Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ધિરાણનીતિની પૂર્વસંધ્યાએ રેટ સેન્સિટિવ સેક્ટરમાં નરમાઈ, બૅન્ક નિફ્ટી નજીવો પ્લસ

ધિરાણનીતિની પૂર્વસંધ્યાએ રેટ સેન્સિટિવ સેક્ટરમાં નરમાઈ, બૅન્ક નિફ્ટી નજીવો પ્લસ

Published : 07 February, 2025 07:11 AM | IST | Mumbai
Anil Patel

પાલનપુરી ચામુંડા ઇલેક્ટ્રિકલ્સનો SME IPO ૭૩૮ ગણો છલકાતાં પ્રીમિયમ વધીને ૨૭ રૂપિયા : સ્ટેટ બૅન્ક ધારણાથી સારાં પરિણામ આપીને ઘટાડે બંધ, ભારતી ઍરટેલ રિઝલ્ટ પૂર્વે કપાયો

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર


પાલનપુરી ચામુંડા ઇલેક્ટ્રિકલ્સનો SME IPO ૭૩૮ ગણો છલકાતાં પ્રીમિયમ વધીને ૨૭ રૂપિયા : સ્ટેટ બૅન્ક ધારણાથી સારાં પરિણામ આપીને ઘટાડે બંધ, ભારતી ઍરટેલ રિઝલ્ટ પૂર્વે કપાયો : નબળાં રિઝલ્ટમાં ડીરેટિંગ શરૂ થતાં સ્વિગી ઑલટાઇમ તળિયે, પેજ ઇન્ડસ્ટ્રીઝમાં ૧૮૫૫ રૂપિયાનું વધુ ગાબડુંઃ વૉકહાર્ટ અને બજાજ ફાઇનૅન્સ નવા બેસ્ટ લેવલે જઈ નહીંવત્ નરમ, રેમન્ડ લાઇફ સૌથી નીચી સપાટીએ : તમામ શૅરના ઘટાડે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેન્ચમાર્ક ૧૨૧૨ પૉઇન્ટ બગડ્યો : માર્કેટ બ્રેડ્થ નેગેટિવ


થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયાના બે ટકા આસપાસના ઘટાડા સિવાય તમામ અગ્રણી એશિયન બજાર ગુરુવારે સારા મૂડમાં હતાં. હૉન્ગકૉન્ગ દોઢ ટકો, ચાઇના સવા ટકો, સાઉથ કોરિયા એક ટકો, જપાન અને તાઇવાન અડધા ટકાથી વધુ પ્લસ થયાં છે. યુરોપ રનિંગમાં અડધાથી એક ટકો ઉપર હતું. બ્રેન્ટ ક્રૂડ ૭૫ ડૉલર ચાલતું હતું. બિટકૉઇન રનિંગમાં બે ટકા વધી ૯૮,૬૪૦ ડૉલરે હતો. પાકિસ્તાની શૅરબજાર ઘટાડાની ચાલ આગળ વધારતાં રનિંગમાં ૧૭૬૮ પૉઇન્ટ ખરડાઈ ૧,૧૦,૧૬૮ દેખાયું છે. ડૉલર સામે રૂપિયો ૮૭.૫૮ની નવી વરવી વિક્રમી સપાટીએ પહોંચ્યો છે.



વિશ્વબજારોથી વિપરીત ચાલમાં સેન્સેક્સ ૨૧૩ પૉઇન્ટના ઘટાડે ૭૮,૦૫૮ અને નિફ્ટી ૯૩ પૉઇન્ટ બગડી ૨૩,૬૦૩ બંધ થયો છે. માર્કેટની શરૂઆત સારી હતી. શૅરઆંક ૨૪૨ પૉઇન્ટ પ્લસમાં, ૭૮,૫૧૩ ખૂલી ઉપરમાં ૭૮,૫૫૧ વટાવી ગયો હતો. જોકે આ પ્રારંભિક સુધારો ઘણો અલ્પજીવી નીવડ્યો હતો. બજાર તરત માઇનસ ઝોનમાં સરકી ગયું હતું. નીચામાં ૭૭,૮૪૪ દેખાયું હતું. માર્કેટ બ્રેડ્થ સહેજ નેગેટિવ હતી. NSEમાં વધેલા ૧૩૩૨ શૅર સામે ૧૪૯૫ જાતો ઘટી હતી. બ્રૉડર માર્કેટ તથા મિડકૅપ માર્કેટ અન્ડરપર્ફોર્મર રહ્યું છે. હેલ્થકૅર, આઇટી, નિફ્ટી ફાર્મા, બૅન્ક નિફ્ટી નહીંવતથી અડધો ટકો સુધર્યા છે. બાકીના તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં ગયા હતા. રિયલ્ટી તેમ જ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ બે ટકા આસપાસ ખરડાયો હતો. પાવર, મેટલ, કૅપિટલ ગુડ્સ, ઑટો, FMCG, યુટિલિટીઝ જેવા બેન્ચમાર્ક પોણાથી એક ટકો તો ટેલિકૉમ ઇન્ડેક્સ ૧.૭ ટકા કપાયો છે. બજારનું માર્કેટકૅપ ૨.૨૨ લાખ કરોડના ઘટાડે ૪૨૪.૯૭ લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. ૨૩ દિવસની એકધારી વેચવાલી બાદ ચોથી ફેબ્રુઆરીએ ૮૦૯ કરોડની ચોખ્ખી ખરીદી કરનારી FII વળતા દિવસે જ પાછી નેટ સેલરના રોલમાં જોવાઈ છે. બુધવારે તેણે ૧૬૮૨ કરોડનું નેટ સેલિંગ કર્યું છે.


