મ્યુચ્યુઅલ ફન્ડ મારફત કરવામાં આવતા રોકાણ માટે હવે ડિજિટલ પ્લૅટફૉર્મ ઉપલબ્ધ થઈ ગયું હોવાથી ઑનલાઇન વ્યવહારો મોટા પ્રમાણમાં થવા લાગ્યા છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મ્યુચ્યુઅલ ફન્ડ મારફત કરવામાં આવતા રોકાણ માટે હવે ડિજિટલ પ્લૅટફૉર્મ ઉપલબ્ધ થઈ ગયું હોવાથી ઑનલાઇન વ્યવહારો મોટા પ્રમાણમાં થવા લાગ્યા છે. સંખ્યાની દૃષ્ટિએ વર્ષ ૨૦૨૨-’૨૩માં આશરે ૬૦ ટકા વ્યવહારો ડિજિટલી થયા હતા, જેનું પ્રમાણ ૨૦૧૨-’૧૩માં ૪૫ ટકા હતું. મૂલ્યની દૃષ્ટિએ ૨૦૧૨-’૧૩માં માત્ર ૧ ટકા વ્યવહારો ડિજિટલી થયા હતા, જે વધીને ૨૦૨૨-’૨૩માં ૨૧ ટકા થઈ ગયા હતા.
ડિજિટલ વ્યવહારોના ફાયદા
ADVERTISEMENT
1) ડિજિટલ પ્લૅટફૉર્મની મદદથી રોકાણકારો હવે નો યૉર કસ્ટમર (KYC)ની પ્રક્રિયા સહેલાઈથી કરાવી શકે છે. હવે ડિજિટલ KYCના વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાં E- KYC અને વિડિયો કૉલ પર ડિજિટલ KYC થાય છે. આ પ્લૅટફૉર્મની મદદથી રોકાણકારો જ્યાં હોય ત્યાંથી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરી શકે છે. આ પહેલાં આવી સુવિધા ઉપલબ્ધ નહોતી.
2) ડિજિટલ પ્લૅટફૉર્મ પર અલગ-અલગ સ્કીમ્સને લગતી ઊંડાણપૂર્વકની માહિતી, એકથી બીજા ફન્ડની સ્કીમની તુલના વગેરે વિશ્લેષણ ઉપલબ્ધ હોવાથી રોકાણકારો સમજી-વિચારીને માહિતીપૂર્ણ નિર્ણય લેવા સમર્થ બન્યા છે.
3) મ્યુચ્યુઅલ ફન્ડની વાત આવે એટલે સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન તરત યાદ આવે. ડિજિટલ માધ્યમની મદદથી ઑનલાઇન SIP રજિસ્ટ્રેશન વન ટાઇમ મૅન્ડેટ (OTM)ની સુવિધા દ્વારા કરાવી શકાય છે.
4) રોકાણ માટે ઑનલાઇન સાધનો અને મોબાઇલ ઍપ્લિકેશન્સ ઉપલબ્ધ હોવાથી તેઓ પોતાના પોર્ટફોલિયો પર જ્યારે જોઈએ ત્યારે નજર કરીને જરૂર પડ્યે રિડમ્પ્શન કે વધુ રોકાણના નિર્ણયો લઈ શકે છે.
5) ડિજિટલ માધ્યમો ઉપલબ્ધ હોવાથી નાનાં શહેરોમાં પણ લોકો એનો ઉપયોગ કરી શકે છે. આ રીતે સંપત્તિસર્જનની તક સૌને સમાન રીતે મળવા લાગી છે.
ડિજિટલ પ્લૅટફૉર્મને કોણ વધુ સારી રીતે વાપરી શકે છે?
જે લોકો ઑનલાઇન વ્યવહારો કરવાનું પસંદ કરે છે, કોઈ એજન્ટને બદલે ડાયરેક્ટ રોકાણની વ્યવસ્થાનો ઉપયોગ કરી શકે છે અને જેમને કાગળિયાંની કડાકૂટમાંથી બચવું હોય એ લોકો ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી શકે છે.
રોકાણકારોએ કઈ સાવચેતી રાખવી જરૂરી છે?
આજકાલ ઑનલાઇન ફ્રૉડ ઘણાં થાય છે. આ ઉપરાંત ફિશિંગ કૌભાંડો પણ બને છે અને ગેરકાનૂની ડિજિટલ પ્લૅટફૉર્મ દ્વારા પણ લોકો સાથે છેતરપિંડી થાય છે. આવામાં કોઈ પણ ડિજિટલ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરતી વખતે વિશ્વસનીય અને સેબીમાં રજિસ્ટર્ડ હોય એવા જ પ્લૅટફૉર્મ પર જવું. અજાણી જગ્યાએ પોતાની અંગત વિગતો કે પાસવર્ડ આપવાં જોઈએ નહીં.
ભારતમાં ડિજિટલ ઇન્વેસ્ટિંગનું ભવિષ્ય
ભારતમાં ધાર્યા કરતાં વધુ ઝડપે ડિજિટલ ક્રાન્તિ આવી છે. હવે આ ક્ષેત્રે અવનવા પ્રયોગો થશે. સાથે-સાથે ઑટોમેશન આવશે અને સલામતીપૂર્ણ પ્લૅટફૉર્મ ઉપલબ્ધ થશે. ડિજિટલ વ્યવહારો સરળ બની ગયા હોવાથી દેશભરના વધુ રીટેલ રોકાણકારો એનો ઉપયોગ કરવા લાગશે. આ રીતે રીટેલ રોકાણકારોની સંખ્યામાં હજી વૃદ્ધિ થશે.


