કોલંબિયાથી આયાત થતી ચીજો પર ટ્રમ્પે પચીસ ટકા ટૅરિફ લાગુ કરતાં ટ્રેડવૉર આક્રમક બની
સોનું-ચાંદીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકન ફેડની ચાલુ સપ્તાહે મળનારી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રહેવાની શક્યતાએ સોના-ચાંદીમાં ઝડપી તેજી બાદ પ્રત્યાઘાતી ઘટાડો નોંધાયો હતો, પણ કોલંબિયાએ વસાહતીઓને સ્વીકારવાનો ઇનકાર કરતાં ટ્રમ્પે પચીસ ટકા ટૅરિફ લાગુ કરતાં ટ્રેડવૉર આક્રમક બન્યું હોવાથી સોના-ચાંદીમાં ફરી ઉછાળો ગમે ત્યારે આવી શકે છે. જોકે પાછળથી કોલંબિયાએ વસાહતીઓને સ્વીકારવાની તૈયારી બતાવતાં ટૅરિફ-વધારો પાછો ખેંચાઈ શકે છે.
મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૯ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૯૩૭ રૂપિયા ઘટ્યો હતો.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ૦.૨૮ ટકા ઘટીને સવા મહિનાની નીચી સપાટીએ ૧૦૭.૧૪ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફેડની ચાલુ સપ્તાહે મળનારી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રહેવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે, પણ ટ્રમ્પે વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમમાં ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવાની અપીલ કરી હોવાથી એની અસરે ફેડ ૨૦૨૫માં બે વખત જ રેટ-કટ લાવવાનું સ્ટૅન્ડ બદલે એવી શક્યતા હોવાથી ડૉલર ઇન્ડેક્સ ઘટ્યો હતો. વળી ટ્રમ્પે કોલંબિયાથી આયાત થતી ચીજો પર પચીસ ટકા ટૅરિફ લાદવાનો નિર્ણય લેતાં ડૉલરમાં વેચવાલી વધી હતી. ડૉલર ઘટતાં ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ ઘટીને પાંચ સપ્તાહની નીચી સપાટીએ ૪.૫૦૬ ટકાએ પહોંચ્યાં હતાં.
અમેરિકાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જાન્યુઆરી મહિનામાં વધીને ૫૦.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૪૯.૪ પૉઇન્ટ અને માર્કેટની ધારણા ૪૯.૭ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૫૨.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૬.૮ પૉઇન્ટ અને માર્કેટની ધારણા ૫૬.૫ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ ઘટીને નવ મહિનાની નીચી સપાટીએ ૫૨.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૫.૪ પૉઇન્ટ હતો.
અમેરિકાનું આગામી એક વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન જાન્યુઆરીમાં વધીને આઠ મહિનાની ઊંચી સપાટીએ ૩.૩ ટકાએ પહોંચ્યું હતું જે ડિસેમ્બરમાં ૨.૮ ટકા હતું. આગામી પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધીને ૩.૨ ટકાએ પહોંચ્યું હતું જે ડિસેમ્બરમાં ત્રણ ટકા હતું. અમેરિકામાં એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ડિસેમ્બરમાં ૨.૨ ટકા વધીને અગિયાર મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું.
ચીનનો જાન્યુઆરી મહિનાનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૪૯.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૦.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૩ પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ ઘટીને ૫૦.૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં નવ મહિનાની ઊંચાઈએ ૫૨.૨ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ બન્ને સેક્ટરનો ગ્રોથ ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૫૦.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ડિસેમ્બરમાં ૫૨.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા બાવન પૉઇન્ટની હતી. ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ૨૦૨૪માં ૩.૩ ટકા ઘટ્યો હતો. ડિસેમ્બર મહિનામાં પ્રૉફિટ ૧૧ ટકા વધતાં ઓવરઑલ ૨૦૨૪નો પ્રૉફિટનો ઘટાડો થોડો ઓછો થયો હતો. જાન્યુઆરીથી નવેમ્બર દરમ્યાન પ્રૉફિટ ૪.૭ ટકા ઘટ્યો હતો. ચીનનો ઇકૉનૉમિક ગ્રોથ સતત ઘટી રહ્યો હોવાથી ગવર્નમેન્ટ રેવન્યુ પણ ૨૦૨૪માં ૧.૩ ટકા ઘટી હતી જે ૨૦૨૩માં ૬.૪ ટકા વધી હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ચાલુ સપ્તાહે અમેરિકન ફેડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની મીટિંગ તેમ જ અમેરિકન ચોથા ક્વૉર્ટરનો ઍડ્વાન્સ ગ્રોથરેટ જાહેર થવાનો છે. સોના-ચાંદીના ભાવની દિશા નક્કી કરવા માટે તમામ ઘટનાક્રમ મહત્ત્વનો બની રહેશે. ફેડ મોટે ભાગે ઇન્ટરેસ્ટ રેટ યથાવત્ રાખશે, પણ ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલની કમેન્ટ ઇન્ટરેસ્ટ રેટના ભવિષ્ય માટે મહત્ત્વની રહેશે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે ૨૦૨૪માં ચાર વખત રેટ-કટ કર્યા બાદ ૨૦૨૫ના આરંભે પણ પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ લાવે એવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ઇન્ફ્લેશન બૅન્કના બે ટકાના ટાર્ગેટ નજીક છે. અમેરિકાનો ચોથા ક્વૉર્ટરનો ઍડ્વાન્સ ગ્રોથરેટ ત્રણ ટકા આવવાનો માર્કેટનો અંદાજ છે. ત્રીજા ક્વૉર્ટરનો ફાઇનલ ગ્રોથરેટ ૩.૧ ટકા રહ્યો હતો. આમ ચાલુ સપ્તાહે આવનારા ડેટા સોનાની તેજીની ગતિ નક્કી કરશે. ટ્રમ્પે કોલંબિયાથી આવતી ચીજો પર પચીસ ટકા ટૅરિફ લાગુ કરતાં ટૅરિફવૉર ઑલરેડ્ડી ચાલુ થઈ ચૂક્યું છે આથી સોના-ચાંદીમાં ઘટાડાની શક્યતા દિવસે-દિવસે ઓછી થતી જાય છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૮૦,૩૯૭
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૮૦,૦૭૫
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૯૦,૨૭૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