મેઇન બોર્ડમાં ૧૦મીએ બૅન્ગલોરની એજેક્સ એન્જિનિયરિંગ એકના શૅરદીઠ ૬૨૯ના ભાવે ૧૨૬૯ કરોડનો પ્યૉર ઑફર ફૉર સેલ ઇશ્યુ કરવાની છે. ૧૨મીએ હેક્સાવેર ટેક્નૉ એકના શૅરદીઠ ૭૦૮ની અપર બૅન્ડમાં ૮૭૫૦ કરોડનો ઇશ્યુ કરશે, એ પણ પ્યૉર OFS છે. ગ્રે માર્કેટમાં એજેક્સમાં ૬૦ રૂપિયા તો હેક્સાવેરમાં ૧૪ રૂપિયા પ્રીમિયમ બોલાય છે. SME સેગમેન્ટમાં ગુજરાતના પાલનપુરની ચામુંડા ઇલેક્ટ્રિકલ્સનો શૅરદીઠ ૫૦ના ભાવનો ૧૪૬૦ લાખનો ઇશ્યુ આખરી દિવસે કુલ ૭૩૮ ગણા પ્રતિસાદમાં પૂરો થતાં પ્રીમિયમ ઊછળી ૨૭ થઈ ગયું છે. બીજા દિવસના અંતે કેન એન્ટરપ્રાઇઝિસ પોણાબે ગણો તથા એમ્વીલ હેલ્થકૅર દોઢેક ગણો ભરાયો છે. પ્રીમિયમ અનુક્રમે ૪ અને પાંચ રૂપિયા સંભળાય છે. પુણેની રેડીમિક્સ કન્સ્ટ્રક્શન મશીનરી ૧૦ના શૅરદીઠ ૧૨૩ની અપર બૅન્ડમાં ૩૭૬૬ લાખ રૂપિયાનો તથા અમદાવાદી સોલારિયમ ગ્રીન એનર્જી ૧૦ના શૅરદીઠ ૧૯૧ની અપર બૅન્ડમાં ૧૦૫ કરોડનો SME IPO લઈ ગુરુવારે મૂડીબજારમાં આવી છે. પ્રથમ દિવસે રેડીમિક્સ ૯૮ ટકા અને સોલારિયમ એક ગણો ભરાયો છે. ગ્રે માર્કેટમાં રેડીમિક્સનું પ્રીમિયમ ૧૨થી ઘટીને હાલ ૯ રૂપિયા તો સોલારિયમમાં ૨૮વાળું પ્રીમિયમ ઘટીને ૧૦ રૂપિયા જેવું બોલાય છે.

પ્રોત્સાહક રિઝલ્ટ વચ્ચે ટ્રેન્ટમાં ૪૭૩ રૂપિયાનું ગાબડું


અદાણી પોર્ટ‍્સ પોણાબે ટકા વધી ૧૧૬૪ના બંધમાં સેન્સેક્સ ખાતે મોખરે હતો. નિફ્ટી ખાતે સિપ્લા સર્વાધિક અઢી ટકા જેવો મજબૂત થયો છે. અન્યમાં ઇન્ફોસિસ એક ટકા, તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ડૉ. રેડ્ડીઝ લૅબ તથા ઍક્સિસ બૅન્ક પોણો ટકો તેમ જ HDFC લાઇફ, HCL ટેક્નૉ, ભારત પેટ્રો અને ટેક મહિન્દ્ર અડધો ટકો પ્લસ હતા. તાતાની ટ્રેન્ટ તરફથી ૩૪ ટકાના વધારામાં ૪૯૭ કરોડના નફા સાથે ધારણા મુજબનાં પરિણામ રજૂ થયાં છે, પરંતુ શૅર સવાઆઠ ટકા કે ૪૭૩ રૂપિયા લથડી ૫૨૭૭ના બંધમાં નિફ્ટીમાં ટૉપ લૂઝર બન્યો છે. ભારતી ઍરટેલ પરિણામ પૂર્વે અઢી ટકા કપાઈ ૧૬૧૯ના બંધમાં સેન્સેક્સ ખાતે વર્સ્ટ પર્ફોર્મર બની બજારને સૌથી વધુ ૯૫ પૉઇન્ટ નડી છે. સ્ટેટ બૅન્ક દ્વારા ૮૪ ટકાના વધારામાં ૧૬,૮૯૧ કરોડના ત્રિમાસિક નફા સાથે અપેક્ષા કરતાં સારાં પરિણામ જાહેર થયાં છે, પરંતુ ભાવ બમણા વૉલ્યુમે પોણાબે ટકા ઘટી ૭૫૨ બંધ થયો છે. અન્યમાં ભારત ઇલેક્ટ્રિકલ સવાત્રણ ટકા, ટાઇટન સવાબે ટકા, NTPC અને ONGC બે ટકાથી વધુ, આઇટીસી દોઢ ટકો, તાતા સ્ટીલ અને પાવર ગ્રીડ સવા ટકાથી વધુ, મહિન્દ્ર સવા ટકો, તાતા મોટર્સ, ઝોમાટો અને લાર્સન એકાદ ટકો, આઇશર દોઢ ટકા નજીક ડાઉન હતા. ઝોમાટો તેમ જ જિયો ફાઇનૅન્સનો માર્ચથી નિફ્ટીમાં સમાવેશ થવાની વાત છે. જિયો ફાઇનૅન્સ ગઈ કાલે સામાન્ય સુધારે ૨૫૦ બંધ હતો. પેરન્ટ્સ રિલાયન્સ પણ સાધારણ સુધરીને ૧૨૮૧ વટાવી ગઈ હતી. ITC હોટેલ્સ પોણાબે ટકા ઊચકાઈ ૧૭૨ થઈ છે. બજાજ ફાઇનૅન્સ ૮૬૫૫ની નવી સર્વોચ્ચ સપાટી બતાવી નામપૂરતા ઘટાડે ૮૫૦૮ નજીક રહી છે. મારુતિ સુઝુકી, ટીસીએસ, નેસ્લે, JSW સ્ટીલ, SBI લાઇફ નહીંવતથી સાધારણ નરમ હતા. HDFC બૅન્ક તથા ICICI બૅન્ક ૦.૪ ટકા જેવી સામાન્ય સુધરી છે.

નફામાં ૩૮ ટકાના ઘટાડામાં MRF લિમિટેડ સવા વર્ષના તળિયે

એમટીએનએલ આગલા દિવસના ઉછાળાને અડધો કરતાં દોઢા કામકાજે સવાનવ ટકા કપાઈ ૫૧ નીચે બંધ આપી ‘એ’ ગ્રુપમાં લૂઝર બન્યો છે. લક્ષ્મી સિમેન્ટ્સ, કેસ્ટ્રોલ અને ફ્યુઝન ફાઇનૅન્સ આઠથી દસ ટકા ઊંચકાયા હતા. રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ આજે આવશે. પાંચ વર્ષ બાદ નવા ગવર્નરના નેજા હેઠળ રેપો-રેટમાં પ્રથમ ઘટાડો જાહેર થવાની ધારણા છે. ગઈ કાલે બૅન્ક નિફ્ટી નજીવો પ્લસ હતો, પણ પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના ઘટાડે ૦.૭ ટકા ઘટ્યો છે. બૅન્કિંગના ૪૧માંથી ૨૩ શૅર સુધર્યા હતા. ધનલક્ષ્મી બૅન્ક સાડાચાર ટકા તો ઉજજીવન બૅન્ક સવાચાર ટકા મજબૂત હતા. સિટી યુનિયન બૅન્ક સવાત્રણ ટકા બગડી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ તમામ ૧૦ શૅરની ખરાબીમાં ૧૨૧૨ પૉઇન્ટ કે બે ટકા બગડ્યો છે. કલ્યાણ જ્વેલર્સ સાડાચાર ટકા ઝંખવાઈ અત્રે ઘટાડે મોખરે હતો. નિફ્ટી રિયલ્ટી બેન્ચમાર્ક ૧૦માંથી ૮ શૅરના સથવારે સવાબે ટકા તરડાયો છે. લોઢાની મેક્રોટેક ડેવલપર્સ સવાપાંચ ટકા, ફિનિક્સ મિલ્સ પોણાપાંચ ટકા અને ગોદરેજ પ્રૉપર્ટીઝ સવાબે ટકા તૂટ્યા હતા. ડીએલએફમાં બ્રોકિંગ ફ્રમ CCSA તરફથી ૯૭૫ની ટાર્ગેટ પ્રાઇસથી બાયનું રેટિંગ આવતાં ભાવ ઉપરમાં ૭૯૨ બતાવી નજીવા સુધારે ૭૬૪ થયો છે. એમઆરએફ લિમિટેડે નફામાં ૩૮ ટકાનો ઘટાડો દર્શાવતાં શૅર ૧.૧૦ લાખની વર્ષની બૉટમ બતાવી ૧૦૨૯ રૂપિયા કે ૦.૯ ટકા ઘટી ૧.૧૪ લાખ ઉપર બંધ થયો હતો. રેમન્ડ લાઇફ સ્ટાઇલ ૧૩૩૧ના વર્સ્ટ લેવલે જઈ પોણાત્રણ ટકા ઘટી ૧૩૩૭ રહ્યો છે. વૉકહાર્ટ ૧૬૭૮ના નવા શિખરે જઈ સાધારણ ઘટી ૧૬૪૬ થયો છે. ભાવ વર્ષ પૂર્વે ૪૨૧ હતો.

