ધારાવીમાં બેસ્ટના ડેપો આગળ મહારાષ્ટ્ર નેચર પાર્કની બહાર ડક્ટમાં ગયા શનિવારે એક અજગર જોવા મળ્યો હતો.
એને પ્લાસ્ટિકની ગૂણીમાં નાખીને સુરક્ષિત જગ્યાએ લઈ જવાયો હતો.
ધારાવીમાં બેસ્ટના ડેપો આગળ મહારાષ્ટ્ર નેચર પાર્કની બહાર ડક્ટમાં ગયા શનિવારે એક અજગર જોવા મળ્યો હતો. ત્યાં કામ કરી રહેલા કામગારોએ પોલીસ-કૉન્સ્ટેબલ અને સાપ પકડવાની પ્રૉપર ટ્રેઇનિંગ લેનાર સચિન મોરેનો સંપર્ક કર્યો હતો. સચિન મોરેએ ડક્ટમાં ઊતરીને એકલા હાથે એ અજગર પકડી લીધો હતો. ત્યાર બાદ એને પ્લાસ્ટિકની ગૂણીમાં નાખીને સુરક્ષિત જગ્યાએ લઈ જવાયો હતો.
વસઈ રોડ રેલવે-સ્ટેશન પર નવો એલિવેટેડ ડેક ખુલ્લો મુકાયો
ADVERTISEMENT

મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (MRVC)એ વસઈ રોડ રેલવે-સ્ટેશન પર ૬૦ મીટર x ૧૦ મીટરનો નવો એલિવેટેડ ડેક લોકો માટે ખુલ્લો મૂક્યો છે. પ્લૅટફૉર્મ ૬ અને ૭ પર આવેલા એલિવેટેડ ડેક પર ૩ મીટર પહોળી સીડીઓ છે. નવા એલિવેટેડ ડેકને કારણે પીક અવર્સની ભીડમાં મુસાફરોની અવરજવર વધુ સરળ બને એવી આશા છે.
કેબલમાં આગ લાગી, કોસ્ટલ રોડ ટનલમાં ધુમાડો ફેલાયો

ગઈ કાલે એક કેબલમાં આગ લાગવાને કારણે કોસ્ટલ રોડ ટનલમાં ગાઢ ધુમાડો ફેલાઈ ગયો હતો. એને કારણે થોડા સમય માટે ટનલના ટ્રાફિકને અસર થઈ હતી. મરીન લાઇન્સ તરફના છેડે એક કેબલમાં આગ લાગતાં બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. સાવચેતીના પગલારૂપે નૉર્થ તરફ જતો ટ્રાફિક થોડી વાર માટે બંધ કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
હૃષીકેશમાં હાઇવે પર કાર ટ્રક સાથે અથડાઈઃ ચારનાં મોત

મંગળવારે રાતે હૃષીકેશ-હરિદ્વાર હાઇવે પર ઊભેલી એક ટ્રક સાથે કાર અથડાઈ જતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. મંશાદેવી ફાટક પાસે થયેલા આ ઍક્સિડન્ટમાં કારમાં સવાર ૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસે આપેલી માહિતી પ્રમાણે ફુલ સ્પીડમાં ચાલી રહેલી ગાડીની સામે એક ગાય આવી ગઈ હતી. એને બચાવવા માટે ડ્રાઇવરે અચાનક ટર્ન લીધો હતો અને કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે ગાડી એકદમ સ્પીડમાં ત્યાં પાર્ક થયેલી ટ્રક સાથે અથડાઈ હતી. કાર એટલી ભયંકર રીતે ટ્રકમાં ઘૂસી ગઈ હતી કે અંદર રહેલા લોકોને બહાર કાઢવા કારને ક્રેનની મદદથી કાપવી પડી હતી. ચારેય લોકોનાં સ્થળ પર જ મૃત્યુ થઈ ગયાં હતાં.


