૧૧ નવેમ્બરથી શરૂ થઈ રહેલું અઠવાડિયું દેશની પ્રાઇમરી ઇક્વિટી માર્કેટ માટે નોંધપાત્ર કહી શકાય એવું છે. એ એટલા માટે કે એમાં આવી રહેલા ત્રણમાંથી બે ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) SME સેગમેન્ટના છે
પ્રતીકાત્મક તસવીર
૧૧ નવેમ્બરથી શરૂ થઈ રહેલું અઠવાડિયું દેશની પ્રાઇમરી ઇક્વિટી માર્કેટ માટે નોંધપાત્ર કહી શકાય એવું છે. એ એટલા માટે કે એમાં આવી રહેલા ત્રણમાંથી બે ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગ (IPO) SME સેગમેન્ટના છે. મેઇન બોર્ડ કરતાં SME સેગમેન્ટમાં વધુ IPO આવી રહ્યા છે એ દર્શાવે છે કે હવે દેશમાં SME (સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ) કંપનીઓ સારા એવા પ્રમાણમાં કાઠું કાઢી રહી છે.
પાછલાં બે સપ્તાહમાં આવેલા IPOમાં એકઠા થનારા ફન્ડની તુલનાએ સ્વાભાવિક રીતે જ આ સપ્તાહે ઓછું ફન્ડ લેવાનારું છે, પરંતુ અગત્યની વાત છે કે બજાર એકંદરે નબળું ચાલી રહ્યું હોવા છતાં IPO સતત આવી રહ્યા છે. આ અઠવાડિયાની ત્રણે કંપનીઓ એકંદરે ૧૧૭૩.૩ કરોડ રૂપિયા ભેગા કરવા માગે છે. ગયા સપ્તાહે સ્વિગીના ૧૧,૩૨૭ કરોડના IPO સહિત કુલ ૧૮,૫૦૦ કરોડ રૂપિયા માટેના ઇશ્યુ આવ્યા હતા.
ADVERTISEMENT
ચાલો, આ સપ્તાહના ત્રણે IPO પર એક નજર કરી લઈએ...
ઝિન્કા લૉજિસ્ટિક્સ સૉલ્યુશન્સ
ઝિન્કાનો IPO મેઇન બોર્ડનો છે. વેન્ચર કૅપિટલ કંપનીઓ - પીક એક્સવી પાર્ટનર્સ ઇન્વેસ્ટમેન્ટ્સ અને વીઈએફ એબીનું રોકાણ ધરાવતી આ કંપની ટ્રક-ઑપરેટરો માટેની બ્લૅકબક ઍપ ચલાવે છે. આ ઇશ્યુ ૧૩મીએ ખૂલીને ૧૮મીએ બંધ થશે જેમાં પ્રતિ શૅર પ્રાઇસ બૅન્ડ ૨૫૯-૨૭૩ છે. ઇશ્યુ મારફતે કુલ ૧૧૧૪.૭૨ કરોડ એકઠા કરવાનો પ્લાન છે જેમાંથી ૫૫૦ કરોડ રૂપિયાના નવા શૅર હશે અને ૫૬૪.૭૨ કરોડ રૂપિયાના ઑફર ફૉર સેલના ૨.૦૭ કરોડ શૅર હશે.
ઓનિક્સ બાયોટેક
ઓનિક્સ બાયોટેક અનેક ફાર્મા કંપનીઓને સ્ટરાઇલ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પૂરી પાડે છે. IPOમાં ૫૮-૬૧ રૂપિયાની પ્રાઇસ બૅન્ડમાં ૪૮.૧ લાખ ઇક્વિટી શૅર મારફતે ૨૯.૩૪ કરોડ રૂપિયા ઊભા કરવાનું આયોજન છે. આ ઇશ્યુ ૧૩મીએ ખૂલીને ૧૮મીએ બંધ થશે.
ગયા સપ્તાહે ખૂલેલો નિવા બુપા હેલ્થ ઇન્શ્યૉરન્સ કંપનીનો IPO આજે ૧૧મી નવેમ્બરે બંધ થઈ રહ્યો છે. ગયા સપ્તાહે બે દિવસમાં ઑફર સાઇઝ કરતાં ૧.૧૭ ગણી અરજીઓ આ ઇશ્યુ માટે મળી હતી. નીલમ લીનન્સ ઍન્ડ ગાર્મેન્ટ્સ (ઇન્ડિયા)નો SME સેગમેન્ટનો IPO ૧૨મીએ બંધ થઈ રહ્યો છે અને એમાં અત્યાર સુધીમાં ૨.૩૮ ગણી અરજીઓ આવી ચૂકી છે. આ શૅરનું લિસ્ટિંગ ૧૪મીએ થશે.
અહીં જણાવવું રહ્યું કે સેજિલિટી ઇન્ડિયાના શૅરનું ૧૨મી નવેમ્બરે લિસ્ટિંગ થવાનું છે. પાંચમીથી સાતમી સુધી ચાલેલો આ ઇશ્યુ ૩.૨ ગણો ભરાયો હતો.
સ્વિગી અને એક્મે સોલર હોલ્ડિંગ્સ એ બન્ને કંપનીઓનું લિસ્ટિંગ ૧૩ નવેમ્બરે થઈ રહ્યું છે. આ ઇશ્યુ અનુક્રમે ૩.૫૯ અને ૨.૭૫ ગણા ભરાયા હતા.
આ સપ્તાહના ઇશ્યુ માટે ગ્રે માર્કેટમાં મોટું પ્રીમિયમ ચાલી રહ્યું હોવાના કોઈ હેવાલ નથી.
મંગલ કમ્પ્યુસૉલ્યુશન્સ
હાર્ડવેર રેન્ટલ સૉલ્યુશન્સ પૂરાં પાડનારી મંગલ કમ્પ્યુસૉલ્યુશન્સનો SME સેગમેન્ટનો IPO ૧૬.૨૩ કરોડ રૂપિયાનો છે. ૧૨મીએ ખૂલીને ૧૪મીએ બંધ થનારા IPOમાં પ્રતિ શૅર ઇશ્યુ
ભાવ ૪૫ રૂપિયાનો છે. એમાં પ્રાઇસ બૅન્ડ નથી, નિશ્ચિત ભાવ રાખવામાં આવ્યો છે.