જીએસકે ફાર્મા વૉલ્યુમ સાથે ૨૭૪ રૂપિયાની તેજીમાં ઝળક્યો

આવકમાં વધારાની સાથે ચોખ્ખી ખોટમાં પણ મોટા વધારાના પગલે સ્વિગીમાં મોટા ભાગનાં બ્રોકરેજ હાઉસ તરફથી ટાર્ગેટ પ્રાઇસ ઘટાડવામાં આવી છે જેમાં શૅર સાડાત્રણ ગણા વૉલ્યુમે ૩૮૬ના ઑલટાઇમ તળિયે જઈ ૭ ટકા ખરડાઈ ૩૮૯ બંધ થયો છે. ઝાયડ્સ લાઇફ નફામાં ૩૦ ટકા વૃદ્ધિ સાથે સારાં રિઝલ્ટમાં બુધવારે માત્ર અડધો ટકો સુધર્યા પછી ગઈ કાલે ૮ ગણા કામકાજે ત્રણ ટકા ઊચકાઈ ૧૦૦૮ બંધ રહેતાં માર્કેટકૅપ ૧.૦૧ લાખ કરોડને વટાવી ગયું છે. આવકમાં ૩૪ ટકાના વધારા સાથે શૅરદીઠ ૧૫૦ રૂપિયાનું ઇન્ટરિમ જાહેર કરનારી જોકી ફેમ પેજ ઇન્ડસ્ટ્રીઝ બુધવારના અઢી ટકા કે ૧૧૬૩ રૂપિયાની નબળાઈ આગળ ધપાવતાં ગઈ કાલે ચાર ટકા કે ૧૮૫૫ રૂપિયા બગડી ૪૩,૯૪૨ રહ્યો છે. સુલા વાઇન યાર્ડ્સનો નફો ૩૫ ટકા ઘટ્યો છે. નફા માર્જિન ભીંસમાં છે. શૅર સવાચાર ટકા લથડી ૩૫૦ની અંદર ઊતરી ગયો છે. કન્સાઇ નેરોલેકે ૩૪૧ ટકાના વૃદ્ધિદરથી ૬૮૧ કરોડ ચોખ્ખો નફો કરતાં ભાવ સાડાત્રણ ટકા નજીકની રંગતમાં ૨૫૩ વટાવી ગયો છે. વીઆરએલ લૉજિસ્ટિક્સે માર્જિનમાં સુધારા સાથે ૩૩૫ ટકાના વધારામાં ૫૯૪૨ લાખ નેટ પ્રૉફિટ દર્શાવતાં શૅર બાવીસ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની તેજીમાં ૫૫૯ બતાવી ૧૧.૫ ટકા ઊછળીને ૫૨૦ નજીક પહોંચ્યો છે. અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ પાવર અગાઉની ૧૧૩૭ કરોડની ચોખ્ખી ખોટ સામે ૪૨ કરોડના નેટ પ્રૉફિટમાં આવતાં ભાવ ત્રણ ગણા કામકાજે ઉપરમાં ૪૪ થઈ સવાછ ટકાના જમ્પમાં ૪૨ ઉપર બંધ હતો. જીએસકે ફાર્માનાં પરિણામ ૧૪મીએ આવવાનાં છે, પરંતુ શૅર ગઈ કાલે ૧૨ ગણા વૉલ્યુમે ઉપરમાં ૨૩૫૯ વટાવી પોણાચૌદ ટકા કે ૨૭૪ના ઉછાળે ૨૨૬૬ બંધ આપી ‘એ’ ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર બન્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2025 07:11 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK