જોઈને કોઈના પણ મનમાં સવાલ ઊઠ્યા વગર રહે નહીં : ‘આ શહેરનો પાયો પૂરતો ઊંડો અને મજબૂત છે ખરો?’ ભૌતિક સુખનાં જે સાધન-સગવડ આપણી પાસે છે એનો ભાર ઝીલી શકે એવો મજબૂત આધ્યાત્મિક – ધાર્મિક નહીં – પાયો આ શહેરનો છે ખરો? અને અધ્યાત્મનું ખરું કામ શું છે? ચાલતાં-ચાલતાં માણસ લપસી ન પડે એટલા માટે પાણીનો નળ બંધ કરવાનું તેનું કામ છે? ના. પણ લપસી પડેલા માણસ સામે હાથ લંબાવીને તેને ઊભો કરવાનું છે. અને પછી પોતું મારીને જમીન સાફ કરવાનું છે. આજે મુંબઈને સૌથી વધુ જરૂર હોય તો એ છે સામાજિક દૃષ્ટિ ધરાવતા આવા આગેવાનોની. જરૂર છે એવા ઔદ્યોગિક આગેવાનોની જે લોકોની સુખાકારી માટે પોતાનો નફો જતો કરવા તૈયાર હોય. નફો ખરાબ છે કે ન કરવો જોઈએ એમ નહીં, પણ બીજા માણસને ભોગે કરેલો નફો એ નફો નહીં, શોષણ છે. દરેક ઉદ્યોગપતિએ શું વિચારવું જોઈએ? આનાથી મને કેટલો લાભ થશે એ નહીં, પણ આનાથી સમાજને કેટલો લાભ થશે. અને એ રીતે વિચારનારને યોગ્ય નફો મળી જ રહેશે.  

તાતા જૂથની ઘણી સંસ્થાઓ આવી ભાવના સાથે શરૂ થયેલી. એમાંની એક તે દોરાબજી તાતા ગ્રૅજ્યુએટ સ્કૂલ ઑફ સોશ્યલ વર્ક. એ જ્યારે શરૂ થઈ ત્યારે પહેલા વર્ષે માત્ર ૨૦ વિદ્યાર્થીને પ્રવેશ આપવાની જોગવાઈ કરી હતી, પણ જ્યારે પ્રવેશ માટે અરજી મગાવાઈ ત્યારે ૪૦૦ જેટલી અરજી આવી હતી. આવી કોઈ સંસ્થાની એ વખતે તાતી જરૂર ન હોય તો આમ બને નહીં. સ્થાપના પછીનાં વર્ષોમાં આ સંસ્થાનો ઝડપભેર વિકાસ થયો. ૧૯૪૪માં એનું નામ બદલીને તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસ રાખવામાં આવ્યું. દેશના ભાગલા પછી લાખો નિરાશ્રિતો દેશમાં આવ્યા ત્યારે પોતાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંસ્થાએ રેફ્યુજી કૅમ્પમાં મદદ કરવા મોકલ્યા. કુદરતી કે બીજી આફતો વખતે રાહતકાર્યમાં જોડાવાનું હજી આજેય ચાલુ રહ્યું છે. ૧૯૫૪માં સંસ્થાનું નવું કૅમ્પસ દેવનાર ખાતે બંધાયું અને સંસ્થા ત્યાં ખસેડાઈ. આ નવા કૅમ્પસનું ઉદ્ઘાટન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના હાથે થયું હતું.

ક્લિફર્ડ મન્સહર્ટ (૧૮૯૭-૧૯૮૯)

૧૯૬૪માં એક મોટું પરિવર્તન આવ્યું. ભારત સરકારે આ સંસ્થાને ‘deemed university’ તરીકે માન્યતા આપી. નવા વિષયો વિશેના અભ્યાસક્રમ શરૂ થયા. સંસ્થાની નામના દેશની બહાર પણ ફેલાઈ પણ કવિ કલાપીએ ગાયું છેને કે ‘જે પોષતું તે મારતું, એવો દીસે ક્રમ કુદરતી.’ વર્ષો વીતતાં ગયાં એમ સરકારી દખલગીરી વધતી ગઈ. સંસ્થાને ધબકતી રાખવા માટે જરૂરી ફન્ડ સરકાર તરફથી મળવામાં અવરોધો ઊભા થતા ગયા. અને પછી છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો નાની-નાની બાબતોમાં પણ સરકાર નારાજ થવા લાગી : ‘અલાણાને ભાષણ કરવા કેમ બોલાવ્યો? ફલાણો શિક્ષક વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શનમાં કેમ જોડાયો? મહેમાન વક્તાએ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરતી વખતે સરકારની ટીકા કેમ કરી?’ વગેરે. અને પછી છેવટનું શસ્ત્ર ઉગામવાનું શરૂ કર્યું : અનુદાન નહીં મળે, પૈસા નહીં મળે. એક વાર તો એકસો કરતાં વધુ શિક્ષકોને સંસ્થાએ નોટિસ આપવી પડી કે એક વર્ષ પછી તમને છૂટા કરવામાં આવશે, કારણ કે તમારો પગાર ચુકવાય એટલાં નાણાં નથી. એ વિશે ઘણી હોહા થઈ, ચર્ચા થઈ. સરકાર તો ન ઝૂકી, પણ તાતા એજ્યુકેશન ટ્રસ્ટે મદદનો હાથ લંબાવ્યો અને પાંચ કરોડ રૂપિયા આપ્યા. પરિણામે ૨૦૨૬ના માર્ચના અંત સુધી એ શિક્ષકોની નોકરી ચાલુ રહેશે.

હા, આવા બીજા અનેક અવરોધોનો સામનો કરીને પણ આ સંસ્થાના મોટા ભાગના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ‘આસન સે મત ડોલ’ એ શીખ યાદ રાખીને પોતાનું જે કાંઈ સારામાં સારું હોય એ સંસ્થાને આપી રહ્યા છે અને એટલે જ હજી સંસ્થાની પ્રતિષ્ઠાને ઝાઝી આંચ આવી નથી. તાતા ઘરાણાની બીજી એક પ્રતિષ્ઠિત સંસ્થાની વાત હવે પછી. ત્યાં સુધી પ્રભુલાલ દ્વિવેદીના પેલા પ્રખ્યાત ગીતની બીજી કડી ગણગણીએ :

ભાગ્ય રૂઠે કે રીઝે,

એની તમા તેને નથી,

એ જ શૂરા જે

મુસીબત જોઈ મૂંઝાતા નથી

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2025 08:12 AM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK